ગઢડા મઘ્ય ૨ : પાણીની સેરનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 1:32am

ગઢડા મઘ્ય ૨ : પાણીની સેરનું

સંવત્ ૧૮૭૮ના શ્રાવણ સુદી ૩ ત્રીજને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિર આગળ રેશમના ચાકળા ઉપર વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. ને મુનિ ઝાંઝ મૃદંગ લઇને કીર્તન ગાવતા હતા.

પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “કીર્તન રાખો, અમે વાર્તા કરીએ છીએ” એમ કહીને શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “જેને આત્‍યંતિક કલ્‍યાણ પામવું હોય અને નારદ સનકાદિક જેવા સાધુ થવું હોય તેને એમ વિચાર કરવો જે, આ દેહ છે તેને વિષે જીવ રહ્યો છે, અને ઇન્‍દ્રિયો ને અંત:કરણ છે તે જીવ સાથે વળગી રહ્યાં છે. અને ઇન્‍દ્રિયો ને અંત:કરણ છે તે બાહેર પણ પંચવિષયમાં વળગી રહ્યાં છે. તે અજ્ઞાને કરીને જીવ, ઇન્‍દ્રિયો અંત:કરણને પોતાનું રૂપ માને છે. પણ વસ્‍તુગતે જીવ ઇન્‍દ્રિયો, અંત:કરણથકી નોખો છે. અને પંચ વિષય છે તે અંત:કરણ થકી નોખા છે. પણ એતો વિષયને અભ્‍યાસે કરીને અંત:કરણને વિશે પંચવિષયની એકતા જણાય છે. અને વિષયની જે ઉત્‍પત્તિ તે તો ઇન્‍દ્રિયો થકી થાય છે. પણ અંત:કરણમાંથી નથી થતી. જેમ અતિશે તડકો હોય અથવા ટાઢ હોય તેનો પ્રથમ બાહેર ઇન્‍દ્રિયોને સંબંધ થાય છે. પછી ઇન્‍દ્રિયો દ્વારે કરીને શરીરને માંહીલીકોરે તેનો પ્રવેશ થાય છે. પણ એની ઉત્‍પત્તિ માંહીલીકોરેથી નથી. એતો બાહેરથી ઉત્‍પન્ન થઇને માંહીલીકોરે પ્રવેશ કરે છે. તેમ પંચવિષય છે તે પ્રથમ અંત:કરણમાંથી ઉપજતા નથી, એતો પ્રથમ ઇન્‍દ્રિયોને બાહેર વિષયનો સંબંધ થાય છે. ને પછી અંત:કરણમાં પ્રવેશ કરે છે. માટે જેમ બાહેર ગુમણું થયું હોય તેને ઔષધ ચોપડે ત્‍યારેજ કરાર થાય, પણ કેવળ વાર્તા સાંભળે કરાર થાય નહિ, અને જેમ ક્ષુધા પિપાસા લાગી હોય તે ખાધે પીધેજ નિવૃત્તિ થાય પણ અન્ન જળની વાર્તા કરે નિવૃત્તિ ન થાય; તેમ પંચવિષયરૂપી જે રોગ છે તે તો તેનું જ્યારે ઔષધ કરીએ ત્‍યારેજ નિવૃત્તિ થાય. તે ઔષધની રીત એમ છે જે, જ્યારે ત્‍વચાને સ્‍ત્રીયાદિક વિષયનો સ્‍પર્શ થાય છે. ત્‍યારે ત્‍વચા દ્વારે અંત:કરણમાં તેનો પ્રવેશ થાય છે. અને અંત:કરણ દ્વારે થઇને જીવમાં પ્રવેશ કરે છે, પણ મૂળ થકી વિષયની ઉત્‍પત્તિ જીવમાંથી પણ નથી. અને અંત:કરણમાંથી પણ નથી. અને જે જે વિષય અંત:કરણમાંથી સ્‍ફુરતા હશે. તે પણ પૂર્વ જન્‍મને વિષે બાહેરથીજ ઇન્‍દ્રિયો દ્વારે કરીને આવ્‍યા છે. માટે વિષય ટાળવાનું એજ ઔષધ છે જે ત્‍વચાએ કરીને સ્‍ત્રીયાદિક પદાર્થનો સ્‍પર્શ તજવો. અને નેત્રે કરીને તેનું રૂપ ન જોવું, અને જીહ્વાએ કરીને તેની વાત ન કરવી, અને કાને કરીને તેની વાત ન સાંભળવી, અને નાસિકાએ કરીને તેનો ગંધ ન લેવો. એવી રીતે પંચઇન્‍દ્રિયો દ્વારે વિષયનો ત્‍યાગ દૃઢ રાખે. તો બાહેરથી વિષયનો પ્રવાહ માંહીલીકોરે પ્રવેશ કરે નહિ. જેમ કુવામાં પાણીની સેર્ય આવતી હોય પછી તેને ગોદડાંના ગાભા ભરીને બંધ કરે ત્‍યારે તે કુવો ગળાય. તેમ બાહ્ય ઇન્‍દ્રિયોને નિયમમાં રાખવે કરીને બાહ્ય વિષયનો અંત:કરણમાં પ્રવેશ ન થાય. અને જેમ ઉદરમાં રોગ થયો હોય તે તો ઉદરમાં ઔષધ જાય ત્‍યારેજ ટળે. તેમ પ્રથમથી જે ઇન્‍દ્રિયો દ્વારે કરીને વિષય અંત:કરણમાં ભરાયા હોય તેતો આત્‍મ વિચારે કરીને ટાળવા. તે આત્‍મ વિચાર એમ કરવો જે ‘હું આત્‍મા છું, ને મારે વિષે ઇન્‍દ્રિયો અંત:કરણનો સંબંધ જ નથી.’ એમ દૃઢ વિચાર કરીને અને તે ચૈતન્‍યને વિષે ભગવાનની મૂર્તિ ધારીને અને પોતાના આત્‍મસુખવતે કરીને પૂર્ણ રહેવું. જેમ કુવો જળે કરીને પૂર્ણ ભરાયો હોય ત્‍યારે જે બાહેરથી પોતામાં સેર્યો આવતી હોય તેને પોતાનું પાણી ઠેલી રાખે છે. પણ માંહીલીકોરે તે સેર્યના પાણીનો પ્રવેશ કરવા દે નહિ. અને જો ઉલેચાઇને ઠાલો થાય તો સેર્યનું પાણી બાહેરથી માંહી આવે. એવી રીતે આત્‍મસુખે કરીને માંહીલીકોરે પૂર્ણ રહેવું અને બહાર પંચ ઇન્‍દ્રિયો દ્વારે વિષયનો માર્ગ બંધ રાખવો. એજ કામાદિકને જીત્‍યાનો દૃઢ ઉપાય છે. પણ એ વિના એકલા ઉપવાસે કરીને કામાદિકનો પરાજય થતો નથી. માટે આ વિચાર દૃઢ કરીને રાખજ્યો.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૨|| ||૧૩૫||