અધ્યાય - ૨૯ - કારિયાણી ગામમાં મહારુદ્ર યજ્ઞાને અંતે મોટી સભાનું આયોજન.

Submitted by swaminarayanworld on Thu, 06/07/2017 - 9:55am

અધ્યાય - ૨૯ - કારિયાણી ગામમાં મહારુદ્ર યજ્ઞાને અંતે મોટી સભાનું આયોજન.

કારિયાણી ગામમાં મહારુદ્ર યજ્ઞાને અંતે મોટી સભાનું આયોજન. પરોપકારનો મહિમા . પરોપકારી રંતિદેવ રાજાનું આખ્યાન.

સુવ્રતમુનિ કહે છે, રાજન્ ! ભગવાન શ્રીહરિએ શાસ્ત્રવિધિ અનુસાર યજ્ઞાની સમાપ્તિ કરી અને હજારો બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી સંતોષ પમાડયા. પછી ભગવાન શ્રીહરિ મોટી સભામાં ઊંચા સિંહાસન પર વિરાજમાન થયા અને સંતો-ભક્તોએ કેશર, ચંદન અને પુષ્પના હારોથી પૂજન કર્યું.૧

ત્યારપછી તે સભામાં ભગવાન શ્રીહરિના મુખારવિંદની આગળ જ અચળ નિયમવાળા ત્યાગી એવા સાધુ અને બ્રહ્મચારીઓ બેઠા. તે ત્યાગીઓની ફરતે ચારે બાજુ અન્ય ગૃહસ્થ ભક્તજનો પણ પોતપોતાના યોગ્ય સ્થાને બેઠા. તથા પુરુષોનો સ્પર્શ ન થાય તે રીતે સભાના એક વિભાગમાં સ્ત્રીભક્તજનો પણ બેઠાં. તે સમયે દેદીપ્યમાન કાંતિથી અતિશય શોભી રહેલા શ્રીસ્વામિનારાયણ ભગવાન પોતાના મુખકમળ ઉપર જ એક દૃષ્ટિ કરીને બેઠેલા સમગ્ર ભક્તજનો ઉપર કરુણામય દૃષ્ટિથી નિહાળી પ્રસન્ન મને સર્વેને આનંદ ઉપજાવતા થકા અમૃત વચનો કહેવા લાગ્યા.૨-૩

પરોપકારનો મહિમા :-- ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે ભક્તજનો ! મારું વચન તમે સાંભળો. હું તમારા હિતની વાત કરું છું. આ લોકમાં પરોપકાર જેવું બીજું કોઇ મોટું પુણ્ય નથી.૪

બાકી માત્ર પોતાનું જ પેટ ભરનારા કીટ, પશુ, પક્ષી આદિ હજારો જંતુઓ રહેલાં છે. પરંતુ આ લોકમાં પરોપકાર કરનારા તો વિરલા પુરુષો જ જોવા મળે છે.૫

જે પુરુષો કષ્ટને સહન કરી પરનું હિત કરે છે. તેઓ જ ખરેખર પોતાના સ્વાર્થની સિદ્ધિને નિશ્ચય પ્રાપ્ત કરે છે, એમ તમે નક્કી જાણો.૬

જે પુરુષો પારકાનાં દુઃખને જોઇને તેનું નિવારણ કરવા પ્રયત્ન નથી કરતા તે નિર્દય પુરુષો છે, એમ ડાહ્યા મનુષ્યો જરૂર કહે છે.૭

હે ભક્તજનો ! ધન્ય છે રંતિદેવ રાજાને, કારણ કે આજ દિવસ સુધી તે પરોપકારી રંતિદેવ રાજાના નિર્મળ યશનો મહિમા મનુષ્યો ગાઇ રહ્યા છે.૮

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભક્તપતિ ભગવાન શ્રીહરિનું આવું અમૃતની સમાન વચન સાંભળીને સભામાં બેઠેલા સર્વે ત્યાગી તથા ગૃહસ્થ ભક્તજનો કોઇ પણ હેતુ વિના માત્ર દયા વરસાવી રહેલા ભગવાન શ્રીહરિને નમસ્કાર કરીને કહેવા લાગ્યા.૯

