અધ્યાય - ૪ - જયાબાના મુખ્યપદે વિજયાદશમીનો ભવ્ય મહોત્સવ.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 5:16pm

અધ્યાય - ૪ - જયાબાના મુખ્યપદે વિજયાદશમીનો ભવ્ય મહોત્સવ.

જયાબાના મુખ્યપદે વિજયાદશમીનો ભવ્ય મહોત્સવ. જયાબા અને લલિતાબા બન્ને બહેનો વચ્ચે પ્રેમકલહ. ઉત્તમરાજાએ અન્નકુટ ઉત્સવ ઉજવવાની આજ્ઞા માગી. ઋણ ન કરવાનો શ્રીહરિનો સ્પષ્ટ આદેશ. શક્તિ અનુસાર અન્નકૂટોત્સવ ઉજવવા આજ્ઞા.

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! ભગવાન શ્રીહરિ આ રીતે દુર્ગપુરને વિષે ઉત્તમરાજાના ભવનમાં શ્રીકૃષ્ણ ભગવાનના સમગ્ર ઉત્સવો ઉજવતા તેમાંથી એક અન્નકૂટ મહોત્સવનું સંક્ષેપથી તમારી આગળ વર્ણન કરું છું. આના ઉપરથી તમારે બીજા સર્વે ઉત્સવો કેવા ઉજવાયા હશે ? તેનું અનુમાન કરી લેવું. એ અન્નકૂટોત્સવની કથા કરું તેના પહેલાં વચ્ચે આવતા દશેરા ઉત્સવની ટૂંકમાં કથા કહું છું.૧

હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ વિક્રમ સંવત ૧૮૭૩ ના સર્વાધાર સંવત્સરના આસોસુદ વિજયાદશમીને દિવસે ઉત્તમરાજાનો મનોરથ પૂર્ણ કરવા અતિશય રમણીય મહોત્સવનું આયોજન કર્યું.૨

તે વિજયાદશમીના મહોત્સવમાં દેશાંતરમાંથી જે કોઇ ભક્તજનો પધારે તેને માટે રસોઇઆદિ કરવાના કાર્યમાં અને ખાસ કરીને સ્ત્રીભક્તજનોના સત્કાર આદિ કાર્યમાં ઉત્તમરાજાનાં મોટાં બહેન જયાબા પ્રધાનપણે રહ્યાં હતાં.૩

હે રાજન્ ! તે દશેરા ઉત્સવમાં શ્રીસ્વામિનારાયણ ભગવાનનાં દર્શન કરવાની અતિ ઉત્કંઠા ધરાવતા અનેક ભક્તજનોમાં બ્રહ્મચારીઓનાં મંડળો, સંતોનાં મંડળો, ગૃહસ્થ નરનારીઓના સમૂહો અતિશય આનંદ પામતા પામતા દેશદેશાંતરમાંથી પધાર્યા.૪

ત્યારપછી અતિ ઉદારભાવના વાળા તે સર્વે સંતો ભક્તજનોએ મનુષ્યાકૃતિ ધરીને વિરાજમાન સાક્ષાત્ પરમેશ્વર શ્રી વાસુદેવ એવા ભગવાન શ્રીહરિની સુગંધીમાન ચંદન અને અનેક પ્રકારના પુષ્પો તેમજ હાર, અમૂલ્ય વસ્ત્રો તથા અલંકારોથી પૂજા કરી.૫

તે સમયે બહુજ વિચક્ષણ પુરૂષ એવા ઉત્તમ રાજાએ તે ઉત્સવમાં અનેક પ્રકારનાં પક્વાન્નો તથા શાકો તૈયાર કરાવી ભગવાન શ્રીહરિનાં દર્શનાર્થે પધારેલા સમસ્ત ત્યાગી સંતોના મંડળોને અતિશય ભક્તિભાવથી જમાડી તૃપ્ત કર્યા. તેવી જ રીતે અન્ય સર્વે નરનારી ભક્તજનોને પણ ઇચ્છિત ભોજનો જમાડી ખૂબજ આગતા સ્વાગતા કરીને રાજી કર્યા.૬

ત્યારે શ્રીહરિએ પોતાનાં દર્શને પધારેલા સર્વ સંતો ભક્તોને એકાંતિક ભાગવતધર્મનો ઉપદેશ આપી સાત દિવસ સુધી પોતાનાં દર્શન અને વાણીનું સુખ આપી તેઓને ખૂબજ સંતોષ પમાડી પોતપોતાના દેશ પ્રત્યે જવાની આજ્ઞા આપી.૭

