અધ્યાય - ૪૦ - ભગવાન શ્રીહરિએ અયોધ્યાપ્રસાદજી તથા રઘુવીરજીની આચાર્યપદે સ્થાપના કરી.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 9:10pm

અધ્યાય - ૪૦ - ભગવાન શ્રીહરિએ અયોધ્યાપ્રસાદજી તથા રઘુવીરજીની આચાર્યપદે સ્થાપના કરી.

ભગવાન શ્રીહરિએ અયોધ્યાપ્રસાદજી તથા રઘુવીરજીની આચાર્યપદે સ્થાપના કરી. દેશ વિભાગના લેખ. આચાર્યપદને લાયક ગુણો.

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! પિતા ધર્મદેવનો જન્મોત્સવ ઉજવ્યા પછી શ્રીલક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરના આંગણામાં બપોર પછીના સમયે સ્વર્ગમાં સુધર્મા એવા દેવતાઓની સભાની જેમ વિશાળ સભા કરી.૧

તે સભામાં સર્વે સ્ત્રી-પુરુષ ભક્તજનો આવીને યથાયોગ્ય સ્થાને બેઠા. ભગવાન શ્રીહરિ પણ મહાસિંહાસન પર વિરાજમાન થયા.૨

અયોધ્યાપ્રસાદજી આદિ પુત્રોએ સહિત મોટા ભાઇ રામપ્રતાપજી અને રઘુવીરજી આદિ પુત્રોએ સહિત નાનાભાઇ ઇચ્છારામજી બન્ને જણ પણ તે સભામાં આવી ભગવાન શ્રીહરિના આગળના ભાગમાં બિછાવેલા આસનો ઉપર વિરાજમાન થયા.૩

વર્ણીઓના મંડળમાં અગ્રણી એવા મુકુન્દાનંદ બ્રહ્મચારી, વાસુદેવાનંદ બ્રહ્મચારી તથા જયાનંદ બ્રહ્મચારી આદિ સર્વે પણ આવીને બેઠા.૪

હે રાજન્ ! સાધુઓમાં શ્રેષ્ઠ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આદિ સમગ્ર સંતો પણ તે સભામાં આવીને બેઠા. શિવરામ, મયારામ, દીનાનાથ ભટ્ટ આદિ વિદ્વાન વિપ્રો પણ તે સભામાં બેઠા.૫-૬

વસ્તાખાચર, સુરાખાચર, ઉત્તમરાજા, પુંજાજી, કાકાભાઇરાજા, સોમલાખાચર, હેમંતસિંહ, આદિ અનેક રાજાઓ તે સભામાં બેઠા.૭

તેજ રીતે ભગુજી, રતનજી, વેરાજી, અલૈયાખાચર, આદિક ઉત્તમ ક્ષત્રિય ભક્તજનો પણ તે સભામાં બેઠા. ગોવિંદભાઇ, રણછોડ, નાથજી ભક્ત, કાશીદાસ આદિ વૈશ્ય ભક્તજનો પણ તે સભામાં બેઠા.૮

તેવી જ રીતે જયાબા, રમાબા, લલિતાબા, પુંજિકા, અમરી, ગંગા,બે રેવા, મોઘા, આદિ સ્ત્રી ભક્તજનો પણ તે સભામાં બેઠી.૯

હે રાજન્ ! તે સભાને વિષે જ્યારે સર્વે યથાયોગ્ય સ્થાને બેસી ગયા પછી પોતાની ધર્મધુરા ધર્મવંશમાં સ્થાપન કરવા ઇચ્છતા ભગવાન શ્રીહરિ પોતાના બન્ને ભાઇઓ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ભાઇઓ ! લોકનું હિત કરતાં મારાં વાક્યો સાંભળો. મેં મારા મનમાં જે નિર્ણય કર્યો છે. તેનું પ્રયોજન તમને સાચી રીતે કહું છું.૧૦-૧૧

આ લોકમાં મનુષ્યોના ગુરુસ્થાન ઉપર જે મારો અધિકાર રહેલો છે. તે અધિકાર ગુરુવર્યશ્રી રામાનંદ સ્વામીએ મને અતિશય આગ્રહપૂર્વક અર્પણ કરેલો છે.૧૨

