તરંગ - ૧ - જીવરાણીને પુરુષોત્તમે દર્શન દીધું

Submitted by swaminarayanworld on Wed, 16/08/2017 - 10:09pm

 

પૂર્વછાયો- જયજય શ્રીઘનશ્યામજી, મંગલરૂપ સદાય । અક્ષરપર છે વાલીડો, જેનો મોટો મહિમાય ।।૧।।

બહુનામી બ્રહ્મમોલથી, આવ્યા તે આપોઆપ । અનેક જીવ ઉદ્ધારવા, ટાળવા ત્રિવિધ તાપ ।।૨।।

પ્રૌઢ પ્રતાપ જણાવીયો, પૃથ્વીપર અવિનાશ । મનોહર રૂપ ધરીને, કર્યો ધર્મ પ્રકાશ ।।૩।।

દેવના દેવે દયા કરી, ત્રિભુવનપતિના ભૂપ । પરમારથ માટે પ્રભુએ, ધર્યું મનુષ્યનું રૂપ ।।૪।।

કરજોડી કરું વિનતી, આપજો બુદ્ધિ પવિત્ર । પ્રગટનાં પાવનકારી, ગાઉં છું બાલચરિત્ર ।।૫।।

ચોપાઇ- સુણો શ્રોતા થઇ સાવધાન, છુપૈયાપુર સુંદર સ્થાન । જેમાં અખંડ હરિનો વાસ, વાલાયે કર્યો છે ત્યાં વિલાસ ।।૬।।

એક સમે આણિ આહલાદ, પધાર્યા ત્યાં અવધ પ્રસાદ । હજારો સંતને હરિજન, આવ્યા છુપૈયાપુર પાવન ।।૭।।

ઘનશ્યામનાં દર્શન કિધાં, નિજ સેવકને સુખ દીધાં । પાસે નારાયણસર શોભે, જોઇ હરિજનનાં મન લોભે ।।૮।।

તે નારાયણસરને તીર, બેઠા ધર્મધુરંધર ધીર । ભારે મળી છે મોટી સભાય, જેની શોભા કહિ નવ જાય ।।૯।।

ગાદીતકીયા પાસે પલંગ, રાજે ઉત્તરમુખ ઉમંગ । સાથે સગ્દુરુ છે ત્યાં સર્વ, દેખી ઉતરે દેવનો ગર્વ ।।૧૦।।

સ્વામી સદ્ગુરુ સુખાનંદ, માયાજીતાનંદ સુખકંદ । પર્મચૈતન્યાનંદજી સ્વામી, નિર્ગુણાનંદમાં નહિ ખામી ।।૧૧।।

એહ આદિ સભામાં છે સર્વ, શું વખાણું મહિમા અપૂર્વ । પ્રેર્યા રામશરણને મુક્તે, પુછો ધર્મ ગુરુજીને જુક્તે ।।૧૨।।

સૌને સાંભળવા છે મરજી, મહારાજ સુણો આ અરજી । અક્ષરાધિપતિ અવિનાશ, થયા પૂરણબ્રહ્મ પ્રકાશ ।।૧૩।।

છુપૈયાપુરમાં જગવ્યાપ, થયા ભક્તિધર્મ થકી આપ । કરી કરૂણા શ્રીઘનશ્યામ, પ્રભુતા દેખાડી અભિરામ ।।૧૪।।

કરવા ભક્તનાં રૂડાં કાજ, કર્યાં ચરિત્ર જે મહારાજ । બલવંત સદા બહુનામી, અખિલભક્તના અંતર્યામી ।।૧૫।।

કાળના કાળ ઇશના ઇશ, આપે મુક્તિદાન જગદીશ । જેની આજ્ઞા પાળે લોકપાલ, દીનબંધુ છે દીન દયાળ ।।૧૬।।

એવી પ્રભુની લીલા અપાર, કહો કૃપા કરી નિરધાર । વાણી સુણીને થયા મગન, બોલ્યા અવધ પ્રસાદ વચન ।।૧૭।।

ધન્ય રામશરણજી તમને, આવું રૂડું પ્રશ્ન પુછયું અમને । તેનો ઉત્તર કહું છું હાલ, સુણજો સાવધાનથી બાલ ।।૧૮।।

રામ પ્રતાપને ઇચ્છારામ, મુક્તાનંદ બ્રહ્માનંદ નામ । ગુણસાગર ગોપાલાનંદ, નિત્યાનંદને નિત્ય આનંદ ।૧૯।।

