તરંગ - ૯૧ - શ્રી હરિ સખાઓને લેઇને બગીચામાં સાખો ખાવા ગયા ને વરુણદેવે શ્રીહરિનાં ચરણ ધોયાં ને હરિદાસ બાવાને વર આપ્યો

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 7:42pm

 

પૂર્વછાયો

રામશરણજીયે પુછીયું, સુણો શ્રીમહારાજ । આંબા વેંચીને ઘેર ગયા, પછે શું કર્યું એહ કાજ ।।૧।।

સ્નેહથી સંભળાવો મુને, પાવન પુન્ય પવિત્ર । તૃપ્તિ થાતી નથી મનમાં, સુણતાં રૂડાં ચરિત્ર ।।૨।।

અવધપ્રસાદજી બોલિયા, સુણો ભાઇ તમે સાર। સખા સાથે પછે શું કર્યું, તે કહું સર્વે વિસ્તાર ।।૩।।

બીજે દિવસે બ્રાહ્મ મુહૂર્તમાં, ઉઠી ચાલ્યા તે વાર । સખા સંગે ગયા સાખો લેવા, કહ્યા પ્રમાણે કુમાર ।।૪।।

પોતપોતાને આંબે ગયા, સખા મળીને સમાજ । કેસરી આંબો ચુકી ગયા, ઇચ્છારામ મહારાજ ।।૫।।

અંધારાને જોગે કરીને, ભુલી ગયા તે શરત । જાંબુના તરુ નીચે બેઠા, સાખો લેવા સારુ તરત ।।૬।।

 

 

ચોપાઇ

 

બેઠા જાંબુના થડે જઇને, અંધારામાં તે સ્થિર થઇને । હાલે સાખો પડશે આ ઠાર, એમ ધારી બેઠા છે તે વાર ।।૭।।

આશા રાખી છે મન ઘણેરી, જાંબુડામાં કયાંથી મળે કેરી । સાખો પડશે તે તો જાણીશું, પછે ઉભા થઇને વેણીશું ।।૮।।

ઘણીવાર બેઠા ધરી ટેક, પણ સાખ પડી નહિ એક । ત્યાંતો સર્વે સખા મળી આવ્યા, પોતપોતાની સાખો તે લાવ્યા ।।૯।।

મળ્યા શ્રીહરિને સખા જન, ત્યારે વ્હાલો બોલ્યા છે વચન । ઇચ્છારામ સાચું કહી દાખો, તમારે કેટલી થઇ સાખો ।।૧૦।।

ગ્લાની પામી ગયા નાનાબંધુ, ઉઠ્યા નમ્ર થઇ ગુણસિંધુ । પછી ઉચર્યા તે ઇચ્છારામ, મોટાભાઇ સુણો ઘનશ્યામ ।।૧૧।।

હતું અંધારૂં તમ લગાર, હું તો બેસી રહ્યો તો આ ઠાર । પછે શ્રીહરિ કે બહુ સારૂં, કાંઇ ચિંતા ન રાખશો વારૂં ।।૧૨।।

તમારા આંબાની સાખો જેહ, મંછારામ વેણી લાવ્યા તેહ । ત્યારે તેમને કે મહારાજ, અર્ધો ભાગ આપો તમે આજ ।।૧૩।।

ઇચ્છારામને આપો જ તમે, ખરી વાત કૈયે છૈયે અમે । મંછારામ કે ન આપું એમ, ભાઇ વહેલા આવ્યા નહિં કેમ ।।૧૪।।

વળી કેવા લાગ્યા ઇચ્છારામ, આજ ભુલ્યો છું હું બધું કામ । કેસરીયા આંબાની છે ભ્રાંતિ, જાંબુના વૃક્ષે બેઠો નિરાંતિ ।।૧૫।।

અંધારામાં ભુલી ગયો ભાન, આંબાની ન રહી સુધસાન । શ્રીહરિ બોલ્યા આપીને ધીર, ભાઇ થાશો નહિ દીલગીર ।।૧૬।।

