૫૯ ત્યાંથી કાળાતળાવ ગયા, ઉંદરથી બીન્યાં તે જમ આવશે ત્યારે કેમ કરશો તે વાત, ત્યાંથી માંડવી દહીંસરાથી ભુજ પધાર્યા, ત્યાંથી માનકૂવા, માંડવી, સાંધણ, તેરા ને ભુજ આવ્યા, જગજીવનની વાત, ભચાઉ, વાંઢીયા, માળીયા, પીપળીયા, વણથલી, ભાયાવદર, માણાવદર થઈ પંચાળા આવ્યા.

Submitted by swaminarayanworld on Fri, 27/05/2016 - 9:37pm

અધ્યાય. ૫૯

પછી ગામ તેરાથી ચાલ્યા તે ગામ કાળાતળાવમાં રવજીભાઇને ઘેર સાંજની વખતે આવીને વિરાજમાન થયા. અને રવજીભાઈનાં ઘરનાં માણસ પોતાની સાસુ સાથે એક બાજુ બેઠાં હતાં. તે સમયે અચાનક એક ઉંદર આવ્યો. તેને દેખીને તે બાઇ એકદમ ઊઠીને નાઠાં. ત્યારે શ્રીજી મહારાજ હસીને બોલ્યા જે, આ ઉંદરથી જ્યારે બીઓ છો તો યમના દૂત આવશે ત્યારે કેમ કરશો ? ત્યારે તે બાઇ બોલ્યાં જે, હે મહારાજ ! અમને તમે મળ્યા છો પછી મારા રોયા જમના દૂત તે શું કરવાના છે ? ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, નિશ્ચય રાખશો તો જમ નહીં આવે. એમ કહીને ઘરમાં જઇને જમવા બેઠા. તે બાઇએ હેતે સહિત તે બાજરાનો રોટલો અને થીણું ઘી આપ્યું, જે જમીને ત્યાંથી ચાલ્યા તે ગામ શ્રી માંડવીબંદર આવ્યા.

ત્યાં એક માસ રહીને સર્વે સત્સંગીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને સ્વધર્મ સંબંધી વાર્તા કરી તથા પોતાના સ્વરૂપને સમજવાની વાત કહી સમજાવી જે, હે હરિભક્તો ! હું સર્વે અવતારનો અવતારી અને અક્ષરધામનો નિવાસી છું તે તમારા સુખને માટે કૌશલ દેશમાં છપૈયા ગામમાં ભક્તિ-ધર્મથી જન્મ ધારણ કરીને પૃથ્વી ઉપર તીર્થાટન કરતો કરતો અહીં આવ્યો છું. તે માટે મારી મૂર્તિનું ધ્યાન-ભજન કરીને જીવ જન્મ-મરણનાં તથા ગર્ભવાસનાં દુઃખથી રહિત થઇ જાય છે. આવો મારો મહિમા સમજીને મારું નિરંતર ભજન કરજો. એવી રીતે ઘણીક વાર્તા કરીને ત્યાંથી ચાલ્યા તે વચમાં ગામ દહીંસરાની વાડી કૂઇ થઇને હરિ-સરોવરમાં સ્નાન કરીને તથા જલપાન કરીને ત્યાં ચાર ઘડી વિરામ કરીને પાછા ગામમાં હરિભક્તોને દર્શન દઇને ભુજનગર પધાર્યા અને ગંગારામભાઇને ઘેર મેડી ઉપર ઉતારો કર્યો અને સર્વે સત્સંગીઓએ આવીને શ્રીજી મહારાજનાં દર્શન કર્યા અને પછી સભામાં બેસી ગયા.

તે સમયમાં મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો જે, હે મહારાજ ! જીવને શાંતિ શેણે કરીને થાય ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, અમે છપૈયાપુરને વિષે ધર્મ-ભક્તિને ઘેર જન્મ ધારણ કર્યો અને ત્યાં અનંત પ્રકારનાં બાળ ચરિત્રો કર્યાં તથા અમોને જનોઇ દીધી. તથા અમે અમારાં માતા ભક્તિ અને પિતા ધર્મદેવ તેનો દેહ ત્યાગ કરાવીને વન વિચરણ કરવા સારુ ચાલી નીકળ્યા. અને જનકપુરી થઇને ફરતા ફરતા હિમાલયની ઝાડી ઉલ્લંઘીને પુલહાશ્રમને  પામ્યા અને ગંડકી નદીમાં જ્યાં ભરતજીએ તપ કર્યું હતું ત્યાં અમો એક પગે ઉભા રહીને અને બન્ને બાહુ ઊંચા રાખીને કેટલાક માસ તપ કર્યું. ત્યારે અમારા ઉપર સૂર્યનારાયણ પ્રસન્ન થયા. પછી સૂર્યનારાયણ અમારી પ્રાર્થના કરીને ગયા. પછી ત્યાં કેટલાક દિવસ ફરતા ફરતા નવલખા પર્વત ઉપર ચડ્યા.

