સારસિદ્ધિ કડવું - ૦૯

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 3:12pm

રાગ :- ધન્યાશ્રી

 

વૈરાગ્યવાનનું વર્તવું વખાણુંજી, જેને માયિક સુખ સૌ સરખું જણાણુંજી

લોકાલોકે જેનું મન ન લોભાણુંજી, એક હરિચરણે ઠીક મન ઠેરાણુંજી ।।૧।।

 

રાગ :- ઢાળ

 

ઠેરાણું ચિત્ત હરિચરણે, તેણે કરી તન સુખ ત્યાગ છે ।

સારૂં નરસું સરખું થયું । જેને ઉર અતિ વૈરાગ્ય છે ।।ર।।

ખાતાં ન થાય ખરખરો, જેવું અન્ન જડે તેવું જમે ।

સુકું લુખું સ્વાદુ નિરસ્વાદુ, ખાઈને દિન નિગર્મે ।।૩।।

જળ દળ ફળ ફૂલ જમી, સદાયે મને રહે સુખી ।

વૈરાગ્ય જેને ઉર ઉપજે, તે સહુ વાતે રહે સુખી ।।૪।।

ફાટયાં તુટયાં વિણિ વિથીથી, ઘણા ચીરાની કંથા કરે । 

શીત ઉષ્ણ નિવારવા સારૂં, એવી અંગે ઓઢી ફરે ।।પ।।

સુવા ન શોધે સાથરો, સુંદર સુંવાળી જાગ્ય । 

સમ વિષમ સમ સમઝે, જેને તન સુખનો છે ત્યાગ ।।૬।।

રાત દિવસ હૃદયા વિષે, દઢ રે’છે હરિનું ધ્યાન । 

તેણે કરી નથી આવતું, અણુભાર અંગે અભિમાન ।।૭।।

કોઈક નંદે કોઈક વંદે, કોઈ ના’પે આપે ખાવા અન્ન ।

કોઈ ગૃદ પથર ગોબર નાખે, તોય સદા રાજી રહે મન ।।૮।।

એવી વૈરાગ્ય વિનાની વિપત્તિ, કહો કોણ સહિ શકે શરીર ।

વેષ લિધે વૈરાગ્યને જાણો, કેમ ધરાયે ધીર ।।૯।।

વારિવારિ જાઉં એ વૈરાગ્યને, જેણે જગસુખ દુઃખ જાણ્યું સહી । 

નિષ્કુલાનંદ નિરવેદ જેવું, બીજું હોય તો દેખાડો કહી ।૧૦।  કડવું ।।૯।।