૪૬ પુરુષોત્તમગીતા અધ્યાય ૬: જ્ઞાનનો મહીમા દેહ ને આત્માનું જુદાપણું.

Submitted by swaminarayanworld on Sat, 21/05/2016 - 8:43pm

અધ્યાય-૪૬ 

હે મુકુંદ બ્રહ્મચારી! હવે જ્ઞાનનો મહિમા કહું છું. મારા આશ્રિત તમો તમોને સુખાકારી અને શાન્તિનું કારણ એવું મારું વચન તેને એકાગ્ર મનથી સાંભળો. શાસ્ત્રમાં કહ્યાં એવાં લક્ષણોથી યુક્ત અને જન્મ-મરણરૂપ મહાદુઃખનો નાશ કરનારા એવા સદ્‌ગુરુ થકી મળ્યું અને શાસ્ત્રમાં કહ્યું એવું જ્ઞાન તે મનુષ્યને અતિશય સુખી કરે છે. અને જેમ એકલો માર્ગને વિષે ચાલતો નેત્ર વિનાનો મનુષ્ય તેને કાંટા આદિક થકી વારંવાર મોટું દુઃખ થાય છે, તેમ જ્ઞાનરૂપ નેત્રથી રહિત અને વિષયને ઈચ્છતો એવો પ્રાણી તેને દુઃસહ એટલે સહન ન થાય તેવું મોટું દુઃખ થાય છે. તે હેતુ માટે કલેશના સમૂહને શમાવનારું અને સજ્જન તેમણે માન્યું એવું મંગળકારી જ્ઞાન સુખને ઈચ્છતા જનોએ પ્રયાસે કરીને સિદ્ધ કરવું. કેમ જે દેહને વિષે અહંકારરૂપી મોટા સર્પે ડસ્યાં એવાં મનુષ્યો તેમને અજ્ઞાનરૂપી ઝેરને શમાવનારું જ્ઞાનરૂપી અમૃત પરમ ઔષધ છે. અને જેમ વાયુ ઘાટાં વાદળાંનો નાશ કરે છે, તેમ મોહ થકી થયું અને દુઃખે કરીને પણ સહન થાય નહિં એવું નાના પ્રકારનું દુઃખ તેને જ્ઞાન તત્કાળ નાશ કરે છે.

અને વાયુ તેણે પ્રેર્યો અને જ્વાળાના તણખાએ કરીને ચારે બાજુ વ્યાપ્ત એવો અગ્નિ જેમ સમગ્ર વનને બાળે છે તેમ જ્ઞાન સમગ્ર પાપને બાળે છે. અને જેમ અંબુદ જે મેઘ તે વનના અગ્નિએ કરીને તપેલાં પ્રાણીઓને શાન્તિ પમાડે છે તેમ ત્રણ પ્રકારના તાપે કરીને તપેલાં પ્રાણીઓને જ્ઞાન અતિશય શાન્તિને પમાડે છે. અને જેમ સૂર્યના ઉદય વિના રાત્રિ નાશ નથી પામતી તેમજ સમગ્ર અજ્ઞાનપણું શુભ જ્ઞાનના ઉદય થયા વિના નાશ નથી પામતું. અને સૂર્ય તથા દીવો અને મશાલ તે બહાર રહેલા અંધારાનો નાશ કરે છે, અને જ્ઞાન તો ભેદાય નહીં એવા હ્યદય રૂપી ગુફામાં રહેલા અજ્ઞાનરૂપી અંધારાને નાશ કરે છે. અને જેમ કમળનાં પત્રને જળ સ્પર્શ નથી કરતું તેમ જ્ઞાને કરીને શોભતા એવા પુરુષના મનને કલેશ કયારેય પણ સ્પર્શ નથી કરતો અને નાના પ્રકારની વિપત્તિના સ્થાનભૂત એવો સંસાર તે અજ્ઞાન છે મૂળ જેનું એવો છે.

