અધ્યાય - ૪૬ - પ્રકીર્ણપાપનાં પ્રાયશ્ચિતનો વિધિ તથા અતિ અધિક પાપનાં પ્રાયશ્ચિતનું નિરૃપણ.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 9:47pm

અધ્યાય - ૪૬ - પ્રકીર્ણપાપનાં પ્રાયશ્ચિતનો વિધિ તથા અતિ અધિક પાપનાં પ્રાયશ્ચિતનું નિરૃપણ.

પ્રકીર્ણપાપના પ્રાયશ્ચિતનો વિધિ તથા અતિ અધિક પાપના પ્રાયશ્ચિતનું નિરૃપણ.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ ! પૂર્વોક્ત ઉપપાપો કરતાં પણ નાના પ્રકીર્ણ પાપો છે. તેની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત કર્યા વિના કરનાર પુરુષને પરલોકમાં પણ પીડા ઉપજાવે છે.૧

જે ત્રણ વર્ણના દ્વિજાતિ પુરુષો યજ્ઞાનું શેષ એવું માંસ ક્યારેય પણ અજ્ઞાનથી ભક્ષણ કરે તો ચાંદ્રાયણ વ્રત કરવાથી જ શુદ્ધ થાય છે. તે સિવાય અલ્પ સરખાં વ્રત કરવાથી શુદ્ધ થાય છે.ર

રજસ્વલા બ્રાહ્મણીને જો ચંડાલ કે પતિતનો સ્પર્શ થયો હોય તો તે ચાંદ્રાયણવ્રત કરવાથી અને બ્રાહ્મણોને જમાડવાથી શુદ્ધ થાય છે.૩

જે વિપ્ર પોતાના પિતા કે ગુરૃ સિવાયના ઇતર પુરુષોનું ઉચ્છિષ્ટ અન્નાદિક જમે કે જળ તથા ઘીનું પાન કરે, તો તે વિપ્ર પ્રત્યેકનું અલગ અલગ ચાંદ્રાયણ વ્રત કરવાથી શુદ્ધ થાય છે.૪

વસ્ત્ર ધોનાર ધોબીનાં વસ્ત્રનાં જળબિંદુઓ જે જળમાં પડયાં હોય તે જળનું પાન કરે અથવા વસ્ત્ર ધોવાની શિલાની નજીકનું જળ પીવે તો એક ચાંદ્રાયણ વ્રત કરે.૫

લગ્ન પછી અગ્નિનો સ્વીકાર કરનાર દ્વિજાતિ પુરુષ નિત્ય કરવાના દેવાદિ પાંચ યજ્ઞો કરતો નથી તે અધમ થાય છે. તેના ઘરનું અન્ન જે દ્વિજાતિ પુરુષો જમે તેણે ચાંદ્રાયણ વ્રત કરવું.૬

વેશ્યા અને ગાંધર્વનું અન્ન, ગામમુખી એવા શૂદ્રોનું અન્ન તથા બ્રહ્મહત્યાદિ મહાપાપ કરનારનું અન્ન જમે તો ચાંદ્રાયણવ્રત કરવું.૭

નમક નાખીને જો દૂધનું પાન કરે, રાત્રીએ દહીંયુક્ત સાથવાનું ભોજન કરે, તથા ઉપપાતકીનું અન્ન જમે તો ચાંદ્રાયણવ્રત કરે.૮

ગર્ભાધાનાદિ સંસ્કારનું અન્ન, નવ શ્રાદ્ધનિમિત્તનું અન્ન, ધોબી, ચમાર આદિક નીચ જાતિનું અન્ન, જન્મમરણના સૂતકીનું અન્ન જમાય તો દ્વિજાતિએ તપ્તકૃચ્છ્રવ્રત કરવું.૯

જે સ્વૈરિણી સ્ત્રીઓનું અન્ન જમે તથા શય્યા આદિક આસન ઉપર બેસે તો શુદ્ધિને માટે પ્રાજાપત્યવ્રત કરવું.૧૦

