અધ્યાય - ૨૦ - ભગવાન શ્રીહરિનું ધમડકા અને ભચાઉમાં બે બે દિવસનું અને કંથકોટમાં એક દિવસનું રોકાણ.

Submitted by swaminarayanworld on Thu, 06/07/2017 - 9:48am

અધ્યાય - ૨૦ - ભગવાન શ્રીહરિનું ધમડકા અને ભચાઉમાં બે બે દિવસનું અને કંથકોટમાં એક દિવસનું રોકાણ.

ભગવાન શ્રીહરિનું ધમડકા અને ભચાઉમાં બે બે દિવસનું અને કંથકોટમાં એક દિવસનું રોકાણ. શ્રીહરિની પિપળીથી રાજકોટમાં પધરામણી . શ્રીહરિનાં અદ્ભૂતચરિત્રોનું સંક્ષિપ્ત વર્ણન.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ધમડકાપુરીમાં લાધાજી નામે રાજા હતા, તે રાજા ભગવાન શ્રીહરિને પોતાના ભવનમાં નિવાસ કરાવી દાસભાવે સેવા કરવા લાગ્યા.૧

તેમજ તેમના ચાર પુત્રો કલ્યાણજી, ઇન્દુજી, રામજી અને રાયધણજી પણ અતિ હર્ષથી શ્રીહરિની સેવા કરવા લાગ્યા.૨

તેવીજ રીતે જીજીબા, માનીબા, વાયુ, જીવા, મોટીની અને કર્ણીબા આદિ ક્ષત્રિય નારી ભક્તો હતાં તે પણ ભક્તિભાવથી શ્રીહરિની સેવા કરવા લાગ્યાં.૩

હે રાજન્ ! ધમડકાપુરીમાં ભગવાન શ્રીહરિ બે દિવસ પર્યંત રોકાઇને ત્યાંથી ભચાઉ ગામમાં પધાર્યા. ત્યાંના જયરામ અને કર્મણ આદિ ભક્તોએ શ્રીહરિનો આદર કર્યો અને ભાવપૂર્વક સેવા કરવા લાગ્યા.૪

ભગવાન શ્રીહરિમાં ભક્તિવાળી દેવિકા આદિ સ્ત્રી ભક્તજનો હતાં તે પણ શ્રીહરિની સેવા કરવા લાગ્યાં. ભચાઉ ગામમાં બે દિવસ નિવાસ કરીને ભગવાન શ્રીહરિ કંથકોટ પુરમાં પધાર્યા.૫

ત્યાંના મુળજી અને કચરા આદિ પુરુષ ભક્તજનો તથા વાયવી અને હરિબાળા આદિ સ્ત્રી ભક્તજનોએ ભગવાન શ્રીહરિની ખૂબજ સેવા કરી, એક રાત્રી દિવસ ત્યાં રોકાઇને સૌને દર્શનનું ખૂબજ સુખ આપ્યું.૬

શ્રીહરિની પિપળીથી રાજકોટમાં પધરામણી :-- હે રાજન્ ! ત્યાંથી આગળ ચાલ્યા તે ભગવાન શ્રીહરિ ગામોમાં વિચરણ કરતા કરતા સમુદ્રની ખાડી ઊતરી આભીર દેશમાં પધાર્યા. તે દેશમાં ભક્તજનોને રાજી કરવા પિપળી ગામે પધાર્યા.૭

તે ગામના દેવજી તથા ગણેશ આદિ વૈશ્ય ભક્તજનોએ તથા માની અને રમા આદિ નારી ભક્તજનોએ પોતપોતાની શક્તિ અનુસાર ભગવાન શ્રીહરિની ખૂબજ સેવા કરી.૮

ત્યાં બે દિવસ રોકાઇને શ્રીહરિ પ્રસિદ્ધ રાજકોટ નગરમાં પધાર્યા. ત્યાંનાં રાજકુંવરી લક્ષ્મીબાએ અતિભાવથી શ્રીહરિને પધરાવ્યા અને મોટા ઉપચારોથી પૂજન કર્યું.૯

