અધ્યાય -૪૦ - શ્રીહરિના અનુગ્રહથી ધર્મદેવની દુર્વાસામુનિના શાપ થકી મુક્તિ.

Submitted by swaminarayanworld on Mon, 26/06/2017 - 6:20pm

અધ્યાય - ૪૦ - શ્રીહરિના અનુગ્રહથી ધર્મદેવની દુર્વાસામુનિના શાપ થકી મુક્તિ.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! પિતા ધર્મદેવના શરીરની શિથિલતા જોઇ વિચક્ષણ પુત્રોએ તેમનું મૃત્યુ નજીકમાં છે, એવું મનમાં નક્કી કરી લીધું.૧

ભગવાન શ્રીહરિએ અંત્યેષ્ટિ આદિ વિધિને જાણનારા વૈદિક વિપ્રોને તત્કાળ બોલાવ્યા અને તેના દ્વારા પિતા પાસે દેહાવસાન થવાના સમયે કરવાનો વિધિ કરાવ્યો.૨

તે વિધિમાં વિપ્રોએ પ્રથમ દેહશુદ્ધિને અર્થે છ વર્ષના પ્રાયશ્ચિતના પ્રતિનિધિરૂપે વિધિપૂર્વક તત્કાળ સુવર્ણનું દાન કરાવ્યું.૩

ત્યારપછી વિધિજ્ઞા વિપ્રોએ પ્રાયશ્ચિતના પ્રારંભમાં પ્રથમ સભાસદ બ્રાહ્મણોની અનુમતિથી ધર્મદેવનું શિખા કક્ષ અને ઉપસ્થ વર્જિત મુંડન કરાવ્યું. ત્યારપછી આગ્નેયાદિ દશપ્રકારનું સ્નાન કરાવ્યું. તેવી જ રીતે વિધિ કરાવનારા વિપ્રોએ રૂક્ષ્મણિ આદિક અષ્ટ પટરાણીઓએ સહિત ભગવાન શ્રીકૃષ્ણનું અક્ષતથી રચેલા અષ્ટદળના કમળમાં વૈદિકમંત્રોથી પૂજન કરાવ્યુણ. તથા પ્રાયશ્ચિતના અંગભૂત વૈષ્ણવશ્રાદ્ધ પણ કરાવ્યું.૪-૫

વળી વિપ્રોએ ધર્મદેવ પાસે પ્રાયશ્ચિતના અંગભૂત ગૌદાન કરાવ્યું. પછી ગાય, ભૂમિ, તલ, સોનું, ઘી, વસ્ત્ર, ધાન્ય, ગોળ, રૂપુ અને મીઠું વિગેરે દશ પ્રકારનાં દાન પાત્રભૂત બ્રાહ્મણોને અપાવ્યાં તથા ઘી અને દક્ષિણાની સાથે એક શેર કાચા અન્ન ભરેલાં હજારો પાત્રોનું ધર્મદેવ પાસે દાન કરાવ્યું.૬-૭

તેમજ ઉત્ક્રાન્તિધેનુ, વૈતરણીધેનુ, ઋણધેનુ, પાપધેનુ અને મોક્ષધેનુનું મુખ્યપક્ષને આશરીને હે નરાધિપ ! તે વિપ્રોને ધર્મદેવ પાસે દાન કરાવ્યું.૮

હે રાજન્ ! પિતાનો એકદંડો શ્વાસ ચાલતો જોઇ રામપ્રતાપ આદિ પુત્રોએ આંખમાં આંસુ સાથે પિતાને તીર્થજળથી સ્નાન કરાવ્યું.૯

ગાયના છાણથી લીંપેલી ભૂમિ ઉપર દર્ભ બિછાવી તેની ઉપર શ્વેત તલ વેર્યા અને તેના ઉપર ઉત્તર દિશા તરફ મસ્તક રાખીને પિતાને સુવાડયા.૧૦

અને સર્વે સંબંધીજનો સર્વ દુઃખોને હરી લેનાર ભગવાન શ્રીકૃષ્ણના નામમંત્રોનું ઉચ્ચસ્વરે સંકીર્તન કરવા લાગ્યા.૧૧

ત્યારે ભગવાન શ્રીહરિમાં અનન્ય ભાવવાળા ધર્મદેવ પોતાની આગળ જ બિરાજતા ભગવાન શ્રીહરિકૃષ્ણમાં નેત્રવૃત્તિ સ્થિર કરી તત્કાળ પંચભૌતિક શરીરનો ત્યાગ કર્યો.૧૨

