વચનવિધિ કડવું - ૫૧

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 6:50pm

તે સારુ ડરતા રહે સૌ જન દિન રાતજી, રખે કોય વચન લોપી થાય વાતજી
ત્યારે તો જાણવું ઘણી થઈ ઘાતજી, હવે કેમ રે’શે હરિ રળિયાતજી

રળિયાત કેમ રહેશે હરિ, ફરી ફરી વિચારે વાતને ।।
સુખ સર્વે પરહરે પરાં, જાણી જગજીવન કળિયાતને ।। ર ।।

હરિ રાજી કરવા હૈયામાં, મનસુબો બહુ મનને ।।
તન ધન સુખ સંપત જાતાં, રાજી કરે ભગવાનને ।। ૩ ।।

પ્રસન્ન કરવા મહાપ્રભુને, રહે તનમાં બહુબહુ તાન ।।
બીજું જાયે મર બગડી, તેનું જરાય ન માને જયાન ।। ૪ ।।

સુખ નર નિરજરનાં,  મર જાયે સમૂળાં સૌ મળી ।।
હરિ કુરાજિયે કામ ન આવે, એવી વિચારે વાત વળી ।। પ ।।

બીજા રાજી કુરાજિયે કરી, નથી ખાટ્ય ને ખોટ્ય ખરી ।।
માટે ગમતું કરવું ગોવિંદનું, બીજાનું મૂકવું પરહરી ।। ૬ ।।

તે જ સમજુ સંત શાણા, વળી તે જ બહુ બુદ્ધિવંત ।।
તે જ ચતુર પરવીણ ડાહ્યા, જેણે રાજી કર્યા ભગવંત ।। ૭ ।।

કરી લીધી એણે સર્વ કમાણી, કેડ્યે ન રાખ્યું કરવું ।।
નિષ્કુળાનંદ હરિ રાજિયે, ફરી ન રહ્યું પાછું ફરવું ।। ૮ ।।