તરંગ - ૭ - શ્રીહરિએ ધર્મભક્તિને શ્વેતદ્વીપ બતાવ્યો

Submitted by swaminarayanworld on Wed, 16/08/2017 - 10:20pm

તરંગ - ૭ - શ્રીહરિએ ધર્મભક્તિને શ્વેતદ્વીપ બતાવ્યો

પૂર્વછાયો- સંત હરિજન સાંભળો, સર્વ થઇ સાવધાન । માતાજીએ હરિકૃષ્ણને, કરાવ્યું પયપાન ।।૧।।

લાડ લડાવે છે લાલને, વાત્સલ્ય પ્રેમ સમેત । હરિને જોઇ સુખ પામે, વાધે મનમાં હેત ।।૨।।

આનંદમાં દિન જાય છે, જોતાં પ્રભુનું મુખ । પુત્રને જોઇ રહે રાજી, ટળ્યાં તન મનનાં દુઃખ ।।૩।।

પછે તે પોઢાડયા પારણે, માતાજી ધરીને ભાવ। હેતેથી હાલેરું ગાય છે, ઉરમાં કરી ઉછાવ ।।૪।।

ચોપાઇ- માતા હેત કરીને હુલાવે, પ્રભુને પારણામાં ઝુલાવે । શ્રીહરિને કરાવ્યું શયન, જાણે પુત્રવડે ભાગ્ય ધન્ય ।।૫।।

પછે ગયાં રસોડામાં માતા, કરે રસોઇ ત્યાં સુખદાતા । તે સમે આવ્યો ત્યાં અસુર, પૂર્વનું લેવા વૈર જરૂર ।।૬।।

બીજું કોઇ નવ જાણે મર્મ, અસુરે કર્યું છે એવું કર્મ । લીધા પારણા-માંથી પ્રભુને, લઇ ચાલ્યો આકાશે વિભુને ।।૭।।

મારી નાખવા મન વિચાર, ગતિ કરી ગગને તે વાર । વિચારીને જોયું તે શ્રીરંગ, ભાર ભૂમિતણો ધર્યો અંગ ।।૮।।

નિશાચરે ન થયો સહન, વસુધાનો છે બોજ ગહન । મારવું તો ભુલી ગયો મૂઢ, ગતિ ગોવિંદની અતિ ગૂઢ ।।૯।।

ચાલ્યો નહિ ત્યાં કોઇ ઉપાય, પાપી પીડા પામીને પસ્તાય । પ્રભુજીએ પકડયા જ્યાં પ્રાણ, બીજો કોણ કરાવે મેલાણ ।।૧૦।।

ગતિ ભંગ થઇ ગભરાણો, મોત વિના હું આજ મરાણો । એમ કરતો થકો તે અસુર, પડયો ચુડહા વનમાં તે ક્રુર ।।૧૧।।

પોતા ઉપર જગદાધાર, તેણે સહિત પડયો તે વાર । થયો છે મૂળ સ્વરૂપે એહ, તર્ત છુટી ગયો તેનો દેહ ।।૧૨।।

હરિએ કર્યું છે એવું કાજ, પછે ઘેર આવ્યા મહારાજ । હતા તેમના તેમજ સુતા, પ્રભુ પારણામાં જેમ હતા ।।૧૩।।

પડયો અસુર પૃથ્વી ઉપર, થઇ ગર્જના ઘોર જબર । તેનો શબ્દ વ્યાપ્યો દશેદિશ, મર્ણ પામી પડયો અસુરેશ ।।૧૪।।

ગામ સુરવાલમાં તતકાળ, શબ્દ સાંભળ્યો રામદયાળ । બંધુ વર્ગને પુછે છે આજ, ભાઇ ક્યાં થયો ભારે અવાજ ।।૧૫।।

ત્યારે કાયસ્થ તિલકરામ, ઠીક વચન બોલ્યા તે ઠામ । ગાજે આકાશમાં ૧પરજન્ય, મુને તો એમ લાગે છે મન ।।૧૬।।

કહે ૨મખન થયો છે ડોલ, આ વનમાં ચડયો છે વંટોળ । ભાંગ્યું વૃક્ષ તેનો છે ભડાકો, તેના જોગે થયો છે કડાકો ।।૧૭।।

એમ કરે પરસ્પર વાત, ત્યાંતો આવ્યા છે મારુત જાત । વ્યોમ માર્ગે જાતા દેખાય, છુપૈયાપુરમાંહી તે જાય ।।૧૮।।

ચુડહા વનમાં પડયો ભુર, જોયો અંજનીસુતે અસુર । મારુતિ પામ્યા મોહ અપાર, વળીવળી કરેછે વિચાર ।।૧૯।।

માર્યો અસુરને આણે ઠામ, એ તો ઘનશ્યામનું છે કામ । ભલું કામ કર્યું ભગવાન, ઉતાર્યું દુષ્ટનું અભિમાન ।।૨૦।।

