અધ્યાય - ૬૨- ગોપાળાનંદ સ્વામીના પ્રશ્નથી શ્રીહરિએ કહેલું સાધુના પંચવર્તમાનરૂપ ધર્મામૃત.

Submitted by swaminarayanworld on Thu, 03/08/2017 - 7:03pm

અધ્યાય - ૬૨- ગોપાળાનંદ સ્વામીના પ્રશ્નથી શ્રીહરિએ કહેલું સાધુના પંચવર્તમાનરૂપ ધર્મામૃત.

ગોપાળાનંદ સ્વામીના પ્રશ્નથી શ્રીહરિએ કહેલું સાધુના પંચવર્તમાનરૃપ ધર્મામૃત. નિર્લોભી વર્તમાન. લોભને જીતવાના ઉપાય. સાધુને રાખવાના વસ્ત્રોનું નિરૃપણ. નિયમભંગના પ્રાયશ્ચિતની રીત.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! એક સમયે પોતાનો નિત્યવિધિ કરી આસન ઉપર વિરાજમાન થયેલા ભગવાન શ્રીહરિને નમસ્કાર કરી ઉદાર બુદ્ધિવાળા ગોપાળાનંદ સ્વામી પૂછવા લાગ્યા.૧

હે સ્વામિન્ ! ઉદ્ધવસંપ્રદાયમાં તમારા આશ્રિત અમે સર્વે ત્યાગી સાધુઓ છીએ, તેમના ધર્મોને હું વિસ્તારથી સાંભળવા ઇચ્છું છું. તે મને કૃપા કરીને કહો.૨

આ પ્રમાણે ત્યાગી સાધુઓના ધર્મો જાણવાની ઇચ્છાવાળા ગોપાળાનંદ સ્વામીએ પૂછયું ત્યારે સંતપતિ ભગવાન શ્રીહરિ પ્રસન્ન થઇ તેમને સમગ્ર ધર્મો કહેવા લાગ્યા.૩

શ્રીનારાયણમુનિ કહે છે, હે ગોપાળાનંદ મુનિ ! મારા આશ્રિત તમે સર્વે ત્યાગી સાધુઓના ધર્મો તમારા સર્વેના હિતને માટે આપણા ઉદ્ધવસંપ્રદાયને અનુસારે જેમ શાસ્ત્રમાં છે તેમ હું તમને કહું છું. તેને તમે સાંભળો.૪

હે મુનિ ! સર્વના કારણ શ્રીકૃષ્ણ ભગવાનને વિષે તેમના માહાત્મ્યજ્ઞાને સહિત નિરંતર એકાંતિકી ભક્તિ કરવી, તેજ ત્યાગી સાધુઓનો પરમ ધર્મ છે.૫

અધર્મમાંથી ઉત્પન્ન થયેલા લોભ, કામાદિક દોષો નિશ્ચય તે ભક્તિને વિષે વિઘ્નરૂપ છે માટે ધર્મથકી ઉત્પન્ન થયેલા નિર્લોભ, નિષ્કામાદિક ગુણે કરીને તે દોષોને જીતીને આ લોકને વિષે ત્યાગી સાધુઓએ ભક્તિ કરવી.૬

હે મુનિ ! અધર્મસર્ગના દોષોમાંથી મુખ્ય પાંચ દોષો તો અવશ્યપણે જીતવાના છે. તે પાંચ દોષોને જીતવાથી અધર્મસર્ગના સર્વે દોષો જીતાય છે, તેમાં કોઇ સંશય નથી.૭

હવે તે પાંચ દોષોને કહું છું. એક તો લોભ, બીજો કામ, ત્રીજો રસાસ્વાદ ચોથો સ્નેહ અને પાંચમો દોષ માન. તે જીવના અંતરશત્રુ છે, અને વિદ્વાનોને પણ જીતવા અતિશય કઠણ છે.૮

