અધ્યાય -૫૯ - શ્રીહરિનું રામાનંદસ્વામી સાથે સોરઠ પ્રાંતમાં વિચરણ.

Submitted by swaminarayanworld on Mon, 26/06/2017 - 9:22pm

અધ્યાય - ૫૯ - શ્રીહરિનું રામાનંદસ્વામી સાથે સોરઠ પ્રાંતમાં વિચરણ.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! સર્વ સદ્ગુણોથી સુશોભિત શ્રીહરિ સહજાનંદસ્વામી પોતાના શિષ્ય થઇ પોતાની સેવા-પરિચર્યામાં સદાય તત્પર રહેતા હતા છતાં, તે શ્રીહરિને વિષે ગુરુવર્ય રામાનંદ સ્વામીને સદાય મિત્રભાવ જ પ્રગટ થતો હતો. પરંતુ શિષ્ય ભાવ નહિ.૧

શ્રીરામાનંદસ્વામી બહુજ પ્રશંસાપાત્ર બુદ્ધિવાળા શ્રીહરિને પુછીને જ સમગ્ર વ્યવહારિક કાર્ય તથા ભાગવતધર્મના પ્રવર્તન સંબંધી કાર્ય કરતા તેમજ પોતાના મનમાં રહેલી વાત પણ શ્રીહરિને કહેતા.ર

આ રીતે ગુરુવર્ય સ્વામી ભગવાનની એકાંતિકી ભક્તિનું પ્રવર્તન કરતા કરતા શ્રીસહજાનંદસ્વામીની સાથે રૈવતાચળ પર્વત અર્થાત્ ગિરનાર પર્વતની તળેટીમાં આવેલાં પોતાના ભક્તજનોનાં ગામોમાં વિચરણ કરતા હતા.૩

જેતપુરમાં આનગમન :- હે રાજન્ ! કોઇ ગામમાં એક માસ તો ક્યાંક પંદર દિવસ, ક્યાંક પાંચ દિવસ સુધી નિવાસ કરીને રહેતા રામાનંદસ્વામી જેતપુર પધાર્યા.૪

ત્યાં ધાર્મિક જીવન જીવતા ઉન્નડરાજાની બહુ પ્રાર્થનાથી ભક્તજનોને આનંદ ઉપજાવતા શ્રીરામાનંદસ્વામી તેમના દરબારમાં નિવાસ કરીને રહ્યા.૫

ત્યાં નિરંતર ગુરુ રામાનંદસ્વામીની સેવામાં તત્પર થઇને રહેતા નારાયણમુનિ પોતાના આગળ જણાવ્યા એવા સકલ ગુણોથી સ્વામીના અન્ય શિષ્યો કરતાં અધિકને અધિક શ્રેષ્ઠ થયા.૬

શ્રીહરિના સદ્ગુણોનું વર્ણન :- હે શ્રેષ્ઠ રાજન્ ! શ્રીનારાયણમુનિ સદાય સર્વત્ર પોતાના સ્વસ્વરૂપને વિષે અચળ સ્થિતિમાં રહેતા અને તેનામાં સત્ય, શૌચાદિ અનેક સદ્ગુણો સ્વભાવસિદ્ધ નિત્ય હતા.૭

તે સત્યાદિ ગુણોમાં સત્ય, શૌચ, દયા, શાંતિ, ત્યાગ, સંતોષ, સરળતા, શમ, દમ, તપ, સર્વત્ર સામ્યબુદ્ધિ, તિતિક્ષા, ઉપરતિ, શ્રુત, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, શૌર્ય, તેજ, બલ, સ્મૃતિ, સ્વાતંત્ર્ય, કૌશલ્ય, કાંતિ, ધૈર્ય, માર્દવ, પ્રાગલ્ભ્ય, પ્રશ્રય, શીલ, સહ, ઓજ, બલ, ભગ, ગાંભીર્ય, સ્થૈર્ય, આસ્તિક્ય, કીર્તિ, મૌન, અગર્વ, અમાન, અદંભ, મિતાહાર, દક્ષતા, મૈત્રી, સર્વ પર ઉપકાર કરવાપણું, વિષયોથી ચિત્તની અક્ષોભતા, અદ્રોહ, અન્યને માન આપવું, છ ઉર્મિ ઉપર વિજય, બ્રાહ્મણોનું હિતચિંતન, શરણાગતોનું રક્ષણ, ઇચ્છારહિતતા, અપરિગ્રહ, રાધિકાના પતિ શ્રીકૃષ્ણ ભગવાનમાં અચળ પરાભક્તિ અને નિર્દંભપણે અતિ પ્રેમથી ગુરુની સેવા કરવી આદિ અનંત સદ્ગુણો શ્રીહરિમાં નિત્યસિદ્ધ હતા.૮-૧૩

