અધ્યાય - ૬૫- ત્યાગી સાધુના નિઃસ્નેહી વર્તમાન.

Submitted by swaminarayanworld on Thu, 03/08/2017 - 7:10pm

અધ્યાય - ૬૫- ત્યાગી સાધુના નિઃસ્નેહી વર્તમાન.

ત્યાગી સાધુના નિઃસ્નેહી વર્તમાન. સ્નેહરૃપદોષને જીતવાના ઉપાયો. નિઃસ્નેહના નિયમભંગનું પ્રાયશ્ચિત.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે મુનિ ! શ્રીવાસુદેવ ભગવાન અને ભગવાનના ભક્ત વિના બીજા પદાર્થમાં જે સ્નેહ થાય છે, તે નિશ્ચય મોટો શત્રુ છે, અને તે ઘણા દોષોને રહ્યાનું ઠેકાણું છે.૧

જેણે ગૃહસ્થાશ્રમ મૂક્યો છે, તેવા ત્યાગી સાધુઓને પણ સ્નેહે કરીને વારંવાર જન્મ મરણ પમાડનારી પોતાના પુત્ર, સ્ત્રી, આદિક સંબંધીની સ્મૃતિ થાય છે.૨

મનુષ્યને મરણ સમયે સ્ત્રી, પુત્ર, ધન, ઘર તથા પશુ, પક્ષી, વૃક્ષ આદિક પદાર્થોને વિષે સ્નેહથી ભૂતનો અવતાર આવે છે.૩

પોતાની શિશ્ન ઇન્દ્રિય કાપી નાખનાર પુરુષને પણ સ્નેહથી સ્ત્રીના પ્રિયને માટે મૈથુને રહિત એવા સ્પર્શાદિકના સુખને વિષે પ્રવૃત્તિ થાય છે.૪

મૃત્યુ પર્યંત દેહનું દુઃખ પણ પોતાના ચિત્તમાં નહીં ગણીને સ્નેહ થકી પોતાના કુટુમ્બનું પોષણ કરવાને વિષે પુરુષની પ્રવૃત્તિ થાય છે.૫

પોતાની જ્ઞાતિ ન હોય એવા સ્ત્રી પુરુષ પણ પરસ્પર સ્નેહ થઇ જવાથી પોતાના માતા, પિતા આદિક સંબંધીનો ત્યાગ કરી, એક બીજા સાથે પરદેશ જતાં રહે છે.૬

પોતાના સંબંધીજનો વારંવાર તિરસ્કાર કરે છતાં પણ પુરુષને પોતાના સંબંધીજનોમાં સ્નેહ હોવાથી નિશ્ચય વૈરાગ્ય ઉપજતો નથી. તથા તેમનો ત્યાગ કરાતો નથી.૭

મરણ પામેલા પોતાના પતિ અને પુત્રોની પાછળ સ્ત્રીઓ આપઘાત કરે છે. પોતાના સંબંધીઓમાં સ્નેહને લીધે પુરુષો જીવની હિંસા કરીને પોતાના સંબંધીનું પોષણ કરે છે.૮

સ્નેહ થકી મનુષ્ય તથા પશુ પક્ષીઓ ભૂખનું દુઃખ સહન કરીને જ્યાં ત્યાંથી ખાધાની વસ્તુ લઇ આવીને પોતાના બાળકનું પોષણ કરે છે. ૯

સ્નેહને લીધે પોતાના કુટુંબનું પોષણ કરવા સારૂં જેમાં નિશ્ચય એવાં ચોરી આદિક કર્મો તથા નાવમાં બેસી સમુદ્ર પાર કમાવા જવું, આદિક કર્મોને વિષે મનુષ્યની પ્રવૃત્તિ થાય છે.૧૦

અસત્ય બોલીને, અતિશય કષ્ટ સહન કરીને તથા નીચ માણસની સેવા ચાકરી કરીને પણ જ્યાં ત્યાંથી ધન લઇ આવીને સ્નેહ થકી મનુષ્ય પોતાના સંબંધીનું પોષણ કરે છે.૧૧

પોતાની જાતિથી ભિન્ન આવાં પશુ, પક્ષી આદિકને વિષે પુરુષને પોતાના પુત્રાદિક સંબંધીમાં થાય તેવી અતિ કષ્ટ દાયક આસક્તિ થાય છે.૧૨