ત્યાં નવલાખ યોગીઓ અમારે માટે તપ કરતા હતા તેમને સિધ્ધગતિ આપીને ત્યાંથી ચાલ્યા તે શ્રી જગન્નાથપુરીમાં આવ્યા. ત્યાં કેટલાક પૃથ્વીના ભારરૂપ અસુરોને પરસ્પર મોહ પમાડીને નાશ કરાવ્યો. પછી ત્યાંથી ચાલ્યા તે દક્ષિણ દેશ ઉલ્લંઘીને રૈવતાચળ (ગિરનાર) પર્વતની છાયામાં પીપલાણા ગામમાં રામાનંદ સ્વામીને મળ્યા. એવી રીતે ઘણીક લીલાની વાર્તા કરીને મૌન રહ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામીએ જાણ્યું જે, મેં મહારાજને પ્રશ્ન પૂછ્યો તેનો ઉત્તર મહારાજે કર્યો નહીં. આ તો મહારાજે પોતાની વાત કરી. ત્યારે સ્વામીએ ફરીથી પૂછ્યું જે, હે મહારાજ ! શાંતિ શેણે કરીને થાય ? ત્યારે શ્રીજીમહારાજે પ્રથમ જે લીલાની વાર્તા કરી હતી તેવી જ રીતે વળી ફરીથી વાત કરી, તોય પણ સ્વામીને સમજણ ન પડી.

ત્યારે અતિ વૃધ્ધ એવા સદાનંદ સ્વામીએ કહ્યું જે, હે સ્વામીન્‌ ! શ્રીજી મહારાજે કેવી રૂડી શાંતિ થવાના ઉપાયની વાર્તા કરી તો પણ તમોને સમજણ પડી નહીં. તે જુવોને, પૂર્વે શ્રી વ્યાસ મુનિએ સત્તર પુરાણ કર્યાં તો પણ પોતાને શાંતિ ન થઇ. ત્યારે નારદજીને પૂછ્યું જે, શાંતિ શેણે કરીને થાય ? ત્યારે નારદજીએ કહ્યું જે, “તમે જ્યાં સુધી શ્રીકૃષ્ણ ભગવાનની બાળલીલાનું વર્ણન કર્યું નથી ત્યાં સુધી તમે કાંઇ પણ કર્યું નથી. માટે બાળચરિત્રોનું વર્ણન કરો તો શાંતિ થશે. તેવું નારદજીનું વચન સાંભળીને વ્યાસજીએ શ્રીમદ્‌ભાગવત પુરાણ કર્યું ત્યારે પોતાને શાંતિ થઇ. એમ આપણે શ્રીજી મહારાજનાં બાળચરિત્રનું અંતરમાં ચિંતવન કરવું જોઇએ. એ લીલા નિત્ય ગાવી સાંભળવી જોઇએ. એવી ઘણીક મહિમાની વાર્તા કરી. ત્યારે મુક્તાનંદ સ્વામીના અંતરમાં શ્રીજી મહારાજના પ્રતાપની વાર્તા બરાબર સમજાણી. ત્યારે પોતે જાણ્યું જે, આ શ્રીજીમહારાજનાં બાળ ચરિત્રોમાં જેવી શાંતિ છે. તેવી શાન્તિ કોઇ પદાર્થમાં નથી. એમ જાણીને મુક્તાનંદ સ્વામીએ અતિ પ્રેમમગ્ન થઇને દંડવત સ્તુતિ કરીને પોતાના અપરાધ ક્ષમા કરાવીને બે હાથ જોડીને મહારાજને પગે લાગ્યા. ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજનાં જન્મથી લઇને સ્વધામ પધાર્યા ત્યાં સુધીનાં ચરિત્રોથી ભરપૂર ધર્માખ્યાન નામનું શાસ્ત્ર રચ્યું. તે માટે આ જે શ્રીજી મહારાજનાં ચરિત્રો જે કોઇ જન રોગાદિકે કરીને મહા કષ્ટ પામેલો હોય, અથવા રાજ સમૃધ્ધિએ કરીને અવરાઇ ગયો હોય. તે સર્વે જનો શ્રધ્ધાએ સહિત પ્રેમમગ્ન થઇને ગાશે કે સાંભળશે તથા જે કોઇ અતિ પાપી પ્રાણી હોય તેના કાનમાં અજાણે પણ શ્રીજી મહારાજનાં ચરિત્રનો શબ્દ પડશે, એટલે તે સર્વેની પિતૃએ સહિત, ઇકોતેર (૭૧) પેઢીનો ઉધ્ધાર થશે, અને આત્યંતિક મોક્ષ જે અક્ષરધામ તેને પામશે. એવી રીતે ઘણીક વાર્તા કરીને પછી શ્રીજી મહારાજે કહ્યું જે, અમારે માનકૂવા જવું છે.

