તરંગઃ - ૬૦ - શ્રીહરિ ડભાણમાં યજ્ઞ કરી ભુજનગરે પધાર્યા

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 11:10am

ચોપાઇ

ત્યાંના જાલમસિંહ રાજને, સામૈયું કર્યું નિર્મળ મને । કર્યો સ્નેહવડે સતકાર, નારાયણમુનિનો તેવાર ।।૧।। 

દેખ્યા શ્રીહરિ ભાવ્યાછે મન, સોનાને પુષ્પે કર્યું પૂજન । વાજતે ગાજતે તેણી વાર, તેડી ગયાછે ગામ મોઝાર ।।૨।। 

પાલખીમાં બેસારીને રાય, નિજ દરબારમાં લઈ જાય । રાજાયે પાલખી લીધી સ્કંધ, પામ્યો શ્રીહરિનો તે સંબંધ ।।૩।। 

ગામમાં ફરીને તેણી વાર, ગયા જ્યાં પોતાનો દરબાર । પ્રીતે કર્યા ત્યાં બિરાજમાન, વાલાજીને આપ્યું સનમાન ।।૪।। 

કરે મધુર વાણી સ્તવન, શ્રીહરિયે મુને કર્યો પાવન । ભલે પધાર્યા સુંદર શ્યામ, કર્યું પવિત્ર ગૃહ ને ગામ ।।૫।। 

એમ કૈને કર્યું છે પૂજન, સોળે ઉપચારે શુભ મન । પછે અર્પ્યાં વસ્ત્ર અલંકાર, વળી ભારે ભેટ તેણી વાર ।।૬।।

રુડાં કરાવ્યાં ભોજન પાન, સંત પાર્ષદ જાુક્ત નિદાન । ત્યારે વાલિડો બોલ્યા વચન, સુણો જાલમસિંહ રાજન ।।૭।। 

અમારે ગામ ડભાણમાંય, મહારુદ્ર કરવોછે ત્યાંય । અસુર નડે છે ત્યાં સમક્ષ, માટે ચાલો તમે અમ પક્ષ ।।૮।। 

એવું સુણિને જાલમસંગ, બોલ્યા મનમાં કરી ઉમંગ । બહુ સારૂં મારા ભગવાન, કરૂં તન ધન કુરબાન ।।૯।। 

મારી પાસે ધનુષછે લક્ષ, લેઈ આવું છું કરવા પક્ષ । મારું સૈન્ય સર્વે પરિવાર, વ્હાલા અર્પું તમને આ વાર ।।૧૦।। 

બાપાછે તમારો દરબાર, મારૂં કાંઈ નથી તલભાર । એવાં સુણી રાજાનાં વચન, થયા પ્રગટ પ્રભુ પ્રસન્ન ।।૧૧।। 

તેનો દેખીને અપૂર્વ ભાવ, ત્યાં બોલ્યા છે નટવર નાવ । લક્ષ ધનુષનું નથી કામ, દશ હજાર જોયે તે ઠામ ।।૧૨।। 

માટે ચાલો થઈને તૈયાર, સૈન્ય લ્યો સંઘાથે આણીવાર । ષટ દિન રહ્યાછે તેઠાર, પછે ચાલવા કર્યો વિચાર ।।૧૩।। 

લીધા કિરાત દશ હજાર, બીજા કાઠીના છે અસવાર । સાથે જાલમસિંહ રાજન, તેણે સહિત ચાલ્યા જીવન ।।૧૪।। 

એમ પધાર્યા જીવન પ્રાણ, તતકાળ પોચ્યા છે ડભાણ । શ્રીહરિ આવ્યાના સમાચાર, જાણ્યા ડભાણમાં તેણી વાર ।।૧૫।। 

સર્વે સામા આવ્યા હરિભક્ત, દોડતા થકા થૈને આશક્ત । બીજાં મનુષ્ય આવ્યાં અપાર, ઘણી ભીડ થઈ છે તેઠાર ।।૧૬।। 

ક્ષેત્ર વાવેલાંછે વળી જેહ, કચરાણાં છે સર્વે તેહ । થયા મહારાજ ઘોડે સવાર, ગામમાં પધાર્યા નિરધાર ।।૧૭।। 

શુભ મુહૂર્ત જોઇને શ્યામ, યજ્ઞ આરંભ્યો છે તેહ ઠામ । ચાર વેદના બ્રાહ્મણ પાસ, વિધિવત્કામ કરાવે તાસ ।।૧૮।। 

એક સહસ્ર બ્રાહ્મણ જેહ, વરુણીમાં વરાવ્યા છે તેહ । પછે કર્યું છે ભૂમિશોધન, વેદવિધિવડેથી પાવન ।।૧૯।। 

સોનાનું હળ સુંદર સાર, તેણે પૃથ્વી ખેડાવી એ વાર । કંચનવેદિકા કરી ત્યાંય, યોગ્ય કુંડ રચ્યો તેમાંય ।।૨૦।। 

યજ્ઞશાળા બાંધી તતકાળ, મહાઅદ્ભુત અતિવિશાળ । સર્વે સાહિત્ય મંગાવ્યાં પાસ, હુત દ્રવ્ય આદિ ત્યાં પ્રકાશ ।।૨૧।। 

આપ્યાં બ્રાહ્મણને ઉપકર્ણ, આસન આદિ વસ્ત્ર આભર્ણ । બેઠા દીક્ષા ધરી અવિનાશ, યજ્ઞકુંડ આગે સુખરાશ ।।૨૨।। 

