તરંગ - ૧૦ - શ્રીહરિએ ધર્મભક્તિને તથા રામપ્રતાપજીને કુવામાં શેષશાયીરૂપે દર્શન

Submitted by swaminarayanworld on Wed, 16/08/2017 - 10:22pm

 

રાગ સામેરી- ભાવ કરી સહુ સાંભળો, પાવન પુણ્ય પવિત્ર । શ્રીહરિની કથા સુંદર, વર્ણવું બાળચરિત્ર ।।૧।।

માતા કહે સુણ સુંદરી, કહું હરિચર્ણનાં ચિહ્ન । ઉર્ધ્વરેખા આદિક સર્વે, બતાવું કરીને ભિન્ન ।।૨।।

જમણે ચર્ણ અંગુઠા પાસે, ત્યાં થઇ આવી છે બાર । પાનીની બેકોરા નિકળી, ઉર્ધ્વરેખા અતિસાર ।।૩।।

એજ ચર્ણના અંગુઠામાં, ચિહ્ન તે જવનું સાર । વજ્ર જાંબુ ધ્વજ અંકુશ, પદ્મ જોઇને વાધે પ્યાર ।।૪।।

સ્વસ્તિક અષ્ટકોણ કૈયે, નવ દક્ષિણ પાદમાં । વામચરણે સાત બીજાં, તેને રાખો યાદમાં ।।૫।।

ઉર્ધ્વરેખા તે મધ્યે ખરી, વ્યોમ કળશ કહેવાય । અર્ધચન્દ્ર ગોપદ ધનુષ, ત્રિકોણ મત્સ્ય સોહાય ।।૬।।

એ આદિ બેઉ ચરણમાં, ચિહ્ન અનુપમ સાર । સ્નેહ કરી સંભારે તેનાં, પુણ્ય તણો નહિ પાર ।।૭।।

ભક્તિ ચિહ્ન ઓળખાવે છે, શ્રીહરિના પદમાં સાર । ત્યાંતો તેહ ચર્ણમાંથી, નિકળ્યો તેજ અંબાર ।।૮।।

વસુધામાં તે વ્યાપી રહ્યું, સાતલોક પર્યંત । દિપ્યમાન દિશાઓ થઇ, પામે નહિ કોઇ અંત ।।૯।।

શ્રીહરિનાં ચરિત્ર જુવો, શું કરે ત્યાં ઘનશ્યામ । એ તેજના અંબાર વિષે, દેખાડયું વૈકુંઠ ધામ ।।૧૦।।

ગરૂડ વિશ્વકસેનાદિ, જે પાર્ષદ જાણો એવ । ચતુર્ભુજે જુક્ત દેખાડયા, લક્ષ્મીનારાયણ દેવ ।।૧૧।।

વળી કહું વિશેષ વારતા, આદર વડે નિષ્કામ । સ્નેહ કરી તમે સાંભળો, ભક્તિ ધર્મ વશરામ ।।૧૨।।

સુંદરી આદિક ચારને, આપ્યાં આસન ભિન્ન । મામીના ઉત્સંગવિષેથી, લીધા પ્રભુને થૈને દીન ।।૧૩।।

નિજસિંહાસન ઉપરે, બેસાર્યા કરી પ્રીત । પૂજા કરીને તે બોલિયા, ઇંદિરાવર અમિત ।।૧૪।।

બહુનામીજી સારૂં કર્યું, આપ્યાં દર્શન આજ । એમ કહીને ધર્માદિની, પૂજા કરી સુખસાજ ।।૧૫।।

ભક્તિ-ધર્મ સુત તમારા, પોતે પૂરણકામ । શ્રીહરિ પુરૂષોત્તમ છે, પ્રગટયા છે તવ ધામ ।।૧૬।।

ભર્તખંડમાં સ્થલ જે, વૃત્તપુરી વખણાય । અમારૂં ત્યાં સ્થાપન કરશે, મુને તો એમ જણાય ।।૧૭।।

પ્રેમથી સજળ લોચન, ગદગદ કંઠે થયા । એક ચિત્તે ઘનશ્યામને, પ્રાણપતિ જોઇ રહ્યા ।।૧૮।।

ત્યારે પ્રસન્ન થઇ બોલિયા, મહાપ્રભુ અલબેલ । તવ મરજી અમે જાણી, તેમજ કરીશું ખેલ ।।૧૯।।

સ્થાપન કરશું અધિપતિ, સત્સંગને શિરતાજ । પૂર્ણ કરશું મનોરથ, થાશે સઘળાં કાજ ।।૨૦।।

એ સમે ૧ફણીધર આવ્યા, ગયાતા પિરોજપુર । દ્વાર ઉઘાડી જુવે તો, તેજ ભર્યું ભરપૂર ।।૨૧।।

પિતાજીને ત્યારે પુછીયું, તમે બેઠા છો કોણે ઠામ । એસમે તેજ સમાવી લીધું, પોતે પૂરણ કામ ।।૨૨।।

સંદેહ પ્રગટયો શેષને, પુછે ફરીને પેર । તાતજી તમે ક્યાં ગયાતા, શું હતું આપણે ઘેર ।।૨૩।।

