તરંગ - ૬૬ - શ્રીહરિયે ગાયઘાટના કુવામાંથી વાળી કાઢી આપી ને બોર જમ્યા

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 5:35pm

 

પૂર્વછાયો - ધર્મભક્તિ છુપૈયાપુરે, રહ્યાં કેટલાક દન । પછે ત્યાંથી ચાલવાતણો, વિચાર કર્યો છે મન ।।૧।।

પ્રેમવતી ને સુવાસિની, સાથે ત્રૈણે કુમાર । ધર્મદેવ ત્યાંથી ગયા છે, ગાયઘાટ મોઝાર ।।૨।।

ત્યાં સંબંધી હીરાત્રવાડી, ચંદા ને પેલવાન । એ આદિ સુહૃદ જનોયે, આપ્યાં છે બહુમાન ।।૩।।

ત્યાં રેવાની મરજી કરી, ધર્મભક્તિયે નિદાન । સંબંધી સર્વેને પુછીને, વાસ કર્યો તે સ્થાન ।।૪।।

એકાદશી દ્વાદશી પૂર્ણિ, અમાવાસ આદિ પર્વ । વિશ્વામિત્રિને ગૌ ઘાટે, નાવા સારૂં જાય સર્વ ।।૫।।

ચોપાઇ - ત્યાં રહ્યાં છે જે દેવનાં સ્થાન, કરે દર્શન ને ધરે ધ્યાન । પછી આવે પોતાને ભુવન, એમ વર્તે છે નિર્મળ મન ।।૬।।

પ્રભુનાં મામી ચંદન જાણી, કુવે ગયાં ભરવાને પાણી । ઘડો કુવામાં ફાંસતાં ત્યાંયે, નાસિકાની વાળી પડી માંયે ।।૭।।

ચંદામામી થયાં શોકાતુર, ઘેર આવીને કહ્યું જરૂર । પેલવાન આદિ બીજા જેહ, કુવા ઉપર આવ્યા છે તેહ ।।૮।।

ઉતર્યા માંય કર્યો તપાસ, વાળી ન જડી થયા ઉદાસ । કુવામાં તો વાળી નથી પડી, પડી હોય તો કેમ ન જડી ।।૯।।

ચંદાબા ભુલ્યાં બીજે ઠેકાણે, ક્યાં પડી હશે તે કોણ જાણે । તેવું સુણીને બોલ્યાં આતુર, આ કુવામાં પડી છે જરૂર ।।૧૦।।

એમ કહી થયાં દલગીર, ભરાઇ આવ્યાં નેત્રમાં નીર । ઘનશ્યામજી ઉભા છે પાસ, જાણ્યું મામી થયાં છે ઉદાસ ।।૧૧।।

હે મામી સુણો મારૂં વચન, ચિંતા કરશો ન તમે મન । કુવામાંથી વાળી લાવું અમે, એનો વિશ્વાસ રાખજ્યો તમે ।।૧૨।।

એવું કહીને સર્વેને જોતે, કુવામાં ઉતર્યા પ્રભુ પોતે । ડુબકી મારી જળ મોઝાર, ગુપ્ત રહ્યા તેમાં પોરવાર ।।૧૩।।

જળથી બાર્ય નાવ્યા જીવન, સર્વેને ચિંતા પ્રગટી મન । પરસ્પર કેવા લાગ્યા એમ, ભાઇ હવે તે કરીશું કેમ ।।૧૪।।

વાળીતણું દુઃખ હતું એક, બીજું પ્રગટયું દુઃખ વિશેક । સર્વેનાં મન થયાં ઉદાસી, જળબારે આવ્યા અવિનાશી ।।૧૫।।

કુવા ઉપર ઉભા છે જેહ, જુવે ઘનશ્યામ સામું તેહ । વિષ્ણુરૂપે દેખાય વનમાળી, ચતુર્ભુજ મૂર્તિ મરમાળી ।।૧૬।।

થયાં ચકિત સૌ નરનારી, વારે વારે જુવે છે વિચારી । દુર્લભ જેવું દર્શન દીધું । બે ઘડી સુધી ચરિત્ર કીધું ।।૧૭।।

વિષ્ણુરૂપ કર્યું અદર્શ, થયા ઘનશ્યામ ઉત્કર્ષ । પામ્યા આશ્ચર્ય જન વિશેષ, મૂળરૂપે બન્યા છે વેશ ।।૧૮।।

વાળી લોટો ઘડો ગ્રહ્યો હાથ, બારે આવ્યા નટવર નાથ । પોતાનાં મામીને આપી વાળી, નિજ ઘરે ગયા ચિંતા ટાળી ।।૧૯।।