એ પ્રકારે ડાહ્યા પુરુષો નિશ્ચય કરે છે. અને કાચબો પોતાના અંગને સંકોચે છે તેમ વિવેકી એવો જે જન તે વિષય થકી જ્ઞાને કરીને ઈંદ્રિયોને પાછી ખેંચી લે છે. અને તે આલોકમાં સુખને પામે છે. પણ બીજા જનો સુખને નથી પામતા. અને કુંતાજીના પુત્રો જેમ લાક્ષાગૃહમાંથી ગુપ્ત દ્વારે કરીને બહાર નીકળ્યા તેમ જ્ઞાની પુરુષો દુઃખના સમૂહમાંથી જ્ઞાનરૂપ ગુપ્ત દ્વારે કરીને સંસાર થકી બહાર નીકળે છે. પ્રાણીઓને સત્ય અસત્યનો વિવેક જ્ઞાન વિના નથી થાતો. માટે જ્ઞાનના સમાન અંતઃકરણને પ્રકાશ કરનારું બીજું કોઈ નથી. અને પ્રાણી જ્ઞાનરૂપી વહાણે કરીને અજ્ઞાનરૂપી મોટા સમુદ્રને તરે છે. અને જ્ઞાન વિના બીજાં પ્રાણીઓ આ લોકમાં અજ્ઞાનરૂપી અંધકારના સમૂહે આવર્યા છે નેત્ર જેમનાં એવા થકા વારંવાર શોક કરે છે. અને કયારેક રાજી થાય છે, અને કલેશને પામે છે, અને ભય પામે છે. જેમ બાળક મૂર્ખપણે કરીને પોતાનાં માતાપિતા આદિકે આપેલી સાકરનો ત્યાગ કરીને ભસ્મ ને ધૂળ તેને ગ્રહણ કરવાને ઈચ્છે છે, અને માતા આદિક નિવારે તો રુવે છે. તેમજ અજ્ઞાની એવા જનો આત્માના સુખનો ત્યાગ કરીને જ્ઞાની પુરુષો તેમને નિવારે તો પણ વિષયને ગ્રહણ કરવાને ઈચ્છે છે. તે હેતુ માટે તે વિષય થકી મોટા દુઃખને પામે છે.

અને જેમ અજ્ઞાની જન જળ થકી ઉત્પન્ન થયેલ સેવાળ આદિક તેણે કરીને ઢંકાયું જે જળ તેને નથી દેખતો તેમ મૂર્ખ એવા જનો મોહે કરીને ઢંકાયું એવું આત્માનું રૂંડું સુખ તેને નથી જોતા. અને જેમ મૂઢ જન ઝાંઝવાનાં જળને પીવા સારુ દોડતા સતા દુઃખને પામે છે, તેમ અજ્ઞાની એવા જનો વિષયની પ્રાપ્તિ અર્થે ભમતા સતા મોટાં દુઃખને પામે છે. અને જેમ મૂઢ પશુઓ તૃણ વડે ઢંકાયેલા કૂપમાં તૃણને લોભે પડીને મૃત્યુ પામે છે. તેમજ અજ્ઞાની જનો સંસારના સુખરૂપી તૃણને લોભે સંસારરૂપી કૂપમાં પડે છે. અને જન્મ-મરણના દુઃખમાં પડે છે. અને જ્ઞાની એવા મહાભાગ્યશાળી જન જળે કરીને પૂર્ણ એવા ગંગા નદીના ધરાની માફક ક્ષોભ નથી પામતા. અને અજ્ઞાનના તુલ્ય બીજું દુઃખ નથી અને જ્ઞાનના તુલ્ય એવું બીજું સુખ નથી. માટે સુખાર્થી પુરુષોએ પ્રયાસે કરીને જ્ઞાન સિદ્ધ કરવું.