પરોપકારી રંતિદેવ રાજાનું આખ્યાન :-- ભક્તજનો કહેછે, હે ભગવાન્ ! અમે સર્વે આપના મુખેથી પરોપકારી રંતિદેવ રાજાનું આખ્યાન સાંભળવા ઇચ્છીએ છીએ.૧૦

તે સમયે ભક્તજનોનાં વચનો સાંભળી ભગવાન શ્રીનારાયણ મુનિ કહેવા લાગ્યા કે, હે ભક્તજનો ! પૂર્વે ચંદ્રવંશમાં ઉત્પન્ન થયેલા સંકૃતિ નામના રાજાના બુદ્ધિમાન પુત્ર રંતિદેવ રાજા થયા.૧૧

તે શાસ્ત્રોમાં કહેલા રાજ ચિહ્નોથી યુક્ત હતા. અતિશય દયાળુ સ્વભાવના, મહાબુદ્ધિમાન તે રાજા બહાર અને અંદર પવિત્ર જીવન જીવતા હતા. તે રંતિદેવ રાજા પિતાના પરલોકગમન પછી પણ ધર્મથી જ રાજ્ય વ્યવહાર ચલાવતા હતા.૧૨

હે ભક્તજનો ! એ રંતિદેવ રાજાએ પરોપકારી સ્વભાવને કારણે અનેક યજ્ઞોનાં અનુષ્ઠાન કરી પોતાની સમસ્ત ધન, સંપત્તિ બ્રાહ્મણોને દાનમાં અર્પણ કરી દીધી.૧૩

પોતાને વસ્ત્ર, પાત્ર, ધન, રત્ન આદિ જે કાંઇ પણ વસ્તુ પ્રાપ્ત થાય તે સર્વે વસ્તુ તે જ ક્ષણે બ્રાહ્મણોને અર્પણ કરી ખુશ થતા.૧૪

સર્વસ્વનું દાન કરવાથી કુટુંબે સહિત રાજા સ્વયં પણ ધન અને ધાન્યે રહિત થયા, છતાં તેમની ધીરજ તો ધીરજશાળી પૃથ્વીને પણ શરમાવે તેવી અખૂટ રહી. નિષ્કિંચન તે રંતિદેવ રાજા અયાચકવૃત્તિથી પ્રાપ્ત થતા અન્ન, જળાદિકથી પ્રતિદિન પોતાનું ગુજરાન ચલાવતા રહેતા.૧૫

હે ભક્તજનો ! તેમને ક્યારેક ઘી યુક્ત રસવાળું, ક્યારેક રસ વગરનું લૂખું, ક્યારેક ઘણું અને ક્યારેક સાવ થોડું અન્ન કે જળ વગેરે જે કાંઇ પણ મળે તેનો રંતિદેવ રાજા સ્વીકાર કરતા.૧૬

આ પ્રમાણે જીવનનિર્વાહ ચલાવતા તેમના રાજ્યમાં એકવાર ભયંકર દુષ્કાળ પડયો. તે સમયે રાજપરિવારમાં ઇશ્વર ઇચ્છાએ અડતાલીસ દિવસ સુધી અન્ન કે જળ કાંઇ પણ પ્રાપ્ત થયું નહિ.૧૭

અને એમને એમ દિવસો પસાર થતા રહ્યા, છતાં ધીરજ છોડી નહિ. પછી ઓગણ પચાસમે દિવસે કોઇ બ્રાહ્મણે રાંધેલું અન્ન તથા જળ અર્પણ કર્યાં. તેનો રાજાએ સ્વીકાર કર્યો.૧૮