તે માટે સર્વ દોષોમાત્રની ખાણરૂપ અર્થાત્ ઉત્પત્તિના કારણ અને આધાર એવા એ પાંચ દોષોને મોક્ષની ઇચ્છાવાળા ત્યાગી સાધુઓએ સાવધાન થઇને અતિશય પ્રયત્નપૂર્વક જીતવા.૯

એ લોભાદિ પાંચ દોષોમાના એક એક દોષમાં રહેલા બીજા દોષોને નોખા નોખા કરીને કહીએ છીએ, અને તેમને જીતવાના ઉપાય પણ નોખા નોખા કહી દેખાડીએ છીએ, તે ઉપાયો સુખે પળાય એવા છે.૧૦

નિર્લોભી વર્તમાન :- એ પાંચમાંથી લોભને આશરે રહેલા દોષો પ્રથમ કહીએ છીએ. તે સર્વે દોષો અત્યંત ત્યાગ કરવા યોગ્ય છે.૧૧

લોભને વિષે જે મોટા મોટા દોષો રહેલા છે તે જીવને નરક પમાડનારા છે. લોભ છે એજ પાપનો પિતા છે. અને સર્વ પાપને પ્રવર્તાવનારો છે.૧૨

લોભથી ક્રોધ ઉપજે, કામ પ્રવર્તે તથા લોભથી જ મોહ, કપટ, અભિમાન અને પરાધીનતા પણ થાય છે.૧૩

મનુષ્યો ધનાદિક પદાર્થના લોભે કરીને પોતાની દીકરી, પોતાની બહેન અથવા બીજી કોઇ પણ સંબંધીની દીકરી હોય તો તેને પણ નીચના ઘેર વહેંચે છે. ધનાદિક પદાર્થના લોભે કરીને માણસને પણ વહેંચે છે.૧૪

લોભે કરીને ક્ષમા થાતી નથી અને લજ્જાનો પણ ત્યાગ કરાય છે. લોભથી શોભાનો પણ નાશ થાય છે, અને અધર્મનો અતિશય ક્ષય થાય છે. અનેક પ્રકારની ચિંતા અને અપકીર્તિ પણ લોભથી જ થાય છે. મિથ્યા આડંબર, જીવપ્રાણીમાત્રનો દ્રોહ, બીજાની નિંદા તથા મત્સર કહેતાં બીજાનો ઉત્કર્ષ સહન ન થવો, તે પણ લોભથી જ થાય છે.૧૫

લોભે કરીને પદાર્થનો ત્યાગ થતો નથી. તૃષ્ણા અતિશય વધે છે. અને પોતાના ખોટા વખાણ કરાય છે. તથા ન કરવા જેવું કાર્ય લોભથી મનુષ્ય કરે છે. અવિશ્વાસ, ધનાદિકની ચોરી તથા પરસ્ત્રીનો સંગ પણ લોભથી થાય છે.૧૬

લોભે કરીને અતિશય દીનપણાનો તથા વિચાર્યા વિના તત્કાળ ક્રિયા કરી નાખવાનો વેગ થઇ જાય છે. ભયંકર મૃત્યુનો વેગ અર્થાત્ ઘણાક માણસ મરાઇ જાય એવી ક્રિયા લોભથી થઇ જાય છે. બળવાન ઇર્ષ્યાનો વેગ થાય છે. દુર્જય મિથ્યાપણાનો વેગ પણ લોભથી પ્રવર્તે છે. અર્થાત્ કેવળ અસત્ય જ બોલાય છે.૧૭

કોઇ રીતે અટકાવી ન શકાય તેવો રસનો વેગ તે પણ લોભથી પ્રવર્તે છે. અને બીજા સર્વે દેષો લોભથી ફેલાય છે. માટે નિશ્ચય સર્વે પાપનું મૂળ કારણ લોભ છે.૧૮

