અધ્યાય - ૪૨ - શ્રીહરિના આદેશથી સંતો ભક્તોએ પોતપોતાના દેશમાં જવાની તૈયારી કરી.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 5:56pm

અધ્યાય - ૪૨ - શ્રીહરિના આદેશથી સંતો ભક્તોએ પોતપોતાના દેશમાં જવાની તૈયારી કરી.

શ્રીહરિના આદેશથી સંતો ભક્તોએ પોતપોતાના દેશમાં જવાની તૈયારી કરી. વિચરણ અર્થે દેશાંતરમાં જતા સંતોએ કરેલી શ્રીહરિની સ્તુતિ.

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! ભગવાન શ્રીહરિએ સર્વે ભક્તજનોને પોતપોતાના દેશ પ્રત્યે જવાની આજ્ઞા કરી તેથી સર્વે ભક્તજનો પ્રભુને નમસ્કાર કરીને પોતપોતાને ઉતારે ગયા અને ભગવાન શ્રીહરિ પણ અક્ષરઓરડીએ પધાર્યા.૧

ત્યારે સર્વે ભક્તજનોને પોતાના દેશ પ્રત્યે ભગવાનને છોડીને જવાનો જરાય ઉત્સાહ ન હતો છતાં પણ ભગવાન શ્રીહરિની આજ્ઞા થતાં જવા તત્પર થયા અને તેજ રાત્રીએ માર્ગમાં ઉપયોગી ભાતાં વગેરેની તૈયારી કરવા લાગ્યા.૨

ભક્તજનોએ ભગવાન શ્રીહરિની પ્રસાદીભૂત સાકર આદિ વસ્તુઓની નાની નાની કોથળીઓ ભરી લીધી અને દૂર દેશ સુધી લઇ જવાની હોવાથી કોથળીના મોઢાં સીવી દીધાં, અને ભાતાંના ડબરાઓ તથા અન્ય પ્રસાદીની વસ્તુઓ મોટા કોથળામાં ભરી બળદગાડાં આદિ વાહનો તૈયાર કરીને, પડવાના દિવસે પ્રાતઃકાળે જવા તૈયાર થયા.૩-૪

શ્રીહરિની આજ્ઞાથી જનોને બોધ આપવા માટે દેશાંતરમાં વિચરણ કરવા જનારા સંતો પણ પ્રાતઃકાળે સ્નાનાદિ સર્વ નિત્યવિધિ કરીને કૂવામાંથી જળ સિંચવા તુંબડાઓમાં બાંધવાની દોરડીઓ, પુસ્તકાદિક આવશ્યક ચિજવસ્તુઓને પણ બાંધીને, ખભે લટકાવી સજ્જ થઇને શ્રીહરિની પાસે આવ્યા.૫

સર્વે સંતો તથા ભક્તજનોને શ્રીસહજાનંદ સ્વામીનાં દર્શન કરવાની અત્યંત ઉત્કંઠા હોવાથી ઉત્તમરાજાના રાજભવનના આંગણામાં આવી ઊભા રહ્યા. તેમજ પોતાના ખભા ઉપર મૂકેલી વાંસની લાકડીઓવાળા કેટલાક બ્રાહ્મણાદિ ભક્તજનો પણ ત્યાં આવીને ઊભા રહ્યા.૬

તે સમયે મહાદયાળુ ભક્તપ્રિય ભગવાન શ્રીનારાયણમુનિ પણ પોતાની આજ્ઞાથી દેશદેશાંતરમાં જતા સંતો-ભક્તોને પોતાનું દર્શન આપવાની ઇચ્છાથી પોતાના સૈન્ધવ ઘોડા ઉપર આરુઢ થયા અને નગરથી બહાર ભાગોળે જવા નીકળ્યા.૭

માણસોની ભીડ જામવાના ભયથી પુરથી બહાર જઈ રહેલા શ્રીહરિની પાછળ સર્વે સંતો, પાર્ષદો અને ભક્તજનો પણ અનુસરવા લાગ્યા.૮

