અધ્યાય -૫૭ - રામાનંદસ્વામીએ નીલકંઠવર્ણીને પરિચય પૂછયો.

Submitted by swaminarayanworld on Mon, 26/06/2017 - 9:20pm

અધ્યાય - ૫૭ - રામાનંદસ્વામીએ નીલકંઠવર્ણીને પરિચય પૂછયો.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! સાયંકાળે સ્નાન કરી શ્રીરામાનંદ સ્વામીએ મોટી પૂજાની સામગ્રીથી રાધિકેશ ભગવાન શ્રીકૃષ્ણનું વિધિપૂર્વક પૂજન કર્યું.૧

સંતો અને ભક્તોની સાથે એકાદશીનું જાગરણ કરતા શ્રીરામાનંદસ્વામીએ શ્રીહરિને તેમનાં જન્મસ્થળ આદિથી લઇને પ્રશ્નો પૂછવા લાગ્યા. ક્યા દેશમાં અને કયા કુળમાં જન્મ છે ? માતા-પિતા કોણ છે ? ગોત્ર કયું ? પ્રવર ઋષિ કોણ છે ? વિદ્યાગુરુ કોણ છે ? તમારો વેદ કયો છે ? શાખા કઇ છે ? ઉપાસ્ય ઇષ્ટદેવ કોણ છે ? વૈરાગ્ય કેમ થયો ? સ્વજનોનો ત્યાગ કેવી રીતે કર્યો ? વનવાસમાં ક્યાં કેમ રહ્યા ? કેટલા પ્રકારે તપશ્ચર્યા કરી ? અષ્ટાંગયોગની સાથે અન્ય કયાં સાધન શીખ્યા ? ક્યાં ક્યાં તીર્થયાત્રા કરી ? તે તે તીર્થોમાં સાધુપુરુષોનો સમાગમ કેવો રહ્યો ?૨-૪

આ પ્રમાણે અનેક પ્રશ્નો રામાનંદસ્વામી પૂછતા રહ્યા અને શ્રીહરિ આદિથી અંત સુધી યથાનુભવ યથાર્થ પ્રશ્નોના ઉત્તરો ક્રમશઃ આપતા રહ્યા.૫

હે રાજન્ ! વિસ્તાર પૂર્વકનું શ્રીહરિનું જન્મવૃત્તાંત સાંભળી શ્રીરામાનંદ સ્વામી અત્યંત પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, હે વર્ણીરાજ ! મારા શિષ્ય ધર્મદેવના તમે પુત્ર હોવાથી તમે પણ અમારા જ થયા.૬

તમારા પિતા ધર્મદેવ બહુ બુદ્ધિશાળી હતા અને સમગ્ર સત્શાસ્ત્રોના અર્થને જાણનારા હતા. તેમણે તમારી માતા ભક્તિદેવીની સાથે પ્રયાગરાજ તીર્થમાં મારી પાસેથી જ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી હતી.૭

મારી આજ્ઞાથી તેઓ કૌશલદેશમાં પોતાને આશરે આવેલા મુમુક્ષુજનોને અહિંસા આદિક યમ-નિયમોએ સહિત ભગવાન શ્રીકૃષ્ણની એકાંતિકી ભક્તિનો ઉપદેશ કરતા હતા.૮

મહાતપસ્વી તમે તો ગુણે કરીને તો પિતા થકી પણ અધિક છો. કારણ કે તમારું દર્શન કરનારા મનુષ્યોના અંતરમાં તમે "આ માનવ નહિ પણ કોઇ અલૌકિક દિવ્ય પુરુષ છે'' એવી શંકા ઉપજાવો છો.૯

શ્રીરામાનંદ સ્વામીને જ ગુરુપણે સ્વીકારવાનો વર્ણીનો નિર્ણય :- પિતા ધર્મદેવ ઉપર શ્રીરામાનંદ સ્વામીએ બહુજ અનુગ્રહ કર્યો છે. એમ જાણી શ્રીહરિ ખૂબજ પ્રસન્ન થયા અને તેમને જ ગુરુપણે સ્વીકારવાનો દૃઢ નિશ્ચય કર્યો.૧૦