ધર્મે સહિત ભક્તિનું પોષણ કરતા મારે ગુરુની આજ્ઞા અવશ્ય પાળવી જોઇએ. એવું મનથી વિચારીને આટલા સમય સુધી મેં આ ધર્મધુરાનું વહન કર્યું છે.૧૩

અત્યારે મેં પંચમસ્કંધનું વારંવાર શ્રવણ કર્યું હોવાથી પૂર્વે થઇ ગયેલા જડભરતની જેમ નિવૃત્તિમાર્ગ ગ્રહણ કરવાનો મને ઉત્સાહ વર્તે છે.૧૪

હું પ્રવૃત્તિમાર્ગનો ત્યાગ કરી પ્રતિદિન દશમસ્કંધનો પાઠ અને શ્રવણ કરી ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ જ માત્ર કરીશ પરંતુ ઇતર પ્રવૃત્તિઓ હવે હું નહિ કરું.૧૫

એજ કારણથી હે ભાઇઓ! અત્યારે આ ધર્મધુરા ધર્મવંશમાં સ્થાપન કરૂં એવી મારી ઇચ્છા વર્તે છે. તેથી મારી ઇચ્છા અનુસારના તમારા બન્ને પાસેથી એક એક પુત્રની માગણી કરૂં છું.૧૬

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિનું વચન સાંભળી મોટાભાઇ રામપ્રતાપજી પ્રથમ કહેવા લાગ્યા કે, હે શ્રીહરિ ! મારા ત્રણ પુત્રો છે, તેમાંથી તમને જે પુત્રની ઇચ્છા હોય તેનો સ્વીકાર કરો.૧૭

પછી નાનાભાઇ ઇચ્છારામજી પણ ભગવાન શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે શ્રીહરિ ! મારા પાંચ પુત્રો છે, તેમાંથી તમને જે પુત્રને ગ્રહણ કરવાની ઇચ્છા હોય તેનો તમે અત્યારે જ સ્વીકાર કરો.૧૮

હે રાજન્ ! આ પ્રમાણેનું બન્ને ભાઇઓનું વચન સાંભળી અતિશય પ્રસન્ન થયેલા ભગવાન શ્રીહરિ બન્ને ભાઇઓને કહેવા લાગ્યા કે, હે મોટાભાઇ ! રામપ્રતાપજી ! તમે તમારા અયોધ્યાપ્રસાદજી નામે પુત્ર છે, તે મને અર્પણ કરો.૧૯

અને હે ઇચ્છારામજી ! તમારા રઘુવીરજી નામે પુત્ર છે, તે મને અર્પણ કરો. હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ આ પ્રમાણે કહ્યું. તેથી બન્ને ભાઇઓ તત્કાળ ઊભા થયા.૨૦

હે રાજન્ ! તે સમયે ભગવાન શ્રીહરિએ વાજિંત્ર અને મધુરગીતના ધ્વનિની સાથે સ્વસ્તિકવાચન કરી ધર્મશાસ્ત્રમાં કહેલા વિધિપૂર્વક હરિશર્મા આદિક વૈદિક વિપ્રો પાસે દત્તકવિધિ કરાવી સર્વે મનુષ્યોને અતિશય પ્રિય એવા અયોધ્યાપ્રસાદજી અને રઘુવીરજી એ બન્ને પુત્રોને ધર્મધુરા અર્પણ કરવા ગ્રહણ કર્યા.૨૧

શ્રીહરિએ બન્નેને પોતાની ગાદી ઉપર બેસાડયા ને અતિશયે મૂલ્યવાન વસ્ત્રો તથા આભૂષણોથી સન્માન કરી પોતાના આશ્રિત ભક્તજનો પાસે હર્ષપૂર્વક બન્નેનું પૂજન કરાવ્યું.૨૨

પછી ભગવાન શ્રીહરિ બન્ને પુત્રો પ્રત્યે કહેવા લાગ્યા કે, હે પુત્રો ! મારૂં વચન સાંભળો, શ્રીકૃષ્ણ ભગવાન સ્વયં આપણા ઇષ્ટદેવ છે.૨૩

