અધ્યાય - ૩ - શતાનંદ વિપ્રની સ્તુતિ

Submitted by swaminarayanworld on Sat, 24/06/2017 - 4:05pm

અધ્યાય - ૩ - શતાનંદ વિપ્રની સ્તુતિ

શતાનંદ વિપ્રની સ્તુતિ, શતાનંદવિપ્રનું શ્રીહરિ સાથે પ્રથમ મિલન.

 

શતાનંદવિપ્ર કહે છે, હે બદ્રીપતિ શ્રીનારાયણ ભગવાન ! હું આપની સ્તુતિ કરું છું. કરૂણાના સાગર શ્રીવાસુદેવ આપ આ ભરતખંડના મુમુક્ષુ ભક્તજનોના કલ્યાણને માટે દેવર્ષિરૂપે કલ્પપર્યંત તીવ્ર તપને કરનારા મહામુનિવર છો.૧

 

નારદાદિ મુનિમંડળો તમારા ચરણકમળની સેવા કરે છે. તમે પક્ષીઓના માળાએ રહિત ઘેઘૂર વિશાખા નામની બોરડીના વૃક્ષનીચે વેદિકા ઉપર બેસી તનુ આદિ મુનિઓ આગળ વેદોનાં રહસ્યને પ્રગટ કરનારા છો.૨

 

દેવાધિપતિ ઇન્દ્રદેવને મોહ ઉપજાવનારા ગંધર્વોનાં ગાયકવૃંદો અને અપ્સરાઓના સમુદાય સાથે સુગંધીમાન વસંતઋતુના વાયુદેવે સહિત આવેલા કામદેવને એક ક્ષણવારમાં પરાભવ કરનારા આપની હું સ્તુતિ કરું છું.૩

 

મોટા મોટા તપસ્વીઓને જીતી જનારો ક્રોધ, વિષમ પરિસ્થિતિમાં પણ તમારા અંતઃકરણને ક્યારેય પણ સ્પર્શ કરવા સમર્થ બનતો નથી. તેમજ અન્ય લોભ, મોહ આદિ અંતઃશત્રુઓ પણ તમારાથી થરથર કંપે છે, એવા બદ્રીપતિ નારાયણ આપની હું સ્તુતિ કરું છું.૪

 

તમે મનોરથોથી પરિપૂર્ણ છો, તેમજ પૂર્ણ મનોરથવાળા મહાયોગીઓના સ્વામી છો. છતાં પણ અખિલ નૈષ્ઠિક બ્રહ્મચારીઓના સમુદાયને શિક્ષણ આપવા દૈવ સંબંધી અગ્નિહોત્ર આદિ અને પિતૃ સંબંધી શ્રાદ્ધ આદિ કર્મોનું તે તે સમયે અનુષ્ઠાન કરો છો. એવા આપ બદરીપતિની હું સ્તુતિ કરું છું.૫

 

આલોકમાં સમસ્ત જીવપ્રાણી માત્રના સુખમાં કારણભૂત એવાં વેદાદિ અખિલ સત્શાસ્ત્રોનું પ્રવર્તન નૈષ્ઠિક બ્રહ્મચારી એવા આપના થકી જ થાય છે, કારણ કે એ પ્રવર્તન કાર્યને બ્રહ્માદિ દેવતાઓ પણ કરી શક્તા નથી એવું એ દુષ્કર કામ છે, જે તમારા થકી જ શક્ય બને છે, એવા આપ બદરીપતિની હું સ્તુતિ કરું છું.૬

 

આ ભૂમિમાં જે જે પુરુષો દુઃખમય સંસૃતિના ભયથી ઉત્પન્ન થયેલા તીવ્ર વૈરાગ્યના વેગથી નિવૃત્તિ ધર્મનો આશ્રય કરે છે. અને તે સમસ્ત પુરુષો જો આપની જ એક શરણાગતિ સ્વીકારી તમારે જ શરણે રહે છે. તે જ આલોકમાં સુખી થાય છે, એવા આપ બદરીપતિની હું સ્તુતિ કરું છું.૭