પછી ગુણે કરીને ભગવાન શ્રીકૃષ્ણ સમાન આ સદ્ગુરુમાં ભગવાન શ્રીકૃષ્ણ સદાય નિવાસ કરીને રહે છે અને તેમને વશ વર્તે છે. આ પ્રમાણેની તમારી વાણી ખરેખર સત્ય છે, એમ શ્રીહરિ સંતો આગળ કહેવા લાગ્યા.૧૧

ત્યારપછી પોતાની પાસે જ રહેવાનો દૃઢ નિશ્ચય કરી ચૂકેલા વર્ણીરાજ શ્રીહરિને ઇશ્વરમૂર્તિ ગુરુવર્ય શ્રીરામાનંદ સ્વામીએ અતિ પ્રસન્ન થઇને આવકાર આપ્યો અને વર્ણીરાજ શ્રીહરિ રામાનંદસ્વામીની સમીપે સુખપૂર્વક નિવાસ કરીને રહ્યા.૧૨

હે રાજન્ ! સ્વામીનાં દર્શને આવતા ભક્તજનોના અંતરમાં તપોનિધિ શ્રીનીલકંઠવર્ણીનું અતિ આશ્ચર્યકારી દર્શન પરમ વિસ્મય ઉપજાવતું હતું.૧૩

અષ્ટાંગયોગને સિદ્ધ કરેલા યોગીપુરુષો પણ જે સદ્ગુણોની ઇચ્છા રાખે છતાં પ્રાપ્ત ન થાય એવા સમસ્ત સદ્ગુણોના ધામરૂપ ભગવાન શ્રીહરિનાં દર્શન કરી ગુરુવર્ય રામાનંદ સ્વામી પણ એવું માનતા કે, આ વર્ણીરાજ ધર્મરક્ષણ કરવામાં સમર્થ ભગવાન શ્રીકૃષ્ણનું કોઇ અપર સ્વરૂપ છે. પરંતુ પોતે સ્વયં ઉદ્ધવજીનો અવતાર સર્વજ્ઞા હોવા છતાં શિષ્યપણાનું મનુષ્ય-નાટય કરવા ઇચ્છતા કાળ-માયાના નિયંતા ભગવાન શ્રીહરિની સંકલ્પરૂપ-માયાના કારણે આ નીલકંઠવર્ણી સાક્ષાત્ નારાયણ છે, એમ જાણી શક્યા નહિ.૧૪-૧૫

બાલયોગીના દર્શને ઉમટયો ભક્તસમુદાય :- હે રાજન્ ! ''રામાનંદસ્વામીની સમીપે તપસ્વી સમ્રાટ્ યોગી કોઇ બાલ બ્રહ્મચારી પધાર્યા છે'' એવો ચારે તરફ ઉદ્ઘોષ વ્યાપી ગયો. તે સાંભળી દેશદેશાંતરમાંથી હજારો નરનારીઓ, ત્યાગી પુરુષો, યોગીપુરુષો અને સમાજના વડીલ વ્યક્તિઓ પણ શ્રીનીલકંઠવર્ણીનાં દર્શન કરવા માટે પિપલાણા ગામમાં આવવા લાગ્યા.૧૬-૧૭

અને તેઓ ગુરૂવર્ય રામાનંદસ્વામીને પૂછતા કે અત્યારે તમારી સમીપે જે વર્ણીરાજ આવ્યા છે તે કોણ છે ? ત્યારે સ્વામી સ્વયં અંગુલી નિર્દેશ કરી પોતાની સમીપે વિરાજતા નીલકંઠવર્ણીને ઓળખાવા લાગ્યા.૧૮

હે રાજન્ ! શરીરે અતિશય દુબળા અને તપસ્વી જણાતા શ્રીનીલકંઠવર્ણીનાં દર્શન કરી પરમ વિસ્મય પામેલા જનો ફરીથી શ્રીરામાનંદસ્વામીને પૂછવા લાગ્યા કે, બાલ્યાવસ્થા હોવા છતાં અતિ તપોબળને ધારણ કરનારા આ વર્ણી ક્યાંથી પધાર્યા છે ? સાંભળ્યું છે કે દર્શન કરનાર જનોને અતિ આશ્ચર્ય ઉપજાવતા આ યોગી અષ્ટાંગયોગની સર્વે કળાઓને જાણે છે.૧૯-૨૦

