તરંગ - ૪૫ - શ્રી હરિયે ભાભીને પોતાના નેત્રમાં અનેક બ્ર્રહ્માંડ દેખાડયાં

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 10:11am

 

પૂર્વછાયો- ધર્મ ભક્તિને સુવાસિની, સાથે ત્રૈણે કુમાર । તરગામથી જાવું છુપૈયે, કર્યો એવો વિચાર ।।૧।।

તૈયાર થઇ ચાલ્યા ત્યાંથી, આવ્યા છુપૈયે ગામ । સંબંધી ત્યાં મળવા આવ્યાં, ધર્મદેવને ધામ ।।૨।।

વશરામાદિ બીજા સર્વે, છુપૈયાપુરના જન । ખબર પુછી બેઠા પાસે, આનંદ પામ્યા મન ।।૩।।

વશરામની સાથે બોલ્યા, શ્રીહરિ સુંદર શ્યામ । હે મામા કેમ આવ્યા નથી, મુજ સખા વેણીરામ ।।૪।।

વશરામ કે સુણો તમે, વાત કહું છું તેહ । વેણીરામ માંદા થયા છે, કેમ કરી આવે એહ ।।૫।।

ચોપાઇ- એવું સુણીને પુરૂષોત્તમ, ધર્મસહિત ચાલ્યા ઉત્તમ । વેણીરામને તે જોવા જાય, નિજસખાની કરવા સાય ।।૬।।

વેણીરામજી સુતા છે જ્યાંયે, આવ્યા છેલછબીલોજી ત્યાંયે । પથારીમાં સુતા વેણીરામ, તેને પુછે છે પૂરણકામ ।।૭।।

ઘણી પીડા થઇ શું તમને, જાણીને ચિંતા થઇ અમને । જાણ્યું જોવા આવ્યા ઘનશ્યામ, ઘણા રાજી થયા વેણીરામ ।।૮।।

પણ બોલી શક્યા નહી મુખે, દેહવ્યાધિ ઘણીછે તે દુઃખે । ત્યારે બોલ્યા ત્રિભુવનપતિ, સુણો સખા તમે મહામતિ ।।૯।।

આપણ કરતા જેજે ખ્યાલ, તેને યાદ કરો ભાઇ હાલ । અમને પ્રભુ જાણજો મન, થશે નિરોગી તમારું તન ।।૧૦।।

જપો હરિકૃષ્ણ ઘનશ્યામ, એથી પામશો અંગે આરામ । લક્ષ્મીબાઇને કે ઘનશ્યામ, કરો હું કહું એટલું કામ ।।૧૧।।

ઘડી રહીને માગે જે ભાઇ, કરીને દેજ્યો ખાવાનું આંઇ । સખાને આપી છે ઘણી ધીર, પછે ઘર આવ્યા નરવીર ।।૧૨।।

ભક્તિમાતાયે રસોઇ કરી, બંધુપિતા સાથે જમ્યા હરિ । મહાપ્રભુના નામનો મંત્ર, વેણીરામે જપ્યો છે સ્વતંત્ર ।।૧૩।।

સંભાર્યા છે જ્યાં ધર્મના બાળ, પર્મ સુખ થયું તતકાળ । વેણીરામ કહે સુખદાતા, મુને શિરો કરી આપો માતા ।।૧૪।।

શિરો આપ્યો કરીને તૈયાર, વેણીરામ જમ્યા તેણીવાર । ચળુ કર્યું છે આશ્ચર્ય આતો, સંબંધી સાથે કરેછે વાતો ।।૧૫।।

પછે જમીને તૈયાર થયા, ચાલીને શ્રીહરિ પાસે ગયા । હળીમળીને સખા રમે છે, સંબંધીના મનમાં ગમે છે ।।૧૬।।

વળી એક સમે ગૌરાગામ, રામલીલા રમે છે એ ઠામ । રમે છે તીયાં વ્રજના બાળ, એવું જાણી ગયા છે કૃપાલ ।।૧૭।।

વેણી માધવ રામ પ્રયાગ, સખાસંગે લીધા છે સોહાગ । જોવા જાવું છે ગૌરે ઉમંગે, માટે ચાલો સખા મુજસંગે ।।૧૮।।

એમ કહીને સર્વે સધાવ્યા, ખંપાસરોવરતીરે આવ્યા । વૃક્ષ કદમતણું છે જ્યાંયે, તેનાં પુષ્પ લીધાં કરમાંયે ।।૧૯।।

તેના ગુંથ્યા છે સુંદર હાર, પેર્યા પોતાના કંઠમોઝાર । સામે કાંઠે છે ચંપાના છોડ, સખા સર્વે ગયા છે ત્યાં જોડ ।।૨૦।।

ચંપે ચડીને લીધાં છે ફુલ, પ્રભુનું મન થયું પ્રફુલ । પછી ચાલ્યા ત્યાંથી મતિધીર, ગયા ગૌરાગામે બલવીર ।।૨૧।।