તેના વિભાગ કરી પોતાના પુત્ર અને પત્નીને તેનો ભાગ અર્પણ કરી જ્યાં રંતિદેવ રાજા સ્વયં પોતાના ભાગનું અન્ન જમવાની તૈયારી કરે છે, ત્યાં કોઇ અન્નાર્થી એક અતિથિ બ્રાહ્મણ રાજાની પાસે આવ્યો. તેણે અન્નની યાચના કરી. રાજાએ તેમના પર પરમેશ્વરની બુદ્ધિ કરી શ્રદ્ધાપૂર્વક પોતાનું અન્ન તે બ્રાહ્મણને આપી દીધું, પછી જ્યારે તે બ્રાહ્મણ તૃપ્ત થઇ રજા લીધી કે તરત જ બીજો કોઇ શૂદ્ર અતિથિ આવ્યો.૨૦

તે સમયે દયાથી આર્દ્ર હૃદયવાળા રંતિદેવ રાજાએ ફરી હરિ સ્મરણ કરી પત્નીના ભાગનું અન્ન આસ્તિક બુદ્ધિથી શૂદ્ર અતિથીને અપાવી દીધું.૨૧

તે અતિથિ પણ જ્યાં ભોજન કરીને વિદાય થાય છે ત્યાં અન્ય એક અતિથિ રાજાની સમીપે આવ્યો. કૂતરાંઓને સાથે લઇ ફરતો અને ભૂખના દુઃખની પીડાથી કૃશ થઇ ગયેલો એ અતિથિ રંતિદેવ રાજા પ્રત્યે કહેવા લાગ્યો કે, હે રાજન્ ! આ કૂતરાંઓએ સહિત હું ભૂખ્યો છું. મને અન્ન આપો. આવી રીતે તે અતિથિએ યાચના કરી તે સંભળી રાજા પોતાના અંતરમાં અતિશય પ્રસન્ન થયા અને હવે બાકી રહેલું જે કાંઇ પુત્રના ભાગનું અન્ન હતું તે સર્વ કૂતરાંના માલિક અતિથિને આદર પૂર્વક અર્પણ કરાવ્યું. અને શ્રીહરિની બુદ્ધિ કરી તેમને પ્રણામ કર્યા.૨૨-૨૪

હે ભક્તજનો ! હવે રાજા પાસે એક માણસની તૃષા શાંત થાય તેટલું જળ માત્ર રહ્યું છે. તે જળ પીવાની જ્યાં તે ઇચ્છા કરે છે ત્યાં તેમની સમીપે એક ચંડાલ આવીને ઊભો રહ્યો અને રાજાને કહેવા લાગ્યો કે, હે રાજન્ ! મને તૃષા બહુ લાગી છે તો અશુભ એવા મને જળ આપો. આ પ્રમાણે ચંડાલની દીનવાણી સાંભળી દયાળુ રંતિદેવ તેમના તરફ નજર કરી.૨૫-૨૬

ત્યારે સ્વભાવિક દયાળુ સ્વભાવના તે રંતિદેવ રાજા સ્વયં તૃષાતુર હોવા છતાં ચંડાલ પ્રત્યે પણ ભગવાનપણાની બુદ્ધિ રાખી જળ અર્પણ કરી દીધું. પછી અમૃત સમાન વચનો કહેવા લાગ્યા.૨૭

રંતિદેવ રાજા કહે છે, હું ઇશ્વર પાસેથી અણિમાદિ અષ્ટ સિધ્ધિએ સહિત સર્વોત્તમ માયિક ભોગોની ઇચ્છા કે ચતુર્ધા મુક્તિની ઇચ્છા પણ રાખતો નથી. પરંતુ સમસ્ત જીવપ્રાણીમાત્રના અંતરમાં રહી તેમની સાથે એકાત્મભાવ કેળવી તેમનાં સમસ્ત દુઃખો હું ભોગવું અને તે સર્વે સુખી થાય.૨૮