જેણે યજ્ઞોપવીત ધારણ કર્યું છે, મસ્તક ઉપર પાતળા મંજુલ કેશની જટાબાંધી છે. સ્વભાવે શાંત જણાય છે. તેમનાં શરીરની નાડીઓ બહાર પ્રગટ દેખાઇ રહી છે. આવા આ વર્ણીરાજ કોણ છે ? વળી લલાટમાં ઊર્ધ્વપુંડ્ર તિલક ધારી રહેલા અને કંઠમાં તુલસીની બેવળી કંઠી ધારી રહેલા તથા મૃગચર્મ ધારી રહેલા, તેમજ રાગ-દ્વેષ રહિતની ઉદાસીનવૃત્તિમાં બિરાજમાન તે નેત્રોમીંચીને ધ્યાનમુદ્રામાં બેઠા છે. તેની પાસે કોઇ જાતની વસ્તુનો સંગ્રહ દેખાતો નથી અને એમના શરીરનું ભાન પણ નથી એવા આ વર્ણીરાજ કોણ છે ?.૨૨

હે રાજન્ ! દર્શનાર્થી ભક્તોએ આ પ્રમાણે જ્યારે પૂછયું ત્યારે રામાનંદસ્વામી કહેવા લાગ્યા કે, હે ભક્તજનો ! આ બાલયોગી કૌશલદેશમાંથી આવ્યા છે. તેમનાં માતા-પિતા ધર્મ-ભક્તિ મારી પાસેથી દીક્ષા લઇ ભગવાન શ્રીકૃષ્ણનું ભજન કરનારાં અતિ ધાર્મિક હતાં.૨૩

બાલ્યાવસ્થામાં જ બુદ્ધિમાન આ વર્ણીએ પોતાનાં માતા-પિતાના મુખેથી જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના માહાત્મ્યનું શ્રવણ કર્યું, પછીથી તે સદ્ગુણો પ્રાપ્ત કરવાની તેના અંતરમાં અતિ ઉત્કંઠા જાગી તેથી આ વર્ણી તે ગુણોને સિદ્ધ કરવા પોતાના મોટાભાઇ આદિ સંબંધીજનોને પૂછયા વિના તે સર્વેનો અને ઘરનો ત્યાગ કરી ઘોર ભયંકર જંગલમાં સીધાવી અતિ તીવ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા.૨૪-૨૫

ભક્તિભાવ પૂર્ણ તીવ્ર તપશ્ચર્યા કરી આ વર્ણીએ છ મહિનાની અંદર જ સૂર્યનારાયણની પ્રસન્નતા પ્રાપ્ત કરી તેનું સાક્ષાત્ દર્શન પામ્યા. પછી અનેક તીર્થોમાં વિચરણ કરતા કરતા હરિઇચ્છાએ અહીં આપણી સમીપે પધાર્યા છે.૨૬

દેવતાઓએ પણ કરવું અશક્ય એવું બાલ્યાવસ્થામાં પણ ભગવાન વિષ્ણુનું આરાધન કરી તેને પ્રસન્ન કરવારૂપ આ વર્ણીનું ચરિત્ર છે, તે નિશ્ચય ધ્રુવજીની ઝાંખી કરાવે છે.૨૭

હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રી રામાનંદસ્વામીનું વચન સાંભળી તે સર્વેજનો અતિશય વિસ્મય પામ્યા અને રામાનંદસ્વામીને ભક્તરાજ ધ્રુવજી જેવા જણાતા વર્ણીરાજ શ્રીહરિને નમસ્કાર કરી સૌ જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા ફર્યા.૨૮

રામાનંદસ્વામીએ વર્ણીરાજની સમીપની સેવામાં કરેલી નિયુક્તિ :-રામાનંદ સ્વામીએ યોગક્રિયામાં અતિશય નિપુણ અને સદ્બુદ્ધિમાન શ્રીનીલકંઠવર્ણીને ભગવાન શ્રીકૃષ્ણની પૂજાની સામગ્રી ભેળી કરવાની સેવામાં રાખ્યા.૨૯