હે રાજન્ ! મુનિપતિ રામાનંદસ્વામીના અન્ય સર્વે શિષ્યો શ્રીસહજાનંદ સ્વામીમાં ઉપરોક્ત સદ્ગુણો સર્વ કરતાં અધિક જોઇને પરમ વિસ્મય પામ્યા, અને પોતાના કરતાં તેમને અધિક શ્રેષ્ઠ માનવા લાગ્યા. હે રાજન્ ! આ રીતે ગુરુ રામાનંદસ્વામીની સાથે રહી તેમની સેવા કરી તેમને રાજી કરતાં કરતાં શ્રીનારાયણમુનિને બે વર્ષ વીતી ગયાં.૧૪-૧૫

શ્રીહરિને ધર્મધુરા સોંપવાની રામાનંદસ્વામીએ કરેલી ઈચ્છા :- રામાનંદસ્વામી પણ આ પ્રમાણે સર્વગુણે સંપન્ન શ્રીનારાયણમુનિને જોઇ પોતાની ધર્મધુરા તેમને સોંપી આલોકમાંથી અંતર્ધાન થવાની ઇચ્છા કરી. તેથી તેણે શ્રીનારાયણમુનિ અતિશય વિરક્ત હોવા છતાં સર્વજન સમુદાયના હિતને ખાતર વ્યવહારિક કાર્યમાં જોડી ધર્મધુરા સોંપવાની ઇચ્છાથી સર્વ ભક્તજનો અને સંતોને સાંભળતાંજ સભામાં કહેવા લાગ્યા કે, હે બુદ્ધિમાન નારાયણમુનિ ! તમે મારું વચન આદરપૂર્વક સાંભળો અને સાંભળ્યા પછી તમારે તે પ્રમાણે જ કરવાનું છે.૧૬-૧૮

જુઓ, મારા આશ્રિત આ સર્વે નરનારીઓ ભગવાન શ્રીકૃષ્ણના પરમ ઉપાસક ભક્તો છે. તે સર્વેને તમારે પોતપોતાની ધર્મમર્યાદામાં વર્તાવવા છે.૧૯

અને તમે જે વાસુદેવ માહાત્મ્યનો પ્રતિદિન પાઠ કરો છો, તેમાં વર્ણાશ્રમધર્મને અનુસારે સમસ્ત નરનારીઓના ધર્મો વર્ણવેલા છે. તેથી મારા આશ્રિત સર્વજનોને તમારે સૌ સૌના અધિકારને અનુસારે તે ધર્મોનું પાલન કરાવવું અને શ્રીકૃષ્ણ ભગવાનની સેવા પૂજાનો માર્ગ વલ્લભાચાર્યના પુત્ર શ્રીવિઠ્ઠલનાથજીએ જે કહેલો છે, તેનો જ સ્વીકાર કરવો, અને રાધિકાના પતિ શ્રીકૃષ્ણ ભગવાનના વ્રતો અને ઉત્સવોનો વૈષ્ણવોને યોગ્ય નિર્ણય પણ તેમણે કહેલી રીત પ્રમાણે જ પ્રવર્તાવવો.૨૦-૨૨

હે નારાયણમુનિ ! પૂર્વે હું રામાનુજાચાર્યના સંપ્રદાયમાં હતો પરંતુ મત્સરગ્રસ્ત વૈષ્ણવોએ ત્યાં મને મહાઉપદ્રવ કર્યો. તેથી તે સંપ્રદાયનાં બહારનાં ચિહ્નોને છોડી મેં સત્શાસ્ત્રને અનુસારે આ નૂતન સંપ્રદાયની સ્થાપના કરી છે.૨૩-૨૪

છતાં અધ્યાત્મ જ્ઞાનની સિદ્ધિને માટે શ્રીરામાનુજાચાર્યે રચેલા શ્રીભાષ્યાદિ સદ્ગ્રંથો, નિત્યસિદ્ધ સદાય દિવ્ય વિગ્રહધારી ભગવાનની સાકાર ઉપાસનાનું પોષણ કરનારા હોવાથી મેં તેનો સાદર સ્વીકાર કર્યો છે. તેથી જીવ, માયા અને પરમાત્મા, આ ત્રણ અનાદિ તત્ત્વોના નિર્ણયને માટે શ્રી રામાનુજાચાર્ય રચેલા શ્રીભાષ્યાદિ સદ્ગ્રંથોનું જ તમે પ્રવર્તન કરજો.૨૫-૨૬

