અધ્યાય - ૧ - વર્ણાશ્રમના ધર્મો વિસ્તારથી જાણવાની ઇચ્છાથી શિવરામ વિપ્રે ભગવાન શ્રીહરિને પૂછેલો પ્રશ્ન.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 8:40pm

અધ્યાય - ૧ - વર્ણાશ્રમના ધર્મો વિસ્તારથી જાણવાની ઇચ્છાથી શિવરામ વિપ્રે ભગવાન શ્રીહરિને પૂછેલો પ્રશ્ન.

વર્ણાશ્રમના ધર્મો વિસ્તારથી જાણવાની ઇચ્છાથી શિવરામ વિપ્રે ભગવાન શ્રીહરિને પૂછેલો પ્રશ્ન. યુગને અનુરૃપ ધર્મમાં ફેરફાર યુક્ત વિશેષતા. સનાતન ધર્મના છ પ્રકારો.

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ !

એક વખત શિયાણી ગામના વિપ્રવર્ય શિવરામભટ્ટ ઋષીશ્વર ભગવાન શ્રીનારાયણમુનિને બે હાથ જોડી નમસ્કાર કરી પૂછવા લાગ્યા.૧

શિવરામ વિપ્ર પૂછે છે, હે સકલ ઐશ્વર્ય સંપન્ન ભગવાન ! હુ મનુષ્યોના સનાતન ધર્મો સાંભળવા ઇચ્છું છું, કારણ કે, હે પ્રભુ !
સર્વ ધર્મના જાણનારા તમે છો, એટલું જ નહિ સર્વ ધર્મના ધારણ કરનારા, પોષણ કરનારા એક તમે જ છો, તમારા સિવાય આ સૃષ્ટિમાં અન્ય કોઇ છે જ નહિ.૨

હે પ્રભુ !
જેવી રીતે સામવેદ સ્વરથી, અર્થથી કે શાખાથી સમજવો મુશ્કેલ છે, તેવી રીતે આ સનાતન ધર્મ પણ બુદ્ધિમાન વિદ્વાન પુરુષોથી પણ સમજવો મુશકેલ છે, અને એ સનાતન ધર્મ કેવળ એક તમારો સર્વપ્રકારે આશ્રય કરી રહેલો છે.૩

હે અચ્યુત પરમાત્મા ! આ ભૂમંડલ ઉપર જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે, ત્યારે ત્યારે તમે દેવ મનુષ્યાદિકમાં અવતાર ધારણ કરી તે સનાતન ધર્મનું સારી રીતે રક્ષણ કરો છો.૪

આ ધર્મના સ્વરૃપનું વક્તવ્ય આપનારા, આચરણમાં મૂકી અનુષ્ઠાન કરનારા અને એ રીતે તેનું રક્ષણ કરનારા તમારા સિવાય બીજો કોઇ પુરુષ આ પૃથ્વી પર નથી. સ્વર્ગ કે પાતાળમાં પણ નથી, અને બ્રહ્મસભામાં પણ તમારા જેવો ધર્મવક્તા અનુષ્ઠાતા અને રક્ષિતા પુરુષ નથી.૫

તેથી તમે મને આશ્રમ ધર્મોની સાથે વર્ણના તેમજ વર્ણાશ્રમથી બહાર રહેલા સંકરજાતિના મનુષ્યોના સદ્ધર્મો અલગ અલગ રીતે કરીને કહો.૬

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ !
આ પ્રમાણેનો શિવરામ વિપ્રનો સર્વજીવહિતાવહ પ્રશ્ન સાંભળી ધર્મરક્ષક ભગવાન શ્રીહરિ અતિશય પ્રસન્ન થઇ કહેવા લાગ્યા.૭

હે બ્રહ્મન્ ! તમારો પ્રશ્ન તો સર્વ મનુષ્યનું કલ્યાણ કરનારો છે, તેથી હું આર્ષપુરુષોનાં પ્રમાણભૂત વચનોના માધ્યમથી સનાતન ધર્મોનું સ્વરૃપ તમને સમજાવું છું.૮

હે બ્રહ્મન્ ! વેદે પ્રતિપાદન કરેલા સદાચારોને જ ધર્મ જાણવો, વેદ નિષિદ્ધ આચાર અધર્મ જાણવો, કારણ કે વેદ છે તે સાક્ષાત્ નારાયણ ભગવાનનું સ્વરૃપ છે. ભગવાનની જેમ જ તે સ્વયંભૂ કહેવાય છે.૯