ત્યારે હીરજીભાઇ એ કહ્યું જે, હે મહારાજ ! આવતી કાલે થાળ વહેલો કરાવશું તે જમીને ભલે પધારજો. ત્યારે મહારાજે કહ્યું જે, સારું. પછી મહારાજ રાત રોકાઇ સવારમાં વહેલા ઊઠ્યા અને તળાવમાં સ્નાન કરીને નિત્યવિધિ કરી રહ્યા, ત્યારે હીરજીભાઇએ હાથ જોડીને કહ્યું જે, હે મહારાજ ! થાળ થયો છે. પછી મહારાજ જમીને ચાલ્યા. ત્યારે સુંદરજીભાઇ તથા બીજા સર્વ સત્સંગીઓ આવ્યા. તે આપણા બાગમાં જ્યાં છત્રી કરી છે ત્યાં મહારાજ વાતો કરવા લાગ્યા. અને સર્વ સત્સંગીઓ કોઇ પેંડા તો કોઇ બરફી તો કોઇ પતાસાં લઇને આવ્યા અને શ્રીજી મહારાજ આગળ ભેટ મૂકીને પગે લાગીને વાતો સાંભળવા બેઠા. પછી સુંદરજીભાઇ શ્રીજી મહારાજને બરફી તથા પેંડા તથા પતાસાં લઇને હાથમાં આપતા જાય અને મહારાજ પણ જમતા જાય. એમ સારી પેઠે જમ્યા. પછી મહારાજે કહ્યું જે, આ પ્રસાદી સર્વને વહેંચી આપો.

પછી સુંદરજીભાઇએ સર્વને પ્રસાદી આપી. પછી શ્રીજી મહારાજ ચાલ્યા. ત્યારે સત્સંગી સર્વે પગે લાગીને પાછા વળ્યા. અને શ્રીજી મહારાજ ગામ માનકૂવા પધાર્યા અને ત્યાં સુતાર નાથાને ઘેર ઉતર્યા અને ત્યાં પોતે થાળ જમ્યા, અને સર્વ સંતને જમાડ્યા. ત્યાંથી ચાલ્યા તે ગામ રવાગઢ પધાર્યા. તે ગામના હમીર ભક્ત તથા હંસરાજ શેઠને ઘેર પધાર્યા. ત્યાં જમીને ચાલ્યા તે કાળાતળાવ આવ્યા. અને સુતાર ભીમજીને ઘેર ઊતર્યા અને સવારમાં વહેલા ઊઠીને ગામથી દક્ષિણ બાજુ તળાવમાં કૂવો છે ત્યાં સ્નાન કરીને પાછા ગામમાં પધાર્યા. અને સુતાર ભીમજીને ઘેર શ્રીજી મહારાજ પોતાના પાર્ષદ તથા સંત સહિત થાળ જમીને તે હરિભક્તોને આનંદ પમાડતા ત્યાં બે દિવસ રહીને સુતાર ભીમજીના ગાડા ઉપર બેસીને ગામ માંડવી બંદર પધાર્યા. ત્યાં ત્રણ ચાર દિવસ મહેતા શિવરામને ઘેર રહીને ગામ ડોણ પધાર્યા. ત્યાં સુતાર વસ્તા ભક્તના ફળિયામાં ઊતર્યા. ત્યાં થાળ જમીને ચાલ્યા તે ગામ સાંધાણ ગયા અને સુતાર ડોસાને ઘેર આવ્યા.

