૯૭ ઉત્તમાનંદ સ્વામીએ કાશીના પંડીતોને જીત્યા, ગંગાજીબાના સાસુનું ચુડેલોથી રક્ષણ કર્યું, ફુલઝરીબાઇનાં ઘરેણાં પાછાં મળ્યાં તે પરચા.

Submitted by swaminarayanworld on Sun, 11/12/2016 - 5:32pm

અધ્યાય ૯૭ 

વળી એક સમયે સદ્‌ગુરુ ઉત્તમાનંદ સ્વામી પોતાના મંડળ સહિત છપૈયાપુરથી કાશીપુરી પ્રત્યે જવા લાગ્યા. ત્યાં પથ્થર ગલીમાં બાપુજી ગોરને ત્યાં ઉતારો કરીને ગંગાજીમાં સ્નાન કરવા ગયા. સ્નાન કરીને મણિકર્ણિકાના ઘાટ ઉપર બેસીને શ્રીજી મહારાજનું ધ્યાન કરવા લાગ્યા. પછી પોતાના પુરાણીને કહ્યું જે, આપણા ઠાકોરજીને આ ગંગાજીમાં સ્નાન કરાવીને જલપાન કરાવો. તે સાંભળીને ઠાકોરજીને સ્નાન કરાવ્યું. પછી જળપાન કરાવવા સારુ ગંગાજીનું જળ પાત્રમાં ગાળવા લાગ્યા. તે જોઇને ત્યાંના કેટલાક બ્રાહ્મણો બોલી ઉઠ્યા જે, હે સાધુરામ ! આ ગંગાજીના જળમાં તો જીવ જંતુ ન હોય. એમ કહીને ઢોળાવી નાખ્યું. ત્યારે ઉત્તમાનંદ સ્વામીએ તે સર્વ ગંગાપુત્રોને બોલાવીને કહ્યું જે, આ ગંગાજીનું જળ ન ગાળવું તે તમો કહો છો, કે કોઇ શાસ્ત્રમાં કહ્યું છે ? ત્યારે તે બોલ્યા જે શાસ્ત્રમાં પણ હશે. અમે પણ આ ગંગાનું જળ ગાળતાં તમારા સિવાય બીજા કોઇને દીઠા નથી. અમે તો એમ જ કહીએ છીએ જે, ‘ગંગાનું જળ ગળાય જ નહીં.’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘જળ ગાળ્યા વિના પીવું તેવો તમો કોઇ શ્લોક અમને કહી સંભળાવો.’ એમ કહે છે તેટલામાં તો મણિકર્ણિકાના ઘાટ ઉપર કેટલાક બ્રાહ્મણો ભેળા થઇ ગયા. તેમાં કેટલાક ભણેલા વિદ્વાનો હતા. તે બોલ્યા જે અન્ય સ્થળને વિષે ગાળ્યા વિનાનું જળ ન લેવું. અને અહીં સાક્ષાત્‌ આ ગંગાજીમાં ગાળવાનો બાધ નહીં એમ બોલીને તે ઉપર કેટલાક શ્લોક બોલ્યા. તે સાંભળીને સ્વામી પણ ગંગાદિ તીર્થનું જળ ગાળીને પીવું તેના વિષે આ પ્રમાણમાં શ્રુતિ, સ્મૃતિ, પુરાણના સહસ્ર શ્લોકો બોલ્યા. તે સાંભળીને સહુ આશ્ચર્ય પામી ગયા. અને એમ બોલ્યા જે, ‘અહો ! આ સાધુરામ તો અનંત શાસ્ત્રના ભણેલા જણાય છે. તે જાણે મૂર્તિમાન વેદ હોય કે શું ? માટે એમને આપણે જીતીશું નહીં એમ માંહોમાંહી કહે છે. એટલામાં તો એક બીજાને કહેવે કરીને આખા શહેરમાં ખબર થઇ એટલે હજારો બીજા મહા ભણેલા પંડિતો તે જગ્યાએ આવ્યા.