 

આપના ચરણ કમળના મકરંદ રસમાં લુબ્ધ બનેલો એક રંક જન પણ આ સમસ્ત બ્રહ્માંડના સુખની ઇચ્છા રાખતો નથી કારણ કે તેમને બધું નકારું લાગે છે. એવા સુખના અને આનંદના મહાસાગર, એવા આપ બદરીપતિની હું સ્તુતિ કરું છું.૮


હે ભગવાન ! આપનાં પ્રત્યક્ષ દર્શન કરવાનો મનોરથ ઘણા વખતથી મારા મનમાં હતો. તે આજ આપનાં પ્રત્યક્ષ દર્શનથી પરિપૂર્ણ થયો છે, આપ કરૂણારસથી ભરેલા છો. હું આપના ચરણકમળને ભક્તિભાવપૂર્વક ભજું છું. આપ મારા ઉપર નિરંતર આવું દર્શન થયા કરે એવી દયા કરો.૯

 

આ પ્રમાણે શતાનંદ વિપ્રે ભગવાનની સ્તુતિ કરી, તેનું સ્તવન સાંભળી પોતાના આશ્રિત ભક્તજનો માટે કલ્પવૃક્ષ સમાન ભગવાન નારાયણઋષિ કહેવા લાગ્યા. હે બ્રહ્મચારી ! હું તમારા ઉપર પ્રસન્ન થયો છું, સમસ્ત ભક્તજનોના સકલ મનોરથને પૂર્ણ કરનાર મારી પાસેથી તમે કાંઇક વરદાન માગો.૧૦

 

ભગવાનનું આવું વચન સાંભળી તે ભગવાનની અખંડ સેવામાં રહેવાની ઉત્કટ ઇચ્છાવાળા શતાનંદવિપ્ર ભગવાન નારાયણઋષિને નમસ્કાર કરી બન્ને હાથ જોડી હર્ષથી કહેવા લાગ્યા.૧૧


હે સર્વાન્તર્યામી ! આપ જો મારી ઉપર પ્રસન્ન થયા હો તો મને સદૈવ આપની સમીપે રાખો અને આપની સેવા કરવાનો નિત્ય અવસર આપો.૧૨

 

આલોકને વિષે આપના સાંન્નિધ્યમાં નિવાસ કરી આપના ગુણોનું સંકીર્તન કરવા મારું મન તલસે છે. આપના પાવનકારી ગુણાનુવાદથી મારી વાણી સફળ બનશે.૧૩

 

હે પ્રભુ ! હું આપની પાસેથી અષ્ટસિદ્ધિઓ કે સામ્રાજ્યના વૈભવ સુખની બિલકુલ ઇચ્છા રાખતો નથી. કારણ કે માયાના વિકારભૂત પંચવિષયોનાં સાંસારિક સુખમાંથી મને વૈરાગ્ય થયો છે.૧૪

 

શતાનંદ વિપ્રનું આવું વચન સાંભળી નારાયણઋષિ કહેવા લાગ્યા. હે બ્રહ્મન્ ! તમે મહાબુદ્ધિશાળી મુમુક્ષુ છો. મારી સેવા કરવાનો તમે બહુ રૂડો નિર્ણય કર્યો છે.૧૫

 

પરંતુ અત્યારે હું પૃથ્વી ઉપર ઉત્તર કૌશળ દેશમાં ધર્મદેવ અને ભક્તિદેવી થકી પ્રગટ થયો છું, અને 'હરિ' એવાં નામથી પ્રસિદ્ધ છું.૧૬

 

