વચનવિધિ કડવું - ૦૨

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 5:44pm

વચને કરી છે વર્ણાશ્રમજી, વચને કરી છે ત્યાગી-ગૃહી ધર્મજી
વચને કરી છે કર્મ અકર્મજી, એહ જાણવો જન મને મર્મજી

મર્મ એમ જન જાણીને, રહેવું વચન માંહે વળગી ।।
વચન લોપી જાણે સુખ લેશું, એવી અવિદ્યા કરવી અળગી ।। ર ।।

વચને ઇન્દુ અર્ક ફરે, હરે તમ કરે પ્રકાશ ।।
વચને ઇન્દ્ર વૃષ્ટ કરે, માની વચનનો મને ત્રાસ ।। ૩ ।।

શેષજી શિરે ધરી રહ્યા, ચૌદ લોક ભૂમિનો ભાર ।।
વચને કાળ શકત કરે, ઉત્પત્તિ સ્થતિ સંહાર ।। ૪ ।।

વચને બાંધ્યો સિંધુ રહે, પાળ વિનાનું પાણી વળી ।।
તેણે કરી શું તુચ્છ થયા, એહ આદ્યે સરવે મળી ।। પ ।।

વચન માંહી વર્તતાં, વણતોળી મોટપ્ય મળે ।।
વચન વિરોધી વિમુખ નર, તાપત્રયમાં  તેહ બળે ।। ૬ ।।

વચને નિવૃત્તિ વચને પ્રવૃત્તિ, વચને બદ્ધ મુકત કહિયે ।।
તે વચન શ્રીહરિ મુખનાં, સુખદાયક સરવે લહિયે ।। ૭ ।।

એમ સમજી સંત શાણા, વર્તે છે વચન પ્રમાણ ।।
નિષ્કુળાનંદ તે ઉપરે, સદા રાજી રહે શ્યામ સુજાણ ।। ૮ ।।