સ્વધર્મ અને ભક્તિનું પાલન કરતા શ્રીનીલકંઠવર્ણી પણ ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાના સમયે નિરંતર ગુરુ રામાનંદસ્વામીની સમીપે જ રહેવા લાગ્યા.૩૦

સ્વામી જ્યારે સ્નાન કરી સંધ્યાવંદનાદિ નિત્યકર્મનું અનુષ્ઠાન કરતા હોય તે દરમ્યાન વર્ણીરાજ પૂજાનાં પાત્રો માંજી શુદ્ધ કરવા લાગી જતા, અને સ્વામી જ્યારે ભગવાનની પૂજાનો પ્રારંભ કરે ત્યારે શ્રીનીલકંઠવર્ણી સમય સમયને ઉચિત તુલસીપત્રો, પુષ્પો, ચંદન, ધૂપ, દીપ અને નૈવેદ્ય આદિ સઘળી સામગ્રી તત્કાળ લાવીને સ્વામીને અર્પણ કરે.૩૧-૩૨

પૂજામાં જે સમયે જે પદાર્થની જરૂર પડે તે પદાર્થ લાવવાનું સ્વામી કહે તે પહેલાં જ તેના મનના અભિપ્રાયને જાણી બાજુમાંજ બેઠેલા શ્રીવર્ણી તે તે પદાર્થ તત્કાળ સ્વામીને અર્પણ કરે. આવી ચાતુરીથી તેમણે ગુરુનું મન પોતાના તરફ ખેંચી લીધું.૩૩

આ પ્રમાણે શ્રીનીલકંઠવર્ણીની ભગવાન શ્રીકૃષ્ણની સેવા પૂજામાં અતિશય ઉત્તમ શ્રદ્ધા જોઇ મુનિરાજ શ્રીરામાનંદસ્વામી તેમને વશ થઇ ગયા.૩૪

હે રાજન્ ! ઉદ્ધવ સ્વામી જ્યારે પૂજા કરતા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ અર્ચાસ્વરૂપમાંથી પ્રગટ થઇ સ્વામીએ અર્પણ કરેલા પૂજાના પદાર્થો પ્રત્યક્ષપણે સ્વીકારતા. આ પ્રત્યક્ષ દર્શન કેવળ તેમને જ થતું બીજાને નહિ.૩૫

એક વખત રામાનંદસ્વામી નીલકંઠવર્ણીને શ્રીકૃષ્ણ દર્શનના સર્વપ્રકારે અધિકારી જાણી તેમને પણ ભગવાનનું પ્રત્યક્ષ દર્શન થાય તે માટે પ્રગટ થયેલા ભગવાન શ્રીકૃષ્ણની પ્રાર્થના કરવા લાગ્યા કે, હે ભગવન્ ! આ નીલકંઠ વર્ણી તમારે વિષે બહુજ પ્રેમ ધરાવે છે. અને સદ્ગુણોના ધામ છે. તેથી તમે મને જેમ પ્રત્યક્ષ દર્શન આપો છો, તેમ આ શ્રીનીલકંઠજીને પણ પ્રત્યક્ષ દર્શન આપો.૩૬-૩૭

વર્ણીરાજને શ્રીકૃષ્ણનું પ્રત્યક્ષ દર્શન :- તે સમયે શ્રીકૃષ્ણ ભગવાને ''તથાસ્તુ'' કહીને મહામુનિ શ્રી રામાનંદ સ્વામીની વાતનો સ્વીકાર કર્યો. અને શ્રીકૃષ્ણ ભગવાને મનોહર હાસ્ય કરીને શ્રીનીલકંઠવર્ણીને પોતાનું પ્રત્યક્ષ દર્શન આપ્યું.૩૮