હવે મુકુંદ બ્રહ્મચારી પૂછે છે જે, હે સ્વામિન્‌! મોહને શમાવનારું અને નાના પ્રકારના કલેશને નાશ કરનારું અને તમે જેનો મહિમા કહ્યો છે એ જ્ઞાનને મારા પ્રત્યે કહો. ત્યારે શ્રીહરિ ભગવાન બોલ્યા જે, હે મહાબુદ્ધે! સત્શાસ્ત્ર ને સાંખ્યના વક્તા તેમણે જે સાંખ્યજ્ઞાન નિરુપણ કર્યું છે, તે જ્ઞાનને હું તમોને કહું છું. તેને સ્વસ્થ ચિત્તે કરીને તમો સાંભળો. હે મુને! આ દેહ તે માયામય છે. અને તે નાના પ્રકારના વિકારો જે વાત, પિત્ત, કફ, શ્લેષ્મ, રુધિર, પાચ, પરુ એ આદિક કરીને પૂર્ણ ભરેલો છે. અને અસ્થિ, સ્નાયુ, નખ, સ્મશ્રુ, રોમ, કેશ એ આદિકે કરીને યુક્ત છે. અને બાહારથી ત્વચાયે કરીને મઢેલો છે, અને અપવિત્ર છે. અને નવ દ્વાર જે ઈંદ્રિયોનાં છિદ્ર તે દ્વારા નિત્ય મળ નીકળે છે. અને નાના પ્રકારના રોગનો એકજ સ્થાનભૂત છે. અને કલેશના સમૂહને તથા અંગના દોષ જે હસ્ત, પાદ, નેત્ર એ આદિકનું વિકળપણું તેણે યુક્ત અને જડ તથા અનિત્ય છે. અને દુર્ગંધે યુક્ત છે અને જન્મ, મૃત્યુ અને વૃદ્ધાવસ્થા તે સંબંધી દુઃખથી યુક્ત છે અને સમગ્ર અપવિત્ર પદાર્થના સ્થાનરૂપ છે. અને કૃતઘ્ની છે અને ક્ષણભંગુર છે. આવા પ્રકારના દેહ થકી આત્મા જુદો છે, કાષ્ટ થકી જેમ અગ્નિ જુદો છે, તેમ આત્મા નિત્ય અને ચૈતન્યમય છે અને શસ્ત્રાદિકે કરીને છેદાય એવો નથી. અતિ પવિત્ર છે. અજન્મા છે, વિકારે રહિત છે, અવિનાશી છે. જાણપણે યુક્ત છે. અણુ સરખો સૂક્ષ્મ છે. સુખરૂપ છે તથા પ્રકાશમાન છે. આવા પ્રકારનો જે આત્મા તેને દેહથકી જુદાપણે કરીને જે જાણવો તેને સાંખ્યશાસ્ત્રને વિષે કુશળ એવો પુરુષ તે સાંખ્યજ્ઞાન કહે છે.

અને પ્રાણીનો આ દેહ ક્ષણભંગુર અને નાના પ્રકારના દુઃખને રોગ આદિક યુક્ત છે અને પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પંચ ભૂતથી બનેલો છે. અને દેહી જે જીવ તેનો જે દેહ તે તો દ્રવ્ય, જ્ઞાન અને ક્રિયારૂપ છે. એટલે શબ્દાદિક પંચ તન્માત્રા, પંચભૂત, ચાર અંતઃકરણ, દશ ઇન્દ્રિયો અને તેમના દેવતા, એ રૂપ ચોવીસ તત્ત્વનો છે. નાશવંત છે. ઘણા કલેશ તથા નાના પ્રકારના તાપ અને ભય તેને દેનારો છે.

અને આત્મા છે તે સત્ય, ચૈતન્ય અને સુખરૂપ છે. દેહ થકી જુદો છે માટે આત્મા અને દેહ એ બેના સ્વરૂપને જાણનારા ધીરજશાળી જનો નાશવંત દેહ અને અવિનાશી આત્મા તેનો કોઈ પ્રકારે હર્ષ-શોક નથી કરતા અને ચૈતન્ય સ્વરૂપ જે આત્મા તેના સ્ત્રી, પુત્ર તથા પુત્રીઓ અને માતા, પિતા, ભાઇ, આદિ સંબંધીજન કોઇ પણ નથી. અને આત્મા તેને સ્ત્રીઆદિકનો તથા દેહનો તથા સર્વે પદાર્થનો સંબંધ નિત્ય નથી વર્તતો. હે મુકુંદ બ્રહ્મચારી ! આત્માને પ્રાકૃત સ્ત્રી-પુત્રાદિકનો યોગ તો પર્વત અને વૃક્ષની છાયા તેણે યુક્ત સ્થાનને વિષે માર્ગના ચાલનારા જનોની પેઠે અનિત્ય છે.

