અધ્યાય - ૨૫ - શ્રીહરિની મનોહર મૂર્તિના ધ્યાનની રીત.

Submitted by swaminarayanworld on Thu, 06/07/2017 - 9:53am

અધ્યાય - ૨૫ - શ્રીહરિની મનોહર મૂર્તિના ધ્યાનની રીત.

શ્રીહરિની મનોહર મૂર્તિના ધ્યાનની રીત. ઉપાંગ અને સાંગ ધ્યાન.

ખટ્વાંગ રાજા કહે છે, હે અભયનૃપતિ ! ભગવાન શ્રીહરિનું ધ્યાન કરનારા મુમુક્ષુએ પ્રથમ અંદર બહાર પવિત્ર થઇ ઉપદ્રવ રહિતના પવિત્ર પ્રદેશમાં સરળપણે સ્વસ્તિક આસને બેસી મૌન ધારણ કરવું.૧

પછી બન્ને હાથને ખોળામાં રાખી નાસિકાના અગ્રભાગ ઉપર દૃષ્ટિ સ્થિર કરી, એકાગ્રચિત્તે હૃદયકમળમાં ભગવાન શ્રીહરિનું ધ્યાન કરવું.૨

તે સમયે સિંહાસન પર બિરાજતા અથવા પોતાની સન્મુખ સ્વેચ્છાએ ઊભા રહેલા અને અતિશય રમણીય મનુષ્યાકૃતિને ધારણ કરતા તરુણમૂર્તિ એવા ભગવાન શ્રીનારાયણમુનિનું મુમુક્ષુએ ધ્યાન કરવું.૩

ઉપાંગ ધ્યાન :-- ભગવાન શ્રીહરિ પરસ્પર રૂપને અનુરૂપ દિવ્ય અવ્યવોવાળા છે. નવીન કમળની પાંખડી સમાન સહજ લાલ નેત્રોવાળા, અતિશય દર્શનીય છે પ્રશાંતમૂર્તિ જેમની એવાં એ કોમળ વાણીને બોલે છે.૪

નવાં ખીલેલાં કમળની રક્તકાંતિ સમાન જેના હાથ અને પગનાં તળિયાં છે, હાથ અને પગની આંગળીઓનાં ચળકતા અને ઉપડતા લાલનખરૂપી ચંદ્રમાની પંક્તિઓ શોભી રહી છે.૫

મંદમંદ હાસ્યને કરતા, સરખા દાંતરૂપી મુક્તાવલીની કાંતિથી અતિશય શોભી રહેલા તેમની જાનુ પર્યંત લાંબી બન્ને ભુજાઓ વિલસી રહી છે. વિશાળ વક્ષઃસ્થળથી શોભી રહેલા, વિશાળ અને ઉપડતા ભાલથી શોભતા એવા ભગવાનનું હૃદય કમળમાં ધ્યાન કરવું. વળી શોભાયમાન બન્ને ગાલ અને લાલ પરવાળા જેવા અધરોષ્ટ શોભી રહ્યા છે. ભાલમાં કેસર ચંદનનું ઊર્ધ્વપુંડ્ર તિલકે સહિત કુંકુમના ચાંદલાથી શોભતા તેમનો નવીન મેઘની સમાન શ્યામ સુંદર શરીરનો વર્ણ છે, જમણા હાથમાં તુલસીના કાષ્ઠમાંથી બનાવેલી જપમાળા ફેરવી રહેલા અને ડાબે હાથે ભક્તજનોને અભયદાન આપતા, કંઠમાં તુલસીના કાષ્ઠની સૂક્ષ્મ બેવડી કંઠી અને ડાબા ખભા ઉપર શ્વેત યજ્ઞોપવિતને ધારણ કરી રહેલા એવા ભગવાન શ્રીહરિનું હૃદય કમળમાં ધ્યાન કરવું.૬-૯

શ્વેત અને સુંવાળાં વસ્ત્રને કેડ સાથે તાણીને બાંધ્યું છે. રાજહંસની પાંખની સમાન બીજાં એક શ્વેતવસ્ત્રને ઉપર ધારણ કરી રહેલા તેમણે મસ્તક ઉપર સૂક્ષ્મ તંતુઓથી નિર્મિત શ્વેત સુંદર પટકો બાંધ્યો છે ઉત્સવ ઉપર ભક્તજનોને રાજી કરવા અનેક આભૂષણો અંગ ઉપર ધારીને વિરાજે છે.૧૦-૧૧