શ્રીહરિ ગઢપુરથી અર્ધાકોશ (૧।। કી.મી.) દૂર આવેલી ઉત્તમરાજાની રાધાવાવ પાસે આવીને સર્વે સંતો-ભક્તોને દર્શનનો આનંદ પ્રાપ્ત થાય તે રીતે ઘોડા ઉપરજ અસ્વાર રહી માર્ગની પડખે ઊભા રહ્યા.૯

તે સમયે સંતમંડળનાં, હરિભક્તોનાં અને સ્ત્રીઓનાં વૃંદો તત્કાળ ત્યાં આવી શ્રીહરિને વંદન કરવા લાગ્યાં.૧૦

તેમાં ભક્તજનો ભગવાન શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ભગવાન્ ! તમે પણ સંતોની સાથે અમારા નગરોમાં પધારો. અમારા નગરોમાં કે ગામોમાં તમારૂં અમને આવું ફરીથી જલદી દર્શન થાય તેવી કૃપા કરજો. આ પ્રમાણે પ્રાર્થના કરવા લાગ્યા.૧૧

ત્યારપછી સંતો પણ ભગવાન શ્રીહરિની આજ્ઞાથી દેશાંતરમાં વિચરણ માટે જવા તૈયાર થયેલા હતા તે બેહાથ જોડી શ્રીહરિને પ્રણામ કરી સ્તુતિ કરવા લાગ્યા.૧૨

વિચરણ અર્થે દેશાંતરમાં જતા સંતોએ કરેલી શ્રીહરિની સ્તુતિ :- હે સ્વામિન્ ! વેદમાં કહેલા પરમેશ્વર, પરબ્રહ્મનારાયણ તમે જ છો. તમેજ પ્રથમ સહસ્રશીર્ષપુરુષરૂપને ધારણ કરી બ્રહ્મા, મરીચી, કશ્યપ, આદિક પ્રજાપતિના ક્રમથી સ્થાવર-જંગમરૂપ આ સમગ્ર વિશ્વનું પોતાના યોગૈશ્વર્ય શક્તિથી સર્જન કરો છો. તેમજ આ વિશ્વના રક્ષણને માટે સ્વતંત્ર થકા મત્સ્ય, કૂર્મ, તથા વરાહ આદિક અનંત અવતારોને પણ ધારણ કરો છો.૧૩

હે વિભુસ્વરૂપ ! હે ધર્મપ્રિય ! તમે યુગયુગને વિષે અવતાર ધારણ કરી દેવતાઓ, સંતો અને ધર્મનું સર્વપ્રકારે રક્ષણ કરો છો. અને ધર્મનો દ્રોહ કરતા દૈત્યોનો વિનાશ કરો છો. તે સમયે તમારી મૂર્તિ સમગ્ર અણિમાદિ ઐશ્વર્યથી સંપન્ન હોય છે. તેમજ સુદર્શન ચક્રાદિ આયુધો દ્વારા દેખાડેલા અતિશય પ્રકાશમાન પ્રસિદ્ધ પ્રતાપથી પણ સંપન્ન હોય છે.૧૪

હે ભગવાન કમલનયન ! તમારી આ અમારા નેત્રોની સામે દર્શન આપતી મૂર્તિ આલોકના મનુષ્યોના અજ્ઞાનનો વિનાશ કરવા પ્રાદુર્ભાવ પામેલી છે. તે પ્રાકૃત મનુષ્યોના જેવી જણાતી હોવા છતાં જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થાથી પર સદાય દિવ્ય સ્વરૂપે જ વર્તી રહી છે. તેમજ પરમહંસના ધર્મને ધારણ કરી બ્રહ્મસ્વરૂપની સ્થિતિવાળી આ મૂર્તિ પોતાનું ધ્યાન કરનાર ભક્તજનને પણ સદાય બ્રહ્મસ્વરૂપની સ્થિતિ પ્રાપ્ત કરાવી દે છે. વળી આ મૂર્તિ માયાના કાર્યરૂપ નિદ્રાથી પર છે. તેમજ પોતાનો સંબંધ પ્રાપ્ત કરનાર મનુષ્યનાં સાંસારિક બંધનોનો વિનાશ કરનારી છે. અને પૂર્વે પાદુર્ભાવ પામેલી સર્વે મૂર્તિઓ કરતાં અતિ ઉત્કૃષ્ટપણે વિરાજે છે.૧૫