જે ધર્મો વેદમાં કહેલા છે તેજ ધર્મો તત્ત્વદર્શી ઋષિમુનિઓએ સ્મૃતિ આદિ ધર્મસંહિતાઓમાં કહ્યા છે. તેથી તે સ્મૃતિઓ પ્રમાણભૂત છે.૧૦

હે વિપ્રવર્ય ! પુરાણો, ન્યાય, પૂર્વમીમાંસા, ઉત્તરમીમાંસા, ધર્મશાસ્ત્રો, વ્યાકરણાદિ વેદનાં છ અંગો અને ચારે વેદો, ચૌદ વિદ્યાનાં અને ધર્મનાં સ્થાનો છે.૧૧

તેમજ મનુ, અત્રિ, વિષ્ણુ, હારિત, યાજ્ઞાવલ્ક્ય, અંગિરા, યમ, વ્યાસ, આપસ્તંબ, સંવર્ત, કાત્યાયન, બૃહસ્પતિ, પરાશર, ઉશનસ્, શંખ, લિખિત, દક્ષ, ગૌતમ, શાતાતપ અને વસિષ્ઠ, આ વીસ ધર્મશાસ્ત્રના પ્રવર્તકો છે.૧૨-૧૩

આ મનુ આદિએ પ્રવર્તાવેલા ધર્મોને અનુસારતા અન્ય કેટલાક ઋષિમુનિઓએ કહેલાં શાસ્ત્રો પણ પ્રમાણપણે સ્વીકારવાં.૧૪

હે વિપ્ર ! આ મનુઆદિનાં વચનો હોવા માત્રથી જ પ્રમાણરૃપ હોવા છતાં પણ હમેશાં તેમાં યુગધર્મને અનુરૃપ વિશેષતા જાણી રાખવી જરૃર છે.૧૫

યુગને અનુરૃપ ધર્મમાં ફેરફાર યુક્ત વિશેષતા :- હે વિપ્ર ! સત્યયુગમાં મનુએ કહેલા ધર્મો મનુષ્યોને માટે વધુ હિતાવહ છે. ત્રેતાયુગમાં ગૌતમમુનિએ કહેલા ધર્મો વધુ હિતાવહ છે. દ્વાપર યુગમાં શંખલિખિતમુનિએ કહેલા ધર્મો વધુ હિતાવહ છે અને કળિયુગમાં પરાશરમુનિએ કહેલા ધર્મો હિતાવહ છે.૧૬

તે પરાશરે કહેલા ધર્મો કરતાં પણ મહાભારતના મોક્ષધર્મમાં કહેલા ધર્મો તથા શ્રીમદ્ ભાગવત અને ભગવદ્ગીતામાં કહેલા ધર્મો તેમજ શ્રીવાસુદેવમાહાત્મ્યમાં કહેલા ધર્મો, કલિયુગની અંદર અધિક કલ્યાણકારી મનાયેલા છે.૧૭

આ શ્રુતિ અને સ્મૃતિએ કહેલા ધર્મોનું આચરણ કરવાથી મનુષ્યો આલોકમાં કીર્તિ પામે છે, અને મૃત્યુ પછી સર્વોત્તમ સુખને પ્રાપ્ત કરે છે.૧૮

સનાતન ધર્મના છ પ્રકારો :-

ધર્મના ભેદને જાણતા મુનિઓએ સનાતન ધર્મને વર્ણધર્મ, આશ્રમ ધર્મ, વર્ણાશ્રમધર્મ, ગૌણધર્મ, નૈમિત્તિકધર્મ અને સાધારણ ધર્મ, આમ છ પ્રકારે કહેલો છે. એ છ પ્રકારના ધર્મનાં લક્ષણો હું તમને સંક્ષેપમાં જણાવું છું.૧૯-૨૦

જે ધર્મ કેવળ એક વર્ણને આશરીને પ્રવર્ત્યા હોય તે ધર્મ વર્ણધર્મ કહેલો છે, જેમ કે બ્રાહ્મણને આઠમા વર્ષે યજ્ઞોપવિત ધારણ કરવી, વગેરે.૨૧

તેમજ જે ધર્મ આશ્રમને આશરીને પ્રવર્ત્યો હોય તે આશ્રમ ધર્મ કહેલો છે.જેમકે બ્રહ્મચર્યાદિ આશ્રમને આધારે ભિક્ષાગ્રહણ કરવાનો ભેદ,દંડ ધારણ કરવાનો ભેદ,તેમજ અગ્નિ ધારણ કરવો-આદિકના ભેદ, તે આશ્રમને યોગેછે.૨૨