મેં આ પૃથ્વી પર તેમનાં અનેક મંદિરો કરાવ્યાં છે, અને તેની આજીવિકાવૃત્તિ પણ કરી આપી છે.૨૪

એ સર્વે મંદિરોમાં બે મંદિરો મુખ્ય છે. તેમાં એક શ્રીનગરને વિષે ભગવાન શ્રીનરનારાયણદેવનું મંદિર અને બીજું આ વૃતાલયપુરમાં ભગવાન શ્રીલક્ષ્મીનારાયણ દેવનું મંદિર છે.૨૫

બન્ને મંદિરોના મધ્ય વિભાગથી આ ભારતદેશને પૂર્વમાં કલકતાથી પશ્ચિમે બેટદ્વારિકા સુધી બે વિભાગમાં વહેંચ્યો છે. તે તે વિભાગને તેનાં તેનાં નામથી કહેવામાં આવે છે. જેમ કે શ્રીનરનારાયણદેશ વિભાગ અને શ્રીલક્ષ્મીનારાયણ દેશ વિભાગ.૨૬

તેમાં ભારતના દક્ષિણ દેશના જનોએ ધર્માદાને અર્થે અર્પણ કરેલી ધન, ધાન્ય, વસ્ત્રાદિક વસ્તુ શ્રીલક્ષ્મીનારાયણ દેવની છે.૨૭

એજ રીતે ઉત્તર દેશના જનોએ ધર્માદાને અર્થે અર્પણ કરેલી જે કાંઇ ધનધાન્ય વસ્ત્રાદિક વસ્તુઓ શ્રીનરનારાયણ દેવની છે. આ પ્રમાણેની ધર્માદાની વ્યવસ્થા મેં બાંધી આપી છે.૨૮

દેશ વિભાગના લેખ :- હે પુત્રો ! એક એક દેશવિભાગમાં રહેલા મારા આશ્રિત જનોનું ગુરુપદ હું તમને ધર્મની રક્ષા કરવા માટે અલગ અલગ અર્પણ કરું છું.૨૯

હે રાજન્ ! આ પ્રમાણે કહીને ભગવાન શ્રીહરિએ સભાની મધ્યે જ શુકાનંદ સ્વામી પાસે પોતે કહેલા અર્થનો સ્પષ્ટતઃ ઉલ્લેખ કરતી બે પત્રિકાઓ લખાવી. (અહીં થોડું વિશેષ એ પણ જાણવું કે, સંવત ૧૮૮૨ ના કાર્તિક સુદ એકાદશીના દિવસે વડતાલપુરે ગાદી અભિષેક વખતે સભામધ્યે જે બે પત્રિકા લખાવી તેમાં ફરી સંવત ૧૮૮૩ ના માગરસ સુદ પૂનમના દિવસે ગઢપુરમાં એ બે પત્રિકાના અર્થવિષય વધુ સ્પષ્ટ થાય એ રીતે બીજીવાર મારી- શુકમુનિ પાસે મોટી પત્રિકાઓ લખાવીને બન્ને પત્રિકાઓમાં બન્ને પુત્રોના અરસપરસ હસ્તાક્ષર કરાવ્યા અને સાક્ષીઓના પણ હસ્તાક્ષર કરાવ્યા છે. એમ ટીકામાં શુકસ્વામીએ લખ્યું છે.)૩૦

હે રાજન્ ! બે પત્રિકાઓને ઉદારમનના ભગવાન શ્રીહરિએ પોતાના હાથમાં ગ્રહણ કરી બન્ને પુત્રોને કહ્યું કે, તમે આમાંથી એક એક પત્રિકા ગ્રહણ કરો.૩૧

તે સમયે બન્ને ભાઇઓએ એક એક પત્રિકા ગ્રહણ કરી. પછી સ્વસ્થ મને બન્ને જણ શ્રીનરનારાયણદેવ અને શ્રીલક્ષ્મીનારાયણદેવના નામ જોવા લાગ્યા.૩૨