ત્યારે તેમને આવતા જોઇને સ્વામી પોતાના અંતઃકરણમાં શ્રીજી મહારાજને સંભાળીને એમ ઘાટ કરવા લાગ્યા જે, ‘આ સર્વ પંડિતો મહા ભણેલા આવ્યા છે અને હું તો એકલો છું અને શ્રીજી મહારાજ આ વખતે તમે મારી સહાય કરજો. નહીં તો આ પંડિતો જો મને જીતશે તો આ કાશીપુરીમાં તમારી આબરુ જાશે. એવી રીતે પોતાના અંતઃકરણમાં શ્રીજી મહારાજની પ્રાર્થના કરે છે, એટલામાં જ તો શ્રીજી મહારાજ પોતાના બે દત્તપુત્રને સાથે લઇને આવ્યા. અને સ્વામીને દર્શન આપીને સભામાં બેઠા. ત્યારે સ્વામી તો અતિ હર્ષના ભર્યા ઊઠી ઊભા થઇને બે હાથ જોડીને પગે લાગીને બોલ્યા જે હવે કોઇ વાતની ચિંતા નથી. એટલામાં તો સર્વ બ્રાહ્મણો બોલ્યા જે, ‘હે સાધુરામ ? તમો કયા સંપ્રદાયના છો ? અને તમો બહુ શાસ્ત્રો ભણેલા છો, માટે અમે પૂછીએ તેનો જવાબ આપો. એમ કહીને ન્યાય, વ્યાકરણ, વેદાંત, પૂર્વમીમાંસા સંબંધી અનેક પ્રશ્નો પૂછ્યા. તેના સ્વામીએ સંસ્કૃતમાં સારી રીતે ઉત્તર આપ્યા અને બીજાં પણ હજારો પ્રમાણો આપીને પોતાની વિદ્યાના અખંડ પ્રવાહથી તે બ્રાહ્મણોને સ્થિર કર્યા તેથી તે વિદ્વાનો ઘણી વાર સુધી સ્વામીની પ્રશંસા કરીને પગે લાગ્યા. પછી એમ બોલ્યા જે, ‘અમે ઉદ્ધવ સંપ્રદાયના સાધુ છીએ અને આ અમારી પાસે જ બેઠા છે તે તો અમારા ગુરુ સ્વામિનારાયણ છે અને આ બે એમના દત્તપુત્ર છે. એમ કહ્યું, એટલાકમાં તો સૌના દેખતાં શ્રીજી મહારાજ પોતાના બે દત્તપુત્ર સહિત સ્વામીની જીત કરાવીને ગંગાજીમાં સ્નાન કરવા ગયા. ત્યારે સહુ બ્રાહ્મણો પણ તેમની પાસે દક્ષિણાઓ લેવા ગયા. પછી સ્નાન કરીને સર્વે બ્રાહ્મણોને દક્ષિણાઓ આપી. એવી રીતે કાશીપુરીને વિષે શ્રીજી મહારાજે ઉત્તમાનંદ સ્વામીની ઘણાક મહાભણેલા વિદ્વાન બ્રાહ્મણોથી મણિકર્ણિકાના ઘાટ ઉપર જીત કરાવી દક્ષિણાઓ આપી અને ભારે દિગ્વિજય કરીને પોતાના બે પુત્રો સહિત અદૃશ્ય થઇ ગયા. તે મહાઅલૌકિક ઐશ્વર્ય જોઇને સર્વે બ્રાહ્મણો આશ્ચર્ય પામ્યા. (૫૪)

વળી એક વખત ગોંડા પ્રગણમાં ‘અંકમા’ ગામમાં અયોધ્યાપ્રસાદજી મહારાજનાં દીકરી જે ‘ગંગાજીબા’ તેની સાસુ અને તેની પણ સાસુ, અને તેની દેરાણી, જેઠાણી એ ચારે ચૂડેલ થઇને વળગી હતી જ્યારે ‘ગંગાજીબા’ પોતાને ઘેર ગયાં ત્યારે પોતે શુદ્ધપણે રસોઇ કરીને શ્રીજી મહારાજની મૂર્તિને થાળ ધરાવીને પ્રસાદીનું અન્ન પોતાની સાસુને આપે ત્યારે તે ખાય નહીં, પણ તે ગંગાબા સામે આંખો કાઢીને અને દાંત બહુ કરડીને હાથમાં સાંબેલું લઇને અને એકદમ દોડ કરીને તેને મારવા સારું આવે.