માટે જાઉં હું પ્રભુની પાસ, દિલધારી છું એમનો દાસ । એમ વિચારી વેગે સિધાવ્યા, કપિપતિ છુપૈયામાં આવ્યા ।।૨૧।।

ઉભા સન્મુખ આવી તે વાર, રૂડી રીતે કર્યા નમસ્કાર । બોલ્યા મારૂતિ તેહજવાર, સારૂં કર્યું છે પ્રાણ આધાર ।।૨૨।।

હું તો ગયો તો ભોજન કરવા, આવ્યો અસુર આંહિ સંહર્વા । પણ રૂડું કર્યું તમે કાજ, માર્યો દનુજને મહારાજ ।।૨૩।।

એવો જોઇ તમારો પ્રતાપ, મુને સંતોષ થયો અમાપ । પણ તવ અપરાધ થયો, તમારી આજ્ઞા વિના હું ગયો ।।૨૪।।

માફ કરજો અપરાધ મારો, હું તો ચર્ણ સેવક તમારો । રામપ્રતાપને ધર્મદેવ, વાત સુણી એ અવશ્યમેવ ।।૨૫।।

એવામાંતો ગાયોના ગોવાળ, આવ્યા તે વનમાં થકી બાળ । દીઠો મરેલો દૈત્ય લોચન, ભયભીત થયા જોઇ મન ।।૨૬।।

ઉતાવળા આવીને ઉચારી, વાત છુપૈયામાંયે વિસ્તારી । છુપૈયા સુરવાલનાં જન, પામ્યાં વિસ્મે થયાં છે મગન ।।૨૭।।

વાત સુણીને સરવે લોક, જોવા ગયાં તે વન અશોક । જુવે તો છે મરેલો અસુર, ભયંકર સ્વરૂપનો ભુર ।।૨૮।।

મહા આશ્ચર્ય પામ્યાં છે સર્વ, મટી ગયા મનુષ્યના ગર્વ । ભૂમિનું પડ ભાંગી ગયું છે, આ તો કૌતુક મોટું થયું છે ।।૨૯।।

તરુ સર્વે તો થયાં છે ચુર, તજે ધીરજ દેખીને અસુર । વારે વારે કહીને વખાણે, ગયા પોત પોતાને ઠેકાણે ।।૩૦।।

વળી એક સમે ભક્તિમાતા, સુવાડયા પારણે જગત્રાતા । તેહ પારણે ઘુઘરો એક, બાંધ્યો છે તેને ઉંચો વિશેક ।।૩૧।।

માતા ઉંઘી ગયાં સુખભેર, સુણો શ્રીહરિએ કરી પેર । કેશવે કર લાંબોજ કીધો, લાલે ઘુઘરો છોડીને લીધો ।।૩૨।।

તેહ ઘુઘરો ચુસવા લાગ્યા, વાલા વદનમાં શબ્દ વાગ્યા । તેને સાંભળી માતાજી જાગ્યાં, જગજીવનને જોવા લાગ્યાં ।।૩૩।।

જુવે પારણીયા સામું જ્યારે, બાંધેલો ઘુઘરો નથી ત્યારે । દિઠો હરિના કરમાં જેવો, થયો માતાને વિચાર એવો ।।૩૪।।

કોણે પ્રભુને ઘુઘરો દીધો, કેશું એના હાથે છોડી લીધો । એવો સાંભળી શબ્દ ઉચ્ચાર, આવ્યા હરિપ્રસાદ તે વાર ।।૩૫।।

ધર્મદેવ કહે સુણો સતિ, એના હાથે લીધો કરી ગતી । તેને કોઇએ છોડી આપ્યો નથી, સત્ય કહું છું તમને કથી ।।૩૬।।

પોતે લાંબા કરીને બે હાથ, લીધો ઘુઘરો તે મારે નાથ । બેઠો તો ચોતરાપર બાર, મારી નજરે જોયું નિરધાર ।।૩૭।।

વળી માતાજી પ્રેમ સમેત, બેઠાં ઓસરીમાં કરી હેત । પુત્રને કરાવે સ્તનપાન, લેઇ ઉત્સંગમાં ભગવાન ।।૩૮।।

ચકલી ઉડી ત્યાં અકસ્માત, ત્યારે ચમક્યા ભૂધર ભ્રાત । બોલ્યાં દીદી તે પરમ દયાળ, ચંચુ તું ઉડી ક્યાં આણે કાળ ।।૩૯।।

મારા પુત્રને કાં બીવરાવે, વપુનું ભાન તું વિસરાવે । ખમાંખમાં કહી બેઉ હાથ, ફેરવેછે પ્રભુજીને માથ ।।૪૦।।

