અધ્યાય -૬૦ - ફણેણી ગામમાં શ્રીરામાનંદસ્વામીની અંતર્ધાન લીલા.

Submitted by swaminarayanworld on Mon, 26/06/2017 - 9:23pm

અધ્યાય - ૬૦ - ફણેણી ગામમાં શ્રીરામાનંદસ્વામીની અંતર્ધાન લીલા.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! રામાનંદસ્વામીએ ફણેણી ગામમાં સંવત ૧૮૫૮ ના માગસર શુદ મોક્ષદા એકાદશીને દિવસે મોટો ઉત્સવ ઉજવ્યો અને બારસને દિવસે હજારો સાધુ, બ્રાહ્મણોને ભોજન કરાવ્યું.૧

તેરસના પ્રાતઃકાળે સુપાત્ર બ્રાહ્મણોને ગાય, ભૂમિ, સુવર્ણ આદિકનાં દાન આપ્યાં. ત્યારપછી ભદ્રાવતી નદીએ જઇ સ્નાન કરી પાછા પોતાને સ્થાને આવી એકાંત સ્થળમાં વિરાજમાન થયા.૨

આ પ્રમાણે ઉદ્ધવાવતાર શ્રીરામાનંદ સ્વામી એકાંતમાં પદ્માસને બેસી પોતાના ઇષ્ટદેવ અને પ્રગટપણે વિરાજતા સાક્ષાત્ શ્રીહરિકૃષ્ણના સ્વરૂપમાં મનની વૃત્તિ એકાગ્ર કરી તેમની જ દિવ્ય ઇચ્છાથી તત્કાળ મનુષ્ય શરીરનો ત્યાગ કર્યો.૩

હે ભૂપતિ ! આ રીતે દુર્વાસામુનિના શાપ થકી મુક્ત થઇ ઉદ્ધવજી પુનઃ બદરિકાશ્રમને વિષે સિધાવી પૂર્વની માફક જ સિદ્ધદેહે કૃષ્ણ ભક્તિનું પ્રવર્તન કરવા લાગ્યા.૪

હે રાજન્ ! આ રીતે સંવત ૧૮૫૮ ના માગસર સુદ તેરસ ને ગુરુવારના પવિત્ર દિવસે ઉદ્ધવાવતાર શ્રીરામાનંદસ્વામી આલોકમાંથી અંતર્ધાન થયા.૫

તે સમયે ગુરુના મુખ સામે જ એક દૃષ્ટિ કરી ભગવાન શ્રીકૃષ્ણનું નામ સંકીર્તન કરી રહેલા શ્રીનારાયણમુનિ આદિ સમગ્ર શિષ્યમંડળે સ્વામી અંતર્ધાન થયા છે, એમ જાણ્યું. તે સમયે અન્ય સર્વે શિષ્યો તેમની સમીપે આવ્યા અને સ્વામીના નાડીપ્રાણ બંધ થયાં છે એમ જાણી વ્યાકુળ થઇ રુદન કરવા લાગ્યા.૬-૭

હે રાજન્ ! દેશકાળને અનુસારે ધર્મશાસ્ત્ર સંબંધી ક્રિયા કરવામાં કુશળ શ્રીહરિ સહજાનંદસ્વામીએ ધીરજ ધારણ કરી સ્નાન કર્યું અને મસ્તક ઉપર શિખાને છોડી મુંડન કરાવ્યું.૮

પછી ફરી સ્નાન કરી શ્રીરામાનંદ સ્વામીના શરીર ઉપર ચંદન ચર્ચ્યું અને પુષ્પ, અબીર, ગુલાલ આદિ સૌભાગ્ય દ્રવ્યથી પૂજન કરી નમસ્કાર કર્યા.૯

ભગવાન શ્રીનારાયણમુનિએ પિતૃમેધ વિધિથી અનુક્રમે ઔર્ધ્વદૈહિકક્રિયાનું અનુષ્ઠાન કરતાં સ્વામીના નિશ્ચેતન શરીરને તત્કાળ સુંદર આકારની પાલખી તૈયાર કરાવી તેમાં પધરાવ્યું.૧૦

કોઇએ ધર્મશાસ્ત્રના દેવલમુનિના વચનને યાદ કરી શંકા કરી કે, બ્રહ્મચારીએ શબની દાહ આદિક ક્રિયા ન કરવી જોઇએ. ત્યારે શ્રીહરિએ કહ્યું કે, નિર્ણયસિન્ધુમાં કમલાકર અને મનુની ઉક્તિ છે કે, પોતાના આચાર્ય, વિદ્યાગુરુ, માતા, પિતા અને ગુરુના શરીરની ઔર્ધ્વદૈહિક ક્રિયા નૈષ્ઠિકબ્રહ્મચારી કરે છતાં વ્રતનો ભંગ થતો નથી. તેથી આમાં કોઇ શાસ્ત્રબાધ નથી, એમ કહીને બહુ મૂલ્યવાળાં સૂક્ષ્મ શ્વેત વસ્ત્રોથી તે વિમાનને શણગારી સ્નાન કરી પવિત્ર થયેલા અન્ય ત્રણ સ્વામીના શિષ્યોની સાથે શ્રીનારાયણમુનિ તે વિમાનને ભદ્રાવતી નદીનાં તીરે લઇ ચાલ્યા.૧૧

