ગઢડા પ્રથમ – ૬૭ : સત્‍પુરુષના ગુણ આવ્‍યાનું

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 9:57pm

ગઢડા પ્રથમ – ૬૭ : સત્‍પુરુષના ગુણ આવ્‍યાનું

સંવત્ ૧૮૭૬ ના ચૈત્ર શુદિ ૭ સાતમને દિવસ સ્‍વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં મુનિને ઉતારે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે, “કોઇ પુરૂષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિષે વાસના છે, અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે જે, ‘આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તુટી જાય ને ભગવાનને વિષે પ્રીતિ થાય તો ઘણું સારૂં છે.’ અને જેટલું કાંઇ જતન કરે તે સર્વે દેહને મુકીને ભગવાનના ધામમાં ગયા કેડે સુખ આપે એવું જ કરે, પણ દેહના સુખને અર્થે તો કાંઇ ક્રિયા કરે જ નહિ, એવા જે પુરૂષ હોય તેના સરખા જે ગુણ તે મુમુક્ષુને વિષે કેમ સમજે તો આવે, ને કેમ સમજે તો ન આવે ?” એ પ્રશ્ર્ન છે. પછી મુકતાનંદ સ્‍વામીએ કહ્યું જે, જેને આલોકના સુખમાં ઇચ્‍છા નથી એવા સત્‍પુરૂષ છે, તેને વિષે દેવની બુદ્ધિ રાખે, અને જે વચન કહે તે સત્‍ય માને, અને તે પ્રમાણે વર્તે તો એ સત્‍પુરૂષના ગુણ હોય તે મુમુક્ષુમાં આવે, અને જે એવો ન હોય તેમાં ન આવે.

પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, એ ઉત્તર તો ખરો, પણ આમ સમજે તો મોટા પુરૂષના ગુણ મુમુક્ષુમાં આવે છે, તે સમજ્યાની રીત કહીએ તે સાંભળો જે, જે પુરૂષને પરમેશ્વર વિના બીજે કયાંય પ્રીતિ ન હોય તેનો એમ ગુણ ગ્રહણ કરે જે, “આ પુરૂષ તો અતિશે મોટા છે, અને એની આગળ લાખો માણસ હાથ જોડીને ઉભા રહે છે, તો પણ લેશમાત્ર સંસારના સુખને ઇચ્‍છતા નથી, અને હું તો અતિશે પામર છું જે કેવળ સંસારના સુખમાં આસક્ત થઇ રહ્યો છું, અને પરમેશ્વરની વાતમાં તો લેશમાત્ર સમજતોજ નથી, માટે મને ધિક્કાર છે’ એવી રીતે અનુતાપ કરે. અને મોટા પુરૂષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે. પછી એમ ને એમ પરિતાપ કરતે કરતે એના હૃદયને વિષે વૈરાગ્‍ય ઉપજે, અને પછી તેમાં સત્‍પુરૂષના જેવા ગુણ આવે છે. હવે જેના હૃદયમાં સત્‍પુરૂષના ગુણ ન જ આવે તેનાં લક્ષણ કહીએ તે સાંભળો જે, જે પુરૂષ એમ સમજે છે જે, ‘ આ મોટા કહેવાય છે પણ વિવેક તો કોઇ પ્રકારનો નથી, અને ખાતાંપીતાં પણ આવડતું નથી, અને ઓઢતાં પહેરતાં પણ આવડતુંં નથી, અને પરમેશ્વરે સુખ ઘણું આપયું છે તેને ભોગવતાં પણ આવડતું નથી, અને કોઇને આપે છે તે પણ વિવેક વિનાનું આપે છે,’ એવી રીતે સત્‍પુરૂષમાં અનંત પ્રકારના અવગુણ પરઠે, એવો જે કુમતિ પુરૂષ  હોય તેને વિષે કોઇ કાળે સત્‍પુરૂષના ગુણ આવેજ નહિ.” ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૬૭||