૯. માનકુવે પધાર્યા, કથા કરતાં બ્રાહ્મણ રિસાણો તે પ્રાગજીદવેને કથા વાંચવા રાખ્યા, છાના ઘેરથી ચાલી નીકળ્યા, કાળાતળાવ પધાર્યા, સમેજાને સમાધી.

Submitted by swaminarayanworld on Tue, 03/05/2016 - 3:22pm

અધ્યાય- ૯

શ્રીજીમહારાજ ત્યાંથી માનકુવે પધાર્યા, ને ત્યાં થોડાક દહાડા રહીને તેરે પધાર્યા. ત્યાં સુતાર નોંઘાને ઘેર ઉતર્યા, ને શ્રીહરિ ત્યાં બ્રાહ્મણ પાસે કથા વંચાવતા હતા. તે જ્યારે વાંચવા બેસે ત્યારે વિપ્ર બોલે જે, હે મહારાજ! તમને કાંઈક સંશય થાય તો પૂછજો. એમ નિત્ય કહે. પછી એક દિવસે મહારાજે એવો પ્રશ્ન પૂછ્યો જેનો બ્રાહ્મણથી ઉત્તર ન થયો. એટલે એક તો કચ્છ દેશનો ને વળી ભણેલો અને બ્રાહ્મણ, પછી તેણે મહારાજને કહ્યું જે, તમે ભરી સભામાં મારી લાજ લીધી. એમ કહીને પોથી બાંધીને રિસાઈને ચાલ્યો ગયો.

પછી બીજે દિવસે શ્રીહરિએ તેને માણસ મોકલીને બોલાવ્યો, તો પણ આવ્યો નહિ. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, અમારે કથા વિના નહિ ચાલે. એ વખતે ત્યાં પ્રાગજી દવેની મા દર્શન કરવા આવ્યાં હતાં, તેને મહારાજે પૂછ્યું જે, તમારો પ્રાગજી અમારી પાસે કથા વાંચશે ? ત્યારે ડોશી બોલ્યાં, એ તો હમણાં જ સારસ્વત્‌ ભણી રહ્યો છે. તે કાવ્ય ભણ્યા પછી પુરાણના ગ્રંથ ભણે, ત્યારે કથા વાંચવાની ઉક્તિ થાય, કથા પણ ત્યારે જ કરી શકે. ત્યારે શ્રીહરિએ કહ્યું, એને અમારી પાસે બોલાવો, જેવી આવડશે તેવી કથા કરશે. પછી તેને બોલાવ્યો. તું અમારી પાસે કથા વાંચીશ ? ત્યારે તેણે પોતાની માની પેઠે જ ઉત્તર આપ્યો. શ્રીહરિએ કહ્યું, જેવું આવડે તેવું વાંચ. પછી શ્રીમદ્‌ ભાગવતની કથા શરૂ કરી. તે કથાની સમાપ્તિ થઈ રહ્યા પછી તેરેથી શ્રીહરિ કચ્છ દેશમાં જ્યાં જ્યાં ફરતા ત્યાં ત્યાં પ્રાગજી દવે પાસે કથા કરાવતા. એવી રીતે કચ્છ દેશમાં ફરીને ગુજરાત થઈને જ્યારે મહારાજ ગઢડે પધાર્યા ત્યારે પણ પ્રાગજીને સાથે લઈને ગયા. પછી તેની પાસે મહારાજે ભાગવતાદિક અષ્ટાદશ પુરાણ તથા અષ્ટાદશ સ્મૃતિ તથા કેટલાક વેદના ગ્રંથો તથા પદ્મનાભાનંદ સ્વામી સંન્યાસી પાસેથી કેટલાક અજાણ્યા દેશાંતરમાંથી પ્રાચીન ગ્રંથો મંગાવીને વંચાવ્યા ને તેણે મહારાજ આગળ વાંચ્યા. મહારાજે તેને એવું સામર્થ્ય આપ્યું, તે કેટલાક કાવ્યપ્રકાશ આદિક કાવ્યગ્રંથો તથા અલંકારના ગ્રંથો તે ભણ્યા વિના પણ કેટલાક તેની પાસે વંચાવ્યા, તે નિત્યાનંદસ્વામી જેવા પંડિત હોય, તેમનાથી પણ વિચાર્યા વિના કથા થાય નહિ, ને આ તો મહારાજના પ્રતાપથી વિચારવું ન પડે, ને અશુધ્ધ હોય તે શુધ્ધ વંચાય, તથા અર્ધો-પોણો-પા શ્લોક હોય તે સંપૂર્ણ વંચાઇ જાય. ને મહારાજના પ્રતાપથી એક આસને એક પલાંઠીયે મહારાજ આગળ નિત્યે વીશ-પચીસ અધ્યાય વાંચે. પણ માથું તથા કેડ ન દુઃખે ને થાક પણ લાગે નહિ. એવું એને શ્રીહરિએ સામર્થ્ય આપ્યું. તે કહ્યું છે કે, मूकं करोति वाचालं એવી રીતે સહજાનંદ સ્વામીએ તેરામાં પોતાના પ્રતાપે પ્રાગજી દવે પાસે કથા વંચાવવાનો પ્રારંભ કરાવ્યો, ને કથા ચાલતી કરી. તે દવે પ્રાગજી શ્રીમદ્‌ ભાગવતની કથા કરતા.