ત્યાં થાળ જમીને તેરા પધાર્યા. અને સુતાર માવજીને ઘેર ઊતર્યા. ત્યાં પ્રાગજી દવે પાસે શ્રીમદ્‌ભાગવતની કથા વંચાવવાનો પ્રારંભ કર્યો. અને સર્વે દેશોમાં કાગળ લખીને સર્વ સાધુને ત્યાં તેડાવ્યા. ત્યાં દેશદેશથી સર્વે સાધુ આવ્યા.  તે ગામમાં સહુથી પહેલાં સદ્‌ગુરુ મહાનુભાવાનંદ સ્વામી આવ્યા, અને તેમને અતિ તપસ્વી જોઇને શ્રીજીમહારાજ પોતે જમતા હતા તે એમને એમ ઊઠીને સન્મુખ ગયા અને બાથમાં લઇને મળ્યા.

પછી પાછા જમવા બેઠા. અને મહાનુભાવાનંદ સ્વામીને સમાચાર પૂછ્યા પછી પોતે કથા સાંભળતા જાય અને હરે, હરે, એવા પ્રકારનો શબ્દ ઉચ્ચારણ કરતા જાય. તે ગામમાં એક માસ રહ્યા અને ભાગવતની કથાની પોતે સમાપ્તિ કરાવીને ત્યાંથી મધ્યાહ્ન સમયે પોતે સંતને કહ્યું જે, હે સંતો ! તમે વહેલા જમીને આવજો. અમે ચાલીએ છીએ. એમ કહીને પોતે ચાલ્યા અને વાંસેથી મુનિઓ પણ ચાલ્યા.

તે પોતાને વાંસે આવતા તે મુનિઓના પગ બળતા જોઇને પોતાના પગમાં મોજડીયું હતી તે કાઢી નાખી અને બ્રાહ્મણને આપી દીધી. અને પોતે એમને એમ અડવાણા પગે ઉતાવળા ચાલવા માંડ્યા. સંત પણ વાંસે ને વાંસે દોડતા દોડતા આવતા હતા. પછી એક બાવળનું વૃક્ષ આવ્યું તેને તળે પોતે વિરાજમાન થયા, ત્યાં સહુથી પહેલા મહાનુભાવાનંદ સ્વામી શ્રીજી મહારાજની સમીપે આવ્યા. પછી બીજા સંતો આવ્યા, શ્રીજી મહારાજના પગનાં તળાં ઓળાંસવા (માલિસ કરવા) માંડ્યા અને પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, હે સંતો ! તમારા પગ કેવા બળે છે...? મહાનુભાવાનંદ સ્વામી બોલ્યા જે, અમદાવાદમાં ઝોળી માગીને જાતો હતો તે દિવસે પણ આવા પગ તો નહોતા બળ્યા.

આજ તો બહુ જ બળ્યા, પછી શ્રીજીમહારાજે ત્યાગ-વૈરાગ્યનું કીર્તન બોલીને કહ્યું જે, “સંતને દેહરૂપે ન રહેવું પણ આત્મારૂપે વરતવું.” એવી રીતની વાત કરીને ચાલ્યા તે ગામ કાળાતળાવ પધાર્યા. ત્યાં સુતાર ભીમજી તથા હરભમ તથા મનજી તથા સુતાર રવજી એમને ઘેર ઢોલિયા ઉપર વિરાજમાન થયા અને સર્વે સંતોને પોતાની સમીપે બોલાવીને ત્યાગ-વૈરાગ્યની તથા ભગવત્‌ સ્વરૂપની વાર્તા કરી. કાળા તળાવે સાંજ પડે ત્યારે સહુ સંતો ગામથી બહાર તળાવ ઉપર રેતીનો મોટો ઢગલો કરીને તે ઉપર વસ્ત્ર બિછાવીને તેના ઉપર શ્રીજી મહારાજને પધરાવીને પોતે સર્વે શ્રીજી મહારાજની સન્મુખ પૃથ્વી ઉપર ચારે કોર બેસતા. અને શ્રીજી મહારાજ સર્વ સંતને પહોર રાત્રિ પર્યંત ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય તેમજ ભક્તિની વાતો કરીને પોતે ગામમાં પધારતા અને સંતો તળાવને કાંઠે શ્રીજી મહારાજનું ધ્યાન કરતા અને નિદ્રા આવે ત્યારે બે ચાર ઘડી સૂવે.