ભક્તજનોએ ભાવથી અનેક પ્રકારના પુષ્પોની માળાઓ ધારણ કરાવી છે. અને ચંદનની અર્ચાપૂર્વક પૂજા કરી છે. તેથી અતિશય શોભી રહ્યા છે. મસ્તક ઉપર ધારણ કરેલી પાઘમાં સુંદર તોરા લટકી રહ્યા છે. અખંડ મંદમંદ હાસ્ય કરવાથી અતિશય મનોહર લાગે છે.૧૨

તારામંડળની મધ્યે વિરાજતા પૂર્ણ ચંદ્રમાની સમાન ભક્તજનોના મંડળ મધ્યે વિરાજીત ભગવાન શ્રીહરિ શોભી રહ્યા છે. સર્વેજનો અતિ ભાવથી જેને વંદન કરે છે.૧૩

પોતાના હાથનાં લટકાંથી ભક્તજનોનાં ચિત્તને હરે છે. કરુણામૃત ભરેલી દૃષ્ટિથી ભક્તજનોને વારંવાર નિહાળી રહ્યા છે આવા ભગવાન શ્રીહરિનું ધ્યાન કરવું.૧૪

સાંગ ધ્યાન :-- આ રીતે ભગવાન શ્રીહરિની નખશિખ મૂર્તિનું ધ્યાન કર્યા પછી ભગવાનની મનુષ્યસ્વરૂપ મૂર્તિને વિષે જ્યારે ધીરે ધીરે મન સ્થિર થાય ત્યારે ધ્યાનના કરનારા પુરુષે પોતાના હૃદયકમળમાં પગનાં તળિયાંથી લઇ એક એક અંગનું ધ્યાન કરવું.૧૫

પોતાના હૃદયમાં દૃષ્ટિગોચર થયેલા શ્રીહરિના એક એક અવયવને વિષે સ્વભાવથી ચંચળ હોવા છતાં મનને સ્થિર કરવું, તેણે કરીને અનાદિ કાળના મનના મેલ ધોવાઇ જાય છે.૧૬

ધ્વજ, કમળ, જવ, અંકુશ, ઉર્ધ્વરેખા આદિ સોળ ચિહ્નોથી અંકિત રમણીય, અતિશય કોમળ અને લાલકાંતિથી શોભતા શ્રીહરિના ચરણતળાનું મુમુક્ષુ ભક્તે ધ્યાન કરવું.૧૭

લાલ નખરૂપી ચંદ્રમાઓની પંક્તિની કાંતિથી ધ્યાન કરનાર ભક્તજનના અંતરના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનારાં તથા અનુક્રમથી એકએકથી નાની સરખી અને મોટી કોમળ આંગળીઓથી નવીન પાંદડાંના કૂંપળિયાંઓની કાંતિને હરણ કરતાં બન્ને ચરણ કમળનું મુમુક્ષુ ભક્તે ધ્યાન કરવું.૧૮

પોતાના ભક્તજનોના મનને આનંદ ઉપજાવવા માટે ધારણ કરેલાં ઝાંઝરના ઝણકારથી અતિશય રમણીય જણાતાં અને પોતાની મૂર્તિમાં નેત્રોને જોડતા ભક્તજનોની મનની વૃત્તિને ચોરનારાં બન્ને ચરણ કમળનું મુમુક્ષુ ભક્તે ધ્યાન કરવું.૧૯

નવીન પાંદડાંની સમાન કોમળ, નીચેથી અનુક્રમે પહોળાં થતાં જણાતાં અને શોભાયમાન ગોળાકાર જંઘા પ્રદેશનું, તથા શોભાયમાન ગોળાકાર ઉરુપ્રદેશનું, અને હાથીની સૂંઢ સમાન પીના હૃષ્ટપુષ્ટ સમાન સાથળોનું પોતાના હૃદયકમળમાં મુમુક્ષુ ભક્તે ધ્યાન કરવું.૨૦

સુવર્ણની ઉત્તમ કટિમેખલાથી કસીને બાંધેલા એવા કોમળ, ઘટાદાર, શ્વેત અને સૂક્ષ્મ તંતુઓથી નિર્માણ કરેલા લાંબા વસ્ત્રને ધારણ કરેલા ભક્તપતિ ભગવાન શ્રીહરિના બન્ને વિશાળ કટિપ્રદેશનું મુમુક્ષુ ભક્તે ધ્યાન કરવું.૨૧

શોભાયમાન ત્રિવળી મધ્ય ભાગમાં પડવાથી સુંદર જણાતા તથા ભ્રમરાકાર, ગોળ ગંભીર નાભીથી શોભતા ઉદરનું તથા અનેક પ્રકારનાં સુગંધીમાન પુષ્પોની માળાઓ ધારણ કરવાથી શોભતા વિશાળ વક્ષઃસ્થળનું હૃદયમાં મુમુક્ષુ ભક્તે ધ્યાન કરવું.૨૨

