ગઢડા મઘ્ય ૧૯ : શુષ્ક વેદાંતના ગ્રંથનું શ્રવણ કરી દિલગીર થઈ કાગળ લખ્યાનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 2:45am

ગઢડા મઘ્ય ૧૯ : શુષ્ક વેદાંતના ગ્રંથનું શ્રવણ કરી દિલગીર થઈ કાગળ લખ્યાનું

સંવત્ ૧૮૭૮ ના માગશર વદિ ૧૪ ચૌદશને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પરમહંસને ઉતારે દિવસ ઉગ્‍યા સમે પધાર્યા હતા. પછી ત્‍યાં આવીને ગાદી તકીયા ઉપર ઉદાસ થઇને બેઠા, તે કોઇને બોલાવે પણ નહિ અને કોઇ સામું જુએ પણ નહિ. અને મસ્‍તક ઉપર ધોળો ફેંટો બાંઘ્‍યો હતો તે છુટીને શિથિલ થઇ ગયો તેને પણ સંભાળે નહિ. એવી રીતે એક ઘડી સુધી અતિશે ઉદાસ થઇને બેસી રહ્યા અને નેત્રમાંથી જળ પડવા લાગ્‍યાં.

પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્‍યે બોલ્‍યા જે, “અમે શુષ્ક જ્ઞાનીનો મત જાણવા સારૂં તેના શાસ્ત્રનું શ્રવણ કર્યું, તે શ્રવણ માત્રે કરીને જ અમારા અંતરમાં આવો ઉદ્વેગ થઇ આવ્‍યો. કેમ જે, જે શુષ્કવેદાંતશાસ્ત્રને શ્રવણે કરીને જીવની બુદ્ધિમાંથી ભગવાનની ઉપાસનાનું ખંડન થઇ જાય છે, અને હૈયામાં સમભાવ આવી જાય છે, એટલે અન્‍ય દેવની પણ ઉપાસના થઇ જાય છે. અને તે શુષ્કવેદાંતિના વચનને જે સાંભળે તેની બુઘ્‍ધિ અતિશે ભ્રષ્‍ટ થઇ જાય છે.  અને અમે તો કાંઇક પ્રયોજન સારૂં શુષ્કવેદાંતની વાત સાંભળી હશે તેણે કરીને પણ હવે અમારે શોક ધણો થાય છે.” એમ કહીને શ્રીજીમહારાજ સુધા ઉદાસ થઇ ગયા. પછી ઘણી વાર સુધી દીલગીર થઇને પછી પોતાને હાથે નેત્રમાંથી જળ લોઇને એમ બોલ્‍યા જે, “ભગવદ્રીતા ઉપર જે રામાનુજભાષ્ય છે તેની કથા સાંભળીને અમે આજ રાત્રિએ સુતા હતા, પછી અમને સ્‍વપ્ન થયું જે, અમે ગોલોકમાં ગયા, ત્‍યાં ભગવાનના અનંત પાર્ષદ દીઠા. તેમાં કેટલાક તો ભગવાનની સેવામાં રહ્યા છે તે તો સ્‍થ્‍િાર સરખા જણાયા, અને કેટલાક તો પરમેશ્વરનાં કીર્તન ગાય છે, તે કીર્તન પણ મુકતાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામીનાં ગાય છે.અને તે કીર્તન ગાતા જાય અને ડોલતા જાય. જેમ કેફે કરીને ગાંડા થયા હોય ને તે ડોલે ને ગાય તેમ કીર્તન ગાય ને ડોલે. પછી અમે પણ એ ગાવતા હતા તે ભેળા જઇને ભળ્‍યા ને કીર્તન ગાવવા લાગ્‍યા. તે ગાવતાં ગાવતાં એવો વિચાર થયો જે, ‘આવી જે પરમેશ્વરની પ્રેમભકિત અને આવી જે પરમેશ્વરની ઉપાસના તેનો ત્‍યાગ કરીને જે મિથ્‍યાજ્ઞાની થાય છે અને એમ જાણે છે જે ‘અમેજ ભગવાન  છીએ તે મહાદુષ્‍ટ છે.’ એમ કહીને પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ‘જે પ્રકારે ધર્મ થકી તથા ભગવાનની ભકિત થકી કોઇ રીતે પાછો ન પડે અને પોતાના ઇષ્ટદેવ જે શ્રીકૃષ્ણનારાયણ તેમાંથી  કોઇ રીતે બુદ્ધિ ડગે નહિ એવો લાવો એક કાગળ લખીને દેશદેશના સત્‍સંગી પ્રત્‍યે મોકલીએ.”