લોભને વિષે રહેલા સર્વે દોષો પોતાના મોક્ષરૂપ સ્વાર્થનો નાશ કરનારા છે, એવી રીતે સંતોનો સમાગમ કરીને પોતાના હૃદયમાં નિશ્ચય કરીને બુદ્ધિમાન મનુષ્યો લોભને જીતે.૧૯

જનકરાજા, યુવનાશ્વરાજા, વૃષાદર્ભિરાજા એ આદિક કેટલાક રાજાઓ લોભનો ત્યાગ કરી પરમ સુખને પામ્યા છે.૨૦

તે માટે મોક્ષની ઇચ્છાવાળાને લોભ નિશ્ચય ત્યાગ કરવા યોગ્ય છે. સત્શાસ્ત્રનું જ્ઞાન તથા બીજા અનેક સદ્ગુણો એક લોભે કરીને દોષ જેવા થઇ જાય છે. એવા લોભને રૂડી બુદ્ધિવાળો પુરુષ કેમ આશરે ? ન જ આશરે.૨૧

લોભને જીતવાના ઉપાય :- હવે એવા લોભને અમારા ત્યાગી સાધુઓ જે ઉપાયોનો આશ્રય કરીને જીતે, તે ઉપાયો કહીએ છીએ. તે ઉપાયોને મોટા સાધુ પુરુષોએ માન્ય કરેલો છે.૨૨

હે મુનિ ! જીવ જે પદાર્થનો લોભ કરે છે તે પદાર્થ નિશ્ચય નાશવંત છે અને જે શરીરનાં સુખને અર્થે લોભ કરે છે, તે શરીર પણ ક્ષણમાં નાશ પામી જાય તેવું છે.૨૩

આ રીતે દેહ અને દ્રવ્યાદિકનું અસત્યપણું છે તો પણ જીવ લોભથી જે પાપ કરે છે, તે પાપકર્મ નિશ્ચય એ જીવને સાચા થઇને વળગે છે.૨૪

તે પાપકર્મને લીધે નાના પ્રકારના નરકને પામે છે, તથા શ્વાન અને શૂકર આદિક નાના પ્રકારના ભૂંડા અવતારને નિશ્ચય વારંવાર પામે છે.૨૫

માટે ત્યાગી સાધુઓ કાનને પ્રિય લાગે એવી ગ્રામ્ય વાર્તા સાંભળવા લોભાય નહિ, અને સ્ત્રી તથા દાઢી-મૂછ ન ઉગી હોય એવા નાનાં બાળકો તથા સૂક્ષ્મવસ્ત્ર એ આદિક પદાર્થનો ત્વચાએ કરીને સ્પર્શ કરવા લોભાય નહિ.૨૬

સ્ત્રી, સુવર્ણના આભૂષણો, સારાં સારાં વસ્ત્રો, સુંદર ભારે હવેલી, સુંદર ફૂલવાડી, બાગ, બગીચા, અને સુંદર રૂપાળી ગાય, ઘોડો, ઘોડી, બળદ આદિક જે નેત્ર ઇન્દ્રિયને પ્રિય લાગે એવા પદાર્થોને વિષે ક્યારેય પણ લોભાય નહિ.૨૭

તેવી જ રીતે નાના પ્રકારના ખાટા, ખારા, તીખા, ગળ્યા, ચીકણા આદિક રસે યુક્ત એવા ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોષ્ય એ ચાર પ્રકારના જીહ્વા ઇન્દ્રિયને પ્રિય લાગે એવા પદાર્થોમાં દોષ દૃષ્ટિએ કરીને બુદ્ધિમાન ત્યાગી સાધુ ક્યારેય લોભાય નહિ.૨૮

વળી સુગંધીમાન ફુલેલ તેલ, નાના પ્રકારનાં અત્તર, નાના પ્રકારનાં પુષ્પ, નાના પ્રકારનું ચંદન એ આદિક નાસિકા ઇન્દ્રિયને પ્રિય લાગે એવાં પદાર્થોમાં બુદ્ધિમાન ત્યાગી સાધુ ક્યારેય લોભાય નહિ.૨૯