હે રાજન્ ! તે લક્ષ્મીબાઇ ભગવાન શ્રીહરિની પ્રસન્નતાથી સમગ્ર યોગકળાની સિદ્ધિને પામ્યાં. ભગવાન શ્રીહરિ એકદિવસ રોકાઇ રાજકોટપુરથી વિદાય થયા.૧૦

શ્રીહરિનાં અદ્ભૂતચરિત્રોનું સંક્ષિપ્ત વર્ણન :-- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! સકલ ઐશ્વર્ય સંપન્ન ભગવાન શ્રીહરિ ગામેગામ નગરે નગર વિચરણ કરી પોતાના સંબંધમાં આવતા ભક્તજનોના ક્રોધનું નિયમન, ગર્વનું દમન, કામનો મૂળમાંથી વિનાશ કરતા, અભિમાનને નમાવતા, સ્પૃહાની નિવૃત્તિ, લોભનો વિચ્છેદ કરતા અને પાપના પૂંજને પ્રજાળતા, કળિયુગના બળને નિર્બળ કરતા અને એકાંતિક ધર્મનું પોષણ કરતા ભગવાન શ્રીહરિ આ પૃથ્વી પર મનુષ્યોને આશ્ચર્ય ઉપજાવતા અને પોતાના અલૌકિક પ્રતાપને વિસ્તારતા હતા. તેમજ જ્ઞાનના ભાસ્કર ભગવાન શ્રીહરિ અનંત જીવોના અંતરના અજ્ઞાનરૂપી અંધકારને હરણ કરી અતિશય રાજાધિરાજપણે સ્વયં શોભવા લાગ્યા.૧૧-૧૨

હે રાજન્ ! એકાંતિક ધર્મમાર્ગનું પ્રવર્તન કરતા ભગવાન શ્રીહરિના અલૌકિક મહાપ્રતાપને પ્રત્યક્ષ નિહાળી, સાંભળીને હજારો નરનારીઓએ તેમનો અનન્ય આશ્રય કર્યો.૧૩

અને સમર્થ ભગવાન શ્રીહરિ પણ તેઓનો ઉત્સાહ વધારવા અને પોતાના સ્વરૂપનો અતિશય દૃઢ નિશ્ચય કરાવવા પોતાના સિવાય અન્ય ઇશ્વરો કે મુક્ત પુરુષોમાં પણ ન હોય તેવો અલૌકિક પ્રતાપ વારંવાર દેખાડવા લાગ્યા.૧૪

હે રાજન્ ! ભગવાન શ્રીહરિ અનંત જીવોને ત્રણ દેહથી વિલક્ષણ બ્રહ્મરૂપ એવા પોતાના આત્મસ્વરૂપમાં સમાધિદ્વારા પ્રાણવૃત્તિનો નિરોધ કરાવતા અને ત્યારપછી તે આત્મસ્વરૂપને વિષે જ ભગવાન શ્રીહરિ સકલ ઐશ્વર્યોએ યુક્ત પોતાનાં અક્ષરધામ, ગોલોકધામ, વૈકુંઠધામ અને શ્વેતદ્વિપ ધામનાં દર્શન કરાવતા હતા. તેવીજ રીતે દિવ્ય એવા અવ્યાકૃતધામ, બદરિકાશ્રમધામ, અગ્નિલોક, સૂર્યલોક અને ક્ષીરસાગર વગેરે રમણીય લોકનાં દર્શન કરાવતા હતા. અને તે તે ધામોને વિષે રહેલા સકલ ઐશ્વર્યો શક્તિઓ, પાર્ષદોથી નિરંતર સેવાયેલ ભિન્ન ભિન્ન પોતાનાં દિવ્ય સ્વરૂપોનાં પણ દર્શન કરાવતા હતા.૧૫-૧૮

હે રાજન્ ! વળી ભગવાન શ્રીહરિ કોઇ કોઇ ભક્તોને સમાધિમાં એકાએક પ્રણવનો નાદ સંભળાવતા તથા કોઇ કોઇ ભક્તજનોને પોતાની મૂર્તિમાંથી નીકળતાં કરોડેકરોડ સૂર્યના સમાન તેજોરાશિનાં દર્શન કરાવતા હતા.૧૯