ત્રણે વર્ણના દ્વિજાતિ પુરુષો અજાણતાં ચંડાલના કૂવાનું કે વાસણના જળનું પાન કરે તો ગોમૂત્રથી ભીંજાવેલો સાથવો ત્રણ દિવસ જમવાથી શુદ્ધિ થાય છે.૧૧

જાતિદુષ્ટ એવાં ડુંગળી, લસણ આદિક અભક્ષ્ય પદાર્થોનું ભક્ષણ કરે તો દ્વિજ તપ્તકૃચ્છ્રવ્રત કરે.૧ર

જે ઉત્તમ દ્વિજાતિ ગુરુ કે વડિલ જનોને કે ઉત્કૃષ્ટ પુરુષોને તુંકારે બોલાવે તેમજ ઉત્કૃષ્ટ પુરૃષને હુંકારે બોલાવે તો તેના ચરણમાં પડી તેને રાજી કરીને સ્નાન કરવું ને એક ઉપવાસ કરવો ત્યારે શુદ્ધ થાય છે.૧૩

કોઇ માણસને ઘાસની સળી માત્ર મારીને, કોઇને કોઇ કારણવશાત્ દોરડે બાંધીને અથવા વાદવિવાદથી જીતીને કુરાજી કરે તો તેને ફરીવાર રાજી કરવાથી જ શુદ્ધિ થાય છે.૧૪

દ્વિજાતિ યજ્ઞોપવીતને ધાર્યા વિના ભોજન કરે કે મળમૂત્રનો ત્યાગ કરે, તેને બ્રાહ્મણાદિ અનુક્રમે ત્રણ, બે, એક ઉપવાસ કરે.૧પ

તર્જની આંગળી મોઢામાં નાખી દંતધાવન કરે, થાળીમાં પ્રત્યક્ષ મીઠું લઇ જમે અને માટીનું ભક્ષણ કરે તો એક પાદકૃચ્છ્રવ્રત કરવું. અહીં પ્રત્યક્ષ મીઠાનો નિષેધ કર્યો તેમાં જીરૃં, મરચું ભેળવીને લે તેનો દોષ નથી.૧૬

હે વિપ્ર ! દશ દિવસ ન થયા હોય તેવી નવી પ્રસૂતા ગાય, ભેંસના અપેય દૂધનું કે ગધેડા, ઊંટ આદિકના દૂધનું પાન કરવું નહિ. નહીં સ્પર્શ કરવા યોગ્ય નાસ્તિક કે મ્લેચ્છનો સ્પર્શ, ગધેડાની સવારી, નગ્ન સ્નાન, આવાં અનેક પ્રકીર્ણ પાપો કહેલાં છે.૧૭

તેનું ગૌરવ અને લાઘવ તપાસીને ઉત્તમ દ્વિજોને પૂછીને ચારે વર્ણોના દ્વિજોએ પોતપોતાના પાપને અનુસારે પ્રાયશ્ચિત કરવું.૧૮

બ્રાહ્મણ કરતાં એક પાદ ઓછું ક્ષત્રિયોને, તેનાથી પણ એક પાદ ઓછું વૈશ્યોને, તેનાથી પણ એક પાદ ઓછું શુદ્રોને પ્રાયશ્ચિત કરવું તેમજ ગૃહસ્થ બ્રાહ્મણ કરતાં બ્રહ્મચારી બ્રાહ્મણે બમણું, વાનપ્રસ્થ ત્રણ ગણું અને સંન્યાસીને ચાર ગણું પ્રાયશ્ચિત કરવું.ર૦

હે વિપ્ર ! ત્યાગી એવા વૈષ્ણવ સાધુઓએ તો બ્રહ્મહત્યાદિ પાપનાં પ્રાયશ્ચિત બ્રહ્મચારીની જેમ જ કરવાં. સર્વે પ્રકારનાં સૂક્ષ્મ પાપોમાં બ્રહ્મચર્યનું પાલન કરતાં સૌ કોઇએ એક ઉપવાસ કરવાનું પ્રાયશ્ચિત કરવું.ર૧