આ રીતે સર્વ શાસ્ત્રોના અર્થને જાણનારા હે મુનિ ! તમે મારી આ આજ્ઞાનું પાલન કરજો. કારણ કે, અત્યારે તમે એક જ મારી ધર્મધુરા સંભાળવા યોગ્ય જણાવ છો.૨૭

જે દિવસથી તમારાં મને દર્શન થયાં છે તે દિવસથી મારો આ જ મનોરથ રહ્યો છે. તેને તમે સફળ કરવા યોગ્ય છો.૨૮

હે મુને ! હું તમારા તીવ્ર વૈરાગ્યના ભાવને જાણું છું, છતાં પણ આ કાર્ય એક તમારાથી જ કરવું શક્ય છે. પણ બીજા કોઇથી કરવું શક્ય નથી.૨૯

હે મુનિ ! તમે મનુષ્યોએ અર્પણ કરેલ વસ્ત્ર અને અલંકારે સહિતની પૂજાનો સ્વીકાર કરજો. રથ, અશ્વ, હાથી આદિ વાહન ઉપર બેસજો.૩૦

હે તપોધન ! તમારે જ આ મુક્તાનંદસ્વામી આદિ સંતો ભક્તોનું કળિયુગના દોષો કામ ક્રોધાદિથી રક્ષણ કરવાનું છે. કારણ કે એક તમે જ તેઓનું રક્ષણ કરવા સમર્થ છો.૩૧

દ્રવ્ય, સ્ત્રી અને ક્રોધાદિકથી સર્વથા પરાભવ ન પામે તેવા મારા શિષ્યોમાં તમે એક જ છો. અને એ હું મારા અંતરમાં નિશ્ચય જાણું છું. કારણ કે ગુણોએ કરીને તો જાણે સાક્ષાત્ શ્રીકૃષ્ણ જ પધાર્યા હો એવો ભાવ મને તમારા વિષે ઉત્પન્ન થાય છે.૩૨

ગંગાપુત્ર ભીષ્મ જેવા ધીરજધારી તમે ક્યારેય ધર્મનું સાંકર્યપણું નહિ કરો. એવો દૃઢ નિશ્ચય કરી હું તમને મારી ધર્મધુરાના આચાર્યપદે સ્થાપન કરું છું.૩૩

ધર્મધુરા સ્વીકારવાની શ્રીહરિએ દર્શાવેલી અનિચ્છા :- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! સદ્ગુરુ રામાનંદસ્વામીનાં આવાં વચનો સાંભળી શ્રીનારાયણમુનિ હૃદયમાં થોડીવાર વિચાર કરી પછી ઉદાસીમને ગુરુ પ્રત્યે કહેવા લાગ્યા.૩૪

શ્રીનારાયણમુનિ કહે છે, હે પ્રભુ ! શિષ્યોએ ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઇએ, આજ સનાતન ધર્મની રીત છે. છતાં પણ ગાદી સ્વીકારવારૂપ આપનું આ વચન પાલન કરવામાં મને જરાય ઉત્સાહ નથી.૩૫

કારણ કે, હે સંતોના સ્વામી ! મેં નૈષ્ઠિક બ્રહ્મચારીના ધર્મનો આશ્રય કર્યો છે, તેથી જો આપનું આ વચન સ્વીકારું તો લોક અને શાસ્ત્ર બન્નેમાં નિંદાને પાત્ર થાઉં, એમ હું ચોક્કસપણે માનું છું.૩૬

બીજું કે હું સ્ત્રીઓની ગંધમાત્રથી દૂર ભાગુ છું. તો પછી તેમની સમીપ બેસીને હું ધર્મોપદેશ કેવી રીતે કરી શકીશ ?૩૭

તેમાં પણ સ્ત્રીઓનો પ્રસંગ મુમુક્ષુ જીવાત્માઓને બંધન કરનાર મોટો ફાંસલો કહેલો છે. કારણ કે મુક્ત સ્થિતિને પામેલા અનેક પુરુષો પણ સ્ત્રીના પ્રસંગથી તે જ ક્ષણે બ્રહ્મચર્યવ્રત થકી ભ્રષ્ટ થયા છે. અરે !!! સ્ત્રી પુરુષોનું જેને લેશ માત્ર ભાન ન હતું એવા નૈષ્ઠિક બ્રહ્મચારી એકલશૃંગીઋષિ પણ સ્ત્રીના પ્રસંગથી પોતાના નૈષ્ઠિકવ્રત ધર્મમાંથી ભ્રષ્ટ થયા હતા.૩૮-૩૯