ત્યારે ‘ગંગાબા’ ઊંચે સાદે કરીને ‘હે સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ’ એવા નામનું પોતાના મુખે ઉચ્ચારણ કરે. ત્યારે તે સાંભળીને તત્કાળ પાછી ભાગે અને સાંબેલું તે હાથમાંથી જોર કરીને છુંટું નાખે તે જો કોઇ માણસ નાનું મોટું વચમાં આવે તો તેના પ્રાણ નીકળી જાય અને અતિ ક્રોધ કરીને બોલે જે ‘હમણાં તને એક પલમાં મારી નાખીએ. પણ જેનું તું નામ લે છે એ તારા દાદા બહુ સમર્થ છે તેથી અમારું તારા ઉપર કાંઇ જોર ચાલતું નથી અને સામેથી બળી મરીએ છીએ. ત્યારે ‘ગંગાજી’બા એમ કહે જે, શંખણીઓ ! મારી સાસુમાંથી હવે ભાગી જાઓ. નહીં તો હું તમારો નાશ કરીશ. એવી રીતે કેટલાક દિવસ સુધી વાદવિવાદ થયો. પણ તે ચૂડેલો જાય નહીં અને બહુ હેરાન કરે. પછી એક દિવસ પોતે ગંગાજીબા રામનવમીના સમૈયા ઉપર ઘનશ્યામ મહારાજનાં દર્શન કરવા છપૈયાપુર આવ્યાં, તે વાત પોતાના કાકા ઠાકોરરામભાઇને કહીં. ત્યારે ઠાકોરરામભાઇ બોલ્યા જે, આ નારાયણ સરોવરનું જળ તથા જન્મસ્થાનના કૂવાનું જળ તથા મીનસાગરનું જળ, ખાંપાતલાવડીનું જળ તથા ગૌઘાટ તથા વિશ્વામિત્રીનું જળ તથા ભૂતીયા કૂવાનું જળ એવી રીતે સર્વ તીર્થમાંથી થોડું થોડું જળ એક લોટામાં મંગાવીને તેમાં ઘનશ્યામ મહારાજનાં ચરણોદકનું જળ નાખીને લઇ જાઓ અને તે ચુડેલો જ્યારે આવે ત્યારે એ પ્રસાદીના જળમાંથી થોડુંક જળ લઇને તમારી સાસુ ઉપર છાંટીને તાળી પાડીને ઉપડતે સાદે સહુ સાંભળે તેમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામની ધૂન્ય કરજો એટલે તત્કાળ તે ચુડેલો રાડ પાડીને ભાગી જશે. પછી એવી રીતે ગંગાજીબાએ કર્યું એટલે તરતજ તે ચુડેલો ત્રાસ પામીને મૂર્તિમાન સ્ત્રીને વેષે તેના દેહમાંથી નીકળીને નાસી ગઇ. તે કોઇ દિવસ ફરીને આવી નહીં, પાછું વાળીને પણ જોયું નહીં. તે પ્રતાપ જોઇને તે ગામના કેટલાક જનો પ્રગટ શ્રીજીમહારાજના આશ્રિત થઇને શ્રીહરિનું ભજન કરવા લાગ્યા. (૫૫)

વળી તે જ ‘અંકમાં’ ગામમાં રઘુવીરજી મહારાજનાં બહેન ‘ફુલઝરી બાઇ’ તેમનાં દેરાણી અને જેઠાણી એ બન્ને જણાં તે ફુલઝરીનાં સારાં વસ્ત્ર અને ઘરેણાં જોઇને તે બન્નેના મનમાં એમ થાય જે, આ ફુલઝરીના બાપને ઘેર બહુ ધન છે તેથી આવાં રૂડાં વસ્ત્રો ઘરેણાં પહેરે છે. એવી રીતે તેની ઇર્ષા કરતાં એક દિવસ તે બાઇઓ મળીને ફુલઝરીબાઇનો એક ચંદન હાર તથા બે કાંબીઓ તથા એક સવાચારસો રૂપિયાની કંઠી એવી રીતે કેટલાક દાગીનાનો ભરેલો ડબો હતો તે ઘરમાંથી ચોરી કરીને એમને એમ પોતાના ભાઇને આપી દીધો. તે વાત પછી દિવાળીના રૂડા દિવસો ઉપર તે ઘરેણાં પોતાને પહેરવા માટે ફુલઝરીબાઇએ પોતાની સાસુ પાસેથી માંગ્યાં, ત્યારે તેમની સાસુએ તે ઘરેણાંનો ડબો જ્યાં ઠેકાણેસર મૂકેલો હતો તે લેવા ગયાં પણ તે ઠેકાણેથી ન મળ્યો. પછી ઘરમાં તે બાઇઓ આદિક સૌને પૂછી જોયું પણ કોઇએ કહ્યું નહીં જે મેં લીધો છે.