ખેલ ચાલતા થયા છે જ્યાંયે, આવ્યા છે અલબેલોજી ત્યાંયે । રામચંદ્રનો મુક્યો છે વેશ, જોયો નજરે દેવદેવેશ ।।૨૨।।

પોતે થયા છે રામસ્વરૂપ, ભેગા રમવા લાગ્યા અનૂપ । એકરૂપે ઉભા સખાપાસે, બીજું રૂપ લીલામાં પ્રકાશે ।।૨૩।।

પેર્યાં વસ્ત્ર આભૂષણ સાર, જેની શોભાતણો નહિ પાર । લીલામાં દેખ્યા છે બેઉ રામ, સહુ વિસ્મે પામ્યાં તેહ ઠામ ।।૨૪।।

દિવો લેઇ જુવે આવી પાશ, કર્યાં અનેક રૂપ પ્રકાશ । ઘડી એક થયા છે પ્રસન્ન, દીધાં છે લીલામાં દરશન ।।૨૫।।

લોક સરવે ત્યાં કેવા લાગ્યા, જાણે ઝબકી નિદ્રાથી જાગ્યા । છુપૈયાપુરના ધર્મ નામ, તેના પુત્ર હશે ઘનશ્યામ ।।૨૬।।

એવું કેતાં અદ્રશ થયા છે, સખાની પાસે એક રહ્યા છે । ઘણીવાર બતાવ્યો પ્રતાપ, પછે આવ્યા છુપૈયામાં આપ ।।૨૭।।

વળી બીજી કહું એક વાત, સુણો શ્રોતા થઇ રળિયાત । હરિની જમણી આંખ્ય જેહ, થોડીક લાલ થઇ છે તેહ ।।૨૮।।

ત્યારે કેછે સુવાસિની બાઇ, વીરા આંખ્ય દુઃખે છે કે ભાઇ । શ્રીહરિ કે છે એમ જણાય, થોડો થોડોક ખટકો થાય ।।૨૯।।

સુવાસિની કહે ભગવન, મારી પાસે છે એક અંજન । લાવો આંજું તે શીતળ થાશે, વળી તતકાળ મટી જાશે ।।૩૦।।

પછી ઓશરીમધ્યે ઉમંગ, એક ઢાળ્યો છે સારો પલંગ । પ્રભુ પોઢયા પલંગમાં સાંજે, ભાભી આંખ્યમાં અંજન આંજે ।।૩૧।।

ત્યારે બોલ્યા જદુપતિ દેવ, ઘણું શીતલ અંજન એવ । માટે આંજો આ બીજી જે આંખ્યે, એવું કૈને ચરિત્રજ દાખે ।।૩૨।।

અવિનાશીયે આંખ ઉઘાડી, પોતાની માયા તેમાં દેખાડી । બીજી આંખ્યમાં આંજવા જાય, સુવાસિની ત્યાં વિસ્મિત થાય ।।૩૩।।

દેખાડયાં છે બ્રહ્માંડ અનેક, સાગર પર્વતાદિ વિશેક । તારામંડળ સાથે આકાશ, ગ્રહાદિસ્થાન સર્વે પ્રકાશ ।।૩૪।।

ભાળી ભાળીને વિસ્મિત થયાં, અંજન કરવું ભુલી ગયાં । મહાપ્રભુજી પરમ ઉદાર, બોલ્યા મધુર વચન તેવાર ।।૩૫।।

ભાભી તમને પડયું શું વેમ, કરો અંજન આંખ્યમાં એમ । ત્યારે બોલ્યાં સુવાસિનીબાઇ, વીરા શું કરું અંજન ભાઇ ।।૩૬।।

તવ દક્ષિણનેત્રમાં આજ, કોટિબ્રહ્માંડનું દેખું કાજ । પ્રભુ કે આંજો એમ ન થાય, હવે માયા એવી ન દેખાય ।।૩૭।।

પછે આજ્ઞાથી કર્યું અંજન, સુવાસિની થયાં છે પ્રસન્ન । વિસ્મે પામ્યાં થકાં વદે વાણ, સુણો પ્રભુ પુરૂષપુરાણ ।।૩૮।।

તમે જક્તપતિ મહારાજ, મુને કરી કૃતારથ આજ । તમે બતાવ્યો માયાવિગ્રહ, આપે મોટો કર્યો અનુગ્રહ ।।૩૯।।

નારાયણ તમે નિર્વિકારી, અવતાર કેરા અવતારી । સર્વ-વ્યાપક સર્વનિયંતા, પ્રેરક સર્વેના બલવંતા ।।૪૦।।

સર્વના કર્મફલપ્રદાતા, ભવભયહારી જગત્રાતા । મહાસમર્થ છો સુખધામ, એવા થકા થયા ઘનશ્યામ ।।૪૧।।