હે ભગવાન્ ! શ્રદ્ધા, શાંતિ, ક્ષમા, સર્વકાર્યમાં નિપુણતા, લજ્જા, તિતિક્ષા, દયા, સંતોષ, મૈત્રી, અભય, શમ, દમ, તપ, વિદ્યા, નીતિ, સદાચાર, વૈરાગ્ય, વિવેક, વિનય, અષ્ટાંગયોગ અને સ્મૃતિ આ સર્વે મહાન ગુણો તથા મહા ઐશ્વર્યો આ મૂર્તિમાં અખંડ રહેલા છે.૧૬

હે ભગવાન્ ! બીજા કોઇથી પણ સાધવું અશક્ય એવું બહુપ્રકારનું નિષ્કામ, નિઃસ્વાદ, નિર્લોભ, નિઃસ્નેહ, નિર્માનપણું, મદરહિતતા તથા વિજ્ઞાને સહિત જ્ઞાન આ સર્વે ગુણો તમારામાં સદાયને માટે રહેલા છે. તેથી આ તમારા સ્વરૂપની ઉપાસના તમારા જેવા ગુણો પ્રાપ્ત કરવા માટે જ નિવૃત્તિધર્મમાં રહેલા ઋષિશ્રેષ્ઠ સનકાદિકો તથા બ્રહ્મભાવને પામેલા શ્વેતમુક્તો તથા અક્ષરમુક્તો અતિશય આદરથી કરે છે. તેથી અમે પણ એક તમારી જ ઉપાસના કરીએ છીએ.૧૭

હે ભગવાન્ ! આ પૃથ્વી પર પોતાનાં કુકર્મોના પાપને વશ થઇ ઉત્પન્ન થયેલા અધર્મીગુરુઓ અધર્મવંશના કામ, લોભાદિકને અત્યંત વશ વર્તે છે. દૈત્યોના અંશ સ્વરૂપે પ્રગટેલા તે પાખંડી ગુરુઓ પોતાની કાલ્પનિક બુદ્ધિથી રચેલા તર્કયુક્ત શાસ્ત્રોથી મનુષ્યોને વિભ્રાંત કરી કષ્ટથી પણ છોડાવી ન શકાય તેવા અધર્મ સર્ગ થકી છોડાવવા તમારા સિવાય બીજો કોણ સમર્થ છે ? કોઇ નથી.૧૮

હે પ્રભુ ! તમે દંભ, કપટ, છળ, રાગ, દ્વેષ, કલહ, હિંસા, ક્રોધ, દુરુક્તિ, મૃત્યુ, શઠતા, મૂઢપણું આદિ અનેક અધર્મસર્ગના સમુદાય થકી પોતાના આશ્રિત ભક્તજનોનું નિરંતર રક્ષણ કરો છો. તેમજ અવિદ્યાના કાર્યરૂપ તામિસ્ર, અંધતામિસ્ર, તમ, મોહ, અને મહાતમ આ પાંચ થકી પણ તમે પોતાના ભકિતજનોનું રક્ષણ કરો છો. અને કાળે કરીને નષ્ટ થઇ ગયેલા પરમહંસોને પ્રિય અહિંસા, બ્રહ્મચર્ય, ઉપશમ, તપ, આદિ સદાચારરૂપ ધર્મનો પોતાના પ્રતાપથી આપૃથ્વી પર અતિશય હર્ષપૂર્વક વિસ્તાર કરી રહ્યા છો.૧૯