હે રાજન્ ! મુનિશ્રેષ્ઠ એવા સર્વ સંતો તથા ગૃહસ્થ નરનારીઓ પોતપોતાના દેશ પ્રત્યે જવા પાછા વળતાં માર્ગમાં ઉત્તમરાજાની ઉત્તમબુદ્ધિ, નિર્દોષ સ્વભાવ અને શ્રીહરિ પ્રત્યેની અનન્ય ભક્તિની પ્રશંસા કરતા જતા હતા.૮

અને પાછા જતા તે લોકોમાંથી ઉત્તમરાજાએ નજીકમાંજ આવતા અન્નકૂટોત્સવની તૈયારી માટે પ્રભાશંકર તથા દાજીભાઇ આદિ વિપ્રભક્તજનો તથા ગંગામા આદિ વિપ્ર સ્ત્રી ભક્તજનોને અતિ આદરપૂર્વક પોતાના રાજભવનમાં જ નિવાસ કરાવીને રાખ્યા.૯

હે નરેશ ! પકવાન્નાદિ તૈયાર કરવામાં કુશળ તે બ્રાહ્મણો અને બ્રાહ્મણ સ્ત્રીઓ શ્રીહરિની સેવા તથા તેમના સંતો-ભક્તોની સેવામાંજ પોતાના માનવ જન્મનું સફળપણું માનતા હતા. તેથી તેમની પ્રસન્નતાર્થે સર્વે બ્રાહ્મણ ભક્ત નરનારીઓ ઉત્તમરાજાના ભવનમાં જ નિવાસ કરીને રહ્યાં.૧૦

ભગવાન શ્રીહરિ પણ વિજયાદશમીના ઉત્સવમાં આવેલા સર્વ સંતો-ભક્તોને વિદાય આપી દરબારગઢના આંગણામાં પોતાના કેટલાક પાર્ષદોના સમૂહની વચ્ચે વેદિકા ઉપર સ્થાપન કરેલા સિંહાસન ઉપર સ્વયં વિરાજમાન થયા.૧૧

જયાબા અને લલિતાબા બન્ને બહેનો વચ્ચે પ્રેમકલહ :- હે રાજન્ ! આસોવદ પડવાને દિવસે અભયરાજાનાં પુત્રી લલિતાબા કે જે શ્રીહરિની નવધા ભક્તિ કરવામાં અને લૌકિક વ્યવહારના કાર્યમાં પણ બહુજ નિપુણ હતાં. તે પોતાની મોટી બહેન જયાબા પાસે ગયાં ત્યારે જયાબાએ તેમને આવકાર્યાં. ત્યારે મંદમંદ સ્મિત વેરતાં લલિતાબા જયાબાની સમીપે બેસી કહેવા લાગ્યાં કે, હે મોટીબા ! તમે અત્યારે વિજયાદશમીના ઉત્સવમાં બહુ પ્રકારની સેવા કરી ભગવાન શ્રીહરિને રાજી કર્યા. પણ જો તમારી અનુમતિ હોય તો આવતા અન્નકૂટ ઉત્સવમાં હું પણ તમારા જેવી જ સેવા કરીને ભગવાનને રાજી કરવા ઇચ્છું છું.૧૨-૧૩

આ પ્રમાણે લલિતાબાએ કહ્યું. તે સાંભળી જયાબા પોતાનાથી નાની બહેન લલિતાબાને કહેવા લાગ્યાં કે, હે ભદ્રે ! તમે પણ જન્માષ્ટમીના ઉત્સવમાં ભગવાન શ્રીહરિને અત્યંત રાજી કરેલા છે.૧૪

હે બહેન ! તે જન્માષ્ટમીના ઉત્સવમાં તમે ભગવાન શ્રીહરિને સેવા કરી જેમ રાજી કર્યા હતા તેમજ આ આસોવદમાં આવતા દીપોત્સવમાં પણ ફરી સેવા કરીને તમે રાજી કરજો.૧૫

પરંતુ કાર્તિક મહિનાના સુદપક્ષમાં આવતા અન્નકૂટોત્સવની સેવા તો હું કરીશ. કારણ કે, ભગવાન શ્રીહરિએ જ આપણા બન્ને વચ્ચે આવી વ્યવસ્થા કરી આપી છે.૧૬

હે રાજન્ ! આ પ્રમાણે મોટી બહેન જયાબાનું વચન સાંભળી યુક્તિયુક્ત વચનો બોલવામાં ચતુર લલિતાબા હસતાં હસતાં મોટીબાને વચનો કહેવા લાગ્યાં કે, હે મોટીબા ! તમે બહુ જ સાચી વાત કરી અને આપણે ભગવાન શ્રીહરિએ બાંધેલી મર્યાદાનું પાલન પણ કરવું જોઇએ.૧૭-૧૮