એ ન આપે તો ચાલ્યું રેવા દ્યો, હવે તો એ વાતને જાવા દ્યો । ચાલો જાંબુમાંથી સાખો આપું, તમારી ભ્રાંતિનું દુઃખ કાપું ।।૧૭।।

તે કેરી કરતાં ઘણી ઇષ્ટ, જાંબુથી ઉતારું અતિ મિષ્ટ । એમ કહીને જાંબુનું વૃક્ષ, તેના સામું જોયું કરી ચક્ષ ।।૧૮।।

સાખો પડવા લાગી તે વાર, ઘણી સારીને મીઠી અપાર । પામ્યા આનંદ ત્યાં ઇચ્છારામ, સાખો વેણી લીધી થયું કામ ।।૧૯।।

ત્યાંથી ચાલ્યા સખા સહુ સંગે, નારાયણસર ત્યાં ઉમંગે । પોતપોતાની સાખો છે જેહ, જોવા લાગ્યા તપાસીને તેહ ।।૨૦।।

સૌને આંબાની સાખોે દેખાણી, વારે વારે જુવે છે વખાણી । મંછારામનું બગડ્યું કામ, તેના કરતા શ્રીઘનશ્યામ ।।૨૧।।

ખોળામાં જોવા જાય છે જ્યારે, જાંબુનાં ફળ દેખ્યાં છે ત્યારે । ભાળી જાંબુને ભાઇ ભડક્યા, થયા નિરાશ મન અટક્યા ।।૨૨।।

આંબાની સાખો લાવ્યો છું આજ, કોણે જાંબુ કર્યાં મહારાજ । કોણ સાખો મારી લેઇ ગયું, અણધાર્યું આ વિપ્રીત થયું ।।૨૩।।

સખા સઘળા કરે છે હાસ, મંદમંદ હસે અવિનાશ । ગતિ શ્રીઘનશ્યામની ગૂઢ, મંછારામ થયા દિગમૂઢ ।।૨૪।।

ધીરે રહી બોલ્યા નરવીર, મંછારામ રાખો મન ધીર । ઇચ્છારામતણો આંબો જેહ, તેની સાખો લાવ્યા તમે તેહ ।।૨૫।।

તમે તો આગવી વેણી લીધી, ઇચ્છારામને અર્ધી ન દીધી । અમે કહ્યું તોયે નવ માન્યું, બતાવો છો હવે ખોટું બાનું ।।૨૬।।

સાખો જો ખાવી હોય તમારે, અર્ધો ભાગ આપો આણીવારે । નહિ તો પાંશરા જાઓ ઘેર, જાંબુડાં ખાઇને કરો લેર ।।૨૭।।

પછે સમજ્યા છે મંછારામ, ઘનશ્યામનું હશે આ કામ । ખાવા નહિ દે એ મુને સુખે, માટે આપું તેના સનમુખે ।।૨૮।।

એવું ધારીને આપ્યો છે લાગ, જાંબુડામાંથી અર્ધો ભાગ । ઇચ્છારામને આપ્યો છે જ્યારે, મન શાંત પડી ગયું ત્યારે ।।૨૯।।

બેઉ જણ જુએ પોતા પાસ, જાંબુની થઇ કેરી પ્રકાશ । એવી લીલા કરે છે અપાર, બીજું ચરિત્ર કહું આ વાર ।।૩૦।।

આંબાની ડાળ ઉપર એક, કોકીલા શબ્દ કરે વિશેક । રૂડો કંઠ મધુરો છે સાદ, ઇચ્છારામે સુણ્યો છે તે વાદ ।।૩૧।।

શ્રીહરિને ઇચ્છારામ કે છે, ભાઇ કોકીલા કેવી બોલે છે । તેને પકડીને લઇ ચાલો, ઘેર લઇ જાવા સારુ ઝાલો ।।૩૨।।

એવું સુણીને શ્રી અલબેલો, ખેલ કરેછે સુંદરછેલો । એક સાખ લીધી નિજ હાથ, કર ઉંચો કર્યો યોગિનાથ ।।૩૩।।

