૫૧ પુરુષોત્તમગીતા અધ્યાય ૧૧: ધનવાન ગૃહસ્થાશ્રમી મંદિર કરાવે તથા મૂર્તિની પ્રતિષ્ઠા કરાવે તથા મક્તિમાં વિઘ્ન કરે તે સ્વભાવ સંબધીનો ત્યાગ કરે.

Submitted by swaminarayanworld on Sat, 21/05/2016 - 8:47pm

અધ્યાય-૫૧

ધનવાન એવો જે ગૃહસ્થાશ્રમી ભક્ત તે અતિશય દૃઢ એવાં ભગવાનનાં મંદિર કરાવે. અને તે મંદિરોમાં શ્રીકૃષ્ણની મૂર્તિઓની પ્રતિષ્ઠા મોટા ઉત્સવે સહિત કરાવે. અને ભગવાનની મૂર્તિઓની પૂજાના નિર્વાહ માટે ગામ તથા ખેતર તેણે કરીને હંમેશની આજીવિકા કરાવી આપે. અને શ્રીકૃષ્ણ ભગવાનને અર્થે કૂવો, વાવ, તળાવ તેમજ કુંડ અને ફુલવાડી તે પણ કરાવે. અને જીવની હિંસાએ રહિત એવા વિષ્ણુયાગ પણ કરાવે. તેમજ ભગવાનના અષ્ટાક્ષરમંત્રનું પુરશ્ચરણ તથા ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કરનારા જે શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા તથા ભાગવત આદિક ગ્રંથો તેનું પુરશ્ચરણ પણ શાસ્ત્રોક્ત વિધિથી સ્વધર્મનિષ્ઠ અને ભગવાનના ભક્ત એવા વિપ્રો પાસે કરાવે. તેમજ ભગવાનની પૂજા કરતાં બાકી રહેલાં ચંદનપુષ્પ વિગેરે પ્રસાદીની વસ્તુઓથી સર્વે દેવતા તેમજ સર્વે પિતૃઓને પૂજવા. અને ભગવાનને ધરાવેલું જે સુંદર અન્ન તેણે કરીને સાધુ અને બ્રાહ્મણોને જમાડીને તૃપ્ત કરવા.

હવે વંદન ભક્તિ કહું છું. હે પવિત્ર વૃત્તિવાળા વર્ણિ ! શ્રીકૃષ્ણ ભગવાનના ભક્ત એવા પુરુષોએ તો અષ્ટ અંગે સહિત એવું જે ભગવાનનું વંદન તે કરવું. તે આઠ અંગ કયાં ? તો હાથ, ઢીંચણ, છાતી, મસ્તક, દૃષ્ટિ, વચન, મન અને ચરણ એ આઠે અંગ નમાવીને અને પૃથ્વી પર પડીને ભગવાનને નમસ્કાર કરવા. અને ભગવાનનાં ભક્ત જે બાઇઓ તેમણે તો પાંચ અંગે સહિત નમસ્કાર કરવા. તે પાંચ અંગ કિયાં તો હાથ, મસ્તક, મન, વચન અને દૃષ્ટિ. એ પાંચ અંગ નમાવીને પૃથ્વી પર બેસીને ભગવાનને નમસ્કાર કરવા, પણ બાઇઓને અષ્ટાંગ નમસ્કાર કરવા નહીં. અને ભગવાનના ચરણકમળને અડેલી જે રજ તેમાં અક્રુરજીની માફક આળોટવું અને તે ચરણરજ પોતાના મસ્તક ઉપર ધારણ કરવી.

હવે દાસપણાની ભક્તિ કહું છું જે હે વર્ણિન્દ્ર ! મનનો દૂરથી જ ત્યાગ કરીને ભગવાનનું દાસપણું કરવું. જેમ દાસ હમેશાં સમયને અનુસારે પોતાના સ્વામીની પરિચર્યા પરાયણ થાય છે તેમજ ભક્તજન પણ ભગવાનને માટે જલ, પુષ્પને પોતે જ લાવે, તેમજ ભગવાનને માટે ચંદન પણ પોતે જ તૈયાર કરે, તેમજ ભગવાનને માટે સુંદર થાળ પણ પોતેજ પવિત્ર થઇને કરે, અને ઋતુ અનુસારે વિંજણો, ચામર આદિકે કરીને પોતેજ શ્રીકૃષ્ણ ભગવાનને પવન ઢોળે, અને ભગવાનના મંદિરમાં પોતાને હાથે જ વાળે તથા ગાર્યે કરીને લીંપે. અને અન્ન-જળ તેમજ ફળાદિકે કરીને જેમ યોગ્ય લાગે તેમજ ભગવાનની અને ભગવાનના ભક્તની પ્રીતિએ યુક્ત સેવા કરે. તેમજ પોતે નિર્માની થઇને ભગવાનના ભક્તને નમસ્કાર કરે.