તેમાં પણ અત્યારે હું પશ્ચિમ પાંચાળ દેશમાં ઉન્મત્ત ગંગાના તીરે દુર્ગપુર નામના નગરને વિષે વિરાજમાન છું, તમે ત્યાં મારી સમીપે આવજો. હું તમને મારી સેવામાં જરૂર રાખીશ. તેમાં લેશમાત્ર પણ સંશય નથી.૧૭

 

તમારા અંતરમાં મારા ગુણાનુવાદો ગાવાની ઇચ્છા વર્તે છે. તેથી તમે મારાં ચરિત્રોથી ભરપૂર મહાન ગ્રંથની રચના કરનારા થશો.૧૮

 

મારી સેવામાં રહેવાનો તમારો મનોરથ હું પૂર્ણ કરીશ, એથી પૃથ્વી ઉપર જે સ્થળે હું પ્રગટપણે બિરાજું છું તે સ્થળ શોધીને મને મળો. આ પ્રમાણે કહીને ભગવાન શ્રીનારાયણઋષિ અંતર્ધાન થઇ ગયા.૧૯


ત્યારપછી શ્રીનારાયણ ભગવાનનાં પ્રત્યક્ષ દર્શનથી મનોરથ પૂર્ણ થતાં શતાનંદવિપ્ર મનમાં અતિ પ્રસન્ન થયા અને દ્વાદશીના પ્રાતઃકાળે વ્રત સમાપ્તિમાં પારણાં કરી પશ્ચિમ પાંચાળ દેશ તરફ જવા પ્રયાણ કર્યું.૨૦

 

ભગવાન નારાયણનાં દર્શનથી મહાઆનંદ પામેલા તે શતાનંદ વિપ્ર બે માસે ગુજરાતનું પ્રસિદ્ધ શ્રીનગર શહેર અમદાવાદમાં આવ્યા.૨૧

 

અહીં તેમને એવું સાંભળવા મળ્યું કે, પશ્ચિમ પંચાળ દેશથી ડભાણ પુરીમાં આવેલા નૈષ્ઠિકવ્રતવાળા શ્રીસહજાનંદ સ્વામી મહાવિષ્ણુયાગ યજ્ઞા કરે છે.૨૨

 

સહજાનંદ સ્વામી ભગવાન શ્રીનારાયણનો અવતાર છે. તેમનાં દર્શનનો લ્હાવો લેશું. ઇચ્છિત ભાવતાં ભોજન જમીને ધનની દક્ષિણા પણ પ્રાપ્ત કરશું. ચાલો ડભાણ. આ પ્રમાણેની બ્રાહ્મણોની વાણી શતાનંદ વિપ્રે શ્રીનગરમાં સાંભળી.૨૩


શતાનંદવિપ્રનું શ્રીહરિ સાથે પ્રથમ મિલનઃ-મહા વિષ્ણુયાગનાં દર્શન કરવા જતા બ્રાહ્મણોના સમુદાયની સાથે મળીને શતાનંદ વિપ્ર પણ બીજે દિવસે ડભાણપુરીમાં આવ્યા.૨૪

 

આ નગરમાં મહાવિષ્ણુયાગમાં શ્રીહરિનાં દર્શન કરવાની ઇચ્છાથી દેશદેશાંતરમાંથી આવેલા ભક્તજનોની ભીડ જામી હતી. દર્શનાર્થીઓ હાથમાં અનેક પ્રકારની ભેટો સોગાદો લઇને શ્રીહરિનાં દર્શન કરવાની ઉત્કંઠાથી પંક્તિબદ્ધ ઊભા હતા. આવી ભીડ વચ્ચે રહેલા ભગવાન શ્રીહરિનાં શતાનંદ વિપ્રને દર્શન થયાં.૨૫


ભગવાન શ્રીહરિ ઊંચા સિંહાસન ઉપર બિરાજમાન થયા હતા. નવીન મેઘની સમાન શ્યામ શરીરે શોભતા, નૈષ્ઠિક બ્રહ્મચારીના વેષને ધારી રહેલા એવા શ્રીહરિની કાંતિ ચંદ્રમાની સમાન શોભતી હતી, અને ભક્તજનોના નેત્રો અને મનને આનંદ ઊપજાવતા વિરાજમાન હતા.૨૬