હે રાજન્ ! તે સમયે સ્વામીના વિદ્વાન શિષ્ય બ્રાહ્મણો વિષ્ણુસૂક્તનો પાઠ કરવા લાગ્યા અને આંખમાં શોકનાં આંસુ હતાં છતાં ઝાંઝ મૃદંગ વગાડી સંતો, ભક્તો શ્રીકૃષ્ણ ભગવાનનું નામ સંકીર્તન કરવા લાગ્યા.૧૨

આ પ્રમાણે શ્રીહરિ અને સંતો ભક્તો સ્વામીના વિમાનને ભદ્રાવતી નદીના પવિત્ર તટે લઇ આવી. નીચે ઉતાર્યું અને ચંદન, તુલસી અને પીપળો વગેરેનાં સૂકાં કાષ્ઠની ચિતા તૈયાર કરી, પછી શ્રીહરિએ સ્વામીના શરીરને સ્નાન કરાવી, ઘીથી લેપન કરી પુષ્પોની માળાઓથી શણગારીને ચંદનની ચિતામાં પધરાવ્યું, અને ઉત્તપન નામના અગ્નિથી દાહ આપ્યો.૧૩-૧૪

હે રાજન્ ! સ્વામીનું શરીર જ્યારે અગ્નિમાં અર્ધું બળી રહ્યું ત્યારે વચ્ચે શ્રીહરિએ ઘીની આહુતિ અર્પણ કરી અને છેલ્લે જ્યારે શરીર સંપૂર્ણ ભસ્મીભૂત થયું ત્યારે જળથી અગ્નિનું શમન કરી તેમની ચિતાભસ્મ ભદ્રાવતી નદીમાં પધરાવી દીધી.૧૫

હે રાજન્ ! ત્યારપછી સમસ્ત શિષ્યવૃંદની સાથે શ્રીહરિએ ભદ્રાવતીમાં સ્નાન કર્યું અને સૌએ ગુરુને જલાંજલિ અર્પણ કરી ફરી સ્નાન કર્યું. પછી શોક કરતા કરતા સૌ ફણેણી ગામમાં આવ્યા. સ્વામીના અંતર્ધાનથી નિસ્તેજ થયેલા સર્વેએ તે દિવસે ઉપવાસ કર્યો.૧૬-૧૭

બીજે દિવસે સદ્ગુણી શ્રી નારાયણમુનિએ પત્રો લખી દેશદેશાંતરમાં વસતા ભક્તજનોને સમાચાર આપવા કેટલાક ભક્તજનોને મોકલ્યા.૧૮

તે સમયે દેશાંતર નિવાસી નર-નારી ભક્તજનોએ પત્રો વાંચી સ્વામીના આલોકમાંથી અંતર્ધાન થયાના સમાચાર જાણી, વસ્ત્ર સહિત સ્નાન કરીને બહુજ શોકાતુર થયા.૧૯

પોતાની પત્નીઓની સાથે તે સર્વે ગૃહસ્થ ભક્તો તત્કાળ પોતાનાં વ્યવહારિક કાર્યો છોડીને શક્તિ પ્રમાણે ધનાદિ પદાર્થો સાથે લઇ ફણેણી ગામે આવવા લાગ્યા.૨૦

હે રાજન્ ! દેશાંતરમાં રહેલા સ્વામીના શિષ્યો બ્રહ્મચારી અને સંતવૃંદ પણ પોતે બ્રહ્મસ્થિતિને પામ્યા હોવા છતાં સહન ન થઇ શકે તેવા ગુરુના અંતર્ધાનલીલાના સમાચાર સાંભળી અતિશય શોકાતુર થયા.૨૧

તે બ્રહ્મચારી અને સંતો પોતે જે જે દેશમાં વિચરતા હતા ત્યાં સમાચાર મળતાં તત્કાળ વસ્ત્રે સહિત સ્નાન કરી તત્કાળ ફણેણી ગામ પ્રત્યે આવવા લાગ્યા.૨૨

હે રાજન્ ! તે સમયે ભગવાન શ્રીનારાયણમુનિએ આંખમાં આંસુ સારતા તે ફણેણી ગામે આવેલા સર્વે દેશાંતરવાસી ભક્તજનોને રહેવા માટે યથાયોગ્ય નિવાસસ્થાનો અપાવ્યાં.૨૩