રોગ તથા વૃદ્ધાવસ્થા થકી જીર્ણ થયેલા પોતાના શરીરમાં પણ સ્નેહથકી જીવવાની આશા રહે છે.પોતાના સગા-સંબંધી અધર્મી હોય છતાં તેમને માટે સ્નેહે કરીને પક્ષપાત થાય છે.૧૩

મનુષ્યને સ્નેહથી અન્યાયને વિષે ન્યાયની બુદ્ધિ થાય છે. પાપને વિષે પુણ્યની મતિ થાય છે, તથા અનાત્મા જે દેહ તેને વિષે આત્માની બુદ્ધિ થાય છે. અસત્યને વિષે સત્યપણાની બુદ્ધિ થાય છે.૧૪

રૂડા ગુણવાન પુરુષના રૂડા ગુણોને વિષે પણ દોષની બુદ્ધિ સ્નેહ થકી થાય છે. તેથી દોષવાળા પુરુષના દોષને વિષે ગુણની બુદ્ધિ તે પણ સ્નેહથી થાય છે.૧૫

કામ, ક્રોધ, લોભ, ઇર્ષ્યા, એ આદિક ઘણાક દોષો સ્નેહ થકી થાય છે, એવો સ્નેહ ત્યાગી સાધુનો શત્રુ છે.૧૬

સ્નેહરૂપદોષને જીતવાના ઉપાયો :- હે મુનિ ત્યાગી સાધુનું હિત કરનારા એવા સ્નેહને જીતવાના ઉપાયો કહીએ છીએ. જે ઉપાયોથી મુમુક્ષુ ત્યાગી સાધુઓ દુર્જય એવા સ્નેહને નિશ્ચય જીતે છે.૧૭

ત્યાગી સાધુએ પોતાના દેહ તથા દેહના સંબંધીને વિષે સર્વકાળે સ્નેહથી રહિત થવું, સ્નેહના રહિતપણાથી પરમ સુખ થાય છે, તથા પરમાત્માને વિષે પ્રીતિ થાય છે.૧૮

પ્રિયવ્રત આદિ રાજા તથા દધીચિઋષિ આદિક બ્રાહ્મણ દેહ તથા દેહના સંબંધવાળા પદાર્થોને વિષે સ્નેહનો ત્યાગ કરીને પરમ સુખ પામ્યા હતા.૧૯

ત્યાગી સાધુએ પોતાના દેહનો જે ગામમાં જન્મ થયો હોય તે ગામમાં ફરીને જાય નહિ. કોઇ અવશ્યનું કાર્ય હોય ને તે ગામમાં જવું પડે તો પોતાના સંબંધીને ઘેર જાય નહિ.૨૦

ત્યાગી સાધુ વસ્ત્ર, પુસ્તક તથા ખાધાની વસ્તુ એ આદિક પદાર્થ પોતાના સંબંધી પાસેથી લે નહિ. ભિક્ષા માગવા જાય ને સંબંધીના ઘરનું અન્ન આવે તેનો દોષ નહિ, પરંતુ પોતાના આસન ઉપર કાંઇક ખાધાની વસ્તુ લાવી દે તો ન લેવી. પોતાના સંબંધીને કોઇક આપત્કાળ આવી પડે, તો પણ બીજા પાસે અન્નાદિક કોઇ વસ્તુ સંબંધીને દેવડાવવી નહિ.૨૧

સંબંધી અને સંબંધ વિનાના મનુષ્યોને વિષે સમાન બુદ્ધિવાળો એવો ત્યાગી સાધુ પોતાના સંબંધીજનોને ધન, પુત્રાદિક પદાર્થનો લાભ થાય તો રાજી ન થાય, અને તે પદાર્થનો નાશ થાય તો તેનો શોક ન કરે.૨૨

દેહની ઉત્પત્તિ નિમિત્તે પોતાના સંબંધીને વિષે જો સ્નેહ કરે તો આ દેહથી પ્રથમના દેહનાં સંબંધીને વિષે જેટલો સ્નેહ છે, તેટલો જ સ્નેહ કરે, પણ વધુ ન કરે.૨૩