કર્યાં દેવતણાં ત્યાં સ્થાપન, ઘટે તેવી રીતેથી પાવન । એકાદશ રુદ્ર ભાનુ બાર, વિષ્ણુ ગ્રહાદિ સ્થાપ્યાછે સાર ।।૨૩।। 

ગણેશાદિનું કર્યું પૂજન, પૂજા કરી વિપ્રની ત્યાં ધન્ય । કર્યો કુંડમાં અગ્નિ સ્થાપન, પછે ચાલતો થયો હવન ।।૨૪।। 

વેદમંત્ર ભણી ભણી વિપ્ર, આપે આહુતિ કુંડમાં ક્ષિપ્ર । વિષ્ણુ રુદ્ર બ્રહ્મા આદિ દેવ, લેછે આહુતિ આવીને એવ ।।૨૫।। 

એમ દશ દિન સન્મુખ, એવો ચાલ્યો અહોનિશ મખ । હજારો મણ ઘૃત હોમાય, અગ્નિજ્વાલા આકાશે જાય ।।૨૬।। 

પોષ શુદિ પૂર્ણી આવી જ્યાંય, થયો પૂર્ણાહુતિ સમો ત્યાંય । દેવબ્રાહ્મણને કર્યા તૃપ્ત, ઘણાં દાન આપ્યાં છે તે ગુપ્ત ।।૨૭।। 

રુડાં કરાવ્યાં ભોજન પાન, સંત હરિજનોને તે સ્થાન । યજ્ઞશાળામાં બિરાજ્યા શ્યામ, સદા શામળિયો સુખધામ ।।૨૮।। 

બોલ્યા બહુનામીજી વચન, સર્વે ભૂદેવ ધારજ્યો મન । વિપ્રજનને વર્ત્યાની રીત, કૈયે છૈયે તે રાખજ્યો ચિત્ત ।।૨૯।। 

દેવદેવીનું કરવું પૂજન, સુરા આમિષ તજી પાવન । અહિંસા એજ છે મોટો ધર્મ, વેદમધ્યે કહ્યો છે તે પરમ ।।૩૦।। 

એમ શાસ્ત્ર સંબંધી જે વાત, ઘણી વાર સુધી કરી ખ્યાત । પછે બ્રાહ્મણોને તેણી વાર, આપી દક્ષિણાદાન અપાર ।।૩૧।। 

જમાડ્યાંછે ઘણાં ત્યાં મિષ્ટાન્ન, બીજાં આપ્યાં છે અપાર દાન । વળાવ્યા સૌને દેઈને માન, થયા પ્રસન્ન શ્રીભગવાન ।।૩૨।। 

કરી મખની સમાપ્તિ ત્યાંય, ચાલવાનું ધાર્યું મનમાંય । બહુ કૃપા કરી ભગવાન, એક માસ રહ્યા તેહ સ્થાન ।।૩૩।। 

ત્યાં પટેલ રઘુનાથદાસ, શ્રીહરિને કેછે તે પ્રકાશ । કૃપા રાખીને શ્યામ સુંદર, આંહિ કરાવો મોટું મંદિર ।।૩૪।। 

પ્રભુ કે વાડા જાશે આંહિથી, થશે મંદિર રુડું સર્વેથી । વાલિડાના વચનપ્રમાણે, થયું મંદિર એજ ઠેકાણે ।।૩૫।। 

પછે ચાલ્યા છે સ્વારી સહિત, ગામ ચલોડે ગયા અજીત । કાણોતર બળોલ શીયાળ, ગયા અડવાળે શ્રીદયાળ ।।૩૬।। 

ત્યાંથી સારંગપુર ગયા શ્યામ, જીવાખાચરનું છે જ્યાં ધામ । વળી ચાલ્યા ત્યાંથી સુખકારી, ગઢપુરે ગયા ગિરિધારી ।।૩૭।। 

વાલિડો રહ્યા ત્યાં દિન વીસ, ત્યાંથી ગુંડળે ગયા જગદીશ । ત્યાંના રાજા હઠીજી વિશેક, તેને કર્યા પોતાના સેવક ।।૩૮।। 

પછે કાલાવડે ગયા માવ, જાદવજીને ત્યાં કરી ભાવ । ત્યાંથી સિધાવ્યા સ્વારી-સહિત, ગામ ભાદરે કરવા હિત ।।૩૯।। 

રામજી નામે ત્યાંછે સુતાર, તેને ઘેર જમ્યા નિરધાર । જોડીયે બલાંભે આંબરણ, ધુડકોટે કર્યું છે વિચરણ ।।૪૦।। 

ગયા પીપળીયે રુડી પેર, પટેલ ગણેશજીને ઘેર । ત્યાં જમીને ગયા ભેલે ગામ, પધાર્યા પછે માળિયે શ્યામ ।।૪૧।। 

ગયા દરબારમાં ભગવાન, પ્રીતે કર્યાં છે ભોજન પાન । પછે આધોઈ થઈ સુખધામ, જઇને રહ્યા ખોખરે ગામ ।।૪૨।। 

ત્યાંના લોકને જલનું દુઃખ, કૂપ બનાવ્યો ત્યાં સનમુખ । વળી ચાલ્યા ત્યાંથી ધરી ધીર, ભુજનગરે ગયા નરવીર ।।૪૩।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રીઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ ડભાણમાં યજ્ઞ કરી ભુજનગરે પધાર્યા એ નામે સાઠમો તરંગઃ ।।૬૦।।