ત્યારે બોલ્યા છે વિશ્વઆધાર, સુણો માતા કહું એક સાર । અમેતો નથી ડરીયે એવા, નહિ બીજા બાળકના જેવા ।।૪૧।।

ત્યારે ભક્તિમાતા કહે એમ, તમે કોણ છો ન બીયો કેમ । દીદી હું તો છું ધામનો ધામી, અક્ષરાધિપતિ બહુનામી ।।૪૨।।

પુરુષોત્તમજી અમે છૈયે, લ્યોને સાચેસાચું અમે કહીયે । ભક્તિ ધર્મ તમેછો માબાપ, મોટા ભાઇ જે રામપ્રતાપ ।।૪૩।।

એ છે શેષ તણો અવતાર, તેમાં કાંઇ નથી ફેરફાર । એવું સાંભળી આશ્ચર્ય પામ્યાં, ભક્તિમાતા સર્વે દુઃખ વામ્યાં ।।૪૪।।

વળી બી કહું છું ચરિત્ર, સુણો સંત હરિજન મિત્ર । એકદિવસ શ્રીભક્તિમાતા, બેઠાં છે પામીને સુખશાતા ।।૪૫।।

જુવે પુત્રનો દક્ષિણ હસ્ત, રુડી રેખાઓ છે તે સમસ્ત । તે સમે ધર્મ આવી બીરાજ્યા, ઓશરીજેર ઉપર રાજ્યા ।।૪૬।।

પાસે ઉભા છે વડીલભાઇ, કહે ભક્તિ જુઓ ભુજમાંઇ । કરની હથેળીમાં રેખાય, વળી ચિહ્ન આ શાનાં દેખાય ।।૪૭।।

કહે ધર્મ સુણો આણે દિન, ધ્વજ કમળ અંકુશ ચિહ્ન । એજ વિશ્વપતિનેજ હોય, કોઇ દેવ મનુષ્યને નોય ।।૪૮।।

એટલામાં તો થયો પ્રકાશ, કર હથેળીમાંથી ઉજાસ । છુટે તેજના અંબાર ઝાઝા, જાણે સાગરે મુકી છે માઝા ।।૪૯।।

નવખંડધરામાં છવાયું, સપ્તલોક સુધિમાં ભરાયું । દશદિશાઓમાં જય જય, અતિ ચૈતન્ય ચૈતન્યમય ।।૫૦।।

જાણે અમૃત ઝરણાં ઝરે છે, તેમ અક્ષરમુક્ત ફરે છે । દોષરહિત દેદિપ્યમાન, ઉપમા કોની આપું આ સ્થાન ।।૫૧।।

નથી તાપને નથી તડકો, નથી શીતલ નથી ભડકો । આતો શાંત તેજ સુખકારી, જાય લોકપતિ બલહારી ।।૫૨।।

એવું જોઇને તેજ પ્રકાશ, ભુલ્યાં દેહતણો તે અધ્યાસ । ભક્તિધર્મને રામપ્રતાપ, ગયાં અંજાઇ તેજમાં આપ ।।૫૩।।

હરિ ઇચ્છાના બળે કરીને, દિઠું આશ્ચર્ય બીજું ફરીને । શ્વેતદ્વીપ અને વાસુદેવ, જોયા અસંખ્ય મુક્તને એવ ।।૫૪।।

ત્યારે પ્રારથના કરે તર્ત, રાખી સુંદર છબીમાં શર્ત । સુણિ પ્રારથના ભગવન, પાસે બેસારી બોલ્યા વચન ।।૫૫।।

સુણો રામપ્રતાપજી પર્મ, માતાપિતા તે ભક્તિને ધર્મ । તમેતો શેષનો અવતાર, ઘનશ્યામ છે જગદાધાર ।।૫૬।।

પ્રગટયા પુરૂષોત્તમ પોતે, ભક્તિધર્મતણે ઘેર જોતે । કરવા જીવતણાં કલ્યાણ, ધર્યો જન્મ ભૂમિયે પ્રમાણ ।।૫૭।।

શિશુરૂપ જે દેવના દેવ, નમિયા તેમને વાસુદેવ । પછી તેજ આકરષી લીધું, હથેળીમાં તે સમાવી દીધું ।।૫૮।।

વાસુદેવ થયા અંતર્ધાન, ભક્તિ આદિને આવ્યું છે ભાન । રામપ્રતાપ ધર્મને ભક્તિ, તેમણે જોઇ પ્રભુની જુક્તિ ।।૫૯।।

માતા ભક્તિ નિત્ય પુત્ર ભાવે, લાલને પછે લાડ લડાવે । આવી કરે લીલાઓ અનંત, તે તો સમજી શકે કોઇ સંત ।।૬૦।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ ધર્મભક્તિને શ્વેતદ્વીપ બતાવ્યો એનામે સાતમો તરંગઃ ।। ૭ ।।