હે રાજન્ ! ભગવાન શ્રીહરિની કૃપાથી દુર્વાસામુનિના શાપથી મુક્ત થઇ ધર્મદેવ તત્કાળ દિવ્ય શરીરને પામ્યા અને દિવ્યશરીરધારી ભક્તિદેવી સહિત બાર પત્નીઓની સાથે પોતાના પુત્રરૂપ ભગવાન શ્રીહરિકૃષ્ણની નિરંતર સેવા કરતા તેમની સમીપમાં જ અખંડ રહેવા લાગ્યા.૧૩-૧૪

રામપ્રતાપજીદ્વારા ધર્મદેવની વિધિપૂર્વકની ઉત્તરક્રિયા :- પિતા પરલોકવાસી થયા છે, એમ જાણી રામપ્રતાપાદિ પુત્રોએ પ્રાણવિયોગના અવસરને અનુરૂપ ઉચિત કર્મ કર્યું. તે સમયે રુદન કરવાનો નિષેધ હોવાથી ધીરજધારણ કરી તેઓએ મુંડન કરાવ્યું અને ઠંડાજળથી સ્નાન કર્યું. પછી રામપ્રતાપભાઇએ પિતૃયજ્ઞા વિધિથી પિતાના શરીરનો સંસ્કાર કર્યો. પરંતુ પિતાના ''ઉર્ધ્વોચ્છિષ્ટાદિ'' દોષોમાં પુત્રને કરવાનું શાસ્ત્રમાં કહેલું પ્રાયશ્ચિત રામપ્રતાપે કર્યું નહિ. કારણ કે, ધર્મદેવના શરીરમાં આવા દોષોમાંનો એક પણ દોષ થયો ન હતો. શુદ્ધ રીતે શરીર છોડયું હતું.૧૫-૧૭

હે રાજન્ ! પિતાની ઉત્તરક્રિયા કરવામાં અધિકાર પ્રાપ્ત કરવા માટે સ્વયં રામપ્રતાપજીએ ત્રણ કૃચ્છ્રચાંદ્રાયણ વ્રતના પ્રતિકરૂપે સુવર્ણના દાનનો સંકલ્પ કર્યો.૧૮

પછી પિતાના શબને ઘીથી લેપન કરી સ્નાન કરાવ્યું ને એક નવીન શ્વેતવસ્ત્ર ધારણ કરાવ્યું. પછી પૂર્વની માફક જ ઉત્તરદિશા તરફ મસ્તક રાખી શયન કરાવ્યું.૧૯

બીજું ઉત્તમ શ્વેત વસ્ત્ર તેના પર ઓઢાડયું. ત્યારપછી ચંદન, પુષ્પમાળા, ગુલાલ આદિકથી પૂજન કર્યું.૨૦

શરીરના મુખ વગેરે સાત છિદ્રોમાં રામપ્રતાપે સુવર્ણના સાત ટુકડા પધરાવ્યા અને જે સ્થળમાં મૃત્યુ થયું હતું તે સ્થળને વિષે ઉત્ક્રમણ નામનું શ્રાદ્ધ કર્યું.૨૧ તે

ઉત્ક્રમણશ્રાદ્ધના કર્મમાં રામપ્રતાપે યજ્ઞોપવીતને ડાબા ખભા ઉપરથી ફેરવી જમણા ખભા ઉપર મૂકી એકોદિષ્ટ વિધાનથી અર્થાત્ એકને ઉદ્દેશીને આપવામાં આવતા મંત્રરહિત પિંડદાન વિધિથી શબ નામથી પિંડદાન કર્યું. પછી દ્વારમાં પાન્થ નામથી પિંડદાન કર્યું, પછી પુત્રો અને સગોત્રી અન્ય સંબંધીજનોએ શ્વેતવસ્ત્ર ઢાંકલાં શરીરને વાંસથી બનાવેલ નનામીમાં બાંધીને પૂર્વ દિશા તરફ મસ્તક હોય તે રીતે ઉપાડીને ચાલ્યા.૨૨-૨૩

હે રાજન્ ! તે સમયે રામપ્રતાપજીના મોટા પુત્ર નંદરામ એક માટીના કુંડામાં લૌકિક અગ્નિને લઇ શબની આગળ ચાલવા લાગ્યા.૨૪