“લિખાવિતં સ્વામી શ્રીસહજાનંદજી મહારાજના સર્વ પરમહંસ તથા સર્વ સત્‍સંગી બાઇ ભાઇ નારાયણ વાંચજ્યો. બીજું અમારી આજ્ઞા એમ છે જે, શ્રીકૃષ્ણનારાયણ એવા જે પુરૂષોત્તમ ભગવાન તેના જે અવતાર તે ધર્મના સ્‍થાપનને અર્થે તથા બ્રહ્મચર્ય, અહિંસાદિક ધર્મ, આત્‍મનિષ્‍ઠા, વૈરાગ્‍ય અને માહાત્‍મ્‍યે સહિત ભકિત એ ચારે ગુણે સંપન્ન એવા જે પોતાના એકાંતિક ભક્ત તેને દર્શન દેવાને અર્થે ને તેમની રક્ષા કરવાને અર્થે તથા અધર્મનો ઉચ્‍છેદ કરવાને અર્થે દેવમનુષ્યાદિકને વિષે થાય છે. તે અવતારને વિષે પતિવ્રતાના જેવી અનન્‍યપણે નિષ્‍ઠા રાખવી. જેમ સીતાજીને શ્રીરામચંદ્રને વિષે નિર્દોષપણે નિષ્‍ઠા હતી તેમ નિષ્‍ઠા રાખવી અને એવા જે ભગવાન તેની હેતે કરીને માનસી  પૂજા કરવી, તથા દેહે કરીને નવ પ્રકારે ભકિત કરવી. અને જો એ શ્રીકૃષ્ણનારાયણના અવતાર પૃથ્‍વીને વિષે પ્રકટ ન હોય તો તેની જે પ્રતિમા તેની પૂજા મને કરીને તથા દેહે કરીને ચંદન, પુષ્પ, તુલસી, આદિક સામગ્રી વતે કરવી પણ ભગવાન વિના બીજા દેવની ઉપાસના ન કરવી અને જો બીજા દેવની ઉપાસના કરીએ તો તેમાં મોટો દોષ લાગે છે, ને પતિવ્રતાપણું જાય છે, ને વેશ્‍યાના જેવી ભકિત થાય છે, માટે ભગવાનને વિષે સીતા ને રૂકિમણીના જેવી ભકિત કરવી અને તે ભગવાનનું જ ઘ્‍યાન કરવું. અને તે વિના બીજા કોઇ દેવનું ઘ્‍યાન ન કરવું. બીજું જે સાધુ સિદ્ધગતિને પામ્‍યા હોય ને સમાધિનિષ્‍ઠ હોય તેનું પણ ઘ્‍યાન ન કરવું. અને સર્વેને પોતપોતાના વર્ણાશ્રમ ધર્મને વિષે દઢપણે વર્તવું. બીજું આ જે અમારી આજ્ઞા છે તેને જે પુરૂષ દઢપણે પાળશે, તેને શ્રીકૃષ્ણનારાયણને વિષે નારદના જેવી દૃઢ ભકિત થશે. અને આ અમારી આજ્ઞાને જે સ્‍ત્રી માનશે તેને શ્રીકૃષ્ણનારાયણને વિષે લક્ષ્મીજી તથા રાધિકાજી આદિક જે ગોપીયો તેના જેવી ભકિત થશે. અને આ અમારા વચનને જે નહિ માને તેની ભકિત વેશ્‍યાના જેવી થશે. સંવત્ ૧૮૭૮ ના માગશર વદિ ૧૪ ને દિવસ લખ્‍યો છે.’ એવી રીતે કાગળ લખીને દેશદેશના સત્‍સંગી પ્રત્‍યે મોકલાવ્‍યો. ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૧૯|| ૧૫૨ ||