સ્ત્રીના પ્રસંગથી કામ ઉત્પન્ન થાય છે, અને કામથકી ક્રોધ અને ક્રોધ થકી મહામોહ ઉત્પન્ન થાય છે. તેથી શુભસ્મૃતિનો વિનાશ થાય છે. અને સ્મૃતિના વિનાશથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિનો નાશ થતાં માનવ, કલ્યાણના માર્ગથકી એકદમ ભ્રષ્ટ થઇ જાય છે. તેથી હે સ્વામી ! સ્ત્રીઓના પ્રસંગથી હું નિશ્ચય બહુ જ ભય પામું છું.૪૦-૪૧

મન અતિ ચંચળ હોવાથી જીત્યું હોય છતાં પણ ક્યારેય તેનો વિશ્વાસ કરવો જોઇએ નહિ. કારણ કે, મનનો વિશ્વાસ કરવાથી સમર્થ એવા સૌભરી આદિ ઋષિઓનું બહુ કાળથી ભેળું કરેલું તપ એક ક્ષણમાં સ્રવી ગયું છે. જો યોગી પુરુષો મનનો વિશ્વાસ કરી તેની સાથે મિત્રતા કરે તો જેમ પુંશ્ચલી નારી પોતાનો વિશ્વાસ કરનાર પતિનો જાર પુરુષને અવકાશ આપી વિનાશ કરાવે છે. તેમ મન પણ કામ અને તેના અનુયાયી ક્રોધાદિ અંતઃશત્રુઓને અવકાશ આપી માનવને કલ્યાણના માર્ગમાંથી ભ્રષ્ટ કરે છે.૪૨-૪૩

કામ, ક્રોધ, લોભ, શોક, મોહ, ભય, માન, મત્સર આદિ અનેક દોષો અને કર્મનું બંધન વિગેરે મનના આધારે રહે છે. તે સર્વેનું મૂળ મન છે. હવે આ મનનો વિશ્વાસ કયો જ્ઞાની પુરુષ કરે ? ભૂતપ્રાણીમાત્ર ઉપર તેમની કોઇ પીડાના પ્રસંગે દયાએ કરીને પણ જો મનનો વિશ્વાસ કરવાનો પ્રસંગ ઊભો થાય તો પણ આ જગતમાં બધા કર્માધીન છે. એમ જાણીને પણ ઉદાસી રહેવું પણ મનનો વિશ્વાસ કરી આસક્ત થવું નહિં.૪૪-૪૫

જે પુરુષો દયા કરવાના પ્રસંગથી પણ જો ભગવાન વિના બીજે મન જોડે છે તો તે મૃગબાળક ઉપર દયાએ કરીને પ્રસંગ કરવાથી પતન પામેલા ભરતજીની પેઠે પોતાની સ્થિતિમાંથી ભ્રષ્ટ થાય છે.૪૬

પ્રજ્વલ્લિત અગ્નિમાં પડવું, તેને હું શ્રેષ્ઠ માનું છું, વિષ ભક્ષણ કરવું તેને પણ હું શ્રેષ્ઠ માનું છું પરંતુ કોઇ પણ પુરુષે ક્યારેય પણ સ્ત્રીનો પ્રસંગ કરવો તે શ્રેષ્ઠ માનતો નથી.૪૭

તેવી જ રીતે ધનાદિનો પ્રસંગ પણ મને રુચિકર નથી. કારણ કે, તે ધનાદિના પ્રસંગથી તો સદ્વર્તનવાળા પુરુષોની પણ દુરાચારમાં પ્રવૃત્તિ થાય છે.૪૮

પૂર્વે ધનમાં આસક્તિ કરવાથી ભ્રષ્ટ થયેલી મતિવાળા વસિષ્ઠ મહર્ષિએ પણ ધર્મિષ્ઠ નિમિરાજાને શાપ આપ્યો હતો. અને પછી તે વસિષ્ઠઋષિ પણ નિમિરાજાના શાપથી વેશ્યાપુત્ર તરીકે જગતમાં વિખ્યાત થયા હતા.૪૯

દેશ, કાળ, ધ્યાન, દેવતા, શાસ્ત્ર, દીક્ષા, મંત્ર અને સંગ આ આઠ જેવા શુભ કે અશુભનું પુરુષ સેવન કરે છે તે પુરુષને પણ તેવા શુભ કે અશુભ ફળની પ્રાપ્તિ થાય છે.૫૦

શુભ દેશકાળાદિનું સેવન કરનારા પુરુષની બુદ્ધિ શુભ થાય છે અને અશુભ દેશકાળાદિનું સેવન કરનાર પુરુષની બુદ્ધિ અશુભ થાય છે. તેમાં કોઇ પણ જાતનો સંશય નથી.૫૧

