તરંગ - ૪ - બ્રહ્માદિ દેવ દર્શને આવ્યા

Submitted by swaminarayanworld on Wed, 16/08/2017 - 10:16pm

તરંગ - ૪ - બ્રહ્માદિ દેવ દર્શને આવ્યા

પૂર્વછાયો- ઘનશ્યામાત્મજ બોલિયા, સુણો રામશરણજી ભાઇ । વિસ્તારીને વર્ણવું, વળી વાલમજીની વડાઇ ।।૧।।

સાંભળતાં સુખ ઉપજે, પાપી થાય પવિત્ર; ૧સુધા પીતાં થાય અમર, એવાં છે આ ચરિત્ર ।।૨।।

ઘનશ્યામના ગુણ ગાતાં, વાધેછે હર્ષ અપાર । સ્નેહથી સંભળાવું છું, સાર તણો વળી સાર ।।૩।।

પ્રભુયે પ્રગટ થઇને, લીલા કરી છે અપાર; પણ બુદ્ધિ અનુસારે કહું, ચિત્ત ધરો નિરધાર ।।૪।।

ચોપાઇ- વળી એકદિન મધરાત, ભરનિદ્રામાં પોઢયાંતાં માત । પૂર્વ દિશાભણી ભીંતમાંયે, હતી જાળી તે ઘરની ત્યાંયે ।।૫।।

પોઢયા પારણે શ્રીઘનશ્યામ, પડયો ચન્દ્ર પ્રકાશ તે ઠામ । નેત્ર ઉઘાડીને જોયું નાથ, દેખ્યો ૨નિશાપતિ તેજસાથ ।।૬।।

કર વધારીને લાંબો કીધો, ઝટ ચન્દ્રમાને ઝાલી લીધો; પકડી લાવ્યા છે ઘરમાંય, ઝબકી જાગ્યાં માતાજી ત્યાંય ।।૭।।

જુવે છે તો ઘરમાં પ્રકાશ, વાલો તે સંગે કરે વિલાસ । અચાનક ઉભાં થયાં માતા, તર્ત તેડી લીધા જગત્રાતા ।।૮।।

ભયભીત થઇ ગયાં ભારે, વળી માતાજી મન વિચારે । દીદી બીશો નહિ દિલમાંયે, આ તો ચન્દ્રમા આવ્યા છે આંયે ।।૯।।

એવું સુણી રાજી થયાં મન, મુકી દીધા છે ત્યાં નિજ તન । કીધો ચન્દ્રમાયે નમસ્કાર, ગયા નિજસ્થાનક મોઝાર ।।૧૦।।

સુણો રામશરણ આનંદે, પદ રચ્યાં છે તે ભૂમાનંદે । કર્યું છે તેનું રૂડું વર્ણન, સુણતાં થાય પાપી પાવન ।।૧૧।।

વળી બીજી કહું એક પેર, ભક્તિમાતા છે પોતાને ઘેર । નિજ પુત્રને લઇ ૧ઉત્સંગે, કરાવે સ્તનપાન ઉમંગે ।।૧૨।।

ધાવીને તૃપ્ત થયા છે ધીર, કર્યું ચરિત્ર એક ગંભીર । બગાસું બહુનામીએ ખાધું, દેખાયું તેમાં બ્રહ્માંડ બાધું ।।૧૩।।

નિજ વદનમાં નિરધાર, દેખાડયાં ચૌદ ભુવન સાર । ભવ બ્રહ્મા વિષ્ણુ વળી ઇન્દ્ર, તારામંડલ સહિત ચન્દ્ર ।।૧૪।।

શિશુમાર ચક્ર દ્વિપસાત, લોકાલોક અલોક વિખ્યાત । મહાગિરિજુત ધરા જેહ, સાત સમુદ્ર કહિયે તેહ ।।૧૫।।

જે અવ્યાકૃત ધામે સહિત, ભૂમાપુરૂષ માયા રહિત । એવાં અનંત આશ્ચર્યભિન્ન, દેખાડયાં એક કાલાવિચ્છિન્ન ।।૧૬।।

અદ્બુત ચરિત્ર તે નિરખ્યાં, ભક્તિમાતા મન ઘણું હરખ્યાં । વસંતાબાઇ આદિ જે બેન, તેને વાત કહિ સુખદેન ।।૧૭।।

છુપૈયાપુરનાં સહુજન, જાણી આશ્ચર્ય પામ્યાં છે મન । એવી લીલા કરે છે અપાર, સુખ આપે છે ધર્મકુમાર ।।૧૮।।

એકસમે શ્રીધર્મને દ્વાર, આવ્યા પૂણ્ય દેવ તેણી વાર । નારદ તુંબરૂ બ્રહ્મા સાથ, આવ્યા દર્શન માટે સનાથ ।।૧૯।।

નૃત્ય કરીને નારદ ઋષિ, કર્યા શ્રીઘનશ્યામને ખુશી । તુંબરુંએ બજાવ્યું છે તાન, કર્યું મધુર સ્વરથી ગાન ।।૨૦।।

વળી ૨કમલાસન તે ઠાર, આવી કરે વેદ ઉચ્ચાર । બહુનામી છે બાલકરૂપ, ઘણા રાજી થયા સુરભૂપ ।।૨૧।।