પૃથુરાજાનો છેલ્લો સો મો અશ્વમેઘયજ્ઞા પૂર્ણ ન થઇ જાય તેવો પ્રયત્ન કરવા અતિશય ક્રોધે ભરાયેલા ઇન્દ્રે પ્રથમ ધારણ કરેલા અને પાછળથી છોડી મૂકેલા છત્રીસ પ્રકારના પાખંડી વેષોને અત્યારે લોકોને છેતરવા માટે ધારણ કરીને ફરતા ધનના લોલુપ, પવિત્રાદિ નિયમોનો ત્યાગ કરી વર્તતા, જીહ્વા તથા શિશ્ન ઇન્દ્રિયને પોષવામાં આસક્ત તથા કુતર્ક ભરેલી યુક્તિથી સત્શાસ્ત્રના અર્થોનું ખંડન કરીને કે અર્થો અવળાં કરીને પોતાના આશ્રિતજનોને શાસ્ત્ર વિરૂદ્ધ બોધ આપનારા, આલોકમાં જે અસુરગુરુઓ છે તે અત્યારે જેમ સૂર્યની કાંતિથી અંધકાર નાશ પામે, તેમ તમારા અતિશય પ્રગટ પ્રતાપથી વિનાશ પામી રહ્યા છે.૨૦

હે પ્રભુ ! આલોકમાં સર્વે નરનારીઓ કલિયુગ તથા કામક્રોધથી ખૂબ જ પીડા પામી રહ્યાં છે. તેથી તેઓ વાનરની જેમ અરસપરસ અન્યની સ્ત્રીને ભોગવવારૂપ હીન આચરણ કરી વિવેકહીન અને નિર્લજ્જ થયા છે. અત્યારે એ પુરુષો સૃષ્ટિ સમયે બ્રહ્માજીનું પણ ભક્ષણ કરવા પાછળ દોડેલા યક્ષ, રાક્ષસો અને અસુરોની સમાન થયા છે. અને અત્યારની સ્ત્રીઓ બલ નામના દૈત્યના મુખમાંથી ઉત્પન્ન થયેલી સ્વૈરિણી, કામિની અને પુંશ્ચલી આ ત્રણ પ્રકારની સ્ત્રીઓના જેવી થઇ છે.૨૧

હે દયાળુ ! જે કારણથી આવા પાપમાં પ્રવર્તતા નરનારીઓ પોતાની સમાન જ પાપાચારી ગુરુઓનો આશ્રય કરે છે. તેથી તેવા અતિ દુષ્ટ સ્ત્રીપુરુષોનું એક તમેજ નિષ્કારણ કરૂણાકરી, દુરાચાર થકી રક્ષણ કરવા સમર્થ છો. તે પાપી ગુરુઓ કેવા છે તો બ્રહ્માની જંઘામાંથી ઉત્પન્ન થયેલા અસુરો જેવી રીતે મૈથુનમાટે બ્રહ્માની પાછળ દોડયા હતા તેવા છે. કારણ કે તેઓ પોતાની શિષ્યપરંપરામાં આવતા સ્ત્રીપુરુષોને મહિમા દેખાડી તેઓની સ્ત્રીઓ સાથે મૈથુન કરવા પ્રવૃત્ત થાય છે. તો આવા ગુરુઓની અને શિષ્યોની શુભ ગતિ કેમ થાય ? ન જ થાય. પરંતુ તમે જો નિષ્કારણ કરુણા કરી તેઓનું અધર્મ અને કળિયુગથકી રક્ષણ કરો તો જ તે શક્ય છે. અને તે કરવા તમે સમર્થ છો.૨૨

હે દયાસિંધુ ! આવા પ્રકારનાં પાપોથી દુર્ગતિને પામેલા, નાશ પામેલી બુદ્ધિવાળા તથા આસુરી સંપત્તિથી યુક્ત મનુષ્યોનું સંસૃતિના કષ્ટથકી રક્ષણ કરવા, તમે જ એક જો તમારા ઐશ્વર્યને પ્રગટ કરો તોજ તેઓનો ઉદ્ધાર શક્ય છે. એનો ઉદ્ધાર અમારાથી તો શક્ય નથી. હે ભગવાન ! આ પૃથ્વી પર દૈવી સંપત્તિવાળા જનોને તમારી એકાંતિકી ભક્તિનો બોધ આપી તેઓને અમે સંતો તમારા બ્રહ્મપુરધામની તત્કાળ પ્રાપ્તિ કરાવી શકીએ એમ છીએ. પરંતુ આસુરી સંપત્તિવાળાનો ઉદ્ધાર તો એક તમારે જ કરવો પડશે.૨૩