રઘુવીરજીને લક્ષ્મીનારાયણ નામનો પત્ર પ્રાપ્ત થયો, અને અયોધ્યાપ્રસાદજીને નરનારાયણ નામનો પત્ર પ્રાપ્ત થયો.૩૩

આ પત્રિકા જોઇ ભગવાન શ્રીહરિ પોતાના સમગ્ર ભક્તજનો પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ભક્તજનો ! આજથી મેં આ અયોધ્યાપ્રસાદજીને અને રઘુવીરજીને તમારા ગુરુસ્થાને બેસાડયા છે.૩૪

શ્રીનરનારાયણદેશના જે મારા આશ્રિતો છે તે આ અયોધ્યાપ્રસાદજીના શિષ્યો છે. એમ તમે નક્કી જાણજો.૩૫

અને શ્રીલક્ષ્મીનારાયણ દેશના જે મારા આશ્રિતો છે તે સર્વે આ રઘુવીરજીના શિષ્યો છે.૩૬

આ બન્ને દેશમાં રહેતી સ્ત્રી ભક્તજનોના ગુરુસ્થાને આ બન્ને આચાર્યોની પત્નીઓ, જે અયોધ્યાપ્રસાદજીના પત્ની સુનંદાદેવી અને રઘુવીરજીનાં પત્ની વિરજાદેવીને ગુરુસ્થાને સ્થાપન કર્યાં છે. મેં આ જે મર્યાદા સ્થાપી છે, તેમાં હવે પછી કોઇએ શંકા કરવી નહિં. સ્ત્રીઓને આચાર્યપદ આપવામાં મારો કોઇ ખોટો નિર્ણય નથી.૩૭

હે ભક્તજનો ! મારા આશ્રિત સર્વે તમારે આ ધર્મવંશી મારા પુત્રોને ધર્મદેવની સમાન જ માનજો, અને પોતાની શક્તિને અનુસારે અન્ન, વસ્ત્ર, આભૂષણાદિકથી તેમની સેવા કરજો.૩૮

આ ધર્મવંશી આચાર્યનો જે જનો આશ્રય કરશે તે સર્વેને ભગવાન શ્રીકૃષ્ણ દેહના અંતે પોતાના ધામમાં લઇ જશે.૩૯

હે રાજન્ ! આ પ્રમાણે શ્રીહરિએ પોતાના આશ્રિત ભક્તજનોને કહીને ફરી બન્ને આચાર્યોને કહેવા લાગ્યા કે, હે પુત્રો ! તમારે પોતપોતાના દેશમાં રહેલા મનુષ્યોને શિષ્યો કરવા, બીજા દેશના જનોને શિષ્યો કરવા નહિ.૪૦

અને પોતાના દેશના ભક્તજનોએ અર્પણ કરેલા અન્ન, વસ્ત્રાદિકને તમારે ગ્રહણ કરવા, પરંતુ એકબીજાએ બીજાના દેશના ભક્તજનોએ અર્પણ કરેલા ક્યારેય પણ સ્વીકારવા નહિ. પરંતુ સંતો, પાર્ષદોએ સહિત એકબીજાના દેશમાં ગયા હોય ત્યારે ભોજન પર્યાપ્ત અન્ન સ્વીકારવાનો કોઇ દોષ નથી. કદાચ અજાણતા અન્ય પદાર્થનો સ્વીકાર થયો હોય તો એક બીજાના દેશમાં મોકલી દેવાં. તેમજ મુક્તાનંદ સ્વામી આદિ સંતો છે, મુકુન્દાનંદ બ્રહ્મચારી આદિ વર્ણીઓ છે. અને ભગુજી આદિક પાર્ષદો છે, તેઓને માટે તમે બન્ને સરખાભાવે પૂજ્ય અને માન્ય છો.૪૧

તે સર્વે કોઇ જાતના પક્ષ વિના તમારા બન્નેની સરખા ભાવે સેવા કરશે. સાધુને કોઇ પક્ષ હોય નહીં. જે સાધુ પક્ષપાતી થાય તે ધર્મથકી ભ્રષ્ટ થઇને નરકમાં પડે છે.૪૨