પછી સુતાર નોંઘાએ પોતાને ઘેર રસોઇ કરાવીને શ્રીહરિને પગે લાગીને હાથ જોડીને કહ્યું જે, ‘હે મહારાજ! થાળ થયો છે તે જમવા પધારો.’ પછી શ્રીહરિ જમવા પધાર્યા ને જમીને ચળુ કર્યું. પછી સુતાર નોંઘે સાધુ, પાળા તથા સત્સંગી સર્વેને જેમ ઘટે તેમ જમાડ્યા. પછી શ્રીહરિએ સાધુઓને આજ્ઞા કરી જે, ‘તમારે ઝોળી માગીને ગોળા વાળીને જમવું. તેમાં અન્ન પૂરું ન થાય તો સાધુ ગામમાં માગવા જાય. તે જો પૂરું ન થાય તો સત્સંગી જોઇયે તેટલું આપી પૂરું કરે. ને શ્રીહરિને તો સત્સંગી વારાફરતી થાળ કરીને પ્રીતિ સહિત નિત્ય પ્રત્યે જમાડતા, બહારગામથી સત્સંગી આવે તેમને પણ સત્સંગી નિત્યે જમાડતા ને સત્સંગીઓ કથા સાંભળતા. પછી શ્રીજીમહારાજે શ્રીમદ્‌ ભાગવતમાંથી જે શ્લોક પોતાની નજરમાં આવે તે જોઇને પોતે પાનાં આશરે પાંચસો લખાવ્યાં છે. તે પાનાં પ્રસાદીનાં શ્રી ભુજ મંદિરમાં અક્ષરભુવનમાં પધરાવેલ છે.