એવી રીતે રમણીય અને ઇન્દ્રિયોને ક્ષોભ કરનારા એવા જે પાંચ ઇન્દ્રિયોના પાંચ વિષયોમાં ત્યાગી સાધુએ ક્યારેય પણ લોભાવું નહિ.૩૦

વિષયને વિષે આસક્તિએ રહિત એવો જે ત્યાગી સાધુ, તે પાંચ ઇન્દ્રિયોની વૃત્તિઓ જે સ્વભાવિકપણે પોતપોતાના વિષયોમાં જાય છે. તેને તે તે વિષયમાંથી ખેંચીને પાછી વાળી લે છે. તે સાધુને વિવેકીઓ જીતેન્દ્રિય કહે છે.૩૧

પાંચે ઇન્દ્રિયો પોતે પોતાના વિષયને વિષે પ્રવર્તતી હોય તેને મન પણ નિશ્ચય અનુસરે છે. એવી રીતે પાંચે ઇન્દ્રિયો અને છઠ્ઠું મન તેનો આશ્રય કરી લોભાદિક પાંચ શત્રુઓ જીવને પીડે છે.૩૨

ત્યાગી સાધુઓને પોતાની પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું મન તેજ નક્કી શત્રુ છે. માટે મોક્ષને ઇચ્છનાર ત્યાગી સાધુએ પ્રયત્ને કરીને પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું મન તેમને વિશેષપણે કરીને જીતવાં.૩૩

હે મુનિ ! પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું મન જેમણે જીતેલાં છે, એવાં સાધુઓનો મન કર્મ વચને સંગ કરવો. માહાત્મ્યજ્ઞાને યુક્ત ભગવાનની ઉપાસના ભક્તિ કરવી અને નિત્યે સદ્વિચાર કરવો, એ ત્રણ સાધને કરીને મુમુક્ષુઓ મન અને ઇન્દ્રિયોરૂપ શત્રુને જીતે છે.૩૪

તે સદ્વિચાર આવી રીતે કરવો કે, પદાર્થ પામવાનું પોતાના પ્રારબ્ધાનુસાર ઇશ્વરે નિર્માણ કર્યું છે, તે પદાર્થને સર્વે જીવપ્રાણી અવશ્ય પામે છે. તે માટે દેહની પુષ્ટિને અર્થે પદાર્થની પ્રાપ્તિ સારૂં વૃથા કલેશ ન કરવો.૩૫

જેટલાં અન્નવસ્ત્રાદિક પદાર્થે કરીને પોતાના દેહનો નિર્વાહ થાય તેટલા પદાર્થની પ્રાપ્તિને અર્થે ત્યાગી સાધુ યત્ન કરે, કારણ કે દેહ, ધર્મ પાળવાનું સાધન છે. અર્થાત્ મનુષ્ય દેહે કરીને ધર્મ પળાય છે.૩૬

દેહ નિર્વાહને અર્થે યત્ન કરવો તે પણ અમે કહીશું એવો જે માર્ગ તેણે કરીને કરવો, પણ બીજી રીતે ન કરવો, કારણ કે પોતાના મનમાં આવે તેવી રીતે પોતાનો દેહ નિર્વાહ કરનાર ત્યાગી સાધુ તો નરકને પામે છે, એમાં સંશય નથી.૩૭

સાધુને રાખવાના વસ્ત્રોનું નિરૂપણ :- હે મુનિ ! છ મહિના સુધી ગૃહસ્થે પહેર્યાં ઓઢયાં ને જુનાં થયેલાં અને ગૃહસ્થ પાસેથી માગી લીધેલાં એવાં ધોળા વસ્ત્રોના ટુકડા વડે કરેલી અને ટાઢને ટાળે એવી એક કંથા રાખવી.૩૮