તે પાપનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં કહ્યું ન હોય તેને પ્રયત્નપૂર્વક દેશ, કાળ, અવસ્થા, શક્તિ અને પાપને કલ્પી લેવું અને તે પ્રમાણે ધ્યાનમાં રાખી પ્રાયશ્ચિત કરવું. તે પણ પોતાના કે પારકાના પ્રાણ આપત્તિમાં ન આવે તે પ્રમાણે કલ્પના કરવી.૨૨

સર્વે પ્રાયશ્ચિત ભગવાનના નામમંત્રના જપ સાથે જ કરવું તેથી સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે. અને દેશ કાળાદિકનું વિઘ્ન પણ નડતું નથી.ર૩

જાપ વિના કરેલાં વ્રતથી અત્યંત વિશુદ્ધિ થતી નથી. તેથી પ્રાયશ્ચિતમાં મંત્રજાપના નિયમો સાથે જ આપવાં.ર૪

વ્રતની આદિમાં, મધ્યે અને અંતે હે નારાયણ ! હે હરિ ! હે કૃષ્ણ ! હે રામ ! હે ગોવિદ ! હે માધવ ! હે મધુસૂદન ! વગેરે અનેક ભગવાનનાં નામોનું ઉચ્ચારણ કરવું.૨૫

હે વિપ્ર ! હવે તમને અતિ અધિક પાપો સંક્ષેપથી કહીએ છીએ. સાક્ષાત્ ભગવાનના ઉપાસક ભક્તો એવા સ્ત્રીઓ કે પુરુષોનો દ્રોહ કરવો, નિંદા કરવી, કોઇ કારણ વિના તિરસ્કાર કરવો. ભગવાન કે ભગવાનના ભક્ત એવા શિવજીની નિંદા કરવી, તેમની પ્રતિમાઓનું ખંડન કરવું, શાલિગ્રામની કે સોમનાથાદિ જ્યોતિર્િંલગની અવજ્ઞા કરવી, વેદનું ખંડન કરવું, બ્રહ્માદિ દેવતાઓ, બ્રાહ્મણો, ગાયો, ગંગાદિ તીર્થો અને દ્વારિકાદિ પવિત્ર ક્ષેત્રોની નિંદા કરવી, અનાથ પ્રાણીઓનો તથા પતિવ્રતા નારીનો દ્રોહ કરવો, પુરાણ, ઇતિહાસ, આગમ, સ્મૃતિઓનું ખંડન કરવું, આ સર્વે અતિશય અધિક પાપો કહેલાં છે.૨૬-૨૮

આવાં અતિ અધિક પાપો કરનારા જનોનું બુદ્ધિપૂર્વક કોઇ દર્શન કે સ્પર્શ કરે, તો ચારે વર્ણના જનોએ શુદ્ધિ માટે પાદકૃચ્છ્રવ્રત કરવું.ર૯

હે ઉત્તમવિપ્ર ! સંતોએ કે મહર્ષિઓએ કોઇ પણ ગ્રંથમાં અનેક પ્રકારનાં પ્રાયશ્ચિત કર્મથી પણ આ અતિ અધિક પાપોનું પ્રાયશ્ચિત કહ્યું નથી. કારણ કે આવા પાપીઓને શાસ્ત્રોનો જ વિશ્વાસ નથી. તો પછી તેને માટે પ્રાયશ્ચિત વિધાનનો પ્રશ્ન ક્યાંથી રહે ?.૩૦

અને આ અત્યધિક પાપ કરનારો પુરૃષ જેનો અપરાધ કર્યો છે તેને જ્યારે પ્રસન્ન કરે ત્યારે જ તેની શુદ્ધિ થાય છે બીજા કોઈ ઉપાયથી થતી નથી.૩૧

આ અત્યધિક પાપને બીજો જાણી જાય તો તેનું પૂર્વોક્ત પ્રાયશ્ચિત કરવું, અને કોઇ ન જાણ્યું હોય તો પોતાની શક્તિ પ્રમાણે જપ અને દાન કરી શુદ્ધ થાય છે.૩૨

પ્રાયશ્ચિત કરનાર દ્વિજાતિ જનોએ મહાપાપમાં એક વર્ષ અને ઉપપાપમાં અર્ધું વર્ષ પ્રતિદિન મધ્યાહ્ન સમય સુધી પુરુષસૂક્તનો પાઠ કરવો.૩૩