મહાનુભાવાનંદજી મહંત, જાણે છે સર્વ શાસ્ત્રનો અંત । મોટા મુક્ત જે આનંદ સ્વામી, નિષ્કુળાનંદજી નિષ્કામી ।।૨૦।।

શુકમુનિ દેવાનંદ સાર, પ્રેમાનંદનો પ્રેમ અપાર । તદ્રુપાનંદ છે મહામુક્ત, અક્ષરાનંદ છે ગુણજુક્ત ।।૨૧।।

ચૈતન્યાનંદને ભૂમાનંદ, ઉતમાનંદને કૃશ્નાનંદ ગુણાતીતાનંદ સિદ્ધાનંદ, સુખાનંદને વિરક્તાનંદ ।।૨૨।।

વર્ણી મુકુન્દાનંદ નિરમાન, હરિ સેવામાં છે સાવધાન । વર્ણી વાસુદેવાનંદ સ્વામી, શ્વેતધર્મ ધારક નિષ્કામી ।।૨૩।।

જેરામ બ્રહ્મચારી છે વર્ણી, જયાનંદ દેવાનંદ વર્ણી । સર્વજ્ઞાનંદ છે સાવધાન, અદ્બુતાનંદ છે નિરમાન ।।૨૪।

બદ્રીનાથાનંદ દયાનંદ, વ્યાપકાનંદ સ્વરૂપાનંદ । મંજુકેશાનંદ જ્ઞાનાનંદ, સચ્ચિદાનંદ પોતે સ્વચ્છંદ ।।૨૫।।

પવિત્રાનંદ નિર્દોષાનંદ, શિવાનંદ ભગવદાનંદ । સુખદાતાનંદ યોગાનંદ, રઘુનાથાનંદ આત્માનંદ ।।૨૬।।

ભગુજી મિયાંજીને હરજી, દેવા વિરા ને વળી હીરજી । સોમ સુરા ને પર્વતભાઇ, ભટ મયારામ સુખદાઇ ।।૨૭।।

રૂડા રતનજી ભક્તરાજ, દાદાખાચરે સુધાર્યું કાજ । અલૈયા મુલજી શેઠ સારા, વેણી માધવ પ્રાગજી પ્યારા ।।૨૮।।

એવા અક્ષરધામના મુક્ત, જાણે ત્રણ્યે કાલ તણી જુક્ત । તેમના મુખથી સુણ્યાં જેહ, કહું ચરિત્ર સાંભળો તેહ ।।૨૯।।

સુણો રામશરણજી ભ્રાત, ઘનશ્યામચરિત્રની વાત । સાંભળ્યાં છે જોયાં છે મેં જેવાં, તમને કહું વિસ્તારી તેવાં ।।૩૦।।

છુપૈયાપુર છે રૂડું ધામ, તેમાં ત્રવાડી બાલકરામ; પ્રભુ ઇચ્છાથી તે માંદા થયા, રાખી ધીરજ ધર્મમાં રહ્યા ।।૩૧।।

દુંદકૃશ્નશર્મા બેઉ તન, જેને માતપિતામાં છે મન । બેસારી છે સપ્તા દિન સાત, શ્રીમદ્બાગવતની વિખ્યાત ।।૩૨।।

તે સપ્તા પુરી થઇ છે જ્યારે, સંબંધી એકઠાં થયાં ત્યારે । બેસી એકાંતે ઘરમોઝાર, સરજુ૧(સરજુ તીરે દેનદેવા) કલ્પવા ધાર્યો વિચાર ।।૩૩।।

ત્યારે બોલ્યા ત્યાં બાલકરામ, મારા સંબંધી સુણો તમામ । સર્જુ કલ્પવા તો જાવું નથી, તેનું કારણ કહું છું કથી ।।૩૪।।

એવું સાંભળી ઉદાસી થયા, પિતાજીના સમીપમાં ગયા । દુંદકૃશ્નશર્મા જોડી હાથ, બોલ્યા પિતાજી કરો સનાથ ।।૩૫।।

લાગે લોકઅપવાદ શીરે, માટે જાવું તે સર્જુને તીરે । કહે બાલકરામજી પ્રીતે, સુણો પુત્ર કહું રૂડી રીતે ।।૩૬।।

ઉત્થાપન કરીને અધર્મ, સ્થાપવાને સનાતન ધર્મ । છુપૈયાપુરમાંહી પાવન, થાશે પ્રગટ શ્રીભગવન ।।૩૭।।