પૂર્વે જરાયુજ, અંડજ ઉદ્ભિજ અને સ્વેદજ એ ચાર પ્રકારના દેહ પોતાને ઘણાક પ્રાપ્ત થયા હતા, અને તે દેહના સંબંધી પણ અનેક થયા હતાં તેમ જાણવું.૨૪

જેમ પૂર્વના દેહના સંબંધીઓમાં હમણાં જેટલી પ્રીતિ છે, દયા છે, તથા કુળાભિમાન છે, તેટલી જ પ્રીતિ, દયા ને અભિમાન આ દેહનાં સંબંધીઓને વિષે કરવું, પણ વધુ ન કરવું.૨૫

જે ત્યાગી સાધુ પ્રથમ પોતે ત્યાગ કરેલાં સંબંધીને વિષે પાછો આસક્ત થાય છે. તે સાધુ શાસ્ત્રે કરીને નિષેધ કરેલા ચોરી, સુરાપાનાદિક કર્મો પણ નિશ્ચય કરતો થાય છે.૨૬

જો ભગવાનનો ભક્ત ત્યાગી સાધુ થઇને પોતાનાં સંબંધીને વિષે જ્યાં ત્યાં આસક્ત થાય, તો તેને નિત્યે પંચમહાપાપે યુક્ત જાણવો. તે પંચમહાપાપ તે શું ? તો બ્રહ્મહત્યા, મદ્યપાન, સુવર્ણની ચોરી, અને ગુરુસ્ત્રીનો સંગ તથા એ ચાર માંહેલા કોઇકનો સંગ કરવો, એ પંચમહાપાપ છે.૨૭

દેહાભિમાને કરીને પોતાનાં સંબંધીમાં આસક્ત થયાનું આવું પાપ છે, તે માટે સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહથી પૃથક્પણે પોતાના જીવાત્માનો નિશ્ચય કરવો. તે જીવાત્માને બ્રહ્મની સાથે ઐક્યપણે જાણવો, તે બ્રહ્મ તો પોતાના સુખે કરીને તથા ભગવાનને સુખે કરીને સુખમય છે. તે આનંદમય બ્રહ્મને પોતાનું સ્વરૂપ જાણી સર્વ માયિક પદાર્થ થકી સ્નેહરહિત થવું.૨૮

ત્યાગી સાધુએ નિત્યે પૃથ્વી પર સુવું, રોગાદિક આપત્કાળ પડયા વિના ખાટલા ઉપર ન સુવું. તથા સ્ત્રીએ ઓઢેલું ને પાથરેલું ગોદડું ઓઢવું કે પાથરવું નહિ.૨૯

ત્યાગી સાધુએ એક મહિનો પૂરો થાય ત્યારે વતું કરાવવું, તે પણ કક્ષ, ઉપસ્થ અને શિખાને છોડીને કરાવવું પણ તે ઠેકાણે અસ્ત્રો ફેરવાવવો નહિ.૩૦

ત્યાગીના ધર્મનું પાલન કરનારા સાધુએ એકાદશી આદિક વ્રતને દિવસે તથા પ્રાયશ્ચિતના ઉપવાસને દિવસે વતું કરાવવું નહિ.વ્રત ઉપવાસના બીજા દિવસે અને ભોજન કર્યા પછી પણ વતું કરાવવું નહિ.૩૧

પાપી મનુષ્ય અથવા નાસ્તિકનો સ્પર્શ થાય, ભૂંડું સ્વપ્ન આવે, વતુ કરાવે, યવનનો તથા ચર્મકારનો અથવા નીચ જાતિનો સ્પર્શ થાય ત્યારે ત્યાગી સાધુ સ્નાન કરે.૩૨

તેમજ પોતાના માતા, પિતા અને ગુરુ, એ ત્રણનું મરણ થાય ત્યારે સાધુએ વસ્ત્ર સહિત સ્નાન કરવું, બીજા કોઇ સંબંધીનું મરણ સાંભળીને સ્નાન ન કરે.૩૩

ત્યાગી સાધુ ભગવાનની નવ પ્રકારની ભક્તિ કર્યા વિના એક ક્ષણ માત્ર કાળ વ્યર્થ ન ગાળે. ગ્રામ્યવાર્તાનો દૂરથી ત્યાગ કરે.૩૪