ચોક આવ્યો ત્યારે રામપ્રતાપભાઇએ ખેચર નામથી પ્રેતને ત્રીજું પિંડદાન કર્યું, અને અર્ધ માર્ગે વિસામાના સ્થાને ભૂત નામના ચોથા પિંડનું દાન કર્યું.૨૫

તે સમયે માર્ગમાં સર્વથી આગળ વૃદ્ધો ચાલતા હતા. તેની પાછળ તેનાથી નાની વયના પુરુષો ચાલતા હતા. તથા સ્ત્રીઓ ચોતરા સુધી શબની પાછળ પાછળ આવી ત્યાંથી સરયૂગંગામાં સ્નાન કરવા ગઇ.૨૬

હે રાજન્ ! સ્મશાનમાં પહોંચી શબને ખભા ઉપરથી નીચે ઉતારી ચિતાના સ્થાને મોટા પુત્ર રામપ્રતાપજીએ વિધિ પ્રમાણે પ્રેતને સાધક નામના પાંચમા પિંડનું દાન કર્યું.૨૭

પછી શુદ્ધ ધરતી ઉપર તુલસી, પીપળો અને ચંદનના કાષ્ઠથી રચવામાં આવેલી ચિતામાં સ્નાન કરાવાયેલા, ઘીથી લેપન કરાયેલા એક વસ્ત્ર પરિધાન કરાયેલા શબને નીચે નમેલું મસ્તક રાખી પધરાવ્યું અને ક્રવ્યાદ નામનો અગ્નિ ચિતામાં સ્થાપન કર્યો. અને જ્યારે શબ અર્ધુ બળી રહ્યું ત્યારે તલે સહિત ઘીની આહુતિ આપી.૨૮-૨૯

હે રાજન્ ! પછી રામપ્રતાપ આદિ સંબંધીજનોએ તે સ્મશાનમાં અત્યંત રુદન કર્યું. અને જ્યારે શબ બળીને ભસ્મીભૂત થયું ત્યારે શોક કરતા કરતા તે સર્વે ત્યાંથી ઊભા થઇ પાછા વળી ચાલવા લાગ્યા, ત્યારે નાની ઉંમરનાને આગળ કરી ચિતાભૂમિને પાછું વળીને નહીં જોતાં ધર્મદેવના ગુણોનું સ્મરણ કરતા કરતા સરયૂગંગામાં સ્નાન કરવા ગયા.૩૦-૩૧

હે રાજન્ ! સરયુગંગા પ્રત્યે જઇ પોતાનાં વસ્ત્રો ધોઇને તેના તે જ વસ્ત્રો પહેરી મસ્તક ઉપરની શિખા બાંધેલી હતી તે છોડીને વૃદ્ધો આગળ અને નાના પાછળ એ રીતે નદીમાં પ્રવેશ કરીને રામપ્રતાપાદિ સર્વેએ સ્નાન કર્યું.૩૨

પાણીમાં સર્વેએ એકવાર ડુબકી મારી બહાર કિનારે આવી નવી યજ્ઞોપવિતને ડાબા ખભે ધારણ કરી ત્રણ વખત આચમન કર્યું અને શિખાનું બંધન કર્યું, તેમજ દક્ષિણ તરફ અગ્રભાગવાળા દર્ભોનું ગ્રહણ કર્યું, પછી તે સર્વે દક્ષિણદિશા તરફ મુખ રાખીને પ્રેતના ગોત્રનું નામ ઉચ્ચારણ કરતા કરતા તલમિશ્રિત ત્રણ ત્રણ જલાંજલી પિતૃને પિતૃતીર્થથી અર્થાત્ તર્જની આંગળીના મૂળથી આગળ નમાવી અર્પણ કરી.૩૩-૩૪

હે રાજન્ ! આ અંજલીમાં રામપ્રતાપાદિ પુત્રો તથા સપિંડ અર્થાત્ સાત પેઢીના સંબંધીજનો તથા તેથી ઉપરના સોદક-ચૌદપેઢીના સંબંધીજનો તથા અન્ય બીજા સંબંધીજનોએ પણ પૂર્વોક્ત રીત પ્રમાણે પ્રેતને દહાંજલી પણ અર્પણ કરી તે સર્વે ફરી સ્નાન કર્યું અને નવાં વસ્ત્રો ધારણ કરી શોકથી આકુળ વ્યાકુળ મનવાળા થઇ તે સરયુગંગાને કિનારે બેઠા.૩૫-૩૬