વળી તે બાઇઓ એમ બોલી જે, ‘ઘરમાંથી ડબો કોણ લે ? એ તો કોઇક ચોર લઇ ગયા હશે.’ તે વાત પછી કેટલાક દિવસ સુધી તેની તપાસ કર્યો પણ તે ડબાનો ક્યાંય પત્તો લાગ્યો નહીં. પછી તે ફુલઝરીબાઇ પોતાનાં સાસુ પ્રત્યે એમ બોલ્યાં જે ‘હે માતાજી ! મારાં ઘરેણાં તો ક્યાંય જવાના નથી. પણ જેણે ચોરી કરીને લીધાં હશે તેનો વંશ રહેવાનો નથી. હમણાં જ થોડાક દિવસમાં મરીને યમપુરીમાં જશે. ત્યાં યમના માર ખાઇ ખાઇને કેટલાક કલ્પ સુધી મહાકષ્ટને પામશે. એમ કહીને તે વાતને અંતરમાંથી વિસારી મૂકીને પોતે સંતોષ પામ્યાં. પછી થોડા દિવસ જતાં એ ત્રણે ભાઇ બેન મળીને અયોધ્યાપુરીમાં જઇને પોતાના ગુરુદ્વારામાં તે દાગીનાં તેઓએ વેચ્યાં, તે રૂપિયા લઇને જાણે જે સવારે અહીંથી ઘેર જશું એમ જાણીને મંદિરના દરવાજા ઉપર રાત રહ્યાં. તે જ રાત્રિના રામચન્દ્રજીની મૂર્તિએ પોતાના સેવક પ્રત્યે કહ્યું જે, ‘તમોએ આ દાગીના જેની પાસેથી લીધાં છે તે દાગીના ચોરીનાં છે, એ ત્રણે જણાં ગંગાદિન હલવાઇની દુકાનેથી દૂધ લાવીને તેની સાથે બાટીઓ જમીને રાત્રે સૂઇ ગયાં. એટલે તે દૂધમાં સર્પની લાળ પડેલી હતી તેથી ત્રણે યમપુરીમાં ગયાં છે, તે રૂપિયા તમે પાછા લઇ લ્યો. અને આ દાગીના તો છપૈયાપુરમાં હરિપ્રસાદ પાન્ડેના પુત્ર જે ઇચ્છારામ પાન્ડેનાં દિકરી ફુલઝરીબાઇનાં છે. તે બાઇ મહાસતી છે અને તેમના મોટાભાઇ ગોપાલજી સુત કૃષ્ણપ્રસાદજીને સાથે લઇને ગુજરાત દેશમાંથી એમના આંબલીઆ ગામમાં આવવા સારુ રવાના થયા છે. આજથી વીસમા દિવસે બપોરના બાર વાગતાં અહીં મંદિરમાં દર્શન કરવા આવશે, તેમની સાથે હથિયારબંધ છ પાળા છે એ નિશાની તમને આપું છું. તે આવે ત્યારે આ સર્વ સમાચાર એમને કહીને આ દાગીના આપજો, એટલે તમારા ઉપર અમો બહુ રાજી થશું, જો નહીં આપો તો એ ત્રણેને જેમ યમના દૂતો લઇ ગયા તેમ તમને પણ એ ગોપાળજીભાઇ અહીંથી ગયા પછી તરત જ એ યમના દૂતો લઇ જશે. એવી રીતે તેની ઘણીક વાર્તા કરી. તે સાંભળીને તે વૈરાગી મહા આશ્ચર્ય પામ્યો. તત્કાળ ત્યાંથી ઊઠીને દરવાજાના મેડા ઉપર જઇને જુવે છે ત્યાં તો ત્રણે જણ મરી ગયેલાં હતાં.

