ધર્મકુંવર હરિકૃષ્ણની રે મૂર્તિ મારે મન માની (૪)

Submitted by swaminarayanworld on Fri, 08/04/2016 - 5:37pm

રાગ - ગરબી

પદ - ૧

ધર્મકુંવર હરિકૃષ્ણની રે મૂર્તિ મારે મન માની;

જીવન જોયા લાગ છે રે. ટેક.

તરૂણ મનોહર મૂર્તિ રે, રેખા ઊઠે નાની નાની. જીવન૦ ૧

મસ્તકે મુગટ જડાવનો રે, કુંડલ મકરાકાર. જીવન૦ ૨

કેસર તિલક લલાટમાં રે, જોઈ જોઈ વાધે પ્યાર. જીવન૦ ૩

ઊરમાં અનુપમ ઉતરી રે, કંચન કેરી અનુપ. જીવન૦ ૪

રતને જડીત બાજુ બાંધીયા રે, સુરનર મુનિના ભૂપ. જીવન૦ ૫

વેઢ વટી કડાં સાકળાં રે, શોભેછે કરવરમાંય. જીવન૦ ૬

પ્રેમાનંદ છબી ઊપરે રે,  તન મન ધન બલ જાય. જીવન૦ ૭

 

પદ - ૨

મદન મનોહર મૂર્તિ રે, રાજહંસ ગતી ચાલ;

નિરખી નેણાં ઠરે રે. ટેક.

જરકસી જામો પહેરીયો રે, સોનેરી સુરવાલ. નિરખી૦ ૧

કનક રેટો કમરે કશ્યો રે, કરમાં રેશમી રૂમાલ. નિરખી૦ ૨

કનક હીંડોળે હિંચતા રે, શોભે છે ધર્મનો લાલ. નિરખી૦ ૩

પુરુષોત્તમ પરિબ્રહ્મને રે, જોવા મળ્યું સર્વ જક્ત. નિરખી૦ ૪

નારી નરનો પાર નહીં રે, લાખો મુનિ હરિભક્ત. નિરખી૦ ૫

વ્રતપુરીના ચોકમાં રે, જાદવરાય જોવાય. નિરખી૦૬

ઘોડલાની ઘુંમરમાં જોઈને રે, પ્રેમાનંદ વારી જાય. નિરખી૦ ૭

 

પદ - ૩

નવીન આંબાનું જોડલું રે,  તે વચ્ચે અતિ અભિરામ;

હિંડોળો હેમનો રે. ટેક.

બાંધ્યો બેઊ આંબા ડાળમાંરે, સુંદર શોભાનું ધામ. હિંડોળો૦ ૧

રમણિક હિંડોળા તણીરે, શોભા કહી નવ જાય. હિંડોળો૦ ૨

શોભા ત્રિભુવનરાયની રે, ઊગી ઊઠી હરખાય. હિંડોળો૦ ૩

હિંડોળામાં શ્રીહરિ રે, શોભે છે સૂર્ય સમાન. હિંડોળો૦ ૪

કરે લીલા ભાત ભાતનીરે, પુરુષોત્તમ ભગવાન. હિંડોળો૦ ૫

જોઈ મૂરતિ મહારાજનીરે, લોચન  તૃપ્ત ન થાય. હિંડોળો૦ ૬

પ્રેમાનંદ હરિ ઊપરે રે,  તન મન પ્રાણ વારી જાય. હિંડોળો૦ ૭

 

પદ - ૪

કનક છડી લઈ કરમાં રે, ઊભા હિંડોળે નાથ;

ધર્મ સુત લાડીલો રે, ટેક .

મુનિવર હરિજન ઊભલા રે, ચારે પાસે જોડી હાથ. ધર્મ૦ ૧

કેશર ચંદન કંકુ લઈને રે, સરસ કુસુમના હાર. ધર્મ૦ ૨

અગર ધૂપ દીપ આરતી રે, ઉતારે કરી પ્યાર. ધર્મ૦ ૩

હાર પેરાવે હેતમાં રે, હરિજન ઊભા અપાર. ધર્મ૦ ૪

કર ચરણે કરી કેટલા રે, લે છે ધર્મકુમાર. ધર્મ૦ ૫

કેટલાક લે છડીએ કરી રે, હાર હરિ ઘનશ્યામ. ધર્મ૦ ૬

પ્રેમાનંદ ગાય નિરખી રે, નિર્ગુણના ગુણ ગ્રામ. ધર્મ૦ ૭

Facebook Comments