ધર્મઘરે પ્રગટ થયા છો, છુપૈયાપુરવિષે રહ્યા છો । તે તો કરવા અમારું શ્રેય, મુને તો નિશ્ચે થયો છે તેય ।।૪૨।।

મૂર્તિ તમારી ઉરમાં ધારી, લાખો ફેરા જાઉં વારી વારી । માયાપાર તમારો મુકામ, બ્રહ્મમોલના વાસી છો શ્યામ ।।૪૩।।

વળી એકસમે સુખધામ, ગ્રીષ્મ ઋતુવિષે ઘનશ્યામ । જન્મસ્થાનમાં કૂપપ્રથાર, ત્યાં છે ચંપાતરુવર સાર ।।૪૪।।

વેદિકા પર નાખી રજાઇ, બેઠા પૂર્વમુખે સુખદાઇ । શ્વેતવસ્ત્ર કર્યાં પરિધાન, ટોપી પણ શિર શ્વેતવાન ।।૪૫।।

મોહનમાળા કંઠે સોહાય, એવા નીલકંઠજી દેખાય । વેણીમાધવ પ્રાગ પવિત્ર, સુખનંદનાદિ બાલમિત્ર ।।૪૬।।

બંશીધર રઘુનંદન નામ, બેઠા સખાયે વેષ્ટિત શ્યામ । રુડી વાત કરી સમજાવે, સખાને આનંદ ઉપજાવે ।।૪૭।।

એવામાં કાશી વાસી ઉદાસી, સન્યાસી બ્રહ્મચારી અભ્યાસી । મહાસમર્થ છે વિદ્યાવાન, ગયાતા નેપાલે બુદ્ધિમાન ।।૪૮।।

ફરતા થકા આવ્યા ત્રૈણે જયાંયે, છુપૈયાપુર પાવન ત્યાંયે । ધર્મદેવનું પુછીને નામ, આવ્યા દર્શન માટે તે ઠામ ।।૪૯।।

વૃષદેવે કર્યો સત્કાર, કરાવી છે રસોઇ તૈયાર । સારી રીતે પ્રીતેથી જમાડયા, રુડા આસન પર બેસાડયા ।।૫૦।।

ત્યાગી જમે સોપારી ને પાન, તે દેખી બોલ્યા શ્રીભગવાન । કોઇ શાસ્ત્રમાં કહ્યું છે આવું, ત્યાગીને પાન સોપારી ખાવું ।।૫૧।।

ત્યારે સન્યાસી કે હા કહ્યું છે, શાસ્ત્રથી અમે એવું લયું છે । શ્રીહરિ કહે બોલો વચન, કોઇ સતશાસ્ત્રનું પાવન ।।૫૨।।

શ્લોક બોલ્યા સન્યાસી બે ચાર, પણ કલ્પિત શાસ્ત્ર આધાર । શ્રીહરિ કહે એ નહિં માનું, આતો કલ્પિત છે કોઇ છાનું ।।૫૩।।

બોલ્યા ત્રિકમજી ધરી ટેક, શ્રીમદ્બાગવત શ્લોક એક । બીજા કૈક આપ્યાં છે પ્રમાણ, સતશાસ્ત્રનાં નિર્મલ વાણ ।।૫૪।।

શુદ્ધ વાણી મૃદુલ ગંભીર, સુણી ત્રૈણે ત્યાગી થયા સ્થિર । જેમ સૂર્યનો દેખી ઉદ્યોત, તેજ ક્ષીણ પામે છે ખદ્યોત ।।૫૫।।

એમ શ્રીહરિ આગલ્ય ત્યાગી, બેઠા બોલ્યા વિના અનુરાગી । ત્રૈણે જણા કરે છે વિચાર, શું આ બાળકનો છે ઉચ્ચાર ।।૫૬।।

ત્યાં તો આવ્યા છે હરિપ્રસાદ, બંધ કર્યો પ્રભુયે વિવાદ । ત્યાગી ધર્મને કે છે વચન, પાંડે શું આ તમારા છે તન ।।૫૭।।

ધર્મદેવ કહે છે તેપાસ, મુજ પુત્ર છે એ અવિનાશ । જાણીને ત્યાગી થયા પ્રસન્ન, ભારે પ્રતાપી છે તવ તન ।।૫૮।।

કરાવો છો કાંઇયે અભ્યાસ, જાણે દીસે છે જક્તનિવાસ । એમ કહીને પ્રાર્થના કીધી, મૂરતી મનમાં ધારી લીધી ।।૫૯।।

વેદશાસ્ત્રનો પામ્યા છે અંત, આ તો બહુનામી બલવંત । એમ દેખ્યા છે શ્રીઘનશ્યામ, વારે વારે કરે છે પ્રણામ ।।૬૦।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રી હરિયે ભાભીને પોતાના નેત્રમાં અનેક બ્ર્રહ્માંડ દેખાડયાં એ નામે પિસ્તાલીશમો તરંગઃ ।।૪૫।।