શ્રીજી મહારાજ પાછલી પહોર રાત્રિ રહે ત્યારે પોતે પાછા સંત પાસે કાકડો કરાવીને પધારે. અને પહોર દિવસ ચડે ત્યાં સુધી ત્યાગ અને વૈરાગ્યની વાતો કરે. અને સ્વરૂપાનંદ સ્વામી તથા વ્યાપકાનંદ સ્વામી તથા મહાનુભાવાનંદ સ્વામી તથા નિરંજનાનંદ સ્વામી આદિ સાધુ સહિત પોતે ગામમાં ભીમજી સુતારને ઘેર પધારે. એવી રીતે ગામ કાળાતળાવમાં પંદર દિવસ સુધી રહીને અનેક લીલાઓ કરીને પછી શ્રીજી મહારાજે સ્વરૂપાનંદ સ્વામી તથા વ્યાપકાનંદ સ્વામી તથા મહાનુભાવાનંદ સ્વામી તથા નિરંજનાનંદ સ્વામી તથા પરમાનંદ સ્વામી તથા હરિહરાનંદ સ્વામી તથા નૃસિંહાનંદ સ્વામી એ આદિક બાર સાધુનાં મંડળ બાંધીને કહ્યું જે, “તમે ગુજરાતમાં જાઓ.” એમ કહીને સર્વે હરિભક્તો પ્રત્યે પત્ર લખ્યો જે, “એ બાર જણા સંત કહે તે વચન માનજો.” એવી રીતે બાર સાધુને મોટેરા કરીને ત્યાંથી ચાલ્યા તે માનકૂવા થઇને ભુજ પધાર્યા.

ત્યાં સુંદરજી સુતારને ઘેર ઉતર્યા. પછી એક દિવસ શ્રીજીમહારાજે પોતાના જમણા પગનો અંગુઠો પાક્યો હોવાથી તે સુંદરજીભાઇની આથમણા બારની મેડી  ઉપર પોતે છાના રહ્યા હતા. સુતાર સુંદરજીને શરીરે મંદવાડ હતો તેથી તેમને જોવા માટે જગજીવન મહેતો આવ્યો. તે ઉગમણા બારના ઓરડામાં સુતાર સુંદરજીભાઇ બેઠા હતા ત્યાં આવીને પાસે બેઠો, અને હીરજીભાઇને પૂછવા લાગ્યો જે, તમારા ગુરુ સ્વામિનારાયણ કહેવાય છે, તે હાલમાં ક્યાં છે ? ત્યારે હીરજીભાઇએ કહ્યું જે, અમારા ગુરુ હાલમાં માનકૂવામાં છે. એમ જ્યારે કહ્યું તે સમયે શ્રીજી મહારાજે વિચાર કર્યો જે, હીરજીભાઇ તથા સુંદરજીભાઇને અમે કહ્યું હતું જે, વરદાન માંગો ત્યારે એ બન્ને ભાઇઓએ વરદાન માગ્યું હતું જે, હે મહારાજ ! અમારે ઘેર નિરંતર રહો. ત્યારે અમોએ તેમને કહ્યું હતું જે, ક્યાં સુધી રહીએ ? ત્યારે તે બન્ને ભાઇઓએ કહ્યું જે, અમે જવાની રજા દઇએ ત્યારે સુખેથી બીજે પધારજો, એમ વરદાન આપ્યું છે.

પણ આજે તે સંબંધનો લાગ આવ્યો છે માટે રજા માગીએ. પછી શ્રીજી મહારાજ મેડી ઉપરથી હેઠા ઊતરીને સુંદરજીભાઇની જોડે આવીને બેઠા. પછી શ્રીજી મહારાજ મહેતા જગજીવનને કહેવા લાગ્યા જે, સોમવલ્લી છે તેને લોકમાં એમ કહે છે જે, બ્રાહ્મણ પીએ તો તેના પેટમાં રહે અને બીજા વર્ણવાળા પીએ તો વમન થઇ જાય. તે સોમવલ્લી અમને દેખાડો. ત્યારે જગજીવન મહેતો બોલ્યો જે, એ વાતમાં તમે શું જાણો ? અને તમારે તો વનમાં રહેવું તે ઠીક, “ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, શુક-સનકાદિક જે મોટા પુરુષો અને જે ભગવાનના અવતારો તે સર્વે શું જંગલમાં રહેતા ? એ તો શહેર અને ગામોમાં પણ રહેતા ખરા.” ત્યારે મહેતો જગજીવન બોલ્યા જે, એ તો ઇશ્વર હતા. અને તમે તો એવા થાશો તેને વાર છે.” ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, અમે તો ઇશ્વરના પણ ઇશ્વર છીએ.