વળી કોઇક ભક્તોને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિથી પર તથા ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયરૂપ ઇશ્વરની અવસ્થાઓથી પર રહેલા સચ્ચિદાનંદરૂપ અને દૃષ્ટારૂપ એવા પોતાના બ્રહ્મસ્વરૂપનું દર્શન આપતા હતા.૨૦

કોઇ ભક્તોને ભૂગોળ અને ખગોળને વિષે બ્રહ્મા આદિ દેવતાઓનાં સ્થાનો તથા વિષ્ણુ ભગવાનનાં સ્થાનો તથા તે તે સ્થાનોનાં ઐશ્વર્યોનું પણ દર્શન કરાવતા હતા.૨૧

હે રાજન્ ! વળી ભગવાન શ્રીહરિ કેટલાક ભક્તજનોને શરીરની અંદરના મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુરક, અનાહત, વિશુદ્ધ અને જ્ઞાનચક્ર આ છ ચક્રોને વિષે રહેલા ગણપતિ આદિ છ દેવતાઓનાં જુદાં જુદાં દર્શન કરાવતા.૨૨

વળી કોઇ ભક્તોને પરમેશ્વર શ્રીહરિ પુરુષસૂક્તમાં વર્ણન કરાયેલા તેમજ આખા બ્રહ્માંડના આધારરૂપ એવા વિરાટપુરુષનાં પણ દર્શન કરાવતા હતા.૨૩

હે રાજન્ ! ક્યારેક અતિશય પ્રસન્ન થઇ જતા ભગવાન શ્રીહરિ કોઇ ભક્તોને સો સો યોજન કે પાંચસો યોજન દૂર રહેલા હોવા છતાં પોતાનું પ્રત્યક્ષ દર્શન આપી તેમના મનોરથ પૂર્ણ કરતા હતા.૨૪

તેવીજરીતે દૂર દેશોમાં રહેલા ભક્તજનો પોતાના ઘરમાં પધરાવેલ ભગવાન શ્રીહરિની પ્રતિમાની આગળ ભોજનના થાળ ધરે, ત્યારે તે મૂર્તિમાંથી પ્રત્યક્ષ પ્રગટ થઇને પોતાને જોતા ભક્તજનોને વિસ્મય પમાડતા ભગવાન શ્રીહરિ પ્રગટપણે થાળને આરોગતા હતા.૨૫

વળી હે રાજન્ ! કોઇ ભક્ત પ્રાણ છોડે ત્યારે પોતાના ધામમાં તે ભક્તને લઇ જવા માટે દિવ્ય સ્વરૂપે તે ગામમાં પધારે ત્યારે તે ગામના અન્ય મનુષ્યોને પણ પોતાનું પ્રત્યક્ષ દર્શન આપતા હતા.૨૬

આ પ્રમાણે જ્યારે મુમુક્ષુઓને કે અન્યજનોને પોતાનાં અલૌકિક ઐશ્વર્યનું દર્શન કરાવતા ત્યારે તે જોઇને અભક્તો હતા તે પણ પરમ વિસ્મય પામી જતા.૨૭

હે રાજન્ ! કેટલાક મતવાદીઓ ભગવાન શ્રીહરિની સાથે શાસ્ત્રાર્થ કરી જીતવા માટે આવતા પરંતુ વાદ-વિવાદમાં તેઓ શ્રીહરિને પરાભવ કરવા કોઇ સમર્થ થતા ન હતા.૨૮