કોકીલાને એ કેરી બતાવી, તરત શ્રીહરિ સન્મુખ આવી । પ્રભુજીના કર પર બેઠી, બોલે વાણી મધુરી તે મીઠી ।।૩૪।।

જગજીવન કે ઇચ્છારામ, જુવો કોકીલા આવી આ ઠામ । કેરી દેખાડીને લલચાવી, તમે કહેતા હતા તે આવી ।।૩૫।।

પણ કેરીતો ખાવા દ્યો હાલ, પછીથી દેખશું એનો ખ્યાલ । એમ કહી ચાલ્યા થોડે દૂર, કોકીલા ઉડી ગઇ જરૂર ।।૩૬।।

જઇને બેઠી પોતાના સ્થાને, પછે શું કર્યું છે ભગવાને । સખા સહિત શ્રીનરવીર, સાખો જમીને ગયા સધીર ।।૩૭।।

તળાવમાં ધોવા આવ્યા કર, મિત્રની સાથે શ્રીહરિવર । તે સમે વણિક ગંગાદીન, તેની સ્ત્રી ગવરીબાઇ ભીન્ન ।।૩૮।।

જળ ભરવા આવી તે સ્થાન, તેણે દેખ્યા છે શ્રીભગવાન । સખા સાથે ધુવે છે જ્યાં હાથ, ત્યારે બોલ્યાં ગવરીસનાથ ।।૩૯।।

કામ જાણ્યું છે તમારું અમે, એકીલા સાખો જમ્યા શું તમે । મામીને તો આપી નહિ એક, વારૂ વાલિડા વાળ્યો વિશેક ।।૪૦।।

એવું સુણીને હાસ્ય વચન, પછી બોલ્યા તે શ્રીભગવન । લેવી હોય જો સાખ તમારે, આજ આવજો ઘેર અમારે ।।૪૧।।

એવું કહી આવ્યા નીરબાર, કોડિલાલાલ ધર્મકુમાર । ગવરીબાઇએ ભર્યું નીર, ચાલ્યાં નિજ ઘરે મતિ સ્થિર ।।૪૨।।

કેડે આવે છે જગ કીરતાર, કર લાંબો કર્યો નિરધાર । ઉપર કુંભ જળનો જેહ, તેમાં સાંખ મુકી એક એહ ।।૪૩।।

પછે પ્રીતમ ઘેર પધાર્યા, અતિ ઉત્તમ નેહ વધાર્યા । ગવરીબા ગયાં નિજ ઘેર, બેડું ઉતારે છે રુડી પેર ।।૪૪।।

જેવાં હેઠે ઉતારવા જાય, કુંભમાંઇ તે સાખ દેખાય । દેખી આશ્ચર્ય પામી છે મન, અહો ક્યાંથી કેરી આ પાવન ।।૪૫।।

કરે પોતાના મને વિચાર, કેરી કોણે મુકી નિરધાર । આતો ઘનશ્યામજીનું કામ, બીજા કોઇની ચાલે નહિ હામ ।।૪૬।।

એમ વિચાર કરતી સતી, સાખ લેઇ ચાલી શુભ મતી । આવી ભકિતમાતા કેરે દ્વાર, ત્યાંતો ઉભા છે ધર્મકુમાર ।।૪૭।।

કેછે શ્રીહરિને સુણો લેરી, તમે ઘટમાં મુકીતી કેરી । કૃષ્ણ કે હા મેં મુકીતી ખરી, તમારા કુંભમધ્યે આ કેરી ।।૪૮।।

ગવરીબા કે સુંદરશ્યામ, કેવી રીતે તમે કર્યું કામ । મારગમાં ધ્યાન હું નથી ચુકી, તમે કેરી કેવી રીતે મુકી ।।૪૯।।

મુને ખબર ન પડે જેમ, તમે દિવ્યભાવે મુકી તેમ । વાલિડો કે તમે એ શું જાણો, અતિ લાઘવતા શું પ્રમાણો ।।૫૦।।