હે પુત્રો ! તમારા બન્ને વચ્ચે શિષ્ય તેમજ ધનના નિમિત્તે થયેલા વિવાદના નિર્ણયમાં તમારે બે બે ધર્મનિષ્ઠ ગૃહસ્થ ભક્તોની નિયુક્તિ કરવી. તેમાં બન્ને દેશના બે બે હરિભક્ત નક્કી કરીને જોડવા. પરંતુ તેવા વિવાદમાં સંતોને ક્યારેય પણ જોડવા નહિ.૪૩

તેવી જ રીતે પોતાની આશ્રિત શિષ્યાઓના નિમિત્તે થયેલા વિવાદના નિર્ણયમાં તમારી પત્નીઓએ ધર્મનિષ્ઠ પતિ, પુત્રવાળી સધવા સ્ત્રીઓની નિયુક્તિ કરવી, પરંતુ વિધવા સ્ત્રીઓને તેમાં ક્યારેય જોડવી નહિ.૪૪

કારણ કે, ગૃહસ્થજનોના કાર્યમાં ગૃહસ્થ સિવાયના ઇતર સાધુ-સાધ્વીઓને જોડવામાં આવે તો તે કાર્ય સિદ્ધ થતું નથી. ઉલટાનું તેમાં વિઘ્ન પડે છે, એ નક્કી છે.૪૫

અને વળી તમારે બન્નેએ મેં માન્ય કરેલા આઠ ગ્રંથોનો આશ્રય કરી પ્રતિદિન પોતાના ઉદ્ધવ સંપ્રદાયની રીત પ્રમાણે વર્તવું અને પોતાના શિષ્યોને પણ એજ રીતે પોતપોતાના ધર્મમાં વર્તાવવા.૪૬

હે પુત્રો ! મેં તમને જે આ મંદિરાદિક અર્પણ કર્યાં છે, તે મારી ભૂજાથી ભેળું કરેલું છે, તેથી તેમાં બીજા ધર્મવંશીઓએ જેવા કે તમારા પિતા, ભાઇ આદિ કોઇએ પણ પોતાના અધિકારની માંગણી કરવી નહિ, તેમાં બીજાનો કોઇ અધિકાર નથી.૪૭

તમે મને તપસ્વીઋષિ બદરીપતિનારાયણની જેમ માનો. હું મારા અક્ષરધામથી આલોકમાં મારી ઇચ્છાથી આવ્યો છું, ફરી ત્યાંજ જવાનો છું. એમ તમે નક્કી જાણો.૪૮

આ કોઇ માત્ર કહેવાની વાત નથી. મારા અંતરમાં જેમને આ સર્વસ્વ અર્પણ કરવાની ઇચ્છા હતી તેને મેં મારી સ્વતંત્ર ઇચ્છાથી અર્પણ કરેલ છે. તેથી તેમાં તમારા ભાઇ કે તેમના પુત્રોનો કોઇ પણ ભાગ નથી.૪૯

તેવીજ રીતે તમારે બન્નેને પણ અનેક પુત્રો હોય, છતાં ગુરુપદે તો એક ગુણવાન પુત્રને જ સ્થાપન કરવો, તેમાં નાના-મોટા પુત્રનો કોઇ નિયમ રાખવો નહિ.૫૦

આચાર્યપદને લાયક ગુણો :- જે પુત્ર ઉપર ધર્મનિષ્ઠ જનોને પ્રીતિ હોય, જે પોતાના આશ્રિત જનોને ધર્મમાં રખાવા સમર્થ હોય, જે ઉધ્ધવસંપ્રદાયના કહેલા ધર્મોમાં દૃઢ વર્તતો હોય, તેવો પુત્ર જ આચાર્યપદ ઉપર બેસવાને લાયક જાણવો.૫૧

જો પોતાનો પુત્ર તેવા લક્ષણોએ સંપન્ન ન હોય તો મારી જેમ દત્તકવિધિ કરીને ધર્મવંશમાં ઉત્પન્ન થયેલા અન્યપુત્રનો સ્વીકાર કરી આચાર્યપદે સ્થાપન કરવો, પરંતુ ગુણહીન પોતાના પુત્રને ગાદી આપવી નહિ.૫૨