પછી બીજા દિવસથી આરંભીને તેરમા દિવસ સુધી બપોર પછીના નમતા દિવસે પવિત્ર થઇ ભગવાન શ્રીનારાયણમુનિએ સહિત સ્વામીનું સમસ્ત શિષ્યવૃંદ શ્રીમદ્ભગવદ્ગીતાની અર્થે સહિત કથાનું શ્રવણ કરતા હતા.૨૪

તે સમયે આશૌચ આદિક નિયમોનું પાલન કરતા ઉદાર બુદ્ધિવાળા ભગવાન શ્રીનારાયણમુનિએ બાર દિવસ પર્યંત ક્ષારમિશ્ર પદાર્થો અને મીઠું (લવણ) ભોજનમાં લીધું નહિ.૨૫

પરંતુ સૂતક હોવા છતાં સ્વયં ભગવાન શ્રી નારાયણમુનિ બ્રહ્મચર્યાશ્રમમાં હોવાથી સૂતકમાં પણ પોતાનું સંધ્યાવંદનાદિ કર્મ છોડવું નહિ એવા સ્મૃતિ ગ્રંથોના વિધાનથી અન્ય જનોનો સ્પર્શ નહીં કરતા થકા સંધ્યાવંદન તથા અગ્નિમાં સાયં-પ્રાતઃ હોમ કરવો વિગેરે નિત્ય કર્મનું અનુષ્ઠાન કરતા હતા.૨૬

હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ સૂતકના છેલ્લા દશમા દિવસે ગુરુ શ્રીરામાનંદસ્વામીનું નવશ્રાદ્ધ કર્મ કર્યું અને ત્યારપછી વૃષોત્સર્ગ સહિત એકાદશાદિક શ્રાદ્ધકર્મ પણ કર્યું. આ એકાદશાહ શ્રાદ્ધકર્મમાં શ્રીહરિએ બ્રાહ્મણોને આઠ પ્રકારનાં તેરપદો અને ગાય આદિક દશ પ્રકારનાં દાનો દક્ષિણાની સાથે દાનમાં અર્પણ કર્યાં.૨૭-૨૮

હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ દ્વાદશાહિક શ્રાદ્ધમાં પિંડસંયોજનાદિ કર્મ ગૃહ્યસૂત્રને અનુસારે વિધિપૂર્વક કરી તેમાં અનેક બ્રાહ્મણોને ભોજન કરાવ્યાં.૨૯

વળી શ્રીનારાયણમુનિ ભગવાને ત્રયોદશાહિક કર્મમાં વિષ્ણુભગવાનનું શ્રાદ્ધાદિક કર્મ કર્યું. તેમાં ત્રીસ બ્રહ્મચારીઓનું કેસર ચંદનાદિકથી પૂજન કર્યું અને તેઓને યોગ્ય એવાં વસ્ત્ર, મૃગચર્મ, મણિપ્રવાલની જપમાળાઓ અને ગોપીચંદન આદિક અર્પણ કરી ભોજન કરાવ્યું.૩૦-૩૧

પછી સ્વસ્તિક વાચન કર્મ કરાવ્યું. તે કર્મને અંતે સર્વે ગૃહસ્થ ભક્તજનોએ ભગવાન શ્રીનારાયણમુનિને પોતપોતાની શક્તિને અનુસારે વસ્ત્ર ધન આદિક પદાર્થાની શ્રીચરણોમાં ભેટ ધરી, અને ભગવાન શ્રીહરિએ તે સર્વે ગૃહસ્થ ભક્તોને સાધુ બ્રહ્મચારીઓ અને બ્રાહ્મણોને તે ફણેણી ગામના સમસ્તજનોને તથા આવેલા અન્ય સર્વે અતિથીઓને બહુપ્રકારનાં ભોજન કરાવ્યાં.૩૨-૩૩

હે રાજન્ ! વળી શ્રીહરિએ તેરમાને દિવસે ગીતાની કથા વાંચનાર વિપ્રનું વસ્ત્ર, આભૂષણ, ચંદન, પુષ્પ અને સુવર્ણની દક્ષિણા આપી પૂજન કર્યું.૩૪

હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીનારાયણમુનિએ ગુરુવર્ય શ્રીરામાનંદસ્વામીની ઔર્ધ્વદૈહિક ક્રિયાનો સમગ્ર ક્રિયાકલાપ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે યથાયોગ્ય પૂર્ણ કરી સૌ શિષ્યવૃંદને આવતી કાલના ચૌદમાના દિવસની શોકસભા માટે નિમંત્રણ આપ્યું.૩૫

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં રામાનંદસ્વામીની તિરોધાનલીલા અને ઔર્ધ્વદૈહિક ક્રિયા વિધિનું નિરૂપણ કર્યું, એ નામે સાઠમો અધ્યાય પૂર્ણ થયો. --૬૦--

-: ઇતિ શ્રી સત્સંગિજીવન પ્રથમ પ્રકરણ સમાપ્ત :-