હે વિભુ ! તમે યુક્તિ સહિત વેદાદિ સત્શાસ્ત્રોનાં વાક્યોથી તે દુષ્ટજનોને સન્માર્ગનો બોધ આપો છો. ત્યારે તેઓના અંતરમાં ઉદ્ભવતી જે કોઇ દેવતાના દર્શનની ઇચ્છાને તમારી અંતર્યામી શક્તિથી જાણો છો. તેથી તમારા સ્વરૂપમાં તેઓનાં મનને તત્કાળ આકર્ષવા તમે તમારા અસાધારણ ઐશ્વર્યનો ઉપયોગ કરીને, તેઓની ઇચ્છાને અનુસારે તે તે ઇષ્ટદેવના સ્વરૂપને ધારણ કરી તેઓના અંતરમાં તમે પ્રગટ થાઓ છો. તે સમયે તમારૂં આવું ઐશ્વર્ય જોઇને ખુશ થયેલા તે જનો તમને સર્વના કારણ જાણી તમારો આશ્રય કરીને આસુરીમાર્ગ છોડી વિશુદ્ધ થાય છે. અને અંતે તમારા ધામને પામે છે. આવું રક્ષણ તમારા સિવાય બીજું કોણ કરી શકે ? કોઇ નહીં.૨૪

હે સ્વામિન્ ! આવી રીતે તમે તમારી મૂર્તિમાં દુષ્ટજનોના મનને નિયમન કરો છો. એ તમારૂં અતિશય મહાન અસાધારણ ઐશ્વર્ય કહેલું છે. હે ભગવાન ! તમે કહેશો કે મારૂં ઐશ્વર્ય તો આવા દુષ્ટ અસુરોને મારી નાખવા પહેલેથી જ પ્રસિદ્ધ છે. તે બાબતમાં કહીએ છીએ કે, તમારૂં અત્યારનું ઐશ્વર્ય પહેલાનાં કરતાં અસાધારણ છે, કારણ કે કામ, ક્રોધ, અહંકાર તેમજ મત્સર આદિ અનેક દૈત્યો જેવા અધર્મવંશના દુર્ગુણો કે જેના કારણે માનવ દૈત્ય બને છે. તે દોષોનો જ તમે તેના અંતરમાંથી વિનાશ કરી નાખો છો. તેથી તમારો અત્યારનો યશ હિરણ્યકશિપુ આદિક અસુરોના વિનાશ કરતાં અતિશય ઉચ્ચ કોટિનો છે. અત્યારે તમે દૈત્યોનો નહિ, દૈત્યત્વનો વિનાશ કરો છો. આવું કાર્ય તમારા સિવાય બીજું કોણ કરી શકે ? તેથી આ ઐશ્વર્ય તમારૂં સર્વોપરી પ્રસિદ્ધ થશે.૨૫

હે ભગવાન ! દિશાઓના અધિપતિઓ ચંદ્ર તથા સૂર્ય વગેરેને પોતાની શક્તિથી દૂર કરીને સૂર્ય, ચંદ્ર સ્વરૂપે પોતે થઇને યજ્ઞામાં તેમના હવિષ્યાન્નનો ભોગ અપહરણ કરી જવામાં સમર્થ, એવા હિરણ્યકશિપુ વગેરે અતિશય બલવાન દૈત્યો હતા. તેને પણ કામ, ક્રોધાદિએ બહુ પીડયા, તેથી તે દૈત્યો પોતાના મનને વશ કરવા સમર્થ થઇ શક્યા નહિ, આવા અતિશય બળવાન કામ, ક્રોધાદિ અંતઃશત્રુઓનો તમે દુષ્ટજનોના અંતરમાંથી વિનાશ કરી નાખ્યો છે. અને તેને દૈવી ભક્ત કર્યા છે. તેથી તમે ઇશ્વરોના ઇશ્વર પરમેશ્વર છો.૨૬