પરંતુ દીપાવલી ઉત્સવ અને અન્નકૂટ ઉત્સવ બે અલગ અલગ નથી. શું તમે હેમાદ્રિના વ્રતખંડ ગ્રંથમાં નારદજીએ કહેલાં વચનો સાંભળ્યાં નથી ? કે ચૌદશ, દીપાવલી અને પડવાનો અન્નકૂટ ઉત્સવ આ ત્રણે સંલગ્ન ઉજવવા અને તેમાં ભેદ પાડવામાં આવે તો મહાન દોષ લાગે છે. આ વચનો શું તમે નથી સાંભળ્યાં ? વ્રતખંડમાંથી મેં તો આવું નારદજીનું વચન સાંભળ્યું છે.૧૯-૨૦

હે મોટીબા ! દીપાવલી અને અન્નકૂટ ઉત્સવમાં ભેદ પાડવો એતો મોટો દોષ છે. બાકી તમને યોગ્ય લાગે તેમ મને આજ્ઞા કરો. હું તમારી આજ્ઞા પ્રમાણે જ હમેશાં સેવા કરવા ઇચ્છું છું.૨૧

જો તમને અન્નકૂટ ઉત્સવ ઉજવવાની રુચિ જ હોય તો પછી આજે જ મહાપ્રભુની આજ્ઞા મેળવી લો, અને તેને લગતી સર્વે સામગ્રી ભેળી કરવાની સેવકોને આજ્ઞા આપવા માંડો.૨૨

હે રાજન્ ! યુક્તિપૂર્વક વાત કરવામાં ચતુર લલિતાબાનાં આ પ્રમાણેનાં વચનો સાંભળી સરળ બુદ્ધિવાળાં જયાબા કહેવા લાગ્યાં કે, હે શુભે ! શાસ્ત્રોનાં આવાં વચનો છે, તેથી તમે જ અન્નકૂટ ઉત્સવની સેવા પ્રારંભવાની તૈયારી કરો.૨૩

ત્યારપછી મોટીબાએ પોતાના ભાઇ ઉત્તમરાજાને બોલાવીને શુભ વચનો કહેવા લાગ્યાં કે, હે ભાઇ ! અન્નકૂટ ઉત્સવ ઉજવવાની શ્રીહરિની આજ્ઞા મેળવો.૨૪

ઉત્તમરાજાએ અન્નકૂટ ઉત્સવ ઉજવવાની આજ્ઞા માગી :- હે રાજન્ ! મોટીબાનું વચન સાંભળી અતિશય હર્ષઘેલા થયેલા ઉત્તમરાજા ભગવાન શ્રીહરિ પાસે આવ્યા અને બન્ને બહેનો સ્ત્રીઓની સભામાં શ્રીહરિનાં હાથજોડી દર્શન કરતી કરતી દૂર ઊભી રહી.૨૫

ત્યારે ઉત્તમરાજા બન્ને હાથજોડી ભગવાન શ્રીહરિને નમસ્કાર કરી પોતાને વચનો કહેવાના અવસરની પ્રતીક્ષા કરતા કરતા ભગવાન શ્રીહરિની આગળ ઊભા રહ્યા.૨૬

ભગવાન શ્રીહરિ પણ ઉત્તમરાજા પોતાને કાંઇક પૂછવા માગે છે, એમ જાણી હસતાં હસતાં કહેવા લાગ્યા કે, હે રાજન્ ! શું કામ છે ? બોલો. આ પ્રમાણે શ્રીહરિએ પૂછયું, ત્યારે ઉત્તમરાજા કહેવા લાગ્યા કે, હે ભગવાન ! તમને પ્રસન્ન કરવા માટે હું એક વિનંતી કરવા આવ્યો છું. તો દયા કરીને આપ મારી વિનંતી સાંભળો. હે ભક્તવત્સલ ભગવાન ! જો આપની આજ્ઞા હોય તો હર્ષ પૂર્વક ઉત્સવની સામગ્રી અમે ભેળી કરવા માંડીએ.૨૭-૨૮