બે કૌપીન રાખવી. તે કૌપીન ઉપર પહેરવાના બે બહિર્વાસ તે ધોતીયાં રાખવાં. એક પછેડી રાખવી, અને જળ ગાળવાનો એક વસ્ત્રનો કટકો રાખવો.૩૯

કાન ઢંકાય એવી એક માથે ધારવાની ટોપી રાખવી. તે ટોપી ઉપર માથે બાંધવાનો ચોખંડો એક રૂમાલ રાખવો. કૌપીનથી રૂમાલ સુધી જે વસ્ત્ર રાખવાનાં કહ્યાં, તે વસ્ત્ર ગૃહસ્થ પાસેથી માગ્યા વિના ગૃહસ્થે પોતાની મેળે આપેલાં નવા વસ્ત્રનાં કરવાં.૪૦

રસોઇ કરતી વખતે પહેરવાને અર્થે કામળીનું એક ફાળિયું રાખવું, નાહેલાની ટાઢ હરે એવી એક કામળી જુની અથવા નવી રાખવી.૪૧

હે મુનિ ! ત્યાગી સાધુઓ આ કહ્યું તેવાજ વસ્ત્રો રાખે તો તેમના જીવનું હિત થાય અને તેથી અધિક રાખે તો ભૂંડું થાય. કામળી સિવાયનાં બીજાં વસ્ત્રો સુતરાઉ રાખવાં પણ હીરાગળ ન રાખવાં.૪૨

એ વસ્ત્રો થોડા મૂલ્યવાળાં, જાડા અને ધોળાં હોય, સોના કે રૂપા આદિક ધાતુના તાર વિનાનાં હોય, તેવાં રાખવાં.૪૩

પ્રથમનું વસ્ત્ર જુનું થઇને ફાટી જાય, કોઇ ચોર લઇ જાય, અથવા ખોવાઇ જાય ત્યારે તે વસ્ત્ર બીજું રાખવું. ઝીણાં તથા સુવર્ણાદિક ધાતુના તારે યુક્ત તથા રાતાં, પીળાં તથા સુવર્ણાદિક ધાતુના તારે યુક્ત તથા રાતાંપીળાં તથા ચિત્રવિચિત્ર રંગવાળાં વસ્ત્રો ગૃહસ્થ આપે તો પણ તેને ત્યાગી સાધુ ક્યારેય ગ્રહણ ન કરે.૪૪

અને પોતાને રાખવાનાં ધોતીયાં પછેડી આદિક નવાં વસ્ત્ર તે જો માગ્યા વિના ગૃહસ્થ પોતાની જાણ્યે ન આપે તો પોતાને અવશ્ય જોઇતું હોય તેટલું જુનું વસ્ત્ર, છ મહિનાનું ઓઢેલું હોય તે માગી લેવું, તેનો ત્યાગી સાધુને દોષ નથી.૪૫

પોતાને પહેરવા ઓઢવાનાં વસ્ત્રોને રાતી મૃતિકાએ રંગીને ત્યાગી સાધુઓએ ધારવાં. રંગ્યા વિનાનાં ધોળાં વસ્ત્રો ક્યારેય પણ ન ધારવાં.૪૬

શ્રીકૃષ્ણ ભગવાનની પૂજાના ઉપયોગમાં અવશ્ય જોઇએ એવાં ભગવાનને સ્નાન કરાવવાનાં પાત્ર, ચંદન ઉતારવાનાં પાત્ર, ઇત્યાદિ પૂજાની સામગ્રીનાં પાત્ર તે તાંબુ, પિત્તળ આદિક ધાતુનાં ન હોય તેવાં રાખવાં, અર્થાત્ કાષ્ટાદિકનાં રાખવાં.૪૭

