અધ્યાય - ૨૧ - સરધારમાં સંવત ૧૮૬૧ નો જન્માષ્ટમીનો ઉત્સવ.

Submitted by swaminarayanworld on Thu, 06/07/2017 - 9:49am

અધ્યાય - ૨૧ - સરધારમાં સંવત ૧૮૬૧ નો જન્માષ્ટમીનો ઉત્સવ.

સરધારમાં સંવત ૧૮૬૧ નો જન્માષ્ટમીનો ઉત્સવ. કામ, ક્રોધ અને લોભમાં બળવાન કોણ?. અર્થમાં રહેલા પંદર અનર્થો. કારીયાણીના માચાભક્તની વિનંતી.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! તે સરધારપુરમાં તુંગજી અને વૈરજી નામના બે રાજકુમારો રહેતા હતા. તેઓને શ્રીહરિના ચરણનો દૃઢ આશ્રય હતો. તે બન્ને ભગવાન શ્રીસહજાનંદ સ્વામીની પરમ આદરથી સેવા કરવા લાગ્યા.૧

તેમાં તુંગજી ભગવાન શ્રીહરિની ચરણરજને મસ્તક ઉપર ધારણ કરતા હોવાથી અક્રૂરજી સમાન હતા અને વૈરજી કાર્ય અને અકાર્યના જ્ઞાનમાં તથા ભગવાનનો મહિમા સમજવામાં કુશળ હોવાથી વિદુરજી સમાન હતા.૨

તેમજ વેરાભાઇ, ભીમાભાઇ તથા હકાભાઇ આદિ અનેક ક્ષત્રિય ભક્તજનો હતા તે પણ ભગવાન શ્રીહરિની પરમ હર્ષથી સેવા કરવા લાગ્યા.૩

તથા કરીમ, મુક, હસન, રયો તથા હયજીત આદિ શ્રીહરિના દૃઢ આશ્રિત મુસ્લિમ ભક્તજનો હતા તે પણ અતિ પ્રીતિથી શ્રીહરિની સેવા કરવા લાગ્યા.૪

ભગવાન શ્રીહરિ સર્વે સરધારવાસી ભક્તજનોને આનંદ ઉપજાવતા થકા તુંગજીના ભવનમાં નિવાસ કરીને રહ્યા અને સૂર્ય જેમ અંધકારનો નાશ કરે તેમ સર્વજનોનાં અજ્ઞાનરૂપ અંધકારને હરતા હતા.૫

હે રાજન્ ! તુંગજી આદિ સર્વે સરધારવાસી ભક્તજનોએ શ્રીહરિની ચાતુર્માસ પર્યંત રોકાવાની પ્રાર્થના કરી તેથી ત્યાં સુધી રોકાયા અને જેવો માણાવદરમાં જન્માષ્ટમીનો સમૈયો ઉજવ્યો હતો તેવો જ સંવત ૧૮૬૧ ના શ્રાવણવદ અષ્ટમીનો ઉત્સવ સરધારપુરમાં પણ ઉજવ્યો.૬

તે સમયે ભગવાન શ્રીહરિનાં દર્શન કરવાની અત્યંત ઉત્કંઠા વાળા હજારો દેશાંતરવાસી ગૃહસ્થ ભક્તો તથા ત્યાગી સંતોનાં મંડળો સરધારપુરમાં આવ્યાં.૭

સત્શાસ્ત્રમાં કહેલી ધર્મમર્યાદાનું પાલન અને પોષણ કરતા શ્રીહરિએ સંતો ભક્તોની સાથે તે ગોકુળાષ્ટમીને દિવસે વ્રતનો ઉપવાસ કર્યો અને રાત્રે જાગરણ કરી ભગવાન શ્રીકૃષ્ણની વિધિવત્ પૂજા કરી.૮

અને નવમીની તિથિએ સાધુ બ્રાહ્મણોને મિષ્ટાન્નવડે પારણાં કરાવી સંતોના સ્વામી ભગવાન શ્રીહરિએ સ્વયં પારણાં કર્યાં. બપોરપછીના સમયે મોટી રમણીય સભાનું આયોજન કર્યું અને તેમાં આવીને શ્રીહરિ વિરાજમાન થયા.૯

હે નૃપ ! જ્યારે સભાની મધ્યે રમણીય સિંહાસન પર ભગવાન શ્રીહરિ વિરાજમાન થયા ત્યારે તેમને નમસ્કાર કરીને બ્રાહ્મણો તથા સંતો પણ યથાયોગ્ય સ્થાને ભગવાન શ્રીહરિની આગળજ પોતાનું સ્થાન લીધું અને અન્ય જનો હતા તે પણ તે સંતો વિપ્રોની ફરતે બેઠા.૧૦

કામ, ક્રોધ અને લોભમાં બળવાન કોણ ? :-- હે રાજન્ ! રાજવૈભવથી શોભતા તુંગજી રાજા ભગવાન શ્રીહરિને પ્રણામ કરીને તેમની સમીપે બેઠા અને સર્વની અનુમતિ લઇ સર્વે સભાસદોના સાંભળતાંજ બે હાથ જોડી ભગવાન શ્રીહરિને પૂછવા લાગ્યા.૧૧