 

શ્રીહરિએ રત્નજડિત સુવર્ણનાં આભૂષણો અને વિવિધ પુષ્પોની માળાઓ ધારણ કરી હતી. શરીર ઉપર અનેક બહુમૂલ્યવાળાં વસ્ત્રો શોભી રહ્યાં હતાં, તેમજ ભક્તજનોના સમુદાયે ભાલમાં સુગંધીમાન કેશરચંદનની અર્ચા કરી પૂજન કર્યું હતું.૨૭

 

ભગવાન શ્રીહરિ દેશદેશાંતરમાંથી આવેલા ભક્તજનોની ભીડમાંથી અર્પણ કરાયેલા પુષ્પના હારોને હાથમાં ધારેલી છડી વડે ગ્રહણ કરી રહ્યા હતા.૨૮

 

તેમજ મંદ મંદ હાસ્ય કરતા ભગવાન શ્રીહરિ પોતાની પૂજામાં આવેલાં સોનામહોરો, રૂપામહોરો, ધન, દ્રવ્ય, વસ્ત્ર તથા અલંકારો રાજી થઇને દાનમાં અર્પણ કરી રહ્યા હતા.૨૯

 

આવાં શ્રીહરિનાં અદ્ભૂત દર્શન કરી તે શતાનંદવિપ્રે પૃથ્વી ઉપર દંડની જેમ પડી શ્રીહરિને સાષ્ટાંગ પ્રણામ કર્યા, પછી બે હાથ જોડી કહેવા લાગ્યા કે હે નારાયણ ! હે શ્રીહરિ ! તમારો વિજય થાઓ.૩૦

 

બદરિકાશ્રમને વિષે પોતે નારાયણઋષિસ્વરૂપે જે વરદાન આપ્યું હતું તેને સફળ બનાવવા પ્રસન્ન થયેલા ભક્તવત્સલ ભગવાન શ્રીહરિએ શતાનંદ વિપ્રને નામ, ગોત્ર, દેશ આદિક સ્વાગત પ્રશ્નો કરી તેમનું સન્માન કર્યું.૩૧

 

શરણે આવેલાને અભયદાન આપનારા, કરૂણાના મહાસાગર ભગવાન શ્રીહરિ સહજાનંદ સ્વામીએ શતાનંદ વિપ્રને પોતાના ઉદ્ધવસંપ્રદાયની ભાગવતી દીક્ષા આપી, શતાનંદમુનિ નામ ધારણ કરાવી પોતાની સમીપે રાખ્યા.૩૨

 

આ પ્રમાણે ભગવાનના સમીપની સેવાની પ્રાપ્તિથી શતાનંદમુનિનો મનોરથ પરિપૂર્ણ થયો. તેથી પ્રસન્ન મનવાળા શતાનંદમુનિ શ્રીહરિના યશોનું વર્ણન કરવાની અતિ ઉત્કંઠાવાળા થઇ ઇચ્છા મુજબ મળેલી સેવાને કરતા કરતા શ્રીહરિના સાનિધ્યમાં જ રહેવા લાગ્યા.૩૩

 

ભગવાન શ્રીહરિની કૃપાથી સાત્વિક બુદ્ધિવાળા તે શતાનંદમુનિને અષ્ટાંગયોગના અભ્યાસ વિના પણ અલ્પ સમયમાં જ સહજ સમાધિદશા પ્રાપ્ત થઇ.૩૪

 

શતાનંદમુનિ પોતાના હૃદયકમળમાં શ્રીહરિનું ધ્યાન કરતા હતા, ને અચાનક પૂર્વે બદરિકાશ્રમમાં પ્રત્યક્ષ જોયેલા બદરીપતિ નારાયણ ઋષિનાં એકાએક પ્રત્યક્ષ દર્શન થયાં અને ક્ષણવારમાં જ વીજળીની માફક એ ઋષિસ્વરૂપ અંતર્ધાન થઇ ગયું.૩૫