તેજ શાનું હતું ઘરમાં, મેં જોયું નજરે જેહ । ધર્મ કહે હરિ ઇચ્છાએ, તેજ દેખાયું એહ ।।૨૪।।

વૈકુંઠધામસહીત જોયા, લક્ષ્મીનારાયણ દેવ । અમો સર્વેની પૂજા કરી, રમાપતિએ એવ ।।૨૫।।

એવું સુણી રાજી થયા, રામપ્રતાપજી ભાઇ । અદ્બુતલીલા વાલિડાની, યથામતિ મેં ગાઇ ।।૨૬।।

એક દિન વળી હરિને, માય કરાવ્યું સ્તનપાન । જન્મસ્થાન કુવા કાંઠે, બેસાર્યા શ્રીભગવાન ।।૨૭।।

નિજ ભ્રાતની પુત્રી જે, બલવંતાબાઇ નામ । તેને સોંપીને ગયાં ઘરમાં, કરવા રસોઇનું કામ ।।૨૮।।

પુત્રી કાંઇ સમજે નહિ, તે બાઇ છે નાનું બાળ; હરિને મુક્યા તે એકલા, પોતે ઘરે ગઇ તતકાળ ।।૨૯।।

ભાવિ હોય તે ટળે નહિ, હરિઇચ્છા બલવાન । રમતા રમતા કુવામાં, પડી ગયા ભગવાન ।।૩૦।।

પ્રાણજીવન પડી ગયા, તે જાણી ૨પન્નગભૂપ । તર્ત આવ્યા પાતાળમાંથી, ધરિ સહસ્રફણારૂપ ।।૩૧।।

ઝીલી લીધા ફણા ઉપર, જળથી અધર સાર । એવે સમે ત્યાં ભક્તિ આવ્યાં, ક્યાં ગયા મુજ કુમાર ।।૩૨।।

રસોડાનું કામ ત્યાગીને, તે જુવે ચારે પાસ । નટવરને દીઠા નહિ, ત્યારે પડયો તન ત્રાસ ।।૩૩।।

તમે પુત્ર મારા ક્યાં ગયા, કોઇ બતાવો કાલ । ભયથી જાણે ભુલાં પડયાં, આવી વળગ્યો શું વ્યાલ ।।૩૪।।

તારુણી મત્ય મેં તો કરી, સુના મુક્યા ક્યાં બાળ । પ્રેમવતી પસ્તાયને, રુદન કરે તતકાળ ।।૩૫।।

કુપ ઉપર બેસારીને, હું ગઇ રસોડામાંયે । બહાર આવી જોવુંછું તો, કુંવર ન મલે ક્યાંય ।।૩૬।।

એવું સુણીને ઉતાવળા, બોલ્યા રામપ્રતાપ । હાલ કુવાકાંઠા ઉપરે, બેઠા હતા ભાઇ આપ ।।૩૭।।

જુવોને માતાજી જાળવી, પડયા શું કૂપમાંયે । એવું સુણીને ભક્તિમાતા, આવ્યાં કુવાપર ત્યાંયે ।।૩૮।।

જનુની જુવે જળવિષે, બેઠામાંહિ બળવાન । પલાંઠિથી પાણી ઉપર, ભયહારી ભગવાન ।।૩૯।।

ધીરજ ન રહી માતને, દેખી થયાં દલગીર । આરતનાદે પોકારે છે, ઉભાં રહ્યાં કૂપતીર ।।૪૦।।

રામપ્રતાપજી આવીયા, વેગે આવ્યા છે ધર્મ । ભક્તિ કહે જુવો પાણીમાં, બેઠા ભૂધરજી પર્મ ।।૪૧।।

ત્રણ્યે જણ જુવે કૂપમાં, ત્યાં તેજનો નહિ પાર । તેજતારમાં શેષપર, પોઢયા છે જગદાધાર ।।૪૨।।

લક્ષ્મી ચર્ણ સેવા કરે, પ્રીતે પારષદ સહિત । એવું જોઇ આશ્ચર્ય પામ્યાં, થયાં શુદ્ધરહિત ।।૪૩।।

તે સમે થઇ ભક્તિધર્મને, પૂર્વની સ્મૃતિ મન । કૃષ્ણે દર્શન દીધાં હતાં, વાલિડે વૃંદાવન ।।૪૪।।

સમાઇ ગયું તેજ સર્વે, કુવામાં નિરધાર । કર લાંબા કર્યા પ્રભુયે, તેડી લીધા તેહવાર ।।૪૫।।

માતાને ત્રાસ મટાડીયો, ને શોક કર્યો છે નાશ । આનંદ આપ્યો અતિ ઘણો, એવા છે અવિનાશ ।।૪૬।।

આવી પ્રભુતાની વારતા, તે કહિ સર્વને માત । સગા સંબંધી સનેહી સર્વે, સુણી થયાં રળિયાત ।।૪૭।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ ધર્મભક્તિને તથા રામપ્રતાપજીને કુવામાં શેષશાયીરૂપે દર્શન દીધું એ નામે દશમો તરંગઃ ।।૧૦।।