ઋણ ન કરવાનો શ્રીહરિનો સ્પષ્ટ આદેશ :- હે રાજન્ ! ઉત્તમરાજાનું આવું નિષ્કપટ વચન સાંભળી પોતાના ભક્તજનોનું હમેશાં પ્રિય કરનારા શ્રીસ્વામિનારાયણ ભગવાન અતિશય પ્રસન્ન થયા અને પોતાનાં વચનો સાંભળવા કાન ધરીને દૂર બન્ને હાથ જોડીને ઊભેલાં જયાબા અને લલિતાબાને જોતાં જોતાં ભગવાન શ્રીહરિ કહેવા લાગ્યા કે, હે રાજન્ ! તમે જન્માષ્ટમી, વિજયાદશમી અને સર્વ દ્વાદશી ઉત્સવોમાં ધનનો બહુજ ખર્ચ કરેલો છે.૨૯-૩૦

તેમજ પ્રબોધની ઉત્સવ પણ કાંઇ બહુ દૂર નથી. હમણાં જ તે આવશે. અને તમારી પાસે કેટલી ધન સંપત્તિ છે, તે કાંઇ મારાથી છાનું નથી.૩૧

ધન ખર્ચીને જે કાર્ય સિદ્ધ કરવાનાં હોય તે ધન ખર્ચીને જ સિધ્ધ થાય. તે કાંઇ આત્મા-પરમાત્માના જ્ઞાનની વાતો કરવાથી સિધ્ધ ન થઇ જાય. ગમે તેટલી સ્નેહરૂપ ભક્તિથી માળા જપો, અથવા તો નામસ્મરણની રમઝટ લગાવો તોય પણ તે સિધ્ધ ન થાય. જે ધન ખર્ચીને કામ થવાનું હોય તે ધનથી જ સિધ્ધ થાય.૩૨

હે રાજન્ ! જે પુરુષો જ્યાં ત્યાંથી ઉછીનું ધન લાવી ધર્મકાર્ય કરે છે, તે ભલેને જ્ઞાની હોય છતાં પણ ધન આપનારની પછીની પીડાથી તે મહાકષ્ટને પામે છે.૩૩

તે સમયે ભક્તપણું કે જ્ઞાન કાંઇ કષ્ટમાંથી મુક્ત કરતાં નથી. તે સમયે તમે ધન આપનારને ઉપદેશ આપો કે, 'ભાઇ ધનમાં તો પંદર પ્રકારના અનર્થ રહેલા છે. સાચું ધન તો આત્મા-પરમાત્માનું જ્ઞાન અને ભક્તિ એ જ છે.' તેણે કરીને તે ધન આપનારો પુરુષ ધન લીધા વિના ઘરેથી પાછો ફરી જતો નથી.૩૪

હે રાજન્ ! પ્રાણની આપત્તિ વિના ક્યારેય પણ ઋણ ન કરવું. કારણ કે, ઋણ આપનાર પુરુષના ઉપદ્રવ જેવું આ દુનિયામાં બીજું કોઇ મોટું દુઃખ નથી.૩૫

હે રાજન્ ! પાંચમે દિવસે કે છઠ્ઠે દિવસે મળતું માત્ર શાક પાંદડું જમીને જીવવું શ્રેષ્ઠ છે પણ ધન આપનારા માલિકે આપેલી પીડા સહન કરવી તે રાજાઓને માટે પણ ક્યારેય શ્રેષ્ઠ નથી, તો બીજાની શું વાત કરવી ?૩૬

તમે કહેશો કે, ભગવાનને રાજી કરવા ભલેને ઋણ કરવું પડે તો કહું છું કે, ભગવાન તો શુદ્ધ ભાવનાના ભૂખ્યા છે, ધનના ઢગલાના નહિ. આ પ્રમાણે શ્રીકૃષ્ણ ભગવાને અર્જુન પ્રત્યે કહેલું છે.૩૭

હે અર્જુન ! મારે વિષે જ એક મન જોડવાનો પ્રયાસ કરનારા ભક્તજનો ભક્તિપૂર્વક પત્ર, પુષ્પ, ફળ અથવા જળ વિગેરે જે કાંઇ પદાર્થો મને અર્પણ કરેછે, તેનો સ્વીકાર કરીને હું આરોગું છું.૩૮

એમ ભગવાને કહ્યું છે, તેથી હે રાજન્ ! અનન્ય ભક્તિભાવ વિના જે ભક્તજન મોટા મોટા પુષ્કળ ઉપચારોથી ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરે છે. તેમની પૂજા સમર્થ ભગવાન પ્રસન્નતાપૂર્વક સ્વીકારતા નથી.૩૯

તેથી સંતોના પતિ ભગવાનની પૂજા કરવા માટે ઘણું દ્રવ્ય ભેળું કરવા પ્રયત્ન ન કરવો. પરંતુ ભગવાનની એકાંતિકી ભક્તિ પ્રાપ્તિ માટે સર્વ પ્રકારે પ્રયત્ન કરવો.૪૦