અને પછી તો જેવી બુદ્ધિ તેવું તે કર્મ કરે છે. અને તે કર્મને અનુસારે શુભાશુભ ફળને તે પુરુષ ભોગવે છે.૫૨

માટે પોતાનું હિત ઇચ્છતા ડાહ્યા પુરુષોએ અસત્ દેશકાળાદિનું ક્યારેય પણ સેવન ન કરવું અને તેનો ત્યાગ કરી શુભ દેશકાળાદિનો તત્કાળ આશ્રય કરવો.૫૩

પીધેલી મદીરા કે ભાંગ જેમ શાસ્ત્રવેત્તા વિદ્વાન હોય કે સામાન્ય માનવ હોય તે બન્નેને મદવાળા કરીને તત્કાળ ઉન્મત્ત દશામાં મૂકી દે છે. તેમ સ્ત્રી અને ધનનું સેવન પણ સાત્વિક એવા વિદ્વાન પુરુષને પણ મદે યુક્ત કરી કુમાર્ગે દોરી જાય છે. કારણ કે સ્ત્રીધનાદિ પદાર્થોનો સ્વભાવ જ આ પ્રકારનો છે. અને કોઇ પણ પદાર્થ પોતાનો સ્વભાવિક ગુણ છોડી શકતા નથી. માટે સ્ત્રી અને ધનના પ્રસંગમાં મારી સ્વાભાવિકી રુચિ મળતી નથી. હે સ્વામી ! મેં તમારી પાસે મારી આ સત્ય હકિકત કહી છે.૫૪-૫૭

હે ગુરુવર્ય ! તમારી આજ્ઞા પાળવી જેટલી યોગ્ય નથી તેટલી પાછી ઠેલવી પણ યોગ્ય નથી. કારણ કે ગુરુની આજ્ઞા શિષ્યોએ પાળવી જોઇએ. આ દ્વિધાથી મારા મનમાં ખેદ વર્તે છે. હવે મારું જેમ હિત થાય તેમ તમે કહો.૫૮

અને તમે સ્વયં સર્વેના ધર્મની રક્ષા કરવામાં સમર્થ છો. તેથી ધર્મધુરા સંભાળવાનું મારું શું પ્રયોજન છે ? આ સિવાયની બીજી કોઇ પણ આજ્ઞા હોય તો મને જણાવો હું નિશ્ચય તેનું પાલન કરીશ.૫૯

શ્રીહરિને સમજાવવા રામાનંદસ્વામીનો પ્રયત્ન :- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! શ્રીનારાયણમુનિનો આવા પ્રકારનો પ્રત્યુત્તર સાંભળી ગુરુવર્ય રામાનંદસ્વામી તેમને જ પોતાની ધર્મધુરા સોંપવાનું પોતાનું હૃદયગત હાર્દ સમજાવવા લાગ્યા.૬૦

શ્રી રામાનંદ સ્વામી કહે છે, હે સદ્બુદ્ધિમાન નારાયણમુનિ ! તમે મારું વચન સાંભળો, હું તમારા હૃદયગત અભિપ્રાયને ચોક્કસ જાણું છું. છતાં હું જે કાર્ય કરવા જઇ રહ્યો છું. તે વિચારીને જ કરવા જઇ રહ્યો છું. વગર વિચારે હું કાંઇ પણ કાર્ય કરતો જ નથી.૬૧

હું આશ્રિતજનોની રક્ષા કરવા સમર્થ છું અને અત્યારે હું પૃથ્વીપર મોજૂદ પણ છું. જે તમે કહો છો તે સત્ય છે.૬૨

છતાં પણ હે શુભવ્રતની નિષ્ઠાવાળા મુનિ ! તમે મારા સદ્ગુણે સંપન્ન શિષ્ય છો તેથી તમને મારી ધર્મધુરા સોંપી હું નિશ્ચિંત અને કૃતકૃત્ય થઇ આ માનવશરીરને હવે છોડવા ઇચ્છું છું.૬૩

હે તાત ! મારા આ સમસ્ત શિષ્યવર્ગમાં તમારા સિવાય બીજો કોઇ મારી ધર્મધુરા સંભાળી શકે તેવો સમર્થ શિષ્ય હું જોઇ શકતો નથી. તેથી તમે જ મારું વચન સર્વપ્રકારે સ્વીકારો.૬૪

સ્ત્રીઓની સાથે બોલવા આદિથી બ્રહ્મચારીઓના વ્રતનો ભંગ થાય છે. એ તમારું વચન સર્વ પ્રકારે સત્ય છે. તેમાં કોઇ જાતનો સંશય પણ નથી.૬૫

