મંત્ર (૯૪) ૐ શ્રી અજાતવૈરિણે નમઃ

Submitted by swaminarayanworld on Wed, 02/03/2016 - 9:33pm

મંત્ર (૯૪) ૐ શ્રી અજાતવૈરિણે નમઃ

શતાનંદસ્વામી કહે છે- હે પ્રભુ ! તમે અજાતવૈરી છો તમારો કોઇ વૈરી નથી, તમે કોઇને વૈરી માનતા નથી, તમે અજાત શત્રુ છો, દુનિયામાં તમારો કોઇ શત્રુ જ નથી, બધા હેતુ જ છે. કદાચ તમારા ઉપર કંસ જેવા, રાવણ જેવા, સુબા જેવા વૈર કરે પણ તમે તેના સાથે વૈર કરતા નથી, આખું જગત તમારા મને હિતેચ્છુ છે. કદાચ માનવીના મગજમાં શંકા થાય કે- પ્રભુનો કોઇ વૈરી નથી, તો રાવણ, કંસ, હિરણ્યાકશિપુ વિગેરેની સાથે યુધ્ધ કેમ કર્યું ? શા માટે મારી નાખ્યા ? તો પ્રભુએ માર્યા તેને પણ તાર્યા છે. તરછોડ્યા નથી, અપનાવ્યા છે, સદ્‌ગતિ આપી છે.

પૂતના ઝેર પાવા આવી તો, પ્રભુએ એને માતા જશોદાના જેવી ગતિ આપી, વૈર હોય તો માના જેવી ગતિ ન આપે, જીવ ઇશ્વરથી કદાચ વૈર કરે, પણ પ્રભુ જીવપ્રાણી માત્ર પર વૈર રાખતા નથી. પ્રભુની દૃષ્ટિએ કોઇ વૈરી છે જ નહિ, પ્રભુમાં વેર-ઝેર ક્રોધ, અધર્મ સર્ગ હોય નહિ, એના ધામમાં પણ વૈર નથી, ત્યાં રહેલાં પશુ પક્ષીમાં પણ વૈર નથી, બધા સાથે જ રમે છે.

જનમંગલના એકએક મંત્ર એક બીજાથી ચડિયાતા છે. આ કથા સાંભળે કે વાંચે એના અતરના તાળાં ઉઘડી જાય, અતરમાં અંજવાળાં થાય, એવી કથા છે. આ મંત્ર સમજવા જેવો છે. સમજાઇ જાય તો આ ને આ દેહે મુક્તિ થઇ જાય. આ દુનિયામાં આપણે જોઇએ છીએ, એક મા-બાપના દીકરા સગાભાઇ, કોર્ટે ચડતાં હોય છે. ત્યારે એમ થાય કે- એણે શું સત્સંગ પચાવ્યો ? જમીન માટે ને વારસા માટે ઝઘડતાં હોય છે. સત્સંગ પચાવ્યો હોય તો સગાભાઇ કોર્ટે કેમ જાય ? પછી ત્રીજી વ્યક્તિ કહે એ નિર્ણય સ્વીકારે. પણ બે ભાઇઓમાં એટલી તાકાત કેમ નથી કે સાથે બેસીને સમાધાન કરી લે. એવી બાબતો માટે આ મંત્ર ખૂબજ પ્રેરણાદાયી છે. મારું અને તારું શરૂ થાય ત્યારે ઝઘડા વધે.

મારું અને તારું એ કાતરના બે પાંખીયાં છે. બે ભાઇઓ વચ્ચેના અંતૂટ સંબંધો કાપી નાખે છે. કાતર ક્યારેય પણ સીવવાનું કામ ન કરે, બે ભાઇ વચ્ચે પ્રેમનો અને લાગણીનો મજબૂત તંતુ હોય, પરંતુ જ્યાં મારું અને તારું એ બે પાંખીયાં કામ કરવા લાગે, એટલે તરત બે ભાઇ વચ્ચેના સંબંધો કપાઇ જાય છે. મતભેદો વધી જાય છે. લોહીનો સંબંધ ટકાવી રાખવો અને સત્સંગનો સંબંધ પણ ટકાવી રાખવો, એ ડાહ્યા માણસનું કામ છે.

બે સગા ભાઇ હતા, ખૂબ સંપીલા સાથે જમવા બેસે. એક ભાઇ ઘેર ન આવ્યો હોય તો બીજો રાહ જુવે. કોઇ વ્યવહારના કારણે કોઇ મતભેદ ઊભા થયા, હિસાબમાં મારું તારું થયું, હવે ભાઇ ભાઇ સામા મળે તો મોઢું આડું કરીને ચાલ્યા જાય, પણ બોલે નહિ. એક દિવસ પરસ્પર કહેવા લાગ્યા કે- તમે મને દબાવતા રહો છો. નાનો ભાઇ કહે તમે મને દબાવો છો.’’ આમ ૪-૫ કલાક ઝઘડ્યા પછી છૂટા પડી ઘેર ગયા, જ્યારે મગજમાંથી ગરમી ઓછી થઇ, ત્યારે મોટા ભાઇને વિચાર થયો કે- ગમે તેમ હોય તોય હું મોટો. એ મારો નાનો ભાઇ છે, કદાચ બે શબ્દો બોલ્યો એમાં શું થઇ ગયું ?