અક્ષરાતીત જે અવિકારી, અવતારતણા અવતારી । પુરુષોત્તમજી નારાયણ, પુત્ર થાજો તેને પરાયણ ।।૩૮।।

સુખકારી કરશે સહાય, લોકમાં નહિ થાય નિંદાય । માટે આંહી તજીશ શરીર, જાવું નથી સર્જુ ગંગાતીર ।।૩૯।।

મારો મહિમા મોટો પ્રમાણો, પૂર્વનો છું હું કશ્યપ જાણો । એવું સુણી જીવરાણી બાઇ, પાસે બેઠી છે આવીને ધાઇ ।।૪૦।।

બોલાવી સમીપ બેઉ તન, જીવરાણી વદે છે વચન । સુણો પુત્ર કહું તે કરજો, ધ્યાન પુરૂષોત્તમનું ધરજો ।।૪૧।।

પતિવ્રતા હું પતિઆધીન, મારે કરવું છે સહગમન । એવાં સાંભળી ત્રાસનાં વેણ, નીર ભરાયાં પુત્રને નેણ ।।૪૨।।

કરે વિવિધના તે વિલાપ, સુત પામ્યા છે ઘણો સંતાપ । સુતને સમજાવે છે માતા, પણ પુત્રને થઇ નહિ શાતા ।।૪૩।।

બ્રહ્મરૂપ થઇ કર્યું સ્નાન, બેઠાં પવિત્ર એકજ સ્થાન । કરમાળા લીધી એકતંત્ર, અષ્ટાક્ષરનો જપે છે મંત્ર ।।૪૪।।

ઘણીવાર સુધી એમ કીધું, પુરુષોત્તમે દર્શન દીધું । અક્ષરાધિપતિ પોતે આપ, દીધાં દર્શન પુન્ય પ્રતાપ ।।૪૫।।

અલૌકિક છે અદ્ભુતરૂપ, કોટિ કોટિ બ્રહ્માંડના ભૂપ । બોલ્યા મુખથી ગંભીર વાણી, બાઇ સુણો તમે જીવરાણી ।।૪૬।।

કૃશ્નશર્માની વધુ ભવાની, તેને છે ભક્તિ પુત્રી થવાની । મોટી સરવારે ગામ ઇટાર, ત્યાં છે બાલશર્મા વિપ્રસાર ।।૪૭।।

ધર્મદેવ લેશે અવતાર, તેના પુત્ર થાશે નિરધાર । છુપૈયામાં તે ભક્તિની જોડે, પરણાવશે તે ધર્મને કોડે ।।૪૮।।

એજ ધર્મ અને ભક્તિ થકી, અવતાર ધરીશ હું નકી । થોડા કાલમાં તે હું આવીશ, સાથે ઘણાક મુક્ત લાવીશ ।।૪૯।।

અવતાર તે ધરતીયે ધરશે, અક્ષરના તે ધર્મ આચરશે । ધર્મકુલે આચાર્ય પદવી, સ્થાપન કરીશ હવે નવી ।।૫૦।।

ભૂમિતણો ઉતારવા ભાર, મારા ભક્તનો કરવા ઉદ્ધાર । અધર્મ કલિ કરવાને દૂર, થાઇશ પ્રગટ છુપૈયાપુર ।।૫૧।।

એમ કહી અંતર્ધાન થયા, દિલમાંહિ રાખી બહુ દયા । ત્યાંથી ઉઠયાં પછી જીવરાણી, કહી વાત પુત્રને વખાણી ।।૫૨।।

બાલકરામ સાથે તે નારી, તન તજવા કરી તે તૈયારી । શ્રીકૃષ્ણનામનું સ્મરણ કિધું, બ્રહ્મદેવે વપુ તજી દિધું ।।૫૩।।

સતીયે કર્યું સહગમન, પતિ સાથે પ્રજવાલ્યું છેતન । ગયાં દંપતિ બે બ્રહ્મલોક, ટળ્યા સંસારના સહુ શોક ।।૫૪।।

પ્રભુપ્રતાપથી મોક્ષ પામ્યાં, લખચોરાશીનું દુઃખ વામ્યાં । બાલલીલા સુણે નરનાર, પામે તેતો પુરુષાર્થ ચ્યાર ।।૫૫।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે જીવરાણીને પુરુષોત્તમે દર્શન દીધું એ નામે પ્રથમો તરંગઃ ।।૧।।