હે રાજન્ ! જેવા નિર્ધન એકાંતિક ભક્તો ઉપર પ્રભુ રાજી થાય છે, તેવા એકાંતિક ભક્તિએ રહિત માત્ર ધનાઢય ભક્તજનોના ઉપર થતા નથી.૪૧

ધનાઢય હોય કે ગરીબ પરંતુ જે ભક્તજનનું મન ભગવાન સિવાયની અન્ય વાસનાઓથી યુક્ત છે તેના કરતાં નિર્વાસનિક ભક્તજનો ઉપર ભગવાન શ્રીહરિને અધિક પ્રીતિ વર્તે છે.૪૨

ધન સમૃદ્ધિ આદિ સંપત્તિથી અને અણિમાદિક ઐશ્વર્યોથી યુક્ત ઇન્દ્રાદિ દેવતાઓ પણ આળસ છોડીને મોટા મોટા ઉપચારોથી ભગવાન શ્રીહરિની અતિઆદર પૂર્વક નિત્યે પૂજા કરે છે.૪૩

પરંતુ તે ઇન્દ્રાદિક સર્વે દેવતાઓનાં મન બીજી વાસનાઓથી યુક્ત વર્તે છે, તેથી તે ઇન્દ્રાદિ દેવતાઓની ગણના એકાંતિક ભક્તોમાં થતી નથી.૪૪

હે રાજન્ ! તીવ્ર વૈરાગ્યવાન અને મનમાં જેને એક જ ભગવાનની વાસના છે એવા સનકાદિકો પાસે તે દેવતાઓ જેવી સંપત્તિ કે ઐશ્વર્ય જેવું કાંઇ નથી છતાં તેઓની ગણના શ્રીકૃષ્ણ ભગવાનના એકાંતિક ભક્તોમાં થાય છે.૪૫

અને તે સનકાદિકો પત્ર પુષ્પાદિકવડે જ ભગવાનનું પૂજન કરે છે. છતાં પણ રાધારમણ ભગવાન શ્રીકૃષ્ણને અતિશય પ્રસન્ન કરે છે.૪૬

શક્તિ અનુસાર અન્નકૂટોત્સવ ઉજવવા આજ્ઞા :- હે રાજન્ ! તેથી મારા આશ્રિત ગૃહસ્થ ભક્તજનોએ ધનથી સાધ્ય ધર્માચરણ પણ પોતાની શક્તિને અનુસારે કરવું, પણ કોઇ અન્ય ગૃહસ્થ ભક્ત પાસેથી ઉછીનું લઇ ધર્મ કાર્ય પણ ન કરવું.૪૭

તેથી અન્નકૂટ ઉત્સવમાં ઘણું બધું ધન ખર્ચાવાનો સંભવ છે. તેથી તમે અત્યારનો અન્નકૂટ ઉત્સવ તમારી શક્તિને અનુસાર ઉજવો, કે જેથી ભગવાનની ઉત્સવ-તિથિ ખાલી ન જાય. બાકી પહોંચનો વિચાર જરૂર કરવો.૪૮

હે રાજન્ ! ગોલોકાધિપતિ ભગવાન શ્રીનારાયણ વાસુદેવ સ્વયં શ્રીકૃષ્ણે વસુદેવ અને દેવકી થકી આ પૃથ્વી પર પ્રગટ થઇને નંદજીના વ્રજમાં પધાર્યા તે ભગવાને આ ગોવર્ધન મહોત્સવ એટલે કે અન્નકૂટોત્સવની પ્રવૃત્તિ કરી છે. તેથી તેમના ઉપાસક ભક્ત એવા આપણે આ ઉત્સવ શક્તિને અનુસાર અવશ્ય ઉજવવો.૪૯-૫૦

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ આજ્ઞા આપી તેથી ઉત્તમરાજા ભગવાન શ્રીહરિને નમસ્કાર કરીને તત્કાળ પોતાની બન્ને બહેનો પાસે ગયા કે જે જયાબા અને લલિતાબા બન્નેને ભગવાન શ્રીહરિની સેવા વિનાની એક ક્ષણ પણ વ્યર્થ જવા દેવી ગમતી ન હતી.૫૧

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં જયાબા તથા લલિતાબાએ દાદાખાચર મારફત અન્નકૂટોત્સવ ઉજવવાની ભગવાન શ્રીહરિ પાસે આજ્ઞા મેળવી એ નામે ચોથો અધ્યાય પૂર્ણ થયો. --૪--