ગઢડા મઘ્ય ૫૬ : કસુંબલ વસ્ત્રનું

Submitted by Parth Patel on Thu, 17/02/2011 - 12:59am

ગઢડા મઘ્ય ૫૬ : કસુંબલ વસ્ત્રનું

સંવત્ ૧૮૮૧ના અષાઢ શુદિ ૫ પંચમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા બિછાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળની સભા તથા દેશદેશના હરિ ભક્તની સભા ભરાઇને બેઠી હતી.

અને સાધુ દુકડ, સરોદા લઇને કીર્તન બોલતા હતા. તે કીર્તન ભકિત થઇ રહ્યા પછી શ્રીજીમહારાજ એમ બોલ્‍યા જે, “આ કીર્તન સાંભળ્‍યામાંથી તો અમારો આત્‍મા વિચારમાં જતો રહ્યો. પછી તેમાં એમ જણાયું જે ભગવાનને વિષે જે અતિશે પ્રીતિ એ ઘણી મોટી વાત છે, પછી તો ગોપાળાનંદ સ્વામી આદિક જે ભગવાનને વિષે પ્રીતિવાળા હરિભક્ત તે સર્વે સાંભરી આવ્‍યા, અને એ સર્વેના અંત:કરણ ને એ સર્વેના જીવ ને એમની જે ભગવાનને વિષે પ્રીતિ તે સર્વે જોયામાં આવ્‍યાં. પછી અમે અમારા આત્‍માને તપાસી જોયો. ત્‍યારે અમારે જેવી ભગવાનને વિષે પ્રીતિ જણાણી તેવી બીજાની પ્રીતિ જણાણી નહિ, શા માટે જે કાંઇક ભૂંડા દેશકાળાદિકનો જ્યારે યોગ થાય છે ત્‍યારે એ સર્વે મોટા છે તો પણ કાંઇક એમની બુદ્ધિને વિષે ફેર પડી જાય છે, ત્‍યારે એમ જણાય જે, ‘અંતે પાયો કાચો દેખાય છે.’ તે સારી પેઠે જો કોઇક ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય તો ભગવાનમાં પ્રીતિ છે તેનું કાંઇ ઠેકાણું રહે નહિ. માટે એ સર્વેને જોતાં અમને અમારી કોરનું ઠીક ભાસે છે જે, ‘ગમે તેવા ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય પણ કોઇ રીતે અમારૂં અંત:કરણ ફરે નહિ. અને ભગવાનને વિષે પ્રીતિ તો તેની જ સાચી જે, જેને ભગવાન વિના બીજા કોઇ પદાર્થને વિષે પ્રીતિ જ ન થાય.’ અને સર્વે સદ્ગ્રંથનું પણ એજ રહસ્‍ય છે જે, ભગવાન છે એજ પરમ સુખદાયક છે, ને પરમસાર વસ્‍તુ છે. અને તે પ્રભુ વિના જે જે બીજા પદાર્થ છે તે અતિશે તુચ્‍છ છે, ને અતિ અસાર છે.અને જેને ભગવાન જેવી બીજા પદાર્થમાં પણ પ્રીતિ હોય તેનો તો પાયો ધણોજ કાચો છે. જેમ કસુંબલ વસ્ત્ર હોય તે ઘણું સારૂં જણાતું હોય, પણ જ્યારે તે ઉપર પાણી પડે ને પછી તેને તડકામાં સુકાવીએ ત્‍યારે સુધું નકારું થઇ જાય, ને ધોળાં વસ્ત્ર જેવું  પણ ન રહે, તેમ જેને પંચ વિષયમાં પ્રીતિ હોય તેને જ્યારે કુસંગનો યોગ થાય ત્‍યારે કાંઇ ઠેકાણું રહે નહિ. માટે જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને રાજી કર્યા સારૂં પંચ વિષયનો અતિશે ત્‍યાગ કર્યો જોઇએ, પણ ભગવાનને વિષે જે પ્રીતિ તેમાં વિઘ્‍ન કરે, એવું કોઇ પદાર્થ વહાલું રાખવું નહિ.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું ||૫૬|| ૧૮૯ ||