ત્યાગી સાધુ કોઇની આજીવિકા, ગામ, ખેતર કે વાડી સંબંધી મનસુબો સાંભળે તથા કરે પણ નહિ. કોઇના દ્રવ્યાદિક પદાર્થના પરસ્પર લેણદેણને વિષે પોતાનું મધ્યસ્થપણું કરે નહિ. તેમજ તેમાં પોતાની સાક્ષી કરે કરાવે નહિ.૩૫

તેમાં ગ્રામ્ય વાર્તા શું છે ? તે કહીએ છીએ. રાજાના રાજ્યકાર્યની વાર્તા, કોઇના જય પરાજયની વાર્તા, વસ્ત્ર અલંકારને નગરની શોભાનું વર્ણન, ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોષ્ય એ ચાર પ્રકારના અન્નની તથા અનેક પ્રકારના રસાસ્વાદની વાર્તા, તથા ખેડ, વણજ, વેપાર, નાનાપ્રકારની કારીગરી, ઘોડા, પાલખી, રથ, આદિક વાહનનું વર્ણન, એ સર્વે ગ્રામ્ય વાર્તા છે.૩૬-૩૭

ગાયો, ભેંસો, બકરાં આદિક પશુઓનું વર્ણન, આંબા આદિક વૃક્ષોનું વર્ણન, ખડગ આદિક આયુધોનું વર્ણન ઇત્યાદિક ગ્રામ્યવાર્તાઓને ત્યાગી સ્વયં ન જ કરે અને ન જ સાંભળે.૩૮

નિઃસ્નેહના નિયમભંગનું પ્રાયશ્ચિત :- હે મુનિ ! આ કહેલા નિયમોમાંથી કયારેક જો કોઇ નિયમનો ભંગ થાય, તો ત્યાગી સાધુ તેનું યથાયોગ્ય પ્રાયશ્ચિત કરે, તે પ્રાયશ્ચિત કરવાની રીત કહીએ છીએ.૩૯

ત્યાગી સાધુ અજાણમાં પોતાના કુટુંબીના ઘરમાં જેટલા દિવસ નિવાસ કરે તેટલા દિવસ ઉપવાસ કરે.૪૦

પોતાના પિતા, સગાભાઇ, સગીબહેન તથા સસરા આદિક સમીપના સંબંધીને ઘેર જમવા જાય, તે સંબંધીને અન્નાદિક પદાર્થ અપાવે, તે સંબંધીએ આપેલું વસ્ત્રાદિક પદાર્થ ગ્રહણ કરે, રોગાદિક આપત્કાળ પડયા વિના ખાટલા ઉપર સુવે તથા સ્ત્રીએ ઓઢેલું-પાથરેલું ગોદડું ઓઢે-પાથરે, તો એ સર્વેને વિષે નોખા નોખા એક એક ઉપવાસ કરે.૪૧-૪૨

ત્યાગી સાધુ ગ્રામ્ય વાર્તા આદરથી કહે અથવા સાંભળે તો ''સ્વામિનારાયણ'' એ મંત્ર પાંચ હજાર જપે. અર્થાત્ એ મંત્રની પચાસ માળા ફેરવે.૪૩

સ્નેહને જીતવાના આ સર્વે ઉપાયો મુમુક્ષુઓએ પોતાના મનમાં સદાય ધારવા. સ્નેહ રહિતના સાધુનો સમાગમ તથા ભગવાનની ભક્તિએ સહિત આ ઉપાયો ફળને આપનારા માન્યા છે. જેઓ સાધુનો સમાગમ અને ભગવાનની ભક્તિયુક્ત આ નિયમને પાળે છે, તે નિશ્ચય સ્નેહને જીતે છે.૪૪

રૂડી બુદ્ધિવાળા હે મુનિ ! એ પ્રમાણે સ્નેહના દોષ તથા તે સ્નેહને જીતવાના ગુણરૂપ ઉપાયો અમે કહ્યા. હવે માનના દોષ તથા તે માનના દોષને જીતવાના ગુણરૂપ ઉપાયો કહીએ છીએ તે સાંભળો.૪૫

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં ત્યાગી સાધુના ધર્મને વિષે સ્નેહના દોષો તથા તેને જીતવાના ઉપાયોનું નિરૂપણ કર્યું, એ નામે પાસઠમો અધ્યાય પૂર્ણ થયો. --૬૫--