 

અને પછી તરતજ હૃદયમાં દિવ્ય તેજોમય અક્ષરધામને વિષે વિરાજમાન સમગ્ર ઐશ્વર્યે સંપન્ન અને અનંત અક્ષર-મુક્તોની સેવાને સ્વીકારતા પુરુષોત્તમનારાયણ ભગવાન શ્રીહરિનાં દર્શન થયાં.૩૬

 

ત્યારપછી શ્રીહરિએ શતાનંદમુનિને આનંદ ઐશ્વર્યથી સભર એવા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વિપ આદિ અલૌકિક દિવ્ય ધામોનાં દર્શન કરાવ્યાં.૩૭

 

તેમજ ધર્મ ભક્તિ અને મરીચ્યાદિક ઋષિમુનિઓ આ પૃથ્વીપર જે રીતે પ્રગટયા તથા પોતે સ્વયં ભગવાન જે રીતે પ્રગટયા તેનું દર્શન કરાવ્યું, તેવીજ રીતે તે સર્વેના જન્મ પહેલાનાં રૂપોનું અને મનુષ્ય જન્મ પછીના રૂપોનું પણ જ્ઞાન કરાવ્યું.૩૮

 

આ રીતે પોતાના જન્મની સાથે આ પૃથ્વી ઉપર જન્મેલા પોતાના ભક્ત જે નરનારી હતાં તે સર્વેનાં મુક્તસ્વરૂપ અને મનુષ્યસ્વરૂપ બન્ને રૂપોનું દર્શન શતાનંદમુનિને શ્રીહરિએ કરાવ્યું.૩૯

 

ત્યારપછી અતિ સમર્થ એવા ભગવાન શ્રીહરિએ શતાનંદ મુનિને ભૂતકાળમાં પોતાના સહિત ધર્મભક્તિ અને અનંત મુક્તોના જે રીતે જે કુળમાં જન્મ થયા, તેઓએ જે કર્મો કર્યાં, તેઓના જન્મ કર્મમાં જે કાંઇ ઘટનાઓ ઘટી તે સર્વેનું પ્રત્યક્ષ દર્શન કરાવ્યું, પોતાના દર્શન માત્રથી હજારો મનુષ્યોને થઇ જતી સમાધી આદિ અનંત ઐશ્વર્યશાળી ઘટનાઓનું પ્રત્યક્ષ દર્શન કરાવ્યું. તેમજ વર્તમાનમાં પોતાનાએ સહિત તે સર્વે જ્યાં રહેલા છે ને તેના જીવન કર્મની સાથે જે ઘટનાઓ ઘટી રહી છે તે સર્વેનું પ્રત્યક્ષ દર્શન કરાવ્યું, અને ભવિષ્યમાં પોતાનાએ સહિત આ પૃથ્વી ઉપર પ્રગટેલા સર્વે મુક્ત એવાં નરનારીઓનાં જીવન કર્મની સાથે જે ઘટનાઓ ઘટવાની છે તે સર્વેનું પ્રત્યક્ષ દર્શન શ્રીહરિએ કરાવ્યું.૪૦

 

આ પ્રમાણે મહાબુદ્ધિશાળી તે શતાનંદમુનિ ભગવાન શ્રીહરિની કૃપાથી ભગવાન જેવા સર્વજ્ઞા, સર્વદર્શી, ત્રિકાલજ્ઞા થયા અને પૂર્વે કહેલી સર્વે હકિકત યથાર્થપણે જાણવા લાગ્યા તેમજ શતાનંદમુનિ પોતે પણ મૈત્રેય ઋષિનો અવતાર છે, આ પણ જાણ્યું.૪૧

 