હે પ્રભુ ! બળવાનોમાં પણ અતિશય બળવાન આવા વૈરીભૂત આ કામ, ક્રોધાદિ અંતઃશત્રુઓ છે તે અલ્પમાત્રામાં પણ તમારો પરાભવ કરવા કોઇ પ્રકારે ક્યારેય પણ સમર્થ થવાના નથી. હે પ્રભુ ! તમારા ચરણકમળનો એકાંતિકભાવે આશ્રય કરનારા જે ભક્તજનો છે તેને પણ પરાભવ કરવા કામ,ક્રોધાદિ અંતઃશત્રુઓ શક્તિમાન થઇ શકતા નથી. તો પછી પરાત્પર પરબ્રહ્મ સાક્ષાત્ પરમાત્મા તમને તે કામાદિક શું કરી શકે ? કાંઇ કરી શકે નહિ. તમારી ઉપાસના કરનારાઓથી જે ડરતા હોય તે તમને શું કરી શકે ? એતો તમારી આગળ તુચ્છ છે.૨૭

હે ભગવાન ! પૂર્વે તમે નૃસિંહાદિ અવતારો ધારણ કરીને જે હિરણ્યકશિપુ આદિ દૈત્યોનો વિનાશ કર્યો હતો. તે દૈત્યો વેદ, શાસ્ત્ર, ઇતિહાસ, પુરાણાદિકને વિષે તથા અખિલભુવનમાં માત્ર દેવતાઓના શત્રુ તરીકે પ્રસિદ્ધ પામેલા છે. પરંતુ આ કામ, ક્રોધાદિ જે અંતઃશત્રુઓ છે તેતો અનંતકોટિ બ્રહ્માંડોમાં પોતાના કર્મને વશ થઇ ભટકતા સ્થાવર જંગમરૂપ સર્વ જીવોના તથા બ્રહ્મા, શિવ આદિ દેવતાઓના પણ મહાશત્રુઓ છે. એવી રીતની મહા ખ્યાતિ પામ્યા છે. આવા મહાબળવાન કામાદિકને તમે હણ્યા છે. તેથી સર્વોપરી વર્તો છો.૨૮

હે હરિ ! આ લોકમાં જે મનુષ્યો સંસૃતિના બંધન થકી મુક્ત થવા તમારૂં ધ્યાન ભજન કરવા પ્રયત્ન કરે છે તેઓમાં દેશકાળઆદિકને લઇને કાંઇક પ્રમાદ કરનારા જનોને આ દોષો નક્કી વિઘ્ન કરે છે. તેથી તમારા આશ્રિત ભક્તજનોનું તમે રક્ષણ કરો, એવી અમારી પ્રાર્થના છે. હે ભગવાન ! પૂર્વે તમે હિરણ્યકશિપુ આદિ દૈત્યોને જે માર્યા તે કાર્ય કરતાં અત્યારે જેનાથી દૈત્ય થવાય તેવા કામાદિક શત્રુઓનો જ વિનાશ કર્યો છે. તે કાર્ય અતિ ઐશ્વર્યવાળું કહેવાય, છતાં જે જનો આ પૃથ્વી પર અતિશય સૂક્ષ્મ બુદ્ધિવાળા છે તેજ જનો તમારા આ મહા ઐશ્વર્યને જાણી શકે છે.૨૯

હે ભગવાન ! દેવતાઓ, દૈત્યો, મનુષ્યો, ઋષિઓ અને દેવાદિકની સ્ત્રીઓ આ સર્વે, આલોકમાં પ્રથમ અતિશય મોટી પદવીને પામીને પછી પોતાની ઉચ્ચ પદવી થકી ભ્રષ્ટ થયા છે. તે સર્વે કામ, મત્સર, ક્રોધ, માન અને લોભ આદિ દોષોના કારણે ભ્રષ્ટ થયા છે, તેથી હે પ્રભુ ! તમે આ પૃથ્વી પર પોતાના આશ્રિત ભક્તજનોનું એ શત્રુઓ થકી રક્ષણ કરો, એવી અમારી પ્રાર્થના છે.૩૦