હવે સખાપણાની ભક્તિ કહું છું. હે મુકુંદવર્ણિવર્ય ! દ્રૌપદિ અને અર્જુનની પેઠે શ્રીકૃષ્ણ ભગવાનની સાથે સખાપણું કરવું. અને પોતાનો દેહ, સ્ત્રી, પુત્ર, ધનાદિક કરતાં ભગવાનમાં વધારે સ્નેહ કરવો. તેમજ હે વર્ણિ ! નરનાટ્યને ધરી રહેલા એવા જે ભગવાન તેને વિષે દોષબુધ્ધિ તો ક્યારેય પણ કરવી નહીં. અને ભગવાનનો દ્રઢ વિશ્વાસ કરવો. હવે હું આત્મનિવેદન ભક્તિ કહું છું.

તમે જેને ભક્તિનું નવમું લક્ષણ જાણો છો તે આત્મનિવેદન ભક્તિને કહું છું તેને સાંભળો. પોતાનો દેહ તે સર્વે પ્રકારે શ્રીકૃષ્ણ ભગવાનને જ અર્થે કરવો. અને પોતાના દેહ, ઇંદ્રિયો, અંતઃકરણ અને સ્વભાવ તથા પોતાના પિતા, પુત્ર આદિક સંબંધીજનને પરવશ તો ક્યારેય પણ ન વર્તવું, પણ હંમેશાં ભગવાનને આધીન વર્તવું અને ભગવાનને અર્થે જ સર્વ ક્રિયાઓ કરાય તેવા થવું અને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિમાં વિઘ્ન કરનારો જે કોઇ પણ પોતાનો સ્વભાવ તથા સંબંધી તેનો ત્યાગ કરવો, અને ભગવાનના ભક્ત તો નેત્રે કરીને ભગવાનનાં દર્શન કરે અને કાને કરીને ભગવાનની કથા સાંભળે અને ત્વચાએ કરીને ભગવાનના ચરણકમલનો સ્પર્શ કરે અને જીવ્હાએ કરીને ભગવાનના ગુણનું ઉચ્ચારણ કરે તથા ભગવાનનો પ્રસાદ લે અને ભગવાનને ચડ્યાં જે પુષ્પ તથા તુલસી તેની સુગંધમાં નાસિકાને રાખે. અને પોતાના હાથ ભગવાનની સેવામાં રાખે. ભગવાનને નમસ્કાર કરવામાં પોતાનું મસ્તક રાખે. અને પગે કરીને ભગવાનની પ્રદક્ષિણાઓ કરવી તથા તેમની સમીપે જવું અને મનમાં ભગવાનનું જ મનન કરે. તેમજ બુધ્ધિએ કરીને ભગવાનનો નિશ્ચય કરે. અને ચિત્તમાં યથાર્થપણે ભગવાનનું ચિન્તવન કરે. અને અહંકારે કરીને પોતાને વિષે શ્રીકૃષ્ણ ભગવાનના દાસપણાનું અભિમાન કરે. તેમજ ખેતી, વેપાર એ આદિક ઉદ્યમો તે શ્રીકૃષ્ણ ભગવાનને અર્થે જ કરે. અને જે જે વસ્તુઓ પોતાને પ્રિય હોય તે તે વસ્તુઓ શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કરે. અને ચંદન, પુષ્પ અને વસ્ત્રો આદિક જે જે પદાર્થો હોય તે પણ ભગવાનની પ્રસાદીના કરાવીને જ પોતે ધરવાં. હે વર્ણિન્દ્ર ! માત્ર પત્ર પણ જો ભગવાનને અર્પણ કર્યું ન હોય તો તેને ક્યારેય પણ ખાવું નહીં. તેમજ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જલ પણ પીવું નહીં. તેમજ ભગવાનના ભક્તોને તો તપ, યજ્ઞ, વ્રત, દાન તથા ભગવાનના ભક્તની સેવા એ સર્વે ભગવાનની પ્રસન્નતાને અર્થે જ કર્યા કરવું.