પરંતુ તે બ્રહ્મચારીઓ બીજા છે કે જે સ્ત્રી ધનાદિકમાં લોભાઇને ભ્રષ્ટ થાય. અને તમે તો અમાનુષી ક્રિયા કરનારા દિવ્ય પુરુષ છો. કોઇ પ્રાકૃત બ્રહ્મચારી નથી.૬૬ હે નિષ્પાપ ! તમે તો હજારો સ્ત્રીઓની વચ્ચે અને સુવર્ણના ઢગલાની વચ્ચે પણ નિર્વિકાર રહી શકો તેવા સમર્થ છો.૬૭

કારણ કે તમને વરદાનને આપનારા અને કામાદિ દોષો થકી પણ રક્ષણ કરવા સમર્થ એવા સાક્ષાત્ સૂર્યનારાયણ તમારા હૃદયમાં સદાય પ્રકાશ કરી રહ્યા છે.૬૮

તમે સર્વપ્રકારે સમર્થ છો. એમ હું યથાર્થ જાણું છું. તેથી હું આ મુક્તાનંદ વિગેરે જૂના સંતોને છોડીને એક તમને જ ધર્મધુરા સ્વીકારવા સમજાવું છું.૬૯

હે નારાયણમુનિ ! તમે ડાહ્યા થાઓ. તમારા સિવાયના આ બ્રહ્મચારીઓ તો સ્ત્રીઓની વાર્તા સાંભળવા માત્રથી તત્કાળ ભ્રષ્ટ થાય, તો પછી તેનાં દર્શન કે સ્પર્શથી ભ્રષ્ટ થાય તેમાં શું કહેવું ? માટે તે સર્વે બ્રહ્મચારીઓએ તો સ્ત્રી-ધનાદિકનો પ્રસંગ તો સર્વ પ્રકારે છોડી દેવો એ જ યોગ્ય છે. અને તમે તો સમર્થ છો. માટે મારા આશ્રિત નરનારીઓના ધર્મનું રક્ષણ કરવા ધર્મધુરાનો સ્વીકાર કરો.૭૦-૭૧

શ્રીહરિએ કર્યો ગુરુના વચનનો સ્વીકાર :- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! વર્ણીરાજ શ્રીનારાયણમુનિ ગુરુ રામાનંદસ્વામીનું આવું આગ્રહભર્યું વચન સાંભળી અંતરમાં જરા પણ ઇચ્છા ન હોવા છતાં તેમનાં વચનને માન આપીને કહ્યું કે, તમે જેમ કહેશો તેમ કરીશ.૭૨

હે રાજન્ ! નારાયણમુનિ શ્રીસહજાનંદ સ્વામીએ જ્યારે પોતાનાં વચનનો સ્વીકાર કર્યો ત્યારે મુનીશ્વર શ્રીરામાનંદ સ્વામીએ તત્કાળ શ્રીહરિને પોતાની ધર્મની ગાદી ઉપર બેસાડયા અને ચંદન પુષ્પાદિ વડે પૂજન કર્યું, તથા ગીત-વાજિંત્રોના નાદની સાથે મોટો ઉત્સવ ઉજવ્યો. અત્યંત ખુશ થઇ ગુરુ રામાનંદસ્વામી પોતાના આશ્રિત સર્વે સંતો ભક્તો પ્રત્યે કહેવા લાગ્યા.૭૩-૭૪

શ્રીરામાનંદસ્વામી કહે છે, કે મારા ત્યાગી તથા ગૃહસ્થ સર્વે આશ્રિતજનો સાંભળો ! આ નારાયણમુનિ આજથી મારા સ્થાને બિરાજે છે, તે વાત નિશ્ચિત છે.૭૫

એ બીજા મનુષ્યોથી પ્રાપ્ત ન થઇ શકે તેવા સદ્ગુણોથી સંપન્ન છે. તેથી તમને સર્વેને ધર્મમર્યાદાનું પાલન કરાવવા સમર્થ છે.૭૬

માટે આજ દિવસથી આરંભીને મારા સર્વે આશ્રિત તમોએ એમની આજ્ઞામાં વર્તવાનું છે. મારી આ આજ્ઞાનું તમારે સર્વેને સર્વપ્રકારે યથાર્થ પાલન કરવાનું છે.૭૭

હે રાજન્ ! સ્વામીનું વચન સાંભળી સર્વે સંતો ભક્તોએ કહ્યું કે, હે સ્વામી ! આપના કહેવા પ્રમાણે જ અમે વર્તન કરીશું. આ પ્રમાણે સર્વે સંતો ભક્તોની સહમતિ સાંભળી રામાનંદસ્વામી પોતાની સન્મુખ બે હાથ જોડીને રહેલા શ્રીનારાયણમુનિને ફરી કહેવા લાગ્યા કે, હે મહામુનિ ! મારી આજ્ઞાનું તમે પાલન કર્યું, તેથી હું ખૂબજ પ્રસન્ન થયો છું, તેથી હવે તમને જે ઇચ્છિત વરદાનો માગવાની ઇચ્છા છે તે માગો.૭૮-૭૯