હે ભગવાન ! કૌશળ દેશમાં પ્રગટ થયેલા ધર્મના અવતાર એવા દેવશર્મા બ્રાહ્મણને પોતાના સંબંધીઓની સાથે ખૂબ ધન્ય છે, તેમજ મૂર્તિદેવીના અવતાર ભૂત અને ભક્તિનામવાળાં પ્રેમવતી તેમનાં પત્નીને પણ ધન્ય છે. કારણ કે જેમના થકી આપ સાક્ષાત્ પુરૂષોત્તમનારાયણ સ્વયં આ પૃથ્વીપર પ્રગટ થયા છો. અમે સર્વે સંતો તથા તમારા આશ્રિત ભક્ત નરનારીઓ ભલે અત્યારે કળિયુગમાં ઉત્પન્ન થયા. પરંતુ સાક્ષાત્ નારાયણ તમારા ચરણનો આશ્રય મળવાથી અમે પણ સર્વે ખૂબ જ ધન્ય ભાગ્યશાળી છીએ. અને બીજાઓ પણ ભાગ્યશાળી છે. કારણ કે અનાયાસે તેઓને તમારા ચરણકમળનાં દર્શન થાય છે. આવી રીતે સર્વેને ભાગ્યશાળી બનાવતા મહાવર્ણીરૂપ હે શ્રીહરિ ! તમને અમે કાયા, મન, વાણીથી નમસ્કાર કરીએ છીએ.૩૧

સુવ્રતમુનિ કહે છે. હે પૃથ્વીપતિ પ્રતાપસિંહ રાજા ! આ પ્રમાણે સંતોના મંડળોએ શ્રીહરિની સ્તુતિ કરીને વંદન કર્યા. અને ભગવાન શ્રીહરિ પણ સર્વે સંતોને અભિનંદન આપ્યા ને મનુષ્યોના હિતને માટે આ પૃથ્વીપર વિચરણ કરવા જવાની તત્કાળ આજ્ઞા આપી.૩ર

તેવી જ રીતે ભગવાન શ્રીહરિએ સર્વે દેશાંતરવાસી ભક્તજનોને પણ યથાયોગ્ય માન આપ્યું. અને પોતાનો વિયોગ થવાને કારણે આંખમાંથી અશ્રુઓ વહેવડાવતા સર્વે ભક્તજનોને પોતપોતાના દેશ પ્રત્યે જવાની આજ્ઞા આપી સ્વયં પાછા ફર્યા.૩૩

હે રાજન્ ! પોતાના ભક્તજનો જેમની કીર્તિ અને યશનું ગાન કરી રહ્યા છે એવા શ્રીહરિ પોતાના ચરણના સ્પર્શથી અશ્વની વિવિધ ચાલનું તથા વેગની શ્રેષ્ઠતાનું પ્રદર્શન કરાવતા, શિષ્યો જેમ ગુરુનું સેવન કરે તેમ ખરીદ્વારા ઊડેલી ધૂળ જેના ચાર ચરણનું સેવન કરી રહી છે એવા પોતાના વેગવંતા ઘોડાને દોડાવતા દુર્ગપુરમાં પાછા પધાર્યા.૩૪

હે રાજન્ ! શ્રીહરિ અતિશય વેગવાળા ઘોડાની આસ્કંદિત, ધૌરિત, રેચિત, વલ્ગિત અને પ્લુત આ પાંચપ્રકારની ચાલની નિપુણતાનું પ્રદર્શન કરાવતા અને દેશ પ્રત્યે જતા ભક્તજનોને પોતાની દિવ્ય શોભાથી આનંદિત કરતા ફરી તત્કાળ રાધાવાવની આગળ જતા મુનિમંડળ તથા ભક્તોના સંઘને દર્શન દઇને, ત્યાંથી આગળ જતા ભક્તજનોને દર્શનનું દાન આપી, સર્વેના મનને પોતાની મૂર્તિમાં આકર્ષણ કરી ફરીથી દુર્ગપુર પધાર્યા.૩૫