હે રાજન્ ! ભગવાન શ્રીહરિ પૃથ્વી પર જ્યારે વિચરણ કરી રહ્યા હતા ત્યારે દર્શને આવતા જનોને સમાધિ કરાવતા. ત્યારે કૃષ્ણના ઉપાસકોને કૃષ્ણરૂપે દર્શન આપતા, શ્રીરામચંદ્રજીના ઉપાસકોને શ્રીરામરૂપે દર્શન થતાં આવી રીતે શક્તિના, સૂર્યના કે શિવજીના ઉપાસકોને તે તે રૂપે દર્શન થતાં હતાં, અને વૈષ્ણવ ભક્તોને વિષ્ણુરૂપે શ્રીહરિનું દર્શન થતું હતું. તેવી જ રીતે જૈનોને મહાવીર આદિ તીર્થંકરના રૂપમાં અને યવનોને મહંમદ આદિ પયગંબરના રૂપમાં શ્રીહરિનું દર્શન થતું. ભગવાન શ્રીહરિની કૃપાથી પ્રાપ્ત થતી સમાધિમાં પોતપોતાના ઇષ્ટદેવનાં સ્વરૂપમાં ભગવાન શ્રીહરિને નિહાળી તેઓ અતિશય વિસ્મય પામતા હતા.૨૯

હે રાજન્ ! આ પ્રમાણે જે જે જનો શ્રીહરિની સમીપે આવતા તેઓ ભગવાન શ્રીહરિની કૃપાથી પ્રાપ્ત થયેલી સમાધિમાં તત્કાળ પોતપોતાના ઇષ્ટદેવ સ્વરૂપે ભગવાન શ્રીહરિનાં દર્શન કરી અતિશય વિસ્મય પામ્યા, અને પોતપોતાના સંપ્રદાયનો ત્યાગ કરી ભગવાન શ્રીસ્વામિનારાયણનો આશ્રય કરી ભગવાને દેખાડેલી ધર્મમર્યાદામાં રહી ભક્તિભાવપૂર્વક નિરંતર તેમનું ભજન સ્મરણ કરતા હતા.૩૦-૩૧

હે રાજન્ ! ભગવાન શ્રીહરિનો આશ્રય કરનારા જીવો પ્રથમ સાવ પામર જેવા હતા છતાં મદ્ય, માંસાદિકનો ત્યાગ કરી જ્ઞાન, વૈરાગ્યાદિ સદ્ગુણોથી સંપન્ન થઇ શોભવા લાગ્યા. અને કેટલાક શ્રીહરિના શિષ્યો તો હીન જાતિના અને અભણ હતા છતાં તેનો શાસ્ત્રોક્ત બ્રહ્મસ્વરૂપના નિરુપણમાં શ્રીહરિનો આશ્રય કર્યા વિનાના શાસ્ત્રવેત્તા વિદ્વાનો પુરુષો પણ પરાભવ કરી શકતા નહિ.૩૨-૩૩

હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ પોતાના અસાધારણ પ્રતાપથી જીવની અંદર પડેલા અનાદિ અજ્ઞાનનો વિનાશ કરી ધરણી પર વિનાશ પામેલા ભાગવતધર્મનું પુનઃ પ્રવર્તન કર્યું.૩૪

હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ અનંત દેશોમાં અનંત જગ્યાએ અનંત સદાવ્રતો બંધાવ્યાં. તેને વિષે એકવાર જે કોઇ મનુષ્ય આવી જતા તે પછી તે સ્થળ છોડીને બીજી જગ્યાએ જવાની ઇચ્છા કરતા નહિ.૩૫

હે નરેશ્વર ! સમર્થ ભગવાન શ્રીહરિ પોતાના ધનાઢય હરિભક્તો દ્વારા મુખ્ય કલ્પથી મોટા મોટા વિષ્ણુયાગ કરી ભગવાન શ્રી વિષ્ણુનું યજન કરાવતા.૩૬

વિષ્ણુયાગ અને મહારુદ્રાદિ યજ્ઞોમાં ભગવાન શ્રીહરિ હજારો બ્રાહ્મણોને બહુ દિવસો પ્રર્યંત મિષ્ટ ભોજનો જમાડી તૃપ્ત કરતા.૩૭

તેમજ ચક્રવર્તી સમ્રાટ રંતિદેવ રાજાના જેવા અતિશય ઉદાર એવા ભગવાન શ્રીહરિ તે તે યજ્ઞોમાં પધારેલા અનેક વિપ્રોને સોના અને રૂપાની મુદ્રાઓનું ખૂબજ દાન કરતા.૩૮