તમને ખબર પડે જેમ, શું કરવા અમે મુકીએ તેમ । એવું સુણીને આનંદ પામી, ગવરી તો ગઇ શિર નામી ।।૫૧।।

પછે સાંજ સમો થયો જ્યારે, પ્રભુએ કર્યાં ભોજન ત્યારે । સખાસંગે લેઇ સુખધામ, ચાલ્યા ઘરથકી ઘનશ્યામ ।।૫૨।।

ગયા બજારમાં ગિરિધારી, ભવતારણ શ્રીભયહારી । બંશીધર હલવાઇ સ્થાન, ચૌટામધ્યે છે એની દુકાન ।।૫૩।।

કીચડ થયો છે દુકાન આગે, નીલકંઠ ગયા એવે લાગે । ખસી ગયો ત્યાં વ્હાલાનો ચરણ, તેથી થયો છે કીચડ વરણ ।।૫૪।।

એવું જોઇને સુખનંદન, બોલ્યા વાલપણેથી વચન । ચાલો આ બહિરી કુવા પાસ, તવ ચરણ ધોવું અવિનાશ ।।૫૫।।

એમ કેતા છતા ગયા કુવે, હવે ચરણ કેવી રીતે ધુવે । એક વણિકની પુત્રી વારું, રામકુંવર નામ છે સારૂં ।।૫૬।।

નીર ભરતી હતી કિનારે, કુંભ ખેંચીને બોલી તેવારે । આવો શ્રીહરિ અશરણશરણ, ધોવરાવું તમારા હું ચરણ ।।૫૭।।

વ્હાલો કે થનારૂં હશે તે થાશે, એની મેળે આ ચરણ ધોવાશે । એવું કહી કુવાને કિનારે, પ્યારો બેઠા મનમાં વિચારે ।।૫૮।।

મુક્યા કૂપમાંહિ નીચા ચરણ, કાંઠા ઉપર બેઠા રુડે વરણ । ત્યાં તો આવ્યા ૧પાશી તતકાળ, કર્યા વાલાના પાદપખાલ ।।૫૯।।

એવું દેખી બાઇઓ સહિત, ઘણા લોક જુવે કરી હિત । પામ્યા આશ્ચર્ય મન અપાર, ત્યાંથી ચાલ્યા છે ધર્મકુમાર ।।૬૦।।

ગયા ખંપાસરોવર તીર, સખાસહિત ગુણગંભીર । ત્યાં બેઠાછે હરિદાસ બાવો, મળ્યો ઉત્તમ તેહને લાવો ।।૬૧।।

સરોવરમાં થયાં છે ૨કંજ, ઉતારી લીધાં તેમાંથી ગંજ । તેનો ગુંથ્યોછે સુંદર હાર, વાલિડાને પેરાવ્યો તેવાર ।।૬૨।।

એવો ભાવ દેખી ભગવન, થયા પ્રગટ પ્રભુ પ્રસન્ન । બોલ્યા બાવાજી પ્રત્યે વચન, હરિદાસ સુણોે ધરી મન ।।૬૩।।

મારે વિષે તમારું છે મન, તેથી સત્સંગ પામશો જન । પેરાવ્યો છે આ કંજનો હાર, ષટ્પદ કરે ત્યાં ગુંજાર ।।૬૪।।

તેને કંજમાં છે જેવું હેત, અતિઆનંદ પ્રેમસમેત । એવી પ્રીતિ થશે મમ ચરણે, તમને રાખીશું નિત્ય શરણે ।।૬૫।।

એમ થયા પ્રભુજી પ્રસન્ન, બાવાજીને આપ્યું છે વચન । અઢળક ઢળ્યા ભગવન, સખા સંગે આવ્યા છે ૩સદન ।।૬૬।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રી હરિ સખાઓને લેઇને બગીચામાં સાખો ખાવા ગયા ને વરુણદેવે શ્રીહરિનાં ચરણ ધોયાં ને હરિદાસ બાવાને વર આપ્યો એ નામે એકાણુંમો તરંગઃ ।।૯૧।।