આ પ્રમાણે ગુરૂની સેવા કરતા વર્ણીને ઉપહારો પ્રગટપણે ભગવાન શ્રીકૃષ્ણ સ્વીકારતા હોય તેવું પ્રત્યક્ષ દર્શન થયું. શ્રીકૃષ્ણનાં દર્શન કરી નીલકંઠ વર્ણી ભાવવિભોર થયા. હે રાજન્ ! આ પ્રમાણે ગુરૂવર્યની પૂજાના સમયે પ્રતિદિન શ્રીનીલકંઠવર્ણીને શ્રીકૃષ્ણ ભગવાનનાં પ્રત્યક્ષ દર્શન થતાં.૩૯-૪૦

એકવખત નીલકંઠવર્ણી એકાંત સ્થળમાં બેઠેલા ગુરુ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે સ્વામી ! તમારી જેમ મારી પૂજામાં પણ મને ભગવાન શ્રીકૃષ્ણનું પ્રત્યક્ષ દર્શન ક્યારે થશે ? જેવી રીતે આપે અર્પણ કરેલા પૂજાના ઉપહારો ભગવાન ભાવથી નિરંતર સ્વીકારે છે તેવી જ રીતે મેં અર્પણ કરેલા ઉપહારો પણ શ્રીકૃષ્ણ ભગવાન ક્યારે સ્વીકારશે ?. ૪૧-૪૨

ત્યારે ગુરુવર્ય શ્રીરામાનંદ સ્વામી શ્રીનીલકંઠ વર્ણી પ્રત્યે કહેવા લાગ્યા કે, હે વર્ણી ! જેને મોટા પુરુષોની સેવામાં પ્રીતિ વર્તતી હોય, ધર્મપાલનમાં અને ભગવદ્ ભક્તિમાં અતિ આદરભાવ હોય અને શ્રીકૃષ્ણ ભગવાનની ભાગવતી દીક્ષા ગ્રહણ કરી હોય તેવા ભક્તને જ ભગવાનનું શીઘ્ર પ્રત્યક્ષ દર્શન થાય છે.૪૩

વર્ણીરાજની મહાદીક્ષા પ્રદાનની ગુરુપાસે પ્રાર્થના :- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ગુરુવર્યનાં વચનો સાંભળી શ્રીનીલકંઠવર્ણી ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ગુરુશ્રી રામાનંદસ્વામીની પ્રતિદિન સેવા કરવા લાગ્યા. એમ કરતાં ચાતુર્માસ પૂર્ણ થયો.૪૪

ત્યારે વર્ણીરાજ ગુરુ શ્રીરામાનંદસ્વામીને મહાદીક્ષા પ્રદાન કરવા તેમના ચરણોમાં પ્રાર્થના કરી તેથી વિક્રમ સંવત ૧૮૫૭ ના કાર્તિક સુદ પ્રબોધિની એકાદશીના પવિત્ર દિવસે શ્રીરામાનંદ સ્વામીએ ઉત્તમાધિકારી શ્રી નીલકંઠવર્ણીને મહાદીક્ષા આપવાનો શુભ સંકલ્પ કર્યો.૪૫-૪૬

અને મહાદીક્ષા લેવા તત્પર થયેલા ઉત્સાહી વર્ણીરાજે ગુરુ રામાનંદસ્વામીની આજ્ઞાથી દીક્ષા સ્વીકારના આગલા દિવસે સ્નાનાદિ વિધિથી પવિત્ર થઇ ત્રણ અક્ષરના ''શ્રીકૃષ્ણ'' મંત્રનો જપ કરતા કરતા ઉપવાસ કર્યો.૪૭

હે નરેન્દ્ર ! રામાનંદસ્વામીએ પ્રમોદ નામના સંવત્સરમાં કાર્તિક માસની સુદ પ્રબોધિની એકાદશીને દિવસે પ્રાતઃકાળે મોટો ઉત્સવ ઉજવી હર્ષપૂર્વક શ્રીનીલકંઠવર્ણીને મહાદીક્ષા આપવાનો પ્રારંભ કર્યો.૪૮

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ગુરુ રામાનંદસ્વામીની સેવા કરી નીલકંઠ વર્ણીએ તેમને પ્રસન્ન કર્યાનું નિરૂપણ કર્યું એ નામે સતાવનમો અધ્યાય પૂર્ણ થયો. --૫૭--