સીતાના પતિ છીએ અને રાધિકાજીના પણ પતિ છીએ, શ્રીકૃષ્ણ સ્વરૂપ એવો જે હું તે મને તું જ્યારે ભજીશ ત્યારે તારૂં કલ્યાણ થશે, “એવાં શ્રીજી મહારાજનાં વચન સાંભળીને મહેતા જગજીવનને ઘણીક રીસ ચડી અને તે ચાલી નીસર્યો. પછી શ્રીજીમહારાજે સુતાર હીરજીભાઇને કહ્યું જે, તમે મહેતા જગજીવનને ઘેર જાઓ, એ જે બોલે તે સાંભળી આવો.” પછી સુતાર હીરજીભાઇ ત્યાં જઇને તેનાં વચન સાંભળીને પાછા આવ્યા. પણ કાંઇ બોલ્યા નહીં.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, અમે હવે તમારે ઘેર રહીએ કે બીજી જગ્યાએ જઇએ ? પછી સુતાર હીરજીભાઇ બોલ્યા જે, તમારી ઇચ્છામાં આવે તેમ કરો. પછી શ્રીજી મહારાજે જેઠી ગંગારામને કહ્યું જે, અમને તમારે ઘેર રાખશો ? ત્યારે જેઠી ગંગારામે કહ્યું જે, હે મહારાજ ! ભલે, સુખેથી પધારો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, અમને તમારે ઘેર રાખશો તો તમારે ઉપાધિ થશે. પછી જેઠી ગંગારામ બોલ્યા જે, હે મહારાજ ! તમે તો મારા શિર સાટે છો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, અમારાથી પગપાળા ચલાય એવું નથી માટે કાંઇક બેસવા સારૂં લાવશો ત્યારે અવાશે. “પછી જેઠી ગંગારામે ઠક્કર ઉકાભાઇને કહ્યું જે, મહારાજને બેસવા માટે ગાડું કે માફો જે મળે તે લાવો.” ત્યારે ઠક્કર ઉકાભાઇ મહેતા જગજીવનના કારખાનામાંથી માફો જોડાવીને લાવ્યા. પછી શ્રીજી મહારાજ તે માફા ઉપર બેસીને જેઠી ગંગારામને ઘેર પધાર્યા.

ત્યાં એક માસ પર્યંત રહીને ત્યાંથી શ્રીજી મહારાજ ગામ અંજાર પધાર્યા, ત્યાં ચાગબાઇને ઘેર ઊતર્યા. ત્યાં થાળ જમીને ચાલ્યા તે ગામ ભચાઉ રૂડાને ઘેર ઊતર્યા. ત્યાં થાળ જમીને ચાલ્યા તે ગામ માળીએ પધાર્યા, ત્યાં દરબારમાં ઊતર્યા. અને ત્યાં થાળ જમીને ચાલ્યા તે ગામ પીપળીયે ગણેશ ભક્તને ઘેર આવ્યા. અને ત્યાં થાળ જમીને ચાલ્યા તે ગામ વણથલી પધાર્યા, ત્યાં હરજી સુતારના ફળીયામાં વિરાજમાન થયા અને ત્યાં થાળ જમીને ચાલ્યા તે ગામ ભાયાવદર તથા માણાવદર થઇને પંચાળે પધાર્યા, અને દોઢ માસને આશરે ત્યાં રહ્યા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે ગામ કાળાતળાવમાં રવજીનાં ઘરનાંને કહ્યું જે ઉંદરથી બીન્યાં તે યમ આવશે ત્યારે કેમ કરશો તે તથા ગામ માનકૂવા થઇને ભજુ થી પંચાળે પધાર્યા એ નામે ઓગણસાઠમો અધ્યાય. ૫૯