હે રાજન્ ! આ પ્રમાણે સમર્થ ભગવાન શ્રીહરિએ ઘી, દૂધ, ડાંગર, જવ,ઘઉં,સાકર આદિ હવિષ્યાન્નથી વિષ્ણુયાગ આદિક યજ્ઞોનું અનુષ્ઠાન કરી વેદ બાહ્ય પંચ મકારના વિધિવાળા યજ્ઞોનો અર્થાત્ મદ્ય, માંસ, મત્સ્ય, મુદ્રા અને મૈથુનનું જેમાં વિધાન છે, તેવા શક્તિપંથીઓના દૂષિત યજ્ઞોનો વિનાશ કર્યો.૩૯

તેમજ સાધુ, બ્રાહ્મણ અને દેવતાઓનું વારંવાર પૂજન અને અન્નથી તર્પણ કરી ભગવાન શ્રીહરિએ વેદવિરુદ્ધ પાખંડ ધર્મનો પણ વંશ સહિત વિનાશ કર્યો.૪૦

હે રાજન્ ! ભગવાન શ્રીહરિ જુદા જુદા ગામો અને નગરોમાં વિચરણ દરમ્યાન ભક્તજનોને વિસ્તારથી યથાર્થ બોધ આપવા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના અનંત પ્રકારનાં સૂક્ષ્મ ભેદોનું યથાર્થ નિરુપણ કર્યું, અને અધર્મી અસુરગુરુઓનો સત્શાસ્ત્રોનાં વચનોથી અને પોતાના પ્રભાવથી પરાભવ કરી ત્યાં ભરાઇ પડેલા મુમુક્ષુઓને તેમના થકી છોડાવીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્યે યુક્ત ભક્તિવાળા આ શુદ્ધ માર્ગમાં જોડયા.૪૧-૪૨

હે રાજન્ ! ધર્મ રક્ષક ભગવાન શ્રીહરિએ આ રીતે ચારેવર્ણ અને ચારે આશ્રમના સનાતન ધર્મની સ્થાપના કરી.૪૩

તેમજ તે નૈષ્ઠિક બ્રહ્મચારીઓના ધર્મોનું યથાર્થ પ્રવર્તન કરતા કરતા નૈષ્ઠિકબ્રહ્મચારીઓની મધ્યે રાજાધિરાજની જેમ શોભવા લાગ્યા.૪૪

અને તેમના દ્વારા ધર્મ અને ભક્તિનું તથા જ્ઞાન, વૈરાગ્યાદિક તેમના પરિવારનું પણ યથાર્થ પોષણ થયું તેથી તે પુષ્ટ થયેલો ધર્મપરિવાર પ્રતિદિન દિવ્ય સ્વરૂપે શ્રીહરિની સમીપે રહી શ્રીહરિની સેવા કરતાં પરમ શોભાને પ્રાપ્ત કરી દીપવા લાગ્યો.૪૫

હે રાજન્ ! ભગવાન શ્રીહરિની ઇચ્છાથી તેમની સમીપે દિવ્ય સ્વરૂપે રહેતાં ધર્મ અને ભક્તિ પોતાના પરિવાર સાથે કોઇવાર પુણ્યશાળી આત્માઓને પોતાનાં દિવ્ય સ્વરૂપનાં દર્શન આપતાં, પરંતુ સર્વે મનુષ્યોને નિરંતર દેખાતાં નહિ.૪૬

હે રાજન્ ! આ રીતે પોતાનાં દિવ્ય ચરિત્રોથી મનુષ્યોને પરમ આશ્ચર્ય પમાડતા કરુણાના સાગર ભગવાન શ્રીહરિ પૃથ્વીપર વિચરણ કરતા અષાઢમાસમાં સરધારપુર પધાર્યા.૪૭

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં વિચરણ દરમ્યાન ભગવાન શ્રીહરિએ વિવિધ ઐશ્વર્યોનું દર્શન કરાવી અનંત ભક્તોને આનંદ આપ્યો એ નામે વીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૦--