તેરાના રાજા દેવોજી તે પણ કથા સાંભળવા ઘણા દિવસ આવતા. તેને શ્રીહરિ જ્ઞાનવાર્તા સંભળાવતા. એક દિવસ અર્ધી રાત્રી ગયા પછી સર્વે મનુષ્યો સૂઇ રહ્યાં તે કેડે પોતે તથા મૂળજી બ્રહ્મચારી તથા ડુંગરજી એ ત્રણ ત્યાંથી ચાલી નીકળ્યા, ને દરવાજે ગયા. ત્યારે દરવાજા બંધ કરેલા હતા. ત્યારે મુળજી બ્રહ્મચારીએ કહ્યું જે, દરવાજે તથા બારીએ તાળાં દીધાં છે. તે બહાર કેમ જવાશે ? ને ચોકિયાત પણ બેઠો છે. તે સાંભળી શ્રીહરિએ આજ્ઞા કરી જે, તમે બારીમાં તાળાંને હાથ ફેરવી તો જુઓ, તાળું તો ઉઘાડું પડ્યું છે. ને ચોકિયાત પણ કોઇ નથી. પછી બ્રહ્મચારીએ જોયું ત્યાં તો બારીનું તાળું ખુલ્લું હતું. પછી તે બારીને ધીરેથી ખોલીને ત્રણ જણા નીકળ્યા. અને બારીને વાસી દઇને ચાલ્યા તે ત્રણે ખેતરમાં જઇને બેઠા. પછી શ્રીહરિએ બ્રહ્મચારીને કહ્યું જે, તમે બે જણા સૂઇ જાઓ ને અમે જાગીશું. ત્યારે બ્રહ્મચારીએ કહ્યું જે, તમો પોઢી જાઓ અમે જાગીશું. પછી શ્રીહરિ પોઢ્યા ને બ્રહ્મચારી ને ડુંગરજી એ બે જણા જાગવા લાગ્યા. જાગતાં જાગતાં ઊંઘ આવવા લાગી. તે જોઇને શ્રીહરિએ ઊઠીને કહ્યું જે, તમે બે જણ સૂઇ રહો હવે અમે જાગશું. પછી તે બે જણ સૂઇ રહ્યા. તે કેડે શ્રીજીમહારાજ ઊઠીને ચાલી નીકળ્યા અને સિંધ જવાનો વિચાર કર્યો. પછી ગામ તેરાના હરિભક્તો સર્વે જાગ્યા. ત્યાં તો શ્રીહરિને પલંગ પર દીઠા નહિ. ત્યારે સર્વે આકુળ-વ્યાકુળ થઇને ખોળવા નીકળ્યા. સર્વે હરિભક્તોનાં ઘર ફરીને જોયાં પણ ક્યાંય શ્રીહરિનો પત્તો મળ્યો નહિ ત્યારે દરવાજે ગયા. ત્યાં તો દરવાજે અને બારીએ તાળાં વાસેલાં જોઇને ચોકિયાત બેઠો હતો તેને સુતાર સિંધજીભાઇએ પૂછ્યું જે, અહીં કોઇ ત્રણ જણા આવ્યા હતા ? ત્યારે ચોકિયાતે કહ્યું, અહીં તો કોઇ નથી આવ્યું અને દરવાજે ને બારીએ તો તાળાં વાસ્યાં છે તે કેમ કરીને બહાર જાય ? પછી તે સર્વે હરિભક્તો ઉદાસ થઇને પાછા ઘેર આવીને સૂઇ ગયા.

હવે ખેતરમાં ઊંઘેલા બ્રહ્મચારી તથા ડુંગરજી એ બન્ને જણા જાગ્યા ત્યાં તો શ્રીહરિ દીઠા નહિ. તે વખતે બન્ને જણા રોવા લાગ્યા. ને ઉદાસ થઇ ગયા. રાત્રી પણ પાછલી બે ઘડી હતી ત્યારે શ્રીહરિનાં ચરણારવિંદ જોતા જોતા ચાલ્યા. જ્યારે શ્રીહરિનાં પગલાં માર્ગને વિષે ન દીઠાં, પછી વેરાન માર્ગમાં દીઠાં ત્યારે ચાલતે ચાલતે શ્રીહરિએ પગમાં મોજડી હતી તે માર્ગમાં પડતી મૂકેલી તેને જોઇને એ બન્ને જણાએ લઇ લીધી. પછી ખોળતાં ખોળતાં દિવસ ચાર ઘડી રહ્યો ત્યાં સુધી ખોળ્યા. પછી તો શ્રીહરિનાં ચરણારવિંદ પણ દીઠાં નહિ. પછી તે આશા મેલીને બન્ને જણ પાછા વળ્યા તે કાળા તળાવે જવા લાગ્યા. પછી શ્રીહરિ ત્યાંથી ચાલતે ચાલતે મધ્યાહ્ન સુધી ઉજ્જડ માર્ગે સિંધને સામે ચાલ્યા.

