ગઢડા પ્રથમ – ૩૧ : નિશ્વય વડે મોટયપનું

Submitted by swaminarayanworld on Wed, 19/01/2011 - 9:32pm

ગઢડા પ્રથમ – ૩૧ : નિશ્વય વડે મોટયપનું

     સંવત્ ૧૮૭૬ ના પોષ વદિ ૨ બીજને દિવસ સાંજને સમે શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ગાદીતકીયા નંખાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં.

     તે સમે યોગાનંદમુનિએ પ્રશ્ર્ન પુછયો જે “હે મહારાજ ! ભગવાનના ભકત બે હોય, તેમાં એક તો નિવૃતિ પકડીને બેસી રહે ને કોઇને વચને કરી દુ:ખવે નહિ અને એક તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેની અન્ન વસ્ત્ર પુષ્પાદિકે કરીને સેવા કર્યા કરે પણ વચને કરીને કોઇને દુ:ખવાય ખરૂં, એવી રીતના બે ભકત તેમાં કયો શ્રેષ્‍ઠ છે ?” પછી શ્રીજીમહારાજે એનો ઉત્તર કર્યો નહિ અને મુકતાનંદ સ્‍વામી તથા બ્રહ્માનંદ સ્‍વામીને તેડાવીને એ પ્રશ્ર્ન સંભળાવ્‍યો ને પછી કહ્યું જે, “એનો ઉત્તર તમે કરો” ત્‍યારે એ બે જણે ઉત્તર કર્યો જે, “વચને કરીને કોઇને દુ:ખવે છે પણ ભગવાન અથવા સંતની સેવા કરે છે તે શ્રેષ્‍ઠ છે, અને નિવૃત્તિને વિષે રહે છે ને કોઇને દુ:ખવતો નથી ને તેથી ભગવાનની તથા સંતની કાંઇ સેવા થતી નથી તેને અસમર્થ સરખો જાણવો અને જે સેવા ચાકરી કરે તેને તો ભકિતવાળો કહીએ, તે ભકિતવાળો શ્રેષ્‍ઠ છે.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એ ઉત્તર ઠીક કર્યો. અને એવી ભકિતવાળો હોય ને ભગવાનના વચનમાં દૃઢપણે રહ્યો હોય ને તેને વિષે કાંઇક અલ્‍પ સરખો દોષ દેખાય તે સામું જોઇને તેનો અવગુણ લેવો તે મોટી ખોટ છે, અને એવી રીતે દોષ જુવે ત્‍યારે તો પરમેશ્વરે જીવના કલ્‍યાણને અર્થે દેહ ધર્યો હોય તેમાં પણ દોષના જોનારને ખોટ દેખાય ખરી અને અતિ મોટા ભગવાનના ભકત હોય તેમાં પણ ખોટ દેખાય ખરી, અને તે દોષને જોનારે ખોટ કાઢી તેણે કરીને પરમેશ્વરના અવતાર અથવા સંત તે શું કલ્‍યાણકારી નહિ ? તે તો કલ્‍યાણકારી જ છે, પણ જેને અવળી બુદ્ધિ હોય તેને અવળું જ સૂઝે; જેમ શિશુપાળ એમજ કહેતો જે “પાંડવ તો વર્ણસંકર છે ને પાંચ જણે એક સ્‍ત્રી રાખી માટે અધર્મી પણ છે અને કૃષ્ણ છે તે પણ પાખંડી છે, કેમ જેજન્‍મ થયો ત્‍યાંથી પ્રથમ તો એક સ્‍ત્રી મારી, ત્‍યાર પછી બગલો માર્યો, વાછડો માર્યો ને મધના પૂડા ઉખેડયા તેણે કરીને એને મધુસુદન કહે છે, પણ એણે કાંઇ મધુ નામે દૈત્‍ય માર્યો નથી, ને વર્ણસંકર એવા જે પાંડવ તેણે પૂજ્યો તેણે કરીને શું એ ભગવાન થયો ?” એવી રીતે ભગવાન ને ભગવાનના ભકતનો અવગુણ આસુરી બુદ્ધિવાળો શિશુપાળ તેણે લીધો, પણ ભગવાનના ભક્ત હતા તેણે એવો અવગુણ કાંઇ ન લીધો. માટે એવી જાતનો જેને અવગુણ આવે તેને આસુરી બુદ્ધિવાળો જાણવો.” ત્‍યારે ફરીને તે મુનિએ પુછયું જે, “હે મહારાજ ! મોટા જે પ્રભુના ભક્ત હોય તેનો તો અવગુણ આવે નહિ પણ જેવો તેવો હરિભક્ત હોય તેનો અવગુણ તો આવે ખરો.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જેમ તમે સમજો છો તેમ નાનપ મોટપ નથી, મોટપ તો પ્રત્‍યક્ષ ભગવાનના નિશ્વયે કરીને તથા તે ભગવાનની આજ્ઞાને વિષે વર્તવે કરીને છે, અને એ બે વાનાં જેને ન હોય ને તે ગમે તેવો વ્‍યવહારે કરીને મોટો હોય તો પણ એ નાનોજ છે, અને પ્રથમ કહી એવી મોટપ તો આજ આપણા સત્‍સંગમાં સર્વે હરિભક્તને વિષે છે; કેમજે આજ જે સર્વે હરિભક્ત છે તે એમ સમજે છે જે “અક્ષરાતીત એવા જે ભગવાન પુરૂષોત્તમ તે અમને પ્રત્‍યક્ષ મળ્‍યા છે અને અમે કૃતાર્થ થયા છીએ” એમ સમજીને પ્રત્‍યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા થકા તે ભગવાનની ભકિત કરે છે માટે એવા જે હરિભક્ત તેનો કાંઇક દેહસ્‍વભાવ જોઇને  તેનો અવગુણ લેવો નહિ અને જેને અવગુણ લીધાનો સ્‍વભાવ હોય તેની તો આસુરી બુદ્ધિ થઇ જાય છે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું||૩૧||