પોતાના ઉપયોગનું સત્શાસ્ત્રનું પુસ્તક ત્યાગી સાધુ રાખે, પુસ્તક લખાવવાનાં ઉપકારક ખડિયો, પાટી, કલમ, ચપ્પુ, કાતર આદિક સામગ્રી પોતાના ઉપયોગમાં આવે તેટલી જ રાખે પણ તેથી અધિક ન રાખે.૪૮

ત્યાગી સાધુએ પાણી પીવાનું પાત્ર કાષ્ટનું રાખવું, અથવા તુંબડાંનું રાખવું. પાણી પીવાનું અને ભોજન કરવાનું પાત્ર રંગ્યા વિનાનું રાખવું.૪૯

ત્યાગી સાધુ કોઇ રીતે ધનનો સંગ્રહ તો કરે જ નહિ. તે ધનને બીજા પાસે પોતાનું કરી કોઇ રીતે રખાવે નહિ.૫૦

વસ્ત્ર, પાત્ર, ગાય, ભેંસ, ઘોડી, બળદ એ આદિક જે જે પદાર્થે કરીને ધન ઉપજે, તે તે પદાર્થ ત્યાગી સાધુ ક્યારેય પણ પોતાની પાસે રાખે નહિ, અને બીજા પાસે રખાવે નહિ.૫૧

ત્યાગી સાધુ ક્યારેય પણ કોઇ પદાર્થની ચોરી પોતે ન કરે, બીજા પાસે પણ ન કરાવે. ચોરની સંગાથે નિવાસ ન કરે, અને ચોરને પોતાના આશ્રમમાં ન રાખે.૫૨

પારકું પદાર્થ માગ્યા વિના લેવાના પાપથી ભય પામવાના સ્વભાવવાળા ત્યાગી સાધુએ ફળ, પુષ્પ, અન્ન, તૃણ, કાષ્ટ, દાતણ, મૃતિકા અને પત્ર એ આદિક જે જે પદાર્થ ધણિયાતું હોય તે પદાર્થ માગ્યા વિના ગ્રહણ કરવું નહિ.૫૩

ત્યાગી સાધુ પોતાને અર્થે ખેતર, વાડી, આદિક કરે નહિ, અને બીજા પાસે કરાવે પણ નહિ. પારકી થાપણનું ધન કોઇ પણ પ્રકારે પોતે રાખે-રખાવે નહિ.૫૪

નિયમભંગના પ્રાયશ્ચિતની રીત :- અમે કહ્યા જે આ સર્વે નિયમ તેમાંથી જો કદાચિત કોઇ નિયમનો ભંગ થાય તો તે પાપનું નિવારણ ત્યાગી સાધુએ તત્કાળ કરવું.૫૫

નાનું અથવા મોટું જે કાંઇક પાપ પોતાનાથી જાણે કે અજાણે થઇ ગયું હોય તે પાપ ત્રણ અથવા ચાર મોટા ત્યાગી સાધુઓની આગળ કહેવું. ૫૬

પછી તે મોટા સાધુ દેશકાળને અનુસારે જેવી રીતે તે પાપનું પ્રાયશ્ચિત બતાવે તેવી રીતે ત્યાગી સાધુ સાવધાન થઇને તે પ્રાયશ્ચિત કરે.૫૭

હવે થઇ ગયેલા પાપનું નિવારણ કેવી રીતે કરવું, તે કહીએ છીએ, ત્યાગી સાધુને જેટલાં વસ્ત્ર રાખવાનાં કહ્યાં, તેથી અધિક વસ્ત્ર લઇને રાખે તો તે રાખનાર એક પાદકૃચ્છ્રવ્રત કરે. ગૃહસ્થ પાસે નવું વસ્ત્ર માગે તો એક પાદકૃચ્છ્રવ્રત કરે. સુવર્ણાદિક ધાતુના તારવાળું વસ્ત્ર રાખે, રાતાં પીળાં, લીલાં અને ચિત્ર વિચિત્ર વસ્ત્રો રાખે તથા બહુમૂલ્યવાળું વસ્ત્ર રાખે તો તે પ્રત્યેક પાપનું એક એક પાદકૃચ્છ્રવ્રત કરે.૫૮