પછી જખૌના સમુદ્રને પામ્યા. તે સમુદ્રમાં બાર ગાઉ ચાલ્યા ત્યારે સમુદ્રે મૂર્તિમાન આવીને ઘણીક પ્રાર્થના કરી. પછી શ્રીહરિને એમ વિચાર થયો જે, અમારા સર્વે હરિભક્તો અમ વિના રોતા હશે એમ વિચારીને પાછા સાંજે ગામ કાળાતળાવની સીમમાં આવ્યા. ત્યારે ત્યાં એક સમેજો હળ હાંકતો હતો, તેને શ્રીજી મહારાજે પૂછ્યું જે, પાણી ક્યાં છે ? અમને બતાવો, અમને તરસ બહુ લાગી છે. પછી તે સમેજે હળ ઊભુ રાખીને શ્રીહરિને પાણી બતાવ્યું. ત્યારે તે પાણીમાં પોતાના હાથ તથા ચરણારવિંદ ધોઇને પાણી પીને શ્રીહરિએ તે સમેજા ઉપર કૃપાદૃષ્ટિ કરી. ત્યારે તે સમેજાને સમાધિ થઇ ગઇ. પછી જ્યારે સમાધિથી જાગ્યો ને શ્રીહરિ સામું જોઇને હળ હાંકવા માંડ્યો ત્યાં પણ મૂર્તિ દેખાણી. પછી બોરડી ખોદવા માંડ્યો ત્યાં પણ મહારાજની મૂર્તિ દેખી. ત્યારે મુંઝાઇને સૂઇ રહ્યો. ત્યાં સોડ્યમાં પણ મૂર્તિ દેખાણી. પછી મહારાજ ચાલ્યા ત્યારે સમેજો પણ કેડે ચાલ્યો. ત્યારે શ્રીહરિએ કહ્યું, તમે તમારું કામ કરો. અમારી કેડે આવશો નહિ. ત્યારે તે સમેજો બોલ્યો જે, હે મહારાજ ! હું જ્યાં જોઉં છું ત્યાં તમારી મૂર્તિ જ દેખું છું. બીજું કાંઇ પણ દેખતો નથી. તો હવે ક્યાં જાઉં ? હું તમોને નહીં મેલું, ને જો મેલું તો તમારા ભેળું પાછું કેમ થવાય. ને દર્શન પણ કોઇ દિવસ થાય નહિ. માટે હે મહારાજ ! હું તમને નહિ મેલું.

ત્યારે શ્રીહરિએ કહ્યું જે, અમે ગામ કાળાતળાવમાં સુતાર ભીમજીને ઘેર ઉતરશું ત્યાં તમે આવજો, ત્યાં અમારાં દર્શન થશે. પછી શ્રીહરિએ એક કલાક દિવસ રહ્યો તે પહેલાં ભીમજીને ઘેર પધાર્યા અને તેમને કહ્યું જે, અમારા પગમાં કાંટા બહુ વાગ્યા છે માટે કાઢો, ને તેરાના હરિભક્તોને ખબર કરો જે, મહારાજ અહીં આવ્યા છે. પછી ભીમજી સુતારે ગામ તેરે માણસ મોકલાવ્યો. પછી સુતાર હરભમે શ્રીહરિનાં ચરણારવિંદ પોતાના ઢીંચણ ઉપર મૂકીને કાંટા અઢાર કાઢ્યા. પછી શ્રીહરિને બાજોઠ ઉપર બેસાડી ગરમ પાણીથી નવડાવ્યા. પછી ખીચડીને કઢી સારી પેઠે જમાડ્યાં. પછી ચળુ કરીને આથમણા ઓરડાને ઉગમણા બાર ઢોલિયો ઢળાવીને તે ઉપર શ્રીહરિને પધરાવ્યા. પછી સર્વે સત્સંગીઓ આવીને ચોતરફ બેઠા અને હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા જે, હે મહારાજ ! અમે તો ક્યાંય ને ક્યાંય રઝળતા હતા તે કોણ જાણે ક્યાંય જાત. અત્યારે અમારા ઉપર કૃપા કરીને ખોળી લીધા ને અમને કૃતાર્થ કર્યા ને અમારાં ઘર પણ તમારા ચરણની રજે કરીને પવિત્ર થયાં. અને અમારો જન્મ પણ આજે સફળ થયો. એમ વિનંતી કરે છે ત્યાં તો તેરાના સત્સંગીઓ આવ્યા અને શ્રીહરિને પગે લાગીને બેઠા. ને બોલ્યા જે, હે મહારાજ ! અર્ધી રાત્રે ઊઠીને ચાલી નીકળ્યા તે અમો ખોળી ખોળીને થાક્યા પણ ક્યાંય મળ્યા નહિ. ને પાછા પણ આવ્યા નહિ ને જ્યારે આપનાં દર્શન થયાં ત્યારે શાંતિને પામ્યા. રસ્તાનો થાક પણ સર્વે ઉતરી ગયો. ત્યારે શ્રીહરિએ કહ્યું, રાત્રી અર્ધી ગઇ છે માટે હવે સર્વે સૂઇ જાઓ. પછી સર્વે ઊઠ્યા ને મહારાજ પોઢ્યા અને પ્રભાતે ઊઠીને ઢોલિયા ઉપર વિરાજમાન થયા અને સર્વે સત્સંગી દર્શને આવ્યા અને મહારાજને પગે લાગીને બેઠા.