હે મહાપુરુષ ! આ બ્રહ્માંડના ગોળામાં એવી કોઇ વસ્તુ નથી કે તમે માગોને હું ન આપી શકું. તેથી તમારા અંતરમાં જે ઇચ્છા વર્તે છે તે કહો.૮૦

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ગુરુવર્યશ્રી રામાનંદ સ્વામીએ વરદાન માગવાની પ્રેરણા કરી ત્યારે જીવપ્રાણીમાત્ર ઉપર દયા કરનારા મહામુનિ શ્રી નીલકંઠવર્ણી એવા શ્રીહરિ આ પ્રમાણે માગવા લાગ્યા.૮૧

શ્રીહરિએ માગેલાં વરદાનો :- શ્રીનીલકંઠવર્ણી કહે છે, હે સ્વામી ! જો હું વરદાન આપવાને પાત્ર હોઉં તો મારા મનને ઇચ્છિત એ વરદાન આપો કે, નંદનંદન શ્રીકૃષ્ણ ભગવાનના કોમળ ચરણકમળને વિષે મારી મતિ અચળ રહે.૮૨

આલોકમાં અંતકાળે મનુષ્યોને અગણિત વીંછીઓના દંશની વેદના કરતાં પણ અધિક વેદના થાય છે. એમ વર્ણન કરેલું છે. તથા જીવનમાં થતી બીજી શારીરિક અનેક વેદનાઓ વર્ણવી છે. તે વેદના જો તમારા આશ્રિત ભક્તજનોના ભાગ્યમાં ભોગવવાની લખી હોય તો મને પ્રાપ્ત થાય પરંતુ તમારો ભક્ત કદાપિ દુઃખી ન થાય.૮૩

હે પોતાના આશ્રિતજનોનું પાલન કરનારા સ્વામી ! તેવી જ રીતે આલોકમાં તમારો આશ્રય કરી ભગવાનની ભક્તિ કરનારા ભક્તજનોના ભાલમાં પોતાનાં કરેલાં કર્મના ભાગ્યે અન્ન-વસ્ત્રાદિકની પીડા અવશ્ય ભોગવવાની લખી હોય તો તે પીડા મને આવે પણ તે ભગવાનના ભક્તો અન્નવસ્ત્રે કરીને ક્યારેય દુઃખી ન થાય.૮૪

હે ઇશ ! જે જે સ્થળમાં વ્રજેશ્વર શ્રીકૃષ્ણ ભગવાનની કથા થતી હોય તથા જે જે સ્થળમાં સદ્ગુણોથી પ્રસિદ્ધ સંતપુરુષોનો તથા સાક્ષાત્ ભગવાનના ભક્ત સંતોનો નિવાસ હોય તેવા સ્થળમાં રહેવાનું સદ્ભાગ્ય મને સદાય પ્રાપ્ત થાય. પરંતુ સંસારમાં આસક્ત બુદ્ધિમાન પુરુષોનો પણ મને ક્યારેય સહવાસ પ્રાપ્ત ન થાય.૮૫

વળી હે વિભુ ! મારી વાણી સદાય ભગવાનનાં ગુણ કીર્તન કર્યા કરે, મારા કાન ભગવાનની કથાનું શ્રવણ કર્યા કરે, મારા હાથ ભગવાનની પરિચર્યા કર્યા કરે. મારા હૃદયમાં સતત ભગવાનનું સ્મરણ થયા કરે, મારાં નેત્રો ભગવાનનું દર્શન કર્યા કરે. આ રીતે મારી શારીરિક અને માનસિક સકલ ક્રિયા શ્રીકૃષ્ણ ભગવાનને અર્થે જ થયા કરે, તથા આ સંસારમાં ક્યારેય પણ મને કુસંગનો યોગ ન થાય. આવાં વરદાનો તમે મને આપો.૮૬

હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિ સ્વયં પરમેશ્વર હોવા છતાં પોતાની સ્વતંત્ર ઇચ્છાથી સ્વીકારેલા મનુષ્યનાટયને શોભાવવા અને પોતાના આશ્રિત ભક્તજનોને ભગવાન શ્રીકૃષ્ણની ઉપાસના રીતિ તથા સદ્ગુરુની સેવા રીતિ શિખવવા માટે એકાંતિક ભક્તની જેમ પરમ સ્નેહથી ગુરુ રામાનંદ સ્વામીની પ્રાર્થના કરી વરદાનો માગ્યાં.૮૭-૮૮