સુવર્ણનાં કડાં, સાંકળા અને વીંટીથી શોભતા અને લાલ કમળની સમાન સુંદર બન્ને હસ્તકમળ અને સુદૃઢરીતે બાજુબંધ બાંધેલી બન્ને ભૂજાઓનું મુમુક્ષુ ભક્તે ધ્યાન કરવું.૨૩

વિશુદ્ધ સુવર્ણના સૂત્રમાં પરોવેલી સુંદર મોતીઓની માળાઓ તથા અનેક પ્રકારના મણિઓની માળાઓ ધારણ કરેલા મનોહર કંઠનું અને નિષ્કલંક ચંદ્રમા સરખા મુખચંદ્રનું સ્થિર મનથી બહુકાળ પર્યંત મુમુક્ષુ ભક્તે ધ્યાન કરવું.૨૪

મંદમંદ હાસ્યથી સહજ પ્રસરતી દંતપંક્તિઓની કાંતિથી અતિશય દીપતા અને ઉપડતા ગાલ પ્રદેશનું ધ્યાન કરવું, તેમજ નૂતન કમળના પત્રની સમાન વિશાળ અને ચંચળ એવાં બન્ને નેત્રકમળનું ભક્તજને અંતરમાં ધ્યાન કરવું.૨૫

ધારણ કરેલાં કુંડળની કાંતિથી તથા બહુ પ્રકારના પુષ્પોના તોરા ધારણ કરવાથી રમણીય એવા ભગવાન શ્રીહરિના બન્ને કાનનું મુમુક્ષુ ભક્તે હૃદયમાં ધ્યાન કરવું, સહજ ઉપડતા એવા વિશાળ ભાલ પ્રદેશમાં ધારણ કરેલા ઊર્ધ્વપુંડ્ર તિલકના મધ્ય ભાગમાં શોભતા ગોળ કુંકુમના ચાંદલાનું મુમુક્ષુ ભક્તે ધ્યાન કરવું.૨૬

તિલપુષ્પ અને દીપશિખાની સમાન સુંદર જણાતી નાસીકાના સમીપે જમણા ગાલ ઉપર શોભતી શ્યામ ટીબકડી (તિલ) વિરાજે છે. તથા ડાબા કાનને વિષે અંદરના મધ્યભાગે શોભતા શ્યામ બિન્દુનું મુમુક્ષુ ભક્તે ધ્યાન કરવું.૨૭

અનેક પ્રકારના પુષ્પોના તોરાઓની પંક્તિઓથી શોભતી સુંદર વસ્ત્રની પાઘડી ધારણ કરેલા શ્રીહરિના મસ્તકનું ધ્યાન કરવું, તેમજ મંદમંદ હાસ્યથી સુમધુર જણાતા મુખારવિંદનું મુમુક્ષુ ભક્તજને બહુ લાબાં સમય સુધી પોતાના હૃદયમાં ધ્યાન કરવું.૨૮

હે સદ્બુદ્ધિમાન અભયનૃપ ! આ પ્રમાણે ભગવાન શ્રીનારાયણમુનિનું ધ્યાન મેં તમને બતાવ્યું. તમે સર્વે તેનો પ્રતિદિન અભ્યાસ કરજો અને ત્રણ અક્ષરના શ્રીકૃષ્ણ મંત્રનો જપ કરવાથી અલ્પ સમયમાંજ તમને ભગવાન શ્રીનારાયણમુનિનાં દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. એમાં કોઇ જાતનો સંશય નથી.૨૯-૩૦

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! રાજર્ષિ ખટ્વાંગ રાજા આ પ્રમાણે કહીને વિરામ પામ્યા ત્યારે અભયરાજા અને તેના પરિવારે પણ તેમનાં વચનો અંતરમાં ધારણ કર્યાં. હે પ્રતાપસિંહ રાજન્ ! અતિ આદરપૂર્વક ભગવાન શ્રીહરિનાં ચરિત્રોની ગોષ્ઠી કરતા અને સાંભળતા વિશુદ્ધ અંતરવાળા ખટ્વાંગરાજા અને અભયપરિવારની શ્રાવણવદ એકાદશીની રાત્રી અડધા ક્ષણની જેમ તત્કાળ પસાર થઇ ગઇ.૩૧-૩૨

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં ખટ્વાંગ રાજાએ શ્રીહરિના સ્વરૂપના ધ્યાનનું નિરૂપણ કર્યું એ નામે પચીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૫--