પછી તે વાત સાચી માનીને પોતાના રૂપિયા લઇ લીધા. તે કહેવા પ્રમાણે ગોપાળજી મહારાજ આવ્યા એટલે તે સર્વ વૃતાંતની વાર્તા કહી તે દાગીના ગણીને તે વૈરાગીએ તેમને સોંપ્યાં. તે જોઇ, સાંભળીને ગોપાળજીભાઇ આદિ સૌ જન મહા આશ્ચર્ય પામીને પોતે પચાસ રૂપિયા ઠાકોરજીને ભેટ મૂકી, સર્વે વૈરાગીઓને રસોઇ આપી. આ રીતે સૌને રાજી કરીને પોતાને ગામ આવીને તે વાર્તા સાધુને કહી સંભળાવી અને તે દાગીના ‘અંકમા’ ગામથી પોતાનાં બહેન ફુલઝરીબાઇને બોલાવીને સોંપી દીધા. (૫૬)

વળી એક સમયે હિન્દુસ્તાનમાં ગ્વાલિયર પરગણામાં ગામ ધોરેનગરના પ્યારેલાલ નામનો એક સારો સત્સંગી હતો. તે પોતાના મામાના ગામ ‘સાંખ્યની’ જાતાં વચ્ચમાં એક ભારે બોરડીનું વૃક્ષ પાકી રહેલું હતું તેના ઉપર તે બોરાં ખાવા ચડ્યો કે તરત જ ઉપરથી હેઠો પડ્યો, એટલે તેને બહુ વાગ્યું અને પગ પણ ઉતરી ગયો. ત્યારે તે રોતો રોતો શ્રીજી મહારાજને સંભારીને પ્રાર્થના કરવા લાગ્યો કે, હે મહારાજ ! આ વિકટ કઠણ ઝાડી અને પર્વતના વિકટ માર્ગમાં મારો પગ ઉતરી ગયો. અને જો હવે હું અહીં રાત રહી ગયો તો આ પર્વતમાંથી વાઘ આવશે તો મને મારી નાખશે. માટે હે શ્રીજી મહારાજ, સાંજ પડવાનો વખત થયો છે અને હમણાં જ આ નદીમાં પાણી પીવા સારુ વાઘ આવશે, કોઇ માણસ પણ નથી. મારું ગામ પણ અહીંથી સાત ગાઉ છેટે રહી ગયું, તેમ મારા મામાનું ગામ પણ ત્રણ ગાઉ છેટે છે. તેમજ મારાથી ચલાય તેમ પણ નથી. માટે હે સહજાનંદ સ્વામી ! હવે મારી શી વલે થાશે ? એવી રીતની પ્રાર્થના કરતાં દિલગીર થઇ ગયો. એટલાકમાં તો શ્રીજી મહારાજ પોતાના ભક્તની રક્ષા કરવા માટે પ્રાર્થના સાંભળીને તત્કાળ ખરા વખતે ઉતાવળા પોતાની સાથે એક ઘોડો લઇને આવ્યા. તેને ઠપકો દઇને તેનો પગ ચડાવ્યો. પછી પાટો બાંધીને તેને ઘોડા ઉપર બેસાડીને ત્યાંથી ચાલ્યા તે ગામ ‘સાંખ્યની’ આવી સુતારને એના મામાના આંગણામાં ઉતારી મુક્યો. અને કહ્યું જે, અમે મંદિરમાં જઇએ છીએ. અને આ બધા સમાચાર તું તારા મામાને કહેજે. એમ કહીને મંદિરમાં ગયા. એક હરિભક્તને કહ્યું જે ‘અમે તરસ્યા છીએ માટે પાણીનો લોટો ભરી આવો’ એમ કહીને પછી ઘોડાને મંદિરના થાંભલે બાંધ્યો અને જેર ઉપર બેઠા.