પછી શ્રીનારાયણમુનિ પ્રત્યે ગુરુ રામાનંદસ્વામી કહેવા લાગ્યા કે, હે વર્ણીરાજ ! તમારા મનોરથો સંપૂર્ણ સિદ્ધ થશે. તેમાં જરાય પણ સંશય નથી.૮૯

હે રાજન્ ! જીવપ્રાણી માત્ર ઉપર એક પરોપકાર કરવા માટે જ સદાય તત્પર રહેતા શ્રીનારાયણમુનિને આ પ્રમાણે વરદાનો આપી, આસન ઉપર બિરાજમાન શ્રીરામાનંદસ્વામી પોતાની સ્થિર નિર્નિમેષ દૃષ્ટિથી શ્રીહરિના મુખકમળ સામું જ જોઇ રહ્યા.૯૦

ગુરુને આપ્યું સ્વ-સ્વરૂપનું સત્યજ્ઞાન :- હે રાજન્ ! ત્યારપછી અતિશય પ્રસન્ન થયેલા ભગવાન શ્રીહરિ પોતાના પ્રિય સખા ઉદ્ધવાવતાર શ્રીરામાનંદસ્વામીની ચિંતાદૂર કરવા તેમને પોતાના શ્રીકૃષ્ણ ભગવાનપણાના સ્વરૂપનો યથાર્થ બોધ કરાવ્યો અને સ્વામી પણ શ્રીહરિને પોતાના ઇષ્ટદેવ સાક્ષાત્ શ્રીકૃષ્ણ છે એમ માનવા લાગ્યા.૯૧

ગોલોકના મધ્યે રહેલા દિવ્ય અક્ષરબ્રહ્મધામમાં વિરાજમાન ભગવાનનાં પૂર્વે દિવ્ય વૃંદાવનક્ષેત્રમાં જેવાં સ્વરૂપે દર્શન થયાં હતાં, તેવા જ શ્રીકૃષ્ણ સ્વરૂપે ભગવાન શ્રીહરિને જોઇ શ્રીરામાનંદ સ્વામી તત્કાળ આનંદના મહાસાગરમાં લીન થયા.૯૨

હે રાજન્ ! આ પ્રમાણે રામાનંદસ્વામીને શ્રીહરિનાં દર્શનમાં આમને આમ બહુકાળ પર્યંત અનુભૂતિ થતી રહી તેથી પોતે પૂર્ણકામ થયા અને દુર્વાસામુનિના શાપથી ધર્મ-ભક્તિ અને મરીચ્યાદિમુનિઓ તથા મારું રક્ષણ કરવા માટે અને એકાંતિક ધર્મનું રક્ષણ કરવા માટે પ્રગટ થઇ સૌરાષ્ટ્રદેશમાં આવેલા આ શ્રીહરિ સાક્ષાત્ પરમેશ્વર છે. એમ મનમાં જાણી તત્કાળ ચિંતા રહિત થયા.૯૩

મનુષ્યનાટક કરવા ઇચ્છતા વિભુ એવા શ્રીહરિના હૃદયગત અભિપ્રાયને જાણતા હોવા છતાં શ્રીહરિની ઇચ્છા ન હોવાથી ઉદ્ધવાવતાર શ્રી રામાનંદસ્વામીએ પોતાને થયેલું સાક્ષાત્ ભગવાન શ્રીહરિના સ્વરૂપનું જ્ઞાન કોઇની આગળ જાહેર કર્યું નહિ. કારણ કે, તે ભગવાનના પરમ એકાંતિક ભક્ત હતા, તેથી ભગવાનની મરજી વિરુદ્ધ વર્તે નહિ.૯૪

હે રાજન્ ! શ્રીહરિના દિવ્યસ્વરૂપનું જ્ઞાન થયા પછી શ્રીરામાનંદ સ્વામી તેમને વિષે શિષ્યપણાની બુદ્ધિ છોડી દીધી અને અંતરમાં આ મારા ઇષ્ટદેવ સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાન છે એવી ભાવનામાં આનંદથી રહેવા લાગ્યા, અને નારાયણમુનિ આદિ તથા મુક્તાનંદસ્વામી આદિની સાથે ફરતા ફરતા ફણેણી ગામમાં પધાર્યા.૯૫

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં રામાનંદસ્વામીએ શ્રીસહજાનંદ સ્વામીને પોતાની ધર્મધૂરા સોંપી એ નામે ઓગણસાઠમો અધ્યાય પૂર્ણ થયો. --૫૯--