ધન્ય ધન્ય આજ સપરમો દહાડો, મોહન મંદિર પધાર્યા (૧)

Submitted by swaminarayanworld on Sun, 30/04/2017 - 6:11pm

રાગ : વસંત

પદ-૧

ધન્ય ધન્ય આજ સપરમો દહાડો, મોહન મંદિર પધાર્યા,

અમ ઘેર આવતાં વહાલાને, સોકલડીયે બહુવાર્યા. ધન્ય૦ ૧

આજ મારાં ભાગ્ય કહ્યામાં ન આવે, મુંખડું જોઈ જોઈ ફુલી,

શું શું કરૂં શ્યામળીયા સારૂં, દેહ દશા શુધ ભૂલી. ધન્ય૦ ૨

ઉઠી ઉતાવળી પ્રેમ વિવશ થઈ, દુધડે ચરણ પખાળ્યાં,

દુઃખડાં લઈને મોતીડે વધાવ્યા, તાપ હૈયાના ટાળ્યા. ધન્ય૦ ૩

છપર પલંગ પર સેજ સંવારી, પધરાવ્યા શ્યામ સોહાગી,

જીવન કહે છે લાવો જમ્યાનું, ભુખલડી બહુ લાગી. ધન્ય૦ ૪

છપન ભોગ બત્રીસે વ્યંજન, લાવીને પૂર્યા થાળ,

જમવા બેઠા હરિવર હેતે, શરણાગત પ્રતિપાળ. ધન્ય૦ ૫

લાડુ જલેબી ઘેબર સાટા, બરફી પેંડા બહુ સારા,

દળ મગદળને બીરંજ હરીસો, જમજો પ્રીતમજી પ્યારા. ધન્ય૦ ૬

વિદવિધનાં પકવાન કર્યા છે, ગણતાં પાર ન આવે,

જીવન જમજો સારાં સારાં, જે જે તમને ભાવે. ધન્ય૦ ૭

ખારક દ્રાક્ષને ચીરીયો રાયતી, અથાણાં બહુ ભાતે,

ભજીયાં વડાં ને પાપડ પુડલા, જમજો હરિ કરી ખાંતે. ધન્ય૦ ૮

દુધપાક ને શીખંડ બાસુંદી, શીરો પુરી ને કંસાર,

ભાત ભાતનાં શાક કર્યા છે. કઢી વડી રાયતાં ત્યાર. ધન્ય૦ ૯

દાળ ભાત જમી દુધ સાકર પીધાં, હામ હૈયાની વહાલે પુરી,

ચળુ કરાવીને મુખવાસ આપે, પ્રેમાનંદ હજુરી. ધન્ય૦ ૧૦

Facebook Comments