આવા પ્રકારની મારી આજ્ઞાનું તમારે તથા સર્વે સત્સંગી માત્રે ધ્યાનમાં રાખી યથાર્થ પાલન કરવું. અને આ પ્રમાણે જે ન વર્તે, તેને મારા ભક્તપણાની પંક્તિથી બહાર કરવો.૫૩

હે રાજન્ ! આવા પ્રકારનું ભગવાન શ્રીહરિનું વચન સાંભળી સર્વે જનોએ મસ્તક નમાવી અતિ હર્ષપૂર્વક ગ્રહણ કર્યું. સર્વેના આચાર્યપણે આરુઢ થયેલા બન્ને અયોધ્યાપ્રસાદજી અને રઘુવીરજી પણ ઉદારમનવાળા ભગવાન શ્રીહરિને પ્રણામ કરીને કહેવા લાગ્યા.૫૪

હે ભગવાન ! તમે સાક્ષાત્ અક્ષરધામાધિપતિ પરમેશ્વર છો. ઐશ્વર્યને પ્રગટ કરનારા તમે પોતાના સંકલ્પથી મનુષ્ય જેવા જણાવો છો. અને મુમુક્ષુજનોને સેવવા યોગ્ય તમે સાક્ષાત્ બદરીપતિનારાયણઋષિની જેમ નૈષ્ઠિક બ્રહ્મચારીના વેશમાં તપશ્ચર્યાપરાયણ વિચરો છો. આ પ્રકારે અમે બન્ને અમારા મનમાં જાણીએ છીએ. તમારી આજ્ઞામાં અમે હમેશાં વર્તતા રહીએ અને અમારાથી ક્યારેય પણ ધર્મનો ત્યાગ ન થાય, તથા આ દેહમાં અહંતા મમતા બુદ્ધિ ન થાય, પરંતુ તમારા ચરણોમાં જ અમને થાય એવી અમારી પ્રાર્થના છે. હે ભગવાન ! અમે તમારા છીએ અને એક તમે જ અમારા છો, આવી બુદ્ધિ અમને સદાય વર્તે એવી દયા કરજો.૫૫

હે રાજન્ ! આ પ્રમાણે બન્ને પુત્રોનાં વચન સાંભળી શ્રીહરિ અતિશય પ્રસન્ન થયા અને પોતાના ચરણકમળમાં વંદન કરતા બન્ને આચાર્યોને શુભ આશીષ આપ્યા ને પોતાના સર્વે ભક્તજનોની સાથે ભગવાનના ગુણસંકીર્તન કરતાં કરતાં આખી રાત્રી જાગરણ કર્યું.૫૬

ત્યારપછી ભગવાન શ્રીહરિએ બારસના દિવસે અનેક પ્રકારના ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચોષ્યાદિ ભોજનો જમાડી બ્રાહ્મણો તેમજ સંતોને તૃપ્ત કર્યા. તેમજ અનાર્થીઓ તથા ઇતરજનોને પણ માનપૂર્વક જમાડી તૃપ્ત કર્યા. ત્યારપછી પોતાના ભાઇઓની સાથે પોતે પારણાં કર્યાં.૫૭

પછી તેરસ તથા ચૌદશ એ બે દિવસ પર્યંત ઉત્સવને યોગ્ય સામગ્રી ભેળી કરી કાર્તિકસુદ પૂર્ણિમાના દિવસે સાયંકાળે માતા ભક્તિદેવીના પ્રાગટયનો જન્મોત્સવ ઉજવ્યો. એ ઉત્સવ એવો મોટો ઉજવ્યો કે પૃથ્વી પરના મોટા રાજાઓ પણ તેની વાર્તા સાંભળી આશ્ચર્ય પામી ગયા ને પોતાની રાજસભાઓમાં તેમની આદરસહિત પ્રશંસા કરવા લાગ્યા.૫૮

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં ભગવાન શ્રીહરિએ આચાર્યોની સ્થાપના કરી ઉપદેશ આપ્યો અને ભક્તિમાતાનો જન્મોત્સવ ઉજવ્યો એ નામે ચાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૦--