પોતપોતાના દેશમાં જઈ રહેલા સર્વે સંતો અને ભક્તજનોએ જેવા જેવા સ્વરૂપે શ્રીહરિનાં દર્શન કર્યાં હતાં તેવા સ્વરૂપનું ધ્યાન કરતાં પોતાના હૃદયકમળમાં માર્ગમાં ચાલતાં ચાલતાં પણ દેખાતું હતું. અને કેટલાકને બહાર પણ દેખાતું હતું.૩૬

શ્રીહરિ દુર્ગપુરમાં ઉત્તમરાજાના દરબારમાં આવી લીંબતરુ નીચે રહેલી વેદિકાની ચારે બાજુએ મંદમંદ હસતાં હસતાં ઘોડાને પાંચ ક્ષણ પર્યંત ચલાવ્યો, તેમાં જયાબા આદિ સ્ત્રી ભક્તજનોને આનંદ ઉપજાવવા ઘોડાને અર્ધપુલાયિત નામની ચાલે પણ ચલાવ્યો.૩૭-૩૮

પછી ભગવાન શ્રીનારાયણમુનિ ઘોડા ઉપરથી નીચે ઉતરી પોતાની અક્ષર ઓરડીએ આવી સુખપૂર્વક આસન ઉપર વિરાજમાન થયા ને સ્વસ્થચિત્તે તથા પ્રસન્નમુખે જયાબા તથા લલિતાબાની પ્રશંસા કરતા કરતા ભગવાન શ્રીહરિ સોમલાખાચર આદિક પોતાના પાર્ષદોને કહવા લાગ્યા કે હે પાર્ષદો ! મારા અંતરમાં જેવા પ્રકારનો ઉત્સવ ઉજવવાની ઇચ્છા હતી તેવા પ્રકારનો આ મહાન ઉત્સવ ઉજવાયો તેથી મારા અંતરમાં અત્યારે ખૂબ જ હર્ષ ઉભરાય છે. આ ઉત્સવમાં કોઇ પણ પ્રકારની ન્યૂનતા રહી નથી. એ નિશ્ચિત વાત છે. આવા ઉત્સવો તો મોટા મોટા મહારાજાઓ પણ ઉજવવા સમર્થ થઇ શકે નહિ.૩૯-૪૨

હે રાજન્ ! આ પૃથ્વી ઉપર અત્યારે જયા અને લલિતા જેવા કોઇ પણ મનુષ્યો નથી. માત્ર પરસ્પર એક બીજા જેવા એ બે છે. તેવી જ રીતે સ્વધર્માદિક ગુણોથી પિતા કરતાં પણ ચડીયાતા અને આત્મનિવેદી ભક્ત એવા ઉત્તમરાજા તો ખરેખર સર્વોત્તમ છે. તેથી એમની ઉપમાતો કોઇને આપી શકાય તેમ નથી.૪૩-૪૪

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે મહા ઉદાર ચરિત્રોનો વિસ્તાર કરતા મહામુનિ મુક્તાનંદ સ્વામી જેવા સંતોના પણ ઇશ્વર ભગવાન શ્રીહરિ જ્યારે ભક્તજનોની પ્રશંસા કરી, ત્યારે સર્વે સ્ત્રી ભક્તજનો શ્રીહરિનું પૂજન કરવા પધાર્યાં.૪૫

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં પ્રબોધનીના ઉત્સવ ઉપર દેશાંતરથી પધારેલા ભક્તજનોને પાછા મોકલવા પધારેલા ભગવાન શ્રીનારાયણની સંતોએ કરેલી સ્તુતિનું નિરૂપણ કર્યું, એ નામે બેતાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૨--