અથવા મહાપુરુષ વિદ્યાનો કે ગાયત્રીમંત્રનો જપ મિતાહારી થઇ યમ નિયમોનું પાલન કરતાં જપ કરવો.૩૪

અથવા નિયમમાં તત્પર થઇ પ્રયત્ન પૂર્વક ભગવાનની મૂર્તિ સન્મુખ એક નજરે જોતાં શ્રીવિષ્ણુ ભગવાનના નારાયણ આદિક નામમંત્રના પ્રતિદિન પાંચહજાર જાપ કરવા.૩પ

બુદ્ધિમાન પુરુષોએ પોતાના પાપની ગૌરવતા કે લાઘવતા જોઇ એકાગ્ર ચિત્તે નિયમમાં તત્પર થઈ યોગ્ય સમય સુધી પ્રાયશ્ચિત કરવું.૩૬

આ પ્રમાણે પાતકોનો પ્રાયશ્ચિત વિધિ સંક્ષેપથી કહ્યો. આ પ્રાયશ્ચિતનો વિશેષ વિધિ ઋષિમુનિઓએ અન્ય ગ્રંથોમાં બહુ પ્રકારે કહેલો છે.૩૭

તે પ્રમાણે મનુષ્ય આલોકમાં જ પ્રાયશ્ચિત કરે છે તેને પરલોકમાં કે યમપુરીમાં ભોગવવું પડતું નથી.૩૮ જો કોઇ પાપ કરીને પ્રાયશ્ચિત કરે નહિ તો ધર્મિષ્ઠ રાજાએ તેની પાસે પ્રાયશ્ચિત કરાવવું. કારણ કે રાજા છે તે સર્વેનો પાલક કહેલો છે.૩૯

બ્રહ્મચારી, વાનપ્રસ્થી, સંન્યાસી અને ભગવદ્ ભક્ત ત્યાગી સાધુઓ ઉપર રાજાની આજ્ઞા પ્રવર્તતી નથી. તેથી તે સર્વે જનોએ યમયાતનાના ભયથી સ્વયં પોતાથી થયેલા પાપોનું પ્રાયશ્ચિત કરવું.૪૦

અને હે વિપ્ર ! જે પાપમાં અગ્નિપ્રવેશ કરવા આદિ મૃત્યુદંડ સુધીનું જે મેં પ્રાયશ્ચિત કહ્યું છે, તે પુરાતન ઋષિમુનિઓના મતે કહ્યું છે. પરંતુ મારો મત એ નથી.૪૧

તેથી હે વિપ્ર ! પ્રાણાંત સુધીના પ્રયશ્ચિતમાં જીવન પર્યંત તપશ્ચર્યા પરાયણ રહેવાનું જાણવું. પ્રાણાંત પ્રાયશ્ચિતથી આત્મઘાતનો દોષ લાગતો હોવાથી આ કલિયુગમાં જીવનપર્યંત તપશ્ચર્યા કરવી એ જ હિતકારક કહેલું છે.૪ર

જો લોકલજ્જાદિકનું આવશ્યક સંકટ આવી પડે તો દેશાંતરમાં કોઇ ન જાણે ત્યાં જઇને રહેવું. પરંતુ શરીરનો ઘાત તો કોઇ ઉપાયે ન જ કરવો.૪૩

દેશાંતરમાં જઇને પણ પંચવિષય સંબંધી માયિક સુખનો ત્યાગ કરી પવિત્ર તીર્થસ્થળોમાં નિવાસ કરી માગ્યા વિના અથવા માગીને જે કાંઇ મળે તેનાથી જીવન પસાર કરી રાત્રી દિવસ શક્તિ પ્રમાણે ભગવાનનું ભજન કરવું. તેથી તેનાં સમગ્ર પાપો નાશ પામે છે.૪૪

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતાં ભગવાન શ્રીહરિએ પ્રાયશ્ચિત વિધિમાં પ્રકીર્ણ અને અત્યધિક પાપોનાં પ્રાયશ્ચિતનું નિરૃપણ કર્યું એ નામે છેતાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૬--