આ જીવન જીવવા ઇચ્છતા તૃષાતુર ગરીબ ચંડાલને મેં જીવનના હેતુભૂત જળ આપવાનો માત્ર સંકલ્પ કર્યો. એટલામાં જ મારાં ભૂખ અને તરસ નિવૃત્ત થયાં, મારી ઇન્દ્રિયોની શિથિલતા, શરીરનો પરિશ્રમ, દીનતા અને ચિત્તની ગ્લાનિ દૂર થઇ તેમજ મારા શોક, વિષાદ અને મોહ પણ દૂર થઇ ગયા.૨૯

હે ભક્તજનો ! આ પ્રમાણે બોલી સ્વભાવસિદ્ધ દયાળુ અને મહાધીરજશાળી રંતિદેવ રાજાએ તૃષાને કારણે મરવા પડેલા ચંડાલ પ્રત્યે ઇશ્વર પણાની બુદ્ધિથી જેવું જળ અર્પણ કર્યું.૩૦

તેવામાં જ ત્રિભુવનના અધીશ્વરો બ્રહ્મા, વિષ્ણુ અને શિવ રાજાના પરોપકારની પરાકાષ્ઠા જોઇ તત્કાળ તેમને પોતાનું દિવ્ય દર્શન આપ્યું.૩૧

તે સમયે સંસારમાં અનાસક્ત, નિસ્પૃહી અને ભગવાન શ્રીવાસુદેવને વિષે જ એક અનુરાગવાળા રંતિદેવ રાજાએ ત્રણે દેવોને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા અને તેમની પાસેથી કાંઇ પણ માગ્યું નહિ.૩૨

હે ભક્તજનો ! આવા સ્વભાવથી જ પરોપકારી અને દયાળુ રંતિદેવ રાજાની ત્રિગુણમય અજ્ઞાનરૂપ માયા સ્વપ્નની જેમ ઊડી ગઇ, અને તે રંતિદેવ રાજાના જે અનુયાયીઓ હતા તે સર્વે પણ રાજાના પ્રસંગથી ભક્તિયોગનિષ્ઠ અને ભગવાન નારાયણ-પરાયણ થયા.૩૩-૩૪ આ પ્રમાણે પુણ્ય કીર્તિવાળા અને દૃઢ ભક્તિવાળા રંતિદેવ રાજા એક પરોપકાર કરવાના ધર્મથી આ પૃથ્વી પર વિખ્યાત થયા.૩૩-૩૫

માટે હે ભક્તજનો ! તમે સર્વે પણ આવતી વિપત્તિઓને સહન કરી નિરંતર પોતાની શક્તિ પ્રમાણે અતિ હર્ષથી અન્યનું હિત થાય તેવા જ પરોપકારના પ્રયત્નો કરતા રહેજો.૩૬

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિનાં અમૃત સમાન વચનો સાંભળી સર્વે ભક્તજનો ખૂબ જ રાજી થયા અને તેમનાં વચનો મસ્તક ઉપર ધારણ કરી ભગવાન શ્રીહરિને પ્રેમપૂર્વક વંદન કર્યા.૩૭

હે રાજન્ ! નૈષ્ઠિક બ્રહ્મચારીઓના સ્વામી ભગવાન શ્રીહરિએ દેશ-દેશાંતરોથી પોતાનાં દર્શન માટે આવેલા સર્વે ભક્તજનોને પોત પોતાના દેશ પ્રત્યે જવાની આજ્ઞા આપી અને સ્વયં શ્રીહરિ પણ તે સભામાંથી ઉઠી પોતાને નિવાસ સ્થાને પધાર્યા. આ રીતે ખટ્વાંગ રાજર્ષિ પણ ભગવાન શ્રીહરિ પોતાને ઘેર આટલો સમય નિવાસ કરીને રહ્યા તેથી ખૂબજ રાજી થયા અને પ્રગટ ભગવાનની સેવા મળવાથી પોતાના મનુષ્ય જન્મને પૂર્ણકામ માનવા લાગ્યા.૩૮

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં ભક્તજનોને પરોપકારનો ઉપદેશ કરતાં ભગવાન શ્રીહરિએ રંતિદેવ રાજાનું આખ્યાન સંભળાવ્યું એ નામે ઓગણત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૯--