આ પ્રકારે દેહાદિકનું અનિત્યપણું છે. અને આત્માનું નિત્યપણું છે, એમ સમજીને જ્ઞાની પુરુષ પોતાના સંબંધી પુત્રાદિકનો યોગ અનિત્ય જાણીને તથા સુખરૂપ અને શુભ એવો આત્મા, તેને પોતાનું રૂપ માનીને તુચ્છ અને નાશવંત એવો જે દેહ તેને વિષે અહંભાવ બુધ્ધિનો ત્યાગ કરીને સર્વ પ્રકારે પોતાના આત્માને ચૈતન્યરૂપ માનીને સુખીયા રહે છે. અને દેહાદિકને એમ સમજે છે જે, પૃથ્વીને વિષે વારંવાર મૃત્તિકાના ઘડા જેમ ઉત્પન્ન થાય છે, અને નાશ પામે છે, અને લય પામે છે. અને જેમ જળના પ્રવાહના વેગે કરીને નદીની વેળુ ભેગી થાય છે, અને જુદી પડે છે, તેમ કાળે કરીને સર્વ પ્રાણીઓ પિતા-પુત્રાદિક ઉત્પન્ન થાય છે, અને ક્યારેક નથી થાતા અથવા થઇને મરણ પામે છે. માટે બીજને જેમ પિતા-પુત્રાદિક સંબંધ નિત્ય નથી તેમ મનુષ્ય દેહનો પણ સંબંધ નિત્ય નથી એમ જાણીને ક્યારેય પણ શોક ન કરવો. અને જેમ વાયુ વાદળાંને ભેળાં કરે છે ને જુદાં કરે છે તે જ પ્રકારે કાળ પિતા-પુત્રાદિકના સંબંધે કરીને પ્રાણીઓને ભેળાં કરે છે અને કર્મનો સંબંધ થઇ રહે છે એટલે જુદાં પણ કરે છે. અને અનિત્ય એવા જે દેહાદિક ભાવ છે તે ક્યારેય સત્ય નથી.

અને આત્માદિક નિત્ય એવા જે ભાવ છે તે તો ક્યારેય અસત્ય નથી. અને ચંચળ શબ્દાદિક વિષયો તથા રાજાદિકની વિભૂતિયો અને તે ઉપરાંત બીજાં પ્રકૃતિમાંથી થયા એવાં પદાર્થો તે સમગ્ર શોક, મોહ, ભય અને પીડા તેને દેનારા છે, અને ક્યારેક જીવ પુરુષ થાય છે, અને ક્યારેક સ્ત્રી થાય છે, અને ક્યારેક બેય નથી થાતો. ને ક્યારેક દેવ, ક્યારેક મનુષ્ય, ક્યારેક પશુ, ક્યારેક પક્ષી થાય છે. એવી રીતે કર્મને અનુસારે જન્મ થાય છે. માટે જ્ઞાની પુરુષોએ તો પુત્રાદિક સંબંધી જનો તે અસત્ય છે, આવા પ્રકારની બુધ્ધિએ કરીને રુડી રીતે નિશ્ચય કરીને પુત્રાદિકનો શોક કરવો તે યોગ્ય નથી. તે જ્ઞાન કેવું છે તો નિરંતર ઉપશમ અવસ્થાને પ્રાપ્ત કરાવનાર અને નિર્મળ અભિપ્રાયવાળાઓના સર્વ તત્ત્વના સ્વરૂપને પ્રકાશ કરનારું છે.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે જે પુરુષોત્તમ ગીતા, તેમાં જ્ઞાનનો મહિમા કહ્યો તથા દેહથી આત્મા જુદો કહ્યો એ નામે છઠ્ઠો અધ્યાય. ૬ સળંગ અધ્યાય. ૪૬