તુંગજી પૂછે છે, હે ભગવાન ! આ લોકમાં દેહધારી મનુષ્યોને કામ, ક્રોધ અને લોભ આ ત્રણ અંતઃશત્રુઓ વિશેષ કરીને પીડતા દેખાય છે. હે સ્વામિન્ ! તે ત્રણના મધ્યે સૌથી બળવાન શત્રુ કયો છે ? જેને મુમુક્ષુજનોએ કોઇ પણ ઉપાયવડે જીતવો જ જોઇએ ? તે અમને જેમ હોય તેમ કહીને સમજાવો.૧૨-૧૩

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે રાજા તુંગજીએ પૂછયું, તેથી સકલ ઐશ્વર્યે સંપન્ન જગત્પતિ ભગવાન શ્રીહરિ અત્યંત મનોહર વાણીથી તેને કહેવા લાગ્યા.૧૪

શ્રી નારાયણમુનિ કહે છે, હે રાજન્ ! આ ત્રણે અંતઃશત્રુઓ મનુષ્યોના પ્રાણને હરનારા છે. છતાં પણ ત્રણની મધ્યે લોભ નામનો શત્રુ અતિશય બળવાન અને દુર્જય છે. એમ હું માનું છું. તેથી મુમુક્ષુ ગૃહસ્થ ભક્તોએ પાપરૂપ આ લોભ ઉપર પ્રયત્ન૫ૂર્વક અવશ્ય વિજય મેળવવો જોઇએ. અને તેમાં પણ ત્યાગી સંતોએ તો વિશેષપણે અવશ્ય જીતવો જોઇએ.૧૫-૧૬

હે રાજન્ ! જે મનુષ્યો સાંસારિક ધન વસ્ત્રાદિક પદાર્થોમાં સતત અતિશય લોભવૃત્તિ રાખે છે. તેની બુદ્ધિનો નાશ થાય છે. બુદ્ધિનો નાશ થતાં અલ્પકાળમાં જ તે મનુષ્યનો પણ વિનાશ થઇ જાય છે.૧૭

કારણ કે લોભદોષને આશરીને બીજા ઘણા બધા નરકમાં નાખનારા મોટા મોટા દોષો રહેલા છે તે આવીને રહે છે. મનુષ્યને પાપકર્મમાં પ્રવૃત્ત કરનારો લોભ, પાપનો મોટો આશ્રયદાતા છે. અર્થાત્ લોભ પાપનો બાપ છે. કારણ કે લોભને કારણે જ ક્રોધ ઉત્પન્ન થાય છે. અને લોભને કારણે જ કામ ઉત્પન્ન થાય છે. લોભ થકી જ મોહ, ઇર્ષ્યા અને મત્સરની પ્રવૃત્તિ થાય છે. વધુ શું કહું સર્વે દોષો લોભ થકી જ પ્રગટે છે.૧૮-૧૯

હે રાજન્ ! વિદ્યા અને વિનયથી સંપન્ન અને જગવિખ્યાત મોટા અનેક તપસ્વીઓ અને મહર્ષિઓ પણ લોભને કારણે મહા દુર્દશાને પામ્યા છે.૨૦

તથા હિરણ્યકશિપુ આદિ મોટા મોટા અસુરો અને ઇન્દ્રાદિ સર્વે દેવતાઓ પણ એક લોભને કારણે વિનાશને પામ્યા છે.૨૧

હે મહામતિ રાજન્ ! દુર્યોધન આદિક કૌરવોનો વિનાશ લોભથી જ થયો હતો. તેમજ બીજા અનેક રાજાઓ પણ લોભથી જ વિનાશ પામ્યા છે.૨૨

અર્થમાં રહેલા પંદર અનર્થો :-- હે રાજન્ ! તેથી જ મારા આશ્રિત ભક્તજનોએ ક્યારેય પણ કોઇ પદાર્થમાં લોભ ન રાખવો. કારણ કે સકલ પદાર્થોની ઉત્પત્તિ ધનમાંથી થાય છે. માટે અર્થ છે એજ સમગ્ર અનર્થનું મૂળ છે. એમ તમે જાણો.૨૩

ચોરી, હિંસા, અસત્ય, દંભ, કામ, ક્રોધ, ગર્વ, મદ, ભેદભાવ, વૈર, અવિશ્વાસ, સ્પર્ધા તથા ત્રણ પ્રકારનાં વ્યસન એવાં સ્ત્રી, દ્યુત અને મદ્ય આ પંદર પ્રકારના અનર્થો ધનમાં નિવાસ કરીને રહ્યાં છે. તે સિવાયના બીજા ઘણાક દોષો પણ ધનને આશરીને રહેલા છે.૨૪-૨૫