જો તે વસ્ત્રને મૃત્તિકાએ રંગ્યા વિના ધોળાં જ રાખે તો એક પાદકૃચ્છ્રવ્રત કરે. જેટલા પદાર્થોનો સંગ્રહ કરવાનું કહ્યું તેથી અધિક પદાર્થનો સંગ્રહ કરે તો એક પાદકૃચ્છ્રવ્રત કરે. તે વ્રતનું લક્ષણ કહીએ છીએ. એક દિવસ એક વાર ખાવું, બીજે દિવસે સૂર્યાસ્ત થાય તે પહેલાં જમવું, ત્રીજે દિવસે માગ્યા વિનાનું જે મળે તે જમવું અને ચોથે દિવસે ઉપવાસ કરવો, એ એક પાદકૃચ્છવ્રત કહેવાય છે.૫૯

વળી ત્યાગી સાધુ પોતાનું અથવા પારકું સુવર્ણાદિક ધન, જેટલા દિવસ પોતે રાખે, તેટલા દિવસ ઉપવાસ કરે, તથા જેટલા દિવસ બીજા પાસે રખાવે તેટવા દિવસ ઉપવાસ કરે, ત્યારે તે પાપ થકી શુદ્ધ થાય છે.૬૦

ત્યાગી સાધુ ઘોડો, ઘોડી, વેલ, માફો આદિક વાહન જેટલા દિવસ રાખે તેટલા દિવસ પોતે ઉપવાસ કરે. ગાય, ભેંસ આદિક પશુ જેટલા દિવસ રાખે તેટલા દિવસ ઉપવાસ કરે.૬૧

ધણીયાતાં પુષ્પાદિક પદાર્થોની ત્યાગી સાધુએ જો ચોરી કરી હોય તો તે ચોરી બીજા સાધુની આગળ જઇને કહીને તે સાધુને સાષ્ટાંગ નમસ્કાર કરી એક ઉપવાસ કરે.૬૨

જે ત્યાગી સાધુ પોતાના નિયમ થકી ભ્રષ્ટ થયો હોય તેનું સર્વ પ્રકારે હિત કરવું, તેજ જેને પ્રયોજન છે એવા બીજા ત્યાગી સાધુઓએ પોતાની પંક્તિ થકી તે ત્યાગી સાધુને તત્કાળ બહાર કરવો.૬૩

તે ત્યાગી જ્યારે નિયમ ભંગનું પ્રાયશ્ચિત કરી શુદ્ધ થાય ત્યારે ધર્મમાર્ગમાં રહેલા ત્યાગી સાધુઓએ તેને સાધુના મંડળમાં લેવો. આ વાર્તા પાંચે પ્રકારના નિયમમાં જાણવી.૬૪

નિર્લોભી સત્પુરુષનો સમાગમ તથા ભગવાનની ભક્તિથી યુક્ત થઇને આ સર્વે નિયમોનું પાલન કરીને ત્યાગી સાધુ દુઃખે કરીને પણ ન જીતાય એવા લોભને યથાર્થ જીતી લેછે.૬૫

હે મુનિશ્રેષ્ઠ ! લોભ જીતવાના આ ઉપાયો મેં તમને નિશ્ચયપણે કહ્યા અને તે પહેલાં લોભને વિષે રહેલા દોષો પણ કહ્યા, હવે કામને વિષે રહેલા દોષો તથા તે કામને જીતવાના ઉપાયો કહું છું તે સાંભળો.૬૬

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં ત્યાગી સાધુના ધર્મને વિષે લોભના દોષો તથા તેને જીતવાના ઉપાયોનું નિરૂપણ કર્યું એ નામે બાસઠમો અધ્યાય પૂર્ણ થયો. --૬૨--