ગામ ગૌઘાટના સહુ લોક, પામ્યા આશ્ચર્ય મને અશોક । રહ્યા ગૌઘાટમાં ગિરધારી, કરે નવી લીલા સુખકારી ।।૨૦।।

પોતાના સખા સંગાથે પ્રીત્યે, ગાયો ચારવા જાય છે નિત્યે । ગૌઘાટે વિશ્વામિત્રિ છે જ્યાંય, ધેનુંને ચરાવે તૃણ ત્યાંય ।।૨૧।।

નદી કિનારે વારમવાર, કરે રમત્ય બહુ પ્રકાર । સખા સહિત નદીમાં નાય, વળી જળમાં કરે ક્રીડાય ।।૨૨।।

ધર્મદેવ કરે છે વિચાર, ઘણા દિન વિત્યા છે આઠાર । હવે તો જાવું છુપૈયાપુર, ધર્મદેવે ધાર્યું એમ ઉર ।।૨૩।।

ધર્મભક્તિ સુવાસિનીબાઇ, રામપ્રતાપજી ત્રૈણે ભાઇ । એ આદિ સર્વે ત્યાંથી સિધાવ્યા, છુપૈયાપુર વિષે તે આવ્યા ।।૨૪।।

રહ્યા પોતાને ઘરે સદાય, નિત્ય આનંદમાં દિન જાય । પછે એક સમે અવિનાશે, સખા સર્વેને બોલાવ્યા પાસે ।।૨૫।।

તેણે સહિત તૈયાર થયા, ગામ કુષ્મીના તળાવે ગયા । જ્યાં છે બદ્રી કેરૂં તરુ એક, તે તળાવની તીરે વિશેક ।।૨૬।।

તેને પાકી રહ્યાં ઘણાં બોર, જમવા ગયા ધર્મકિશોર । વેણીરામ આદિ સખા જેહ, ચઢયા બોરડી ઉપર એહ ।।૨૭।।

વેણી લે છે તે સારાં સ્વાદીષ્ટ, સખા સર્વે જમે છે અભિષ્ટ । બીજાં તો બોર છે લાંબી ડાળે, સારાં પાકાં તેને સહુ ભાળે ।।૨૮।।

પણ તિયાં તો પોકી ન શકાય, કોય સખાથી નવ લેવાય । પછે વિશ્વપતિયે વિચાર્યું, વૃક્ષ જેવડું તન વધાર્યું ।।૨૯।।

ઉંચા થઇ લાંબા કર્યા હાથ, પાકાં પાકાં જમે છે ત્યાં નાથ । સખા સર્વેને જોયે જેટલાં, ખોળામાં ભરાવ્યાં છે તેટલાં ।।૩૦।।

બદ્રીફળ જમ્યા છે અપાર, એમ કરતાં લાગી ઘણી વાર । એવી લીલા કરે જગતાત, જાણી બોરડી રક્ષકે વાત ।।૩૧।।

ઘણો તેને ચડિયો છે ક્રોધ, વેગે આવ્યો કરવા વિરોધ । આવ્યો સમીપે મારવા સારૂં, મારે વાલિડે મન વિચાર્યું ।।૩૨।।

એક હાથેથી ઉપાડી લીધો, બોરડીયે લટકાવી દીધો । છેલી ડાળે લટકાવી છેલ, સખા સાથે નાઠા અલબેલ ।।૩૩।।

ઘનશ્યામ આવ્યા નિજ ઘેર, સખા સર્વે ગયા એણે પેર । ઓલ્યો બોરડી ઉપર બેઠો, હવે કેમ કરી આવે હેઠો ।।૩૪।।

તેનાં મા બાપ જાણીને આવ્યાં, એક નિસરણી સાથે લાવ્યાં । મુકી નિરસણી નીચે ઉતર્યો, તેનાં મા બાપે ત્યાં ઠબકાર્યો ।।૩૫।।

અરે ક્યાં ગયું છે તુજ ચિત્ત, નોય બોર ખાવાની આ રીત । પુત્ર કે મહાદુઃખમાં પડયો, હું તો બોર ખાવા નોતો ચડયો ।।૩૬।।

છુપૈયાપુરના ધર્મ નામ, તેમના પુત્ર શ્રીઘનશ્યામ । બીજા સખા ઘણા લેઇ સંગે, બોર ખાવા આવ્યા તા ઉમંગે ।।૩૭।।

અન્ય સખા વૃક્ષે ચડી ગયા, ઘનશ્યામજી તો હેંઠે રહ્યા । વધ્યા ઉંચી બોરડી સમાન, બોર ખાતા હતા ભગવાન ।।૩૮।।