આવી રીતે જેઓ નવ લક્ષણવાળી ભક્તિથી ભગવાનને ભજે છે તેને ‘ભક્ત’ એ નામે કહ્યા છે. તે ભક્ત બે પ્રકારના છે. તેમાં પ્રથમનો ભક્ત તે સકામ છે કેમકે, તે ભક્ત ભગવાન વિના બીજા ફળની ઇચ્છા રાખીને ભગવાનને ભજે છે. ને તે સકામ ભક્ત પણ પોતાને વાંચ્છિત ધર્મ, અર્થ, કામ અને મોક્ષને નિશ્ચય ભગવાન થકી પામે છે. અને તે સકામ ભક્ત દેહ મૂક્યા પછી ભગવાનનાં ગોલોક ધામ તેમાં અવિનાશી અને પોતાને ઇચ્છિત એવા વિવિધ સુખોને ભગવાન થકી પામે છે. બીજા નિષ્કામી ભક્તો તો શ્રીકૃષ્ણ ભગવાનની સેવા વિના સાલોક્યાદિક ચાર પ્રકારની મુક્તિને પણ નથી ઇચ્છતા. તેમજ અણિમાદિક આઠ સિધ્ધિઓને પણ નથી ઇચ્છતા.

એ તો એક ભગવાનની સેવાને જ ઇચ્છે છે. અને ભગવાને પોતે આપવા માંડેલ ચાર પ્રકારની મુક્તિ તથા સિધ્ધિરૂપ જે મોટું ઐશ્વર્ય તેને પણ ભગવાનની સેવામાં વિઘ્ન કરનાર છે એમ જાણીને તે ઐશ્વર્યને તે એકાન્તિક ભક્તો મને કરીને પણ ગ્રહણ કરતા નથી અર્થાત્‌ તે ઐશ્વર્યને લેવાનો પણ સંકલ્પ કરતા નથી. હે બ્રહ્મચારી ! એવી રીતે નિષ્કામભાવે કરીને જે મનુષ્ય ભગવાનને ભજે છે તેને ભક્તોમાં ઉત્તમ જાણવો. અને સર્વ પ્રકારે પૂર્ણકામ જાણવો.

અને તેને તો ભગવાનનું હૃદય જાણવો, અર્થાત્‌ તે ભક્ત ભગવાનને અતિશય પ્રિય જાણવો. એવી રીતે નિષ્કામભાવે કરીને ભગવાનને સેવતો એવો જે એ ભક્ત તેને દિવસ દિવસ પ્રત્યે તે ભગવાનને વિષે પ્રેમ અતિશય વૃધ્ધિને પામે છે અને તે પ્રેમ કોઇ વિઘ્ને કરીને પણ નાશ થતો નથી. અને જેમ ગંગાજીનો પ્રવાહ પોતાને વચમાં અંતરાયરૂપ જે મોટા મોટા પર્વતો તેને પણ ભેદીને અને તેમની અવજ્ઞા કરીને તત્કાળ સમુદ્રને પામે છે પણ વચમાં ક્યાંય અટકતો નથી. તે રીતે નિષ્કામ ભક્તનો પ્રેમ પણ દેશ, કાળ, ક્રિયા, આદિક જે મોટાં વિઘ્નો તેને ઉલ્લંઘીને કહેતાં તે વિઘ્નોને ન ગણીને શ્રીકૃષ્ણ ભગવાનને જ પામે છે. પણ તે ઓછો થાતો નથી. અને તે નિષ્કામ ભક્તની મન આદિક ચાર અંતઃકરણની જે સર્વે વૃત્તિઓ તથા નેત્ર આદિક ઇંદ્રિયોની જે વૃત્તિઓ તે પણ સહજ સ્વભાવે ભગવાનને વિષે જ વર્તે છે, કેની પેઠે તો જેમ બીજાં મનુષ્યનાં અંતઃકરણ અને ઇંદ્રિયોની વૃત્તિઓ માયિક પંચવિષયમાં સહજ સ્વભાવે વર્તે છે તેમ એ ભક્તની વૃત્તિઓ પણ હંમેશાં ભગવાનમાં જ વર્તે છે અને પ્રત્યક્ષ પ્રમાણ એવા જે શ્રીકૃષ્ણ ભગવાનને વિષે જેને અધિક સ્નેહ પ્રાપ્ત થયો હોય એવા નિષ્કામ ભક્તો ભગવાન વિના બીજા કોઇ પદાર્થને વિષે આસક્ત થતા નથી, એક ભગવાનને વિષે જ નિરંતર આસક્ત થઇને વર્તે છે.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે જે શ્રીપુરુષોત્તમગીતા તેમાં ધનવાન ગૃહસ્થાશ્રમી ભક્ત મંદિર કરાવે, તથા મૂર્તિની પ્રતિષ્ઠા કરાવે તથા ભક્તિમાં વિઘ્ન કરે તે સ્વભાવ તથા સંબંધીનો ત્યાગ કરે એ વર્ણન કર્યું એ નામે અગિયારમો અધ્યાય.૧૧ સળંગ અધ્યાય. ૫૧