ત્યારે તે હરિભક્ત મુક્તાનંદ સ્વામીની કરેલી વિવેક ચિંતામણીની ચોપડી વાંચતો હતો તે વાંચતી પડતી મૂકીને પ્રેમનો ભર્યો ઊઠી ઊભો થઇને દર્શન કરીને પાણી લેવા ગયો. તે ઉતાવળો નદીમાંથી જળનો લોટો ભરી લાવ્યો અને મહારાજને પાણી પાઇને બોલ્યો જે, ‘હે મહારાજ’! તમે ક્યાંથી આવ્યા ? ત્યારે કહ્યું જે, અમે તો ‘ધોરેનગરથી’ આવ્યા, આ ઘોડાને માટે ઘાસ હોય તો લાવો. ત્યારે તે હરિભક્ત ઘાસ લેવા ગયો, એટલે પોતે અદ્રશ્ય થઇ ગયા. પછી તે હરિભક્ત ઘાસ લઇને આવીને જ્યાં જુવે છે ત્યાં કોઇ ન મળે. તેવું મહા આશ્ચર્ય જોઇને, આનંદ પામીને તે વાત સહુ હરિભક્તોને કહી. (૫૭)

વળી એક વખત લખનૌ પરગણામાં ગામ ‘હરખ’નો રાજબહાદુર એવે નામે કરીને એક સારો સત્સંગી બ્રાહ્મણ હતો. તે પોતાના ગામના બીજા બે ચાર સત્સંગીને સાથે લઇને રામનવમીના સમૈયા ઉપર છપૈયાપુરમાં ઘનશ્યામ મહારાજનાં દર્શન કરવા આવ્યો તે આવીને તે તીર્થમાં પાંચ દિવસ રહીને સર્વ જગ્યાએ દર્શન કરીને પાછો ત્યાંથી ચાલ્યો તે અયોધ્યાપુરીમાં આવીને સ્વર્ગદ્વારી ગોરને ઘેર ઉતારો કરી રામચંદ્રજી ભગવાનના જન્મસ્થાનક, હનુમાનગઢી, કનકભવન આદિક કેટલાંક મંદિરે દર્શન કરી આવીને તે રાત્રિમાં રાજબહાદુર પોતે અયોધ્યાપ્રસાદજી મહારાજે હિન્દુસ્તાની ભાષામાં કરેલાં ઘનશ્યામ મહારાજનાં બાળપણનાં કીર્તનો કરેલાં છે જે : - બંધુ હી ઘનશ્યામ. એ આદિક બીજાં પણ કેટલાંક પ્રેમાનંદ સ્વામીનાં તથા જ્ઞાનાનંદ સ્વામીનાં કીર્તનો ગાવા લાગ્યો. તે સાંભળીને એ ગોરના ઘરમાં કેટલાંક ભૂતો રહેતાં હતાં તે ઘરમાં બહુ બળવા લાગ્યાં. તેથી અકળાઇને બહાર નીકળીને સરયુ ગંગાના કાંઠા ઉપર જઇને આખી રાત બેસી રહ્યાં.