કાયમને માટે મારા પડતાં બાલે ને એણે ઝીલ્યા છે, માટે સહન કરવું જાઇે એ, નાના ભાઇ સાથે ઝઘડું એમાં સારું નહિ. સત્સંગી તરીકે મને લાંછન લાગે, જગતમાં ખોટું લાગશે કે- આ સ્વામિનારાયણિયો સગાભાઇથી ઝઘડ્યા કરે છે. શરમ આવે એવી વાત છે. હું એને ધમકાવું તો મોટા ભાઇ તરીકેની મોટાઇ શોભતી નથી. આ રીતે આખી રાત પસ્તાવો થયો તેથી ઉંઘ આવતી નથી, ધિક્કાર છે મારી વાણીને !

બીજું તો બધું ઠીક પણ મારા ઇષ્ટદેવ પણ મારી ઉપર નારાજ થશે. આખી રાત રડતા રડતા પસાર કરી. સવારે વહેલા ઊઠી, નાહી ધોઇ માનસીપૂજા કરવા બેઠા, ત્યારે પ્રભુને પ્રાર્થના કરી, હે પ્રભુ ! તમે કહ્યું છે કે- કોઇને દુભવવો નહિ, આજે તો મેં મારા નાના ભાઇને દુભવ્યો છે. ધીરજ ગુમાવીને ધમાલ કરી છે, હવે પ્રભુ ! મને એવી સદ્‌બુધ્ધિ દેજો કે કોઇ મારા જીવનથી દુઃખી ન થાય. અને રડવું ન પડે. આમ કરતા આંખમાં આંસુ ભરાઇ આવ્યાં. ભગવાન અંતરનો નાદ સાંભળી તરત તેની પાસે આવ્યા, અને માથા ઉપર હાથ પધરાવ્યો. અરે !!! ઓચિંતો મારા માથા ઉપર કોણે હાથ મૂક્યો ? જ્યાં નજર કરી ત્યાં પ્રગટ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન થયાં, ભગત ચરણમાં મસ્તક ધરીને દંડવત પ્રણામ કર્યાં.

-: આ દૂધપાક અમને નહિ ભાવે :-

ભક્તે તરત ઉઠીને પ્રભુને આસન પર બેસાડ્યા, અને પ્રભુની આગળ દધૂ પાક પીરસ્યો. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું- ‘‘ભગત ! એકલા એકલા જમાય નહીં, જાવ તમારા નાના ભાઇને બોલાવી લાવો ! આપણે બધા સાથે બેસીને જમીએ. મોટા ભાઇ દોડતાં દોડતાં નાના ભાઇને ઘેર આવ્યા; ‘‘ભાઇ ! ચાલ અમારે ઘેર, શ્રીજીમહારાજ બેઠા છે તે તને બોલાવે છે.’’ નાના ભાઇને રીસ હતી કે- આજથી મોટા ભાઇના ઘરમાં પગ ન દઉં, પણ ભગવાન બોલાવે છે. તો જવું જ જોઇએ, તરત મોટા ભાઇને ઘેર આવ્યા.

શ્રીજીમહારાજે બે ભાઇને બાજુબાજુમાં બેસાડીને કહ્યું તમે બે સગાભાઇ થઇને ઝઘડા કરો છો તે સત્સંગીને શોભે નહિ, આ દૂધપાક અમને નહિ ભાવે, અમને તો જેના ઘરમાં સંપ હોય, સ્નેહ હોય, મતભેદ ન હોય તેના ઘરનું ભોજન ભાવે, તમે સમજુ થઇને અરસપરસ વૈર ઝેર શા માટે ઊભાં કરો છો ? નાની સુની વાતમાં વૈરનાં બીજ શા માટે વાવો છો ? તમે અમારા ભગત છો, કંઠમાં કંઠી છે, લલાટમાં ચાંદલો છે, ઘરમાં પૂજા છે, મુખમાં હરિનું નામ છે, સવાર સાંજ મંદિરે દર્શન કરવા જાઓ છો, ભેટ ધર્માદા અર્પણ કરો છો છતાં આવા ઝઘડા કરો તે સત્સંગીને શોભે નહિ.’’

મોટા ભાઇ ધુસ્કે ધુસ્કે રડી પડ્યા, ‘‘મહારાજ ! અમારો વાંક છે, હવે આવું નહિ કરીએ, પાણીના લીટાની જેમ ભળી જશું,’’ મોટા ભાઇને રડતાં જોઇને નાના ભાઇએ મોટા ભાઇના પગ પકડી લીધા, મોટા ભાઇ મારો વાંક છે, તમે રડો નહિ, મને માફ કરો, આજથી હું વધઘટ ક્યારે નહિ બોલું એમ કહી મોટાભાઇને બાથમાં લઇ ભેટીને પગે લાગ્યા.

શ્રીજીમહારાજે કહ્યું, ‘‘જે થયું તે હવે રડો નહિ, ચાલો, આપણે સાથે બેસીને જમી લઇએ.’’ બધા સાથે બેસીને જમ્યા, પ્રભુ અજાતવૈરી છે. અને ભક્તજનોને ઉપદેશ આપે છે કે- તમે પણ વેર ઝેર રાખશો નહિ, વૈર બહુ ખરાબ છે. જેના ઘરમાં વેરઝેર હોય, તેનો થાળ પ્રભુ જમતા નથી. સાત્ત્વિકભાવ હોય ત્યાં પ્રભુ જમે છે.

શ્રીજીમહારાજને ગાળો દેનારા ક્યાં ઓછા હતા. પણ શ્રીજીમહારાજે કોઇના પ્રત્યે વેરભાવ રાખ્યો નથી. ભગવાન કોઇના પર શત્રુ બુધ્ધિ રાખતા નથી, માટે અજાતવેરી છે.