તે સમયે સાથે આવેલા જ્ઞાનવૃદ્ધ અને વયોવૃદ્ધ તેમજ પુરાણોમાં પ્રવિણ એવા જનોએ પ્રાચીન દૃષ્ટાંતોના માધ્યમથી રામપ્રતાપાદિ સંબંધીજનોનો બહુ પ્રકારે શોક નિવારણ કર્યો, હવે તે સર્વે નાના બાળકોને આગળ કરી પાછું વાળીને નહીં જોતા નીચું મુખ કરીને ધીરે ધીરે પંક્તિબદ્ધ ચાલતા ધર્મદેવના ભવનમાં આવ્યા.૩૭-૩૮

સર્વે સ્ત્રીઓ પણ પહેલેથીજ સરયુગંગામાં સ્નાન કરી શોકાતુર થઇ રુદન કરતી ધર્મદેવના ભવનમાં આવી હતી, અને સર્વે પુરુષો પણ આવ્યા તે પુરુષોએ ધર્મદેવના આંગણામાં બેસીને લગારેક લીમડો ચાવી અગ્નિ અને બળદનો સ્પર્શ કરીને સૌ પોતપોતાના ભવન પ્રત્યે ગયા.૩૯-૪૦

અને નજીકના સંબંધી સર્વે પુરુષોએ શોકથી રડતા રામપ્રતાપાદિ ધર્મપુત્રોને આશ્વાસન આપી પોતાને ઘેર ગયા. તેવી જ રીતે નજીકની સંબંધી સર્વે સ્ત્રીઓ પણ રુદન કરતી સુવાસિની વગેરે સ્ત્રીઓને પણ આશ્વાસન આપી પોતાને ઘેર ગઇ.૪૧

હે રાજન્ ! બ્રહ્મચર્યવ્રત-પરાયણ રામપ્રતાપાદિ પુત્રોએ ઘરની શુદ્ધિ કરી દશ દિવસ સુધી ક્ષાર અને લવણનું ભક્ષણ કર્યું નહિ અને પૃથ્વી પર શયન કર્યું, તથા રમણીય વૈભવ સુખોનો ત્યાગ કર્યો અને હાસ્યવિનોદાદિકનો પણ ત્યાગ કરી પ્રતિદિન સાયંકાળે શ્રીમદ્ ભગવદ્ગીતાનું શ્રવણ કરતા હતા.૪૨-૪૩

સાત પેઢીના સંબંધીજનોએ અન્ય મનુષ્યોનો સ્પર્શ નહિ કરી દશ દિવસ અને આઠથી ચૌદ પેઢીના સંબંધીજનોએ ત્રણ દિવસનું મરણસૂતકનું પાલન કર્યું.૪૪

ગોત્રના આગળ-પાછળના સંબંધ વિનાના પણ ધર્મદેવના જે શિષ્યો હતા તેમણે ગુરુના સંબંધે દોઢ દિવસનું મરણસૂતકનું પાલન કર્યું.૪૫

હે રાજન્ ! તે રામપ્રતાપાદિ સાત પેઢીના જનો સૂતકમાં અર્ઘ્ય અર્પણ કર્યા સુધીની દર્ભ કે જળથી રહિત કેવળ માનસી સંધ્યા કરતા ને સૂર્યને ગાયત્રી મંત્રના ઉચ્ચારણપૂર્વક માત્ર પ્રત્યક્ષ જળથી અર્ઘ્ય અર્પણ કરતા. તે સર્વે સૂતકમાં ભગવાન શ્રીકૃષ્ણની પૂજા પણ માનસી કરતા હતા. માત્ર નેત્રોથી નિત્ય પ્રતિમાનાં દર્શન કરી લેતા અને વૈશ્વદેવનું પણ આચરણ કરતા ન હતા.૪૬-૪૭

હે રાજન્ ! શ્રીહરિ તો બ્રહ્મચારી હોવાથી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મુખ્ય કલ્પથી જ પોતાનું સંધ્યા વંદનાદિ નિત્યકર્મ કરતા હતા, તેમજ સંબંધીજનોનો સ્પર્શ નહિ કરી પોતાની જુદી રસોઇ બનાવી પ્રતિદિન ભોજન લેતા. કારણ કે બ્રહ્મચારીને સૂતક હોતું નથી.૪૮

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ધર્મદેવનો દેહ ત્યાગ તથા શાસ્ત્રીય દાહવિધિનું નિરૂપણ કર્યું એ નામે ચાલીસમો અધ્યાય પૂર્ણ થયો. ૪૦