પછી સવાર થયું એટલે રાજબહાદુર ત્યાંથી ઊઠીને સરયુ ગંગામાં સ્નાન કરીને પરબારો ત્યાંથી પોતાને ગામ ગયો ત્યારે તે સર્વ ભૂતો અતિ રીસનાં ભર્યાં તત્કાળ ત્યાંથી આવીને ગોરની સ્ત્રીને વળગ્યાં અને બોલ્યાં જે, ઓલ્યો બ્રાહ્મણ એના ગુરુના મહિમાનાં કીર્તનો બોલ્યો તે સાંભળીને અમો સર્વ બળવા લાગ્યાં, તેથી સરયુ ગંગામાં તેના ઘાટ ઉપર જઇને આખી રાત બેસી રહ્યાં. પછી સવાર થયું એટલે એ ત્યાંથી ચાલ્યો ગયો છે. હવે જો એ બ્રાહ્મણ અહીં આવે તો તમારે એને ઘરમાં પેસવા દેવો નહીં એમ કહ્યું. તે સાંભળીને ગોર સરયુ ગંગાના ઘાટ ઉપર રાજબહાદુરને ખોળવા ગયો. પણ તે તો પોતાને ગામ ચાલ્યો ગયેલો હતો તેથી ચારે તરફ જોઇને પણ જ્યારે ક્યાંય પણ ન દીઠો ત્યારે તે ગોર નિરાશ થઇને પાછો આવ્યો. એટલે સર્વ ભૂતોને રીસ ઘણીક ચડેલી હતી તેથી એ ગોરને વળગ્યાં અને બોલ્યાં જે, તું આ બ્રાહ્મણને કેમ બોલાવવા ગયો હતો ? અમે તને ના કહી હતી છતાં તું કેમ ગયો ? એમ કહીને બહુ દુઃખ દેવા લાગ્યાં. ત્યારે તે બ્રાહ્મણ પોતાના મનમાં ઘણો પશ્ચાતાપ કરવા લાગ્યો. પણ શું કરે ? તે વખતે એનું જોર જરા પણ ચાલે તેમ ન હતું તો પણ પોતાના મનમાં હિંમત લાવીને તે રાજબહાદુર ઘનશ્યામ મહારાજનાં કીર્તનો બોલતો હતો તેનું પોતે ચિંતવન કરીને સાંભળવા લાગ્યો તેથી ઘનશ્યામ મહારાજના પ્રતાપથી તે સર્વેભૂતો એના શરીરમાંથી નીકળીને પ્રથમની પેઠે તેના ઘરમાં રહ્યાં.

ત્યાર પછી કોઇક દિવસે અયોધ્યાપ્રસાદજી મહારાજ પોતાની સાથે ઘણાક સાધુઓ અને પાળાઓ તેમજ હરિભક્તોને લઇને છપૈયાપુરથી અતિ આનંદથી અયોધ્યાપુરીને વિષે લક્ષ્મણ ઘાટે એકાદશીને દિવસે સ્નાન કરવા ગયા ત્યારે તે બ્રાહ્મણ તેમને આવ્યા સાંભળીને તત્કાળ પોતાને ઘેરથી અતિ હરખે ભરાઇને એકદમ ઉતાવળો ત્યાં જઇને અયોધ્યાપ્રસાદજી મહારાજના ચરણારવિંદમાં પોતાનું મસ્તક મૂકીને અતિ નિર્માની થઇને બે હાથ જોડીને પગે લાગીને તે સર્વે વૃત્તાંતની વાત કરીને ઘણોક દિલગીર થઇને બોલ્યો જે, હે મહારાજ ! હવે તમો આ સંતો સહિત મારે ઘેર પધારો, નહીં તો એ સર્વ ભૂતો મારા ઉપર ઘણાં ખીજવાઇ રહ્યાં છે માટે મને જરૂર મારી નાખશે. એમ વિનંતી પૂર્વક કહ્યું ત્યારે દયાળુ અયોધ્યાપ્રસાદજી મહારાજ પોતાના સર્વ સંતો સહિત તે બ્રાહ્મણને ઘેર જઇને બધા ઘરમાં પગલાં કર્યાં. તે સમયે સર્વે ભૂતો મૂર્તિમાન થઇને બહાર આવીને ઊભાં રહ્યાં એટલે તે સર્વે ભૂતોને વર્તમાન ધરાવીને બદ્રિકાશ્રમમાં મોકલ્યાં. પછી તે બ્રાહ્મણની સેવા અંગીકાર કરીને ત્યાંથી ચાલ્યા તે જન્મસ્થાન, કનકભુવન, હનુમાનગઢી આદિક કેટલાંક મંદિરોમાં દર્શન કરીને બરહટ્ટા બજારમાં પોતાના મુકામે આવ્યા. (૫૮)

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે ઉત્તમાનંદ સ્વામીએ કાશીના પંડિતોને જીત્યા, ગંગાજીબાનાં સાસુનું ચાર ચૂડેલોથી રક્ષણ કર્યું તથા ફુલઝરીબાઇનાં ઘરેણાં પાછાં મલ્યાં અને ઘરેણાંને ચોરનારા જમપુરીમાં ગયા ઇત્યાદિ પરચા પુર્યા એ નામે સત્તાણુંમો અધ્યાય. ૯૭