આ પ્રમાણે સર્વજ્ઞાતા પ્રાપ્ત થયા પછી સમાધીમાંથી બહાર આવેલા પ્રસન્ન મનવાળા નૈષ્ઠિક બ્રહ્મચારી એવા શતાનંદ સ્વામી શ્રીહરિના ગુણચરિત્રોનું ગ્રંથમાં વર્ણન કરવા દ્વારા પોતાના જ્ઞાન અને વિદ્યાને સફળ બનાવવા માટે શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા.૪૨

 

હે પ્રભુ ! અનેક પ્રકારના પ્રબંધરૂપે આપના યશનું વર્ણન કરતા ગ્રંથદ્વારા મારા જ્ઞાનને હું સફળ બનાવવા ઇચ્છું છું, તો ઉત્સાહી મને ગ્રંથ રચવાની આજ્ઞા આપો.૪૩

 

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહરાજા ! આ પ્રકારનાં શતાનંદ સ્વામીનાં નિષ્કપટ વચન સાંભળી શ્રીહરિ કહેવા લાગ્યા, હે મુનિ ! તમારા મનોરથ સફળ થશે. તમે મારી સાથે ગઢપુર ચાલો. એ ઉત્તમ ગઢપુરનગરમાં મને ગોપીનાથ ભગવાનનું મંદિર કરવાની ઇચ્છા છે. તે અતિપવિત્ર તીર્થક્ષેત્રમાં તમે સ્થિર મન કરી નિવાસ કરો. અને તમને જેવો અનુભવ થયો છે તેવા મારાં ચરિત્રોથી સભર ગ્રંથની રચના કરો.૪૪-૪૬

 

હે રાજન્ ! શ્રીહરિના આ પ્રકારના આદેશથી શતાનંદ સ્વામી અતિશય પ્રસન્ન થયા અને શ્રીહરિના કહેવા મુજબ તેમની સાથે ગઢપુરમાં આવી બહુકાળ પર્યંત નિવાસ કરીને રહ્યા.૪૭

 

પવિત્ર તીર્થ શ્રીગોપીનાથજી ભગવાનના મંદિરમાં બેસી શતાનંદ સ્વામીએ ભગવાન શ્રીહરિનાં લીલા ચરિત્રોથી સભર સત્સંગિજીવન નામે આ ધર્મશાસ્ત્ર ગ્રંથની રચના કરી.૪૮

 

ત્યારપછી પૂર્વાપર અનુક્રમનો મેળ કરી આ શાસ્ત્રનું સંશોધન કર્યું અને ભગવાન શ્રીહરિના અંતર્ધાન થયા પછી મને અને અન્ય વિદ્વાન પવિત્ર વિપ્ર ભક્તોને અભ્યાસ કરાવ્યો.૪૯


હે રાજન્ ! મારા ગુરુ શતાનંદ સ્વામીનું જન્મ અને કર્મરૂપ દિવ્યચરિત્ર મેં તમને સંભળાવ્યું, હવે પછી તેમણે રચેલા આ સત્સંગિજીવન સત્શાસ્ત્રની કથા સંભળાવું છું.૫૦

 

આ શાસ્ત્રમાં છ પ્રકારના સંપૂર્ણ ધર્મનું પ્રતિપાદન કરેલું છે. આ શાસ્ત્ર શ્રીહરિના લીલાચરિત્રોથી ભરપૂર અને અદ્ભૂત છે. આ પૃથ્વી પરના રસીક મનુષ્યોના મનને રંજન કરનાર અને કળિયુગના કામ ક્રોધાદિ મેલને ધોનાર છે, તેથી સર્વે જનો આ સત્શાસ્ત્રનું પ્રેમપૂર્વક શ્રવણ કરો.૫૧


આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં શતાનંદમુનિના મનોરથ સિદ્ધ થયાનું વર્ણન કર્યું એ નામે ત્રીજો અધ્યાય પૂર્ણ થયો. --૩--