તારે હું ગયો મારવા કાજે, મુને તો પકડયો મહારાજે । જેમ ૧શાર્દુલ ઝાલે ૨કુરંગ, કરી નાખ્યા એવા મારા ઢંગ ।।૩૯।।

એક હાથે ઝાલી અટકાવ્યો, ઓલી છેલી ડાળે લટકાવ્યો । મુને કીધો છે હાલ બેહાલ, સખા સાથે નાશી ગયા લાલ ।।૪૦।।

એવું સુણીને હાસ્ય વચન, તેનાં મા બાપ વિચારે મન । અરે મૂર્ખા સાચું કહે કોય, વૃક્ષ જેવડું મનુષ્ય નોય ।।૪૧।।

દેહ વધાર્યો કેવા ઉપાયે, એવી વાત કદી ન મનાયે । બતાવી હશે તુજને બીક, માટે બોલતો નથી તું ઠીક ।।૪૨।।

બધા છોકરા ભેગા થઇને, ડારો દીધો હશે કાંઇ કૈને । તેમાં બોલે છે આળપંપાળ, ધ્યાન ચુકી ગયો મારા બાળ ।।૪૩।।

એમ કૈ નક્કી કરવા જાય, છુપૈયાપુર ભણી પલાય । ગયા ધર્મદેવ તણે દ્વાર, ઠબકો દેવા લાગ્યા તે વાર ।।૪૪।।

ધર્મદેવ તમારા જે તન, આવ્યાતા મુજ ગામ મોહન । મારા પુત્રને ત્યાં ગભરાવ્યો, બોરડી ઉપર લટકાવ્યો ।।૪૫।।

ત્યાર કેડે તે આવ્યો છે ઘેર, અમે કૈયે છૈયે સાચી પેર । મારા ખાઇ ગયા સર્વે બોર, તમારા પુત્ર થયા છે ચોર ।।૪૬।।

ત્યારે બોલ્યા છે ધર્મપાવન, આ તે શું તમે કો છો વચન । મારો કોમળ અતિ કુમાર, હજુ વર્ષ થયાં નથી બાર ।।૪૭।।

અવસ્થાવાન સુત તમારો, થયાં વર્ષ પાંત્રીશ વિચારો । એને કેવી રીતે આ ઉપાડે, એવું જક્તમાં કોણ દેખાડે ।।૪૮।।

મારા ઘનશ્યામ નાનું બાળ, તમે ખોટું ચડાવો છો આળ । કાંઇ સમજતા નથી હજુ, લટકાવ્યાનું ક્યાં એનું ગજુ ।।૪૯।।

કુવાના કાંઠા ઉપર શ્યામ, ઓ ઉભા જુવો શ્રીઘનશ્યામ । એવું સુણી સામું જોવા જાય, જોતજોતામાં વિસ્મિત થાય ।।૫૦।।

તેને નિશ્ચે કરાવાને માટ, ઘનશ્યામે રચ્યો જુવો ઘાટ । વીશ ધનુષવા ઉંચા થયા, દૂરથી તેને એવા દેખાયા ।।૫૧।।

ત્યારે કેવા લાગ્યા તત્કાળ, તમે જુવોને ધર્મ દયાળ । અમને કેતાતા જુઠું આળ, પણ જુવો તમારા આ બાળ ।।૫૨।।

આ તો મોટાથી મોટા દેખાય, આનું કારણ શું રે કેવાય । અમને દેખાયે સ્થૂલરૂપે, બીજાને તો છે મૂળસ્વરૂપે ।।૫૩।।

ધર્મદેવ કહે ક્યાં છે મોટા, ઘનશ્યામ હજુ તો છે છોટા । એમ કેતામાં સ્થૂલ શરીર, કર્યું અદૃશ શ્રીનરવીર ।।૫૪।।

આવ્યા છે જન જે આણી વાર, તેને દેખાણા બાળક સાર । ત્યારે કેવા લાગ્યા છે તે જન, ધર્મદેવ તમોને છે ધન્ય ।।૫૫।।

અમે તો આશ્ચર્ય પામ્યા આજ, અતિ અદ્બુત દેખાયું છે કાજ । સુત તમારો છે સુખકારી, અવતારના છે અવતારી ।।૫૬।।

ક્ષમા માગી છે તેહ જ ઠામ, પછે ગયા તે પોતાને ધામ । એમ ચરિત્ર કરી દેખાડે, વળી સત્તા પોતાની સંતાડે ।।૫૭।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિવિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે ગાયઘાટના કુવામાંથી વાળી કાઢી આપી ને બોર જમ્યા એ નામે છાસઠમો તરંગઃ ।।૬૬।।