પછી શ્રીહરિ વાતો કરવા લાગ્યા જે, માયિક પદાર્થો ખોટા છે અને નાશવંત છે, અને જીવાત્મા અજરઅમર છે, અવિનાશી છે. તે ભગવાનનો આશરો કરીને ભજન-સ્મરણ કરે તો ભગવાનના ધામને પામે અને જન્મ-મરણ થકી મૂકાઇ જાય. અને ફરીને માતાના ઉદરમાં આવવું ન પડે. એમ શ્રીજીમહારાજે ઘણા પ્રકારની વાતો કરી. પછી ત્યાંથી નાવા પધાર્યા. સત્સંગી સર્વે નાવા ચાલ્યા. નાહી ધોઇ સર્વે પાછા આવ્યા ને ઘડીકવાર બેઠા ત્યારે રસોઇ તૈયાર થઇ. તે વખતે સુતાર ભીમજીએ આવીને કહ્યું જે, હે મહારાજ ! રસોઇ તૈયાર થઇ છે. માટે જમવા પધારો. પછી શ્રીહરિ જમવા પધાર્યા. આથમણે બાર ઓરડાની ઓસરીયે જમવા બેઠા. પછી જમીને ચળુ કરીને ઊઠ્યા તે ઢોલિયા ઉપર વિરાજમાન થયા. ને પછી સાધુ, સત્સંગી તથા પાળા સર્વેને જમાડ્યા, જમીને સત્સંગી સર્વે દર્શન કરવા આવ્યા. ત્યાં એક સમેજો આવ્યો. તેણે સુતાર ભીમજીને પૂછ્યું જે, તમારા ઘેર અલ્લા છે ? ત્યારે સુતાર ભીમજીએ કહ્યું જે, અમારા ઘેર અલ્લા તો નથી પણ એક સાધુ છે. ત્યારે તે બોલ્યો, એ સાધુ મને દેખાડો. ત્યારે તેને મહારાજનાં દર્શન કરાવ્યાં ત્યારે સમેજે કહ્યું, આ જે સાધુ બેઠા છે તે પોતે અલ્લા છે. તે અલ્લાને તમે છાના કેમ રાખો છો ? એમ કહીને બહુ જ બોલવા લાગ્યો. ત્યારે શ્રીજી મહારાજે તેને કહ્યું જે, તું તારા મનમાં સમજી રાખ જે તારે બહુ બોલવું નહિ. અમે તને ભીસ્તમ (બહિસ્ત-સ્વર્ગ)માં મોકલશું પછી તે સમેજો ત્યાંથી ચાલી નીકળ્યો, તો પણ તેણે સાત દિવસ સુધી જ્યાં જુએ ત્યાં મહારાજની મૂર્તિને જ દીઠી પણ બીજું કાંઇ ન દેખ્યું. એમ સાત દિવસ સુધી ચાલ્યું. પછી મટી ગયું. એમ શ્રીહરિ સુતાર ભીમજીને ઘેર નિરંતર રહીને જ્ઞાનવાર્તા કરતા અને ભીમજી શ્રીહરિને થાળ કરી હમેશાં જમાડતા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે ગામ તેરે કથા કરતાં કરતાં બ્રાહ્મણ રિસાણો. પછી મહારાજે પ્રાગજી દવે પાસે કથા કરાવી અને ગામ કાળે તળાવ ભીમજી સુતારે જમાડ્યા એ નામે નવમો અધ્યાય. ૯