છુપૈયાપુરનાં જેહ જન, આવ્યાં ધર્મને દ્વાર પાવન । ઘનશ્યામની શોભાને જોઇ, નરનારી રહ્યાં મનમોઇ ।।૨૨।।

મોટામોટા મુનિ લલચાયા, ચિત્ત આતુર થઇ ખેંચાયાં । ગતિ ગોવિંદની અતિગૂઢ, થયાં મનુષ્ય ત્યાં દિગમૂઢ ।।૨૩।।

રામપ્રતાપને વશરામ, ગયાતા લોહગંજરી ગામ । તે સમે બેઉ આવ્યા સંગાથ, જોઇ ચરિત્ર થયા સનાથ ।।૨૪।।

મોહ પામ્યા તે મામો ભાણેજ, કરે વિચાર જીવમાં એજ । ભારે પ્રતાપી શ્રીઘનશ્યામ, જેનું જોગી જપે નિત્ય નામ ।।૨૫।।

પોઢયાતા પ્રભુજી બાલસ્વરૂપ, ઉઠી બારણે આવ્યા અનુપ । દેવતાઓને દર્શન દીધાં, સહુ કામજ સફલ કીધાં ।।૨૬।।

૩રંભાફલની પ્રસાદી આપી, પીડા જન્મો જનમની કાપી । નમસ્કાર કરી તેહ દેવ, થયા અદૃશ્ય આકાશે એવ ।।૨૭।।

પાછા જઇ પોઢયા પરબ્રહ્મ, તેનો કોણ જાણી શકે મર્મ । એવાં અદ્બુત જોઇ ચરિત્ર, પ્રાણીમાત્ર થયાં છે પવિત્ર ।।૨૮।।

એક દિવસે ધર્મકુમાર, પોઢયા પોતે પલંગ મોઝાર । સ્વર્ગલોકથકી તેણી વાર, આવી અપ્સરાઓ નિરધાર ।।૨૯।।

કરવા પ્રભુજીને પ્રસન્ન, નૃત્ય કરે છે ધારીને મન; ઉર્વશી રંભા આદિ જેહ, કરે મીઠે સ્વરે ગાન તેહ ।।૩૦।।

ધર્મદેવના દ્વારઅગાડી, નાચે રંભાદિ તાલ વગાડી । છુપૈયાપુરવાસી જે જન, શબ્દ સુણી થયાં છે મગન ।।૩૧।।

જુવે રાજી થઇ નરનાર, જેની શોભા તણો નહિ પાર । ટળ્યા સર્વેના શોક સંતાપ, મળ્યા પ્રગટ પ્રભુજી આપ ।।૩૨।।

ભારે ભીડ થઇ છે રે ત્યાંય, ઘણાં મનુષ્ય આવે છે જ્યાંય । છુપૈયાપુર જે ભાગ્યવાન, જ્યાં પ્રગટ થયા ભગવાન ।।૩૩।।

સુંદરીઓ કરે છે સ્તવન, જય જય જય ભગવન । પછે બારણે આવ્યા જીવન, દેવા રંભાદિને દરશન ।।૩૪।।

સુણી રાજી થયા પ્રાણપતિ, આપ્યાં ફળ નારંગીનાં અતિ । આજ્ઞા માગીને અદૃશ્ય થઇ, પોતપોતાને સ્થાનકે ગઇ ।।૩૫।।

પાછા ઘરમાં ગયા મોરારી, પોઢયા પલંગમાં સુખકારી। એેમ નિત્ય આપેછે આનંદ, ટાળવા જીવના ભવફંદ ।।૩૬।।

કરે માનુષિ લીલા વિહારી, તેતો સમજી શકે સંસ્કારી । આવ્યા અક્ષરથી અલબેલો, કરે ચરિત્ર સુંદર છેલો ।।૩૭।।

વળી ભક્તિ-ધર્મ એકવાર, પુત્રની પરીક્ષા જોવા પ્યાર । મુક્યું પુસ્તકને સોનામોર, પાસે આયુધ તે એકઠોર ।।૩૮।।

દેખીને ત્યાં દોડયા દીનાનાથ, મુક્યો પુસ્તક ઉપર હાથ । ધર્મદેવે ધાર્યું એમ મન, આતો શાસ્ત્રવેત્તા થાશે તન ।।૩૯।।

ભક્તિધર્મ પૂર્ણ ભાગ્યવાન, જેના પુત્ર થયા ભગવાન । છુપૈયાપુરવાસીનાં સુખ, શું વખાણી કહું એક મુખ ।।૪૦।।

વાસ કર્યો પ્રભુએ જે ઠાર, ઇચ્છે અમર ત્યાં અવતાર । એ તો વાત ઘણી છે દુર્લભ, પણ સેવકને તો સુર્લભ ।।૪૧।।

જેને માટે યોગી યોગ સાધે, ૧અહીપતિ અખંડ આરાધે । સ્વપને ન પામે દરશન, પામ્યા છે તેને તો ધન્ય ધન્ય ।।૪૨।।

ઇતિ શ્રી મદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે બ્રહ્માદિ દેવ દર્શને આવ્યા એ નામે ચોથો તરંગઃ ।।૪ ।।