વળી જે ધર્મો વર્ણ અને આશ્રમ એ બેયને આશરીને પ્રવર્ત્યા હોય તેને વર્ણાશ્રમ ધર્મ કહેલા છે. જેમકે મુંજની મેખલા ધારણ કરવારૃપ ધર્મ.૨૩

વળી જે ધર્મ અભિષેકાદિ ગુણને આશરીને પ્રવર્ત્યા હોય તે ગૌણધર્મ કહેલા છે. જેમ કે જે પુરુષનો રાજ્યાભિષેક થયો હોય, તેણે પ્રજાનું પાલન કરવું વગેરે ધર્મ.૨૪

તેજ રીતે વળી જે ધર્મ કેવળ કોઇ નિમિત્તને આશરીને પ્રવર્ત્યા હોય તેને નૈમિત્તિક ધર્મ કહેલો છે. જેમ કે પ્રાયશ્ચિત નિમિત્તે કહેલો વિધિ.૨૫

વળી હે વિપ્ર ! જે ધર્મ વર્ણ કે આશ્રમ વગેરેની અપેક્ષા વિના સર્વે કોઇને એકસરખા સાધારણ ધર્મ પાળવાના હોય, તે ધર્મ સાધારણ ધર્મ કહેલા છે. જેમ કે અહિંસા વગેરે ધર્મો.૨૬

હે વિપ્રવર્ય ! પવિત્ર દેશમાં આચરણ કરેલો ધર્મ ઇચ્છિત ફળને આપનારો થાય છે અને અપવિત્ર દેશમાં આચરણ કરેલો ધર્મ, આચરણ ન કરવા બરાબર થઇ રહે છે.૨૭

જે દેશના ભૂભાગ પર કાળિયાર મૃગ સ્વેચ્છાથી વિચરતાં હોય, એ પ્રદેશ પૂણ્ય પ્રદેશ કહેલો છે. તેવી જ રીતે આર્યાવર્ત દેશને, એટલે કે વિંધ્યાચળથી હિમાલયની વચ્ચેના પ્રદેશને પવિત્ર દેશ કહેલો છે.૨૮

વળી જે પ્રદેશમાં શુદ્ધ સ્વધર્મમાં રહેલા, વિશુદ્ધ અંતરવાળા ભગવાનના ભક્તો રહેતા હોય તે દેશ પણ ધર્મ ક્રિયા પાલન માટે ઉચિત પવિત્ર દેશ જાણવો, (પવિત્ર દેશની વિશેષ વ્યાખ્યા તૃતીય પ્રકરણમાંથી જાણી લેવી.) ૨૯

હે વિપ્ર !
જો ધર્મમાં શ્રદ્ધા, આસ્તિકબુદ્ધિ ન હોય, ને તે ભલેને પછી દેવતાઓ હોય, ને વળી કૃચ્છાદિકવ્રત કરીને શરીરને બહુ કષ્ટ આપતા હોય, છતાં પણ તેઓ ધર્મની સિદ્ધિ કરી શકતા નથી.૩૦

તેમજ ધનનો બહુ વ્યય કરવાથી પણ ધર્મ સિદ્ધ થતો નથી, જો શ્રદ્ધાહીન દેવતાઓથી આ ધર્મ સિદ્ધ ન થાય તો પછી શ્રદ્ધાહીન મનુષ્યોની તો શું વાત કરવી ?. તેથી શ્રદ્ધાવાળા થવું, એ પહેલી શરત છે. શ્રદ્ધાવાન પુરુષોએ પવિત્ર દેશમાં રહી નિયમથી ધર્મની વૃદ્ધિ કરવી. આમ વૃદ્ધિ પમાડેલો ધર્મ જ પરલોકમાં સદાય કરે છે. બાકી બીજા જ્ઞાતિજનો કે જેને માટે આખી જિંદગી ખર્ચી નાખી હોય તે કોઇ પરલોકમાં સહાયક થતા નથી. મહા મહેનતે ઉપાર્જન કરેલું ધન પણ સહાયક થતું નથી, માટે હમેશાં ધર્મનો આશરો લેવો.૩૧

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મોપદેશ કરતા ભગવાન શ્રીહરિએ છ પ્રકારના ધર્મોનાં લક્ષણોનું નિરૃપણ કર્યું એ નામે પહેલો અધ્યાય પૂર્ણ થયો. --૧--