મંત્ર (૪૧) ૐ શ્રી અસુરગુર્વાદિમોહનાય નમઃ

Submitted by swaminarayanworld on Mon, 29/02/2016 - 7:38pm

મંત્ર (૪૧) ૐ શ્રી અસુરગુર્વાદિમોહનાય નમઃ

શતાનંદસ્વામી કહે છે, "પ્રભુ! તમારું સ્વરૂપ એટલું બધું સુંદર છે, મધુર છે કે દૈવી જીવને તમોને જોતાં મોહ થાય. એ સ્વાભાવિક છે, પણ આસુરી જીવને પણ તમને જોઇને મોહ થાય છે અને અસુરના ગુરૂને પણ તમને જોઇને મોહ થાય છે.

-: સેવક બહુ મજાનો છે. :-

ભગવાન નીલકંઠવર્ણી વિચરણ કરતા કરતા જગન્નાથપુરીમાં આવ્યા. ત્યાં અનેક અસુરો ધર્મના બહાને પાપ કરે, છળકપટ કરે ત્યાં પ્રભુ એક બાવા પાસે આવ્યા. તે બાવાની નીલકંઠવર્ણી ખૂબ સેવા કરે. પગ દાબે, ફળફૂલ લઇ આવે મધુર કાલી ભાષા બોલે, ભગવાનની નાની કુણી બાર તેર વરસની ઉંમર, બાળા બ્રહ્મચારીને જોઇને બધા મોહિત થઇ જાય એવું તો ભગવાનનું કોમળ અને સૌમ્ય સ્વરૂપ ! કાલી કાલી ભાષા સાંભળીને અસુરી બાવાઓ રાજી થાય, સેવક બહુ મજાનો છે. કોઇપણ કામ બતાવવું પડતું નથી, દોડી દોડીને સેવા કરે છે, તેની પાસે આઠ દસ દિવસ રહ્યા.

વળી બીજા બાવા પાસે ગયા. ત્યાં પણ ખૂબ ભાવથી સેવા કરે. ઓલ્યા બાવાને ખીજ ચડી. એણે મારો સેવક પડાવી લીધો. ચોક્કસ એને મારો અભાવ છે. અભાવ બતાવી બતાવીને એણે મારા શિષ્યને ભરમાવ્યો છે. આવી રીતે આઠ-દસ દિવસ તેની પાસે રહી, પછી ત્રીજા બાવા પાસે ગયા. ત્યાં પણ ખૂબ સેવા કરે, બાવાના પગ દાબે, માથું દાબે, વાસણ માંઝે, પેલા બેય બાવાને થયું કે સેવક બહુ મજાનો છે પણ એ મારી પાસે ન રહ્યો ને તારી પાસે પણ ન રહ્યો ને ત્રીજો ભરમાવી ગયો. આવી રીતે ખચાતાણ થઇ.

અરસ-પરસ મોહ પમાડીને પછી બાવા એક બીજામાં એવા બાઝ્યા કે કોઇકે લાકડી લીધી, કોઇકે ત્રિશુળ લીધું, કોઇ છરાને શગડિયું લઇને એવા ઝઘડ્યા કે સામ સામે મારા મારી કરી. તેમાં દસ હજાર અસુરોનો નાશ થઇ ગયો, પોત પોતામાં લડી લડીને મૃત્યુ પામ્યા. પ્રભુ ત્યાં દશ મહિના રહ્યા. બધા બાવાને ભગવાનમાં એટલો બધો મોહ થયો કે, આ મારો ચેલો થઇ જાય તો બધું સારું, સેવક મજાનો છે. આવી રીતે પ્રભુના રૂપ, ગુણથી મોહ પામીને પ્રભુએ દસ હજાર અસુરોનો નાશ કર્યો. ભૂમિનો ભાર ઊતારી અવતારકાર્ય સિધ્દ્ય કર્યું.

ભગવાનના સ્વરૂપમાં ભલ ભલા પણ મોહ પામી જાય છે. ભગવાનનું સ્વરૂપ જોયા જેવું છે, દર્શન કરવા જેવું છે અને અર્ચન પૂજન કરવા જેવું છે અને સ્મરણ કરવા જેવું છે. આ દુનિયાની અંદર જગતના જીવને માયામાં મોહ હોય છે અને ભગવાનના ભકતને ભગવાનમાં મોહ હોય છે. જગતમાં જે મોહ છે તેને માયા, મમતા ને વાસના કહેવાય અને ભગવાનમાં મોહ હોય તેને ભક્તિ કહેવાય છે, આપણા બ્રહ્માનંદસ્વામી ગાય છે. અતિ અદ્ભૂત કીર્તન છે.

હું તો મોહી રંગીલા તારા રંગમાં જીરે, મારે આનંદ વધ્યો છે અંગમાં જી રે .... હું.

સમજાવી ત મુજને સાનમાં જીરે, મન તાણી લીધું મોરલીની તાનમાં જીરે .... હું.

હું તો ઘેલી થઇ છું તારા ગીતમાંજીરે, તારૂં છોગલું પેઠું છે મારા ચિતમાંજી રે .... હું.

બ્રહ્માનંદ કહે, પ્રેમની લહેરનીજીરે, મુને ભૂરકી નાખી કોઇ પેરની જી રે .... હું.

સમુદ્ર મંથન કર્યું ત્યારે પ્રભુએ સુંદર મજાનું મોહિની સ્વરૂપ લીધું, તેમાં બધા અસુરો મોહ પામી ગયા અને બોલ્યા બહેન! પહેલું અમને અમૃત આપો, બીજા કહે અમને આપો, આવી રીતે બધા અસુરો મોહિની રૂપ જોઇને સ્તબ્દ્ય થઇ ગયા, તાકી તાકીને પ્રભુને જોય જ કરે કે આવી સ્ત્રી તો કોઇ દીઠી જ નથી. પ્રભુનું સ્વરૂપ અતિ અદ્ભૂત છે, અસુરોને પણ મોહ થાય છે.

પ્રભુએ રૂપ, શીલ અને સૌંદર્યથી બધા અસુરોને પોતાના સ્વરૂપમાં ખેંચી લીધા, આવા સ્વામિનારાયણ ભગવાન અસુરોને મોહ ઊપજાવનારા છે, તો દૈવીને પ્રભુમાં મોહ થાય તેમાં કહેવું જ શું !