તેથી હે રાજન્ ! મારા આશ્રિત ભક્તજનો એવા તમોએ આ અર્થ છે તે ભગવાનની ભક્તિ કરવામાં અંતરાય કરનારા બીજા અનંત પ્રકારનાં અનર્થોનું સર્જન કરે છે. એમ સમજીને ધનના લોભમાં આસક્ત થાવું નહિ.૨૬
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિના મુખથી સર્વે અનર્થોનું સર્જન કરનારા લોભનું આવું દુષ્ટપણું સાંભળીને રાજા, સર્વે સંતો તથા ગૃહસ્થ સભાજનો બહુ જ રાજી થયા, અને લોભ ન રાખવાનું વચન મસ્તક ઉપર ચડાવ્યું.૨૭

ત્યારપછી ભગવાન શ્રીહરિએ કહ્યું, હે ભક્તજનો ! તમે સર્વે પ્રાતઃકાળે પોતપોતાના દેશ પ્રત્યે જજો. એમ દેશદેશાંતરમાંથી ઉત્સવમાં પધારેલા ભક્તજનોને આજ્ઞા આપી.૨૮

કારીયાણીના માચાભક્તની વિનંતી :-- હે રાજન્ ! તે સમયે કારીયાણી ગામથી ત્યાં પધારેલા બુદ્ધિમાન ખટવાંગ નામના રાજા શ્રીહરિને પ્રાર્થના કરવા ઊભા થયા.૨૯

આ ખટવાંગરાજા ભગવાનના ભક્ત હતા. ધર્મમાં નિષ્ઠાવાળા હતા. બાળપણથી જ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતને ધારણ કર્યું હતું. પરોક્ષભાવે ભગવાન શ્રીકૃષ્ણનું ભજન સ્મરણ કરતા હતા. પૂર્વે માંગરોળપુરમાં શ્રીહરિએ ઉજવેલા જન્માષ્ટમી ઉત્સવમાં દર્શન કરવા આવેલા તે સમયે ભગવાન શ્રીહરિનો અતિશય પ્રતાપ જોઇ તેમના શિષ્ય થયા હતા. મનુષ્યો આગળ પ્રગટ ભગવાન શ્રીહરિકૃષ્ણની વાતો કરવામાં તે નિપુણ હતા. જિતેન્દ્રિય અને ઉદારબુદ્ધિવાળા તે શૂરવીર પણ હતા.૩૦-૩૧

હે રાજન્ ! આ ખટવાંગરાજા ફરી શ્રીહરિએ જ્યારે માણાવદરમાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો ત્યારે પણ પધાર્યા હતા. અને પરમેશ્વર શ્રીહરિની આજ્ઞાથી પાછા પોતાને ગામ કારિયાણી ગયા હતા.૩૨

આ વખતે ફરી ત્રીજીવાર સરધારપુરમાં પધાર્યા અને ભગવાન શ્રીહરિને પોતાના ગામે લઇ જવાની ઇચ્છાથી તેમની સમીપે આવી બે હાથ જોડી નમસ્કાર કરી કહેવા લાગ્યા.૩૩

ખટવાંગ રાજા કહે છે, હે ભગવાન ! હું તમારો અનન્ય ચરણસેવક છું. તમે ભક્તવત્સલ છો. એથી મારા ઉપર કૃપા કરી મારે ગામ પધારો.૩૪

હે સ્વામિન્ ! વર્ણી, સાધુ અને પાર્ષદ વગેરે ભક્તજનોની સાથે આપની સેવા કરીને મારી ધન, ઘર, ધાન્ય આદિ સર્વે સંપત્તિને તથા મારા મનુષ્યજન્મને સફળ કરવા ઇચ્છું છું.૩૫

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણેની ખટવાંગ રાજાની પ્રાર્થનાથી ભગવાન શ્રીહરિ બહુજ પ્રસન્ન થયા અને તેમને કહેવા લાગ્યા કે, હે રાજર્ષિ ! હું તમારાં ગામમાં જરૂરથી પધારીશ તેમાં કોઇ જાતનો સંશય નથી. પરંતુ અત્યારે મેં સરધારપુરમાં ચાતુર્માસ પર્યંત રહેવાની પ્રતિજ્ઞા કરેલી છે. તેથી અહીં કાર્તિક પ્રબોધની એકાદશીનો ઉત્સવ ઉજવી તમારા ગામ કારિયાણી હું ચોક્કસ આવીશ.૩૬-૩૭

હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ અતિ પ્રસન્ન થઇને કહ્યું તેથી ખટવાંગ રાજા અંતરમાં ખૂબજ રાજી થઇ શ્રીહરિને નમસ્કાર કર્યા. પછી દશમીની તિથિએ સૂર્ય ઉદય પામતાં કારિયાણી ગામે જવા નીકળ્યા અને બીજે દિવસે એકાદશીના સાંજે માર્ગમાં આવતાં ગઢપુર નગરમાં પધાર્યા.૩૮

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં સર્વ કરતાં મોટા શત્રુ તરીકેનું લોભદોષનું નિરૂપણ કર્યું એ નામે એકવીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૧--