૩. ગ્રંથનો મહિમા અને કથાના વિષયનું પ્રતિપાદન.

Submitted by Parth Patel on Sun, 13/06/2010 - 2:31pm

પ્રકરણમ્ ।।૩।।

રાગ :- સામેરી

સારી કથા સુંદર અતિ, હું કહું કરી વિસ્તાર ।।

જે જન મન દઇ સાંભળે, તે ઉતરે ભવપાર ।। ૧ ।।

અમૃતવત જે આ કથા, શ્રુતિ દઇ જે સાંભળશે ।।

અંગોઅંગ આનંદ વાધી, તાપ સંતાપ તે ટળશે ।। ૨ ।।

પ્રકટ પુરુષોત્તમનાં, ચરિત્ર પવિત્ર કહું અતિ ।।

શ્રવણ દઇ જે સાંભળે, થાય તેની નિર્મળ મતિ ।। ૩ ।।

પવિત્ર યશ જેની કીરતિ, પવિત્ર ગુણ કહેવાય છે ।।

જે જન કહે ને સાંભળે, તેપણ પવિત્ર થાય છે ।। ૪ ।।

પવિત્ર મહિમા પવિત્ર મોટ્યપ, પવિત્ર તેજ પ્રતાપ છે ।।

ચિત્તે નિશદિન ચિંતવે, તેપણ જન નિષ્પાપ છે ।। ૫ ।।

એવી કથા ઉત્તમ અતિ, સદમતિને સુખરૂપ છે ।।

જેમજેમ જન સાંભળે, તેમતેમ વાત અનુપ છે ।। ૬ ।।

એવી કથા આદરતાં, અતિ ઉમંગ છે મારે અંગે  ।।

અંગમાં આનંદ ઉલટ્યો, જાણું કયારે કહું ઉછરંગે ।। ૭ ।।

જેમ ઉપવાસી જનને, આવે અમૃતનું નોતરૂં ।।

તે પિવા પળ ખમે નહિ, જાણે કૈવારે પાન કરૂં ।। ૮ ।।

એમ થઇ છે અંતરે, હરિયશ કેવા હામ હૈયે ।।

જાણું ચરિત્ર નાથનાં, અતિ ઉત્તમ કયારે કૈયે ।। ૯ ।।

સુતાર્થી જેમ સુત પામે, ધનાર્થી પામે ધન વળી ।।

વિદ્યાર્થી જેમ વિદ્યા પામે, તેમ એ વાત મને મળી ।। ૧૦ ।।

અતિહર્ષ છે અંતરે, વળી આનંદ આવ્યો છે અંગમાં ।।

સુંદર ચરિત્ર શ્રીહરિતણાં, કહું હવે ઉમંગમાં ।। ૧૧ ।।

ધન્ય ધન્ય ધર્મસુતની, પવિત્ર કથા કીરતિ ।।

દુઃખહરણી સુખકરણી, થાય સુણતાં સદમતિ ।। ૧૨ ।।

કથા અનુપમ છે અતિ, શુભમતિ જન સાંભળશે ।।

અભાગી નર અવગુણ લઇ, વણ બાળ્યે બળી મરશે ।। ૧૩ ।।

જવાસો જેમ જળ મળ્યે, જાય સમૂળો સુકાઇને ।।

તેમ અભાગી આ કથાથી, દુષ્ટ જાશે દુઃખાઇને ।। ૧૪ ।।

ખરને જેમ સાકર શત્રુ, પયપાક કુક્કુર કેમ ઝરે  ।।

ગિંગાને જેમ ગોળ ન ગમે, ઘી મિસરિથી કીટ મરે ।। ૧૫ ।।

ખાતાં ખારેક જેમ હય દુઃખી, સુખ નોય કોટિ ઉપાય ।।

સુખદ વસ્તુ એ છે સઇ,  પણ દુરભાગીને દુઃખદાય ।। ૧૬ ।।

તેમ અભાગી જીવને, યશ હરિના ઝેર છે ।।

ખોટી વાતમાં મન ખૂંચે, સાચી વાત શું વૈર છે ।। ૧૭ ।।

સ્તન ઉપર ઇતડી, પય ન પિવે પિવે અસ્રકને ।।

તેમ અભાગી જીવ જેહ, તે મોક્ષ ન ઇચ્છે ઇચ્છે નર્કને ।। ૧૮ ।।

અભાગી જીવને જાણજયો, સારી લાગે તોપની સુખડી  ।।

પણ પલિતા લગી પ્રાણ છે, પંડ પળમાં જાશે પડી ।। ૧૯ ।।

સંત સતશાસ્ત્ર મળી વળી, સમઝાવે છે ઘણું ઘણું ।।

પણ અભાગિને પ્રતીતિ નાવે, અવળું કરે છે આપણું ।। ૨૦ ।।

પરાણે પીયૂષ ન પિવે, વિષ પિવે વારતાં વળી ।।

જેમ પતંગ પાવક માંહી, ઝાલતાં મરે જળી ।। ૨૧ ।।

એવા અભાગી જીવને, અરથે તે આ કથા નથી ।।

હરિજનના હિત અર્થે, હરિચરિત્ર કહેશું કથી ।। ૨૨ ।।

જન્મ કર્મ દિવ્ય જેનાં, તેની કથા હવે આદરું ।।

જેવી દિઠી મેં સાંભળી, તેવી રીતે વર્ણન કરું ।। ૨૩ ।।

પૂરણ પુરુષોત્તમની, કીર્તિ ઉત્તમ કહું કથી ।।

બીજી કથા તો બહુ છે, પણ આ જેવી એકે નથી ।। ૨૪ ।।

પ્રકટ ઉપાસી જનને, ધન છે દોયલા દનનું  ।।

સુતાં બેઠાં સંભારતાં, મટી જાય મળ મનનું ।। ૨૫ ।।

હળવે પુણ્યે હોય નહિ, વળી હરિકથાનો યોગ ।।

મોટે ભાગ્યે એ મળે, ટળે ભારે મહા ભવરોગ  ।। ૨૬ ।।

અસંખ્ય જન ઉદ્ધરે, હરિકથા સુણતાં કાન ।।

અવશ્ય કરવું એ જ છે, નરનારીને નિદાન ।। ૨૭ ।।

ધન્ય ધન્ય શુભમતિ અતિ, જેને હરિકથામાં હેત ।।

હરિચરિત્ર ચિંતવતાં, ટળે તાપ સંતાપ સમેત ।। ૨૮ ।।

ભવરોગ અમોઘ જાણી, પ્રાણી કરે કોઇ વિચાર ।।

એહ વિના ઔષધિ એકે, નથી નિશ્ચય નિરધાર ।। ૨૯ ।।

સુખનિધિ શ્રીહરિકથા, જન જાણજયો જરૂર ।।

સત્ય મુનિ કહે સત્ય દેવતા, સુણી ધારજયો સહુ ઉર ।। ૩૦ ।।

સહુ જન મળી સાંભળો, કથા કહું મહારાજની ।।

કુસંગીને કામ ન આવે, છે સતસંગીના કાજની ।। ૩૧ ।।

જેમ પ્રભુજી પ્રકટ્યા, જે દેશમાંહી દયાલ ।।

જે ગામમાં અવતર્યા, નિજજનના પ્રતિપાળ ।। ૩૨ ।।

જેહ કુળમાં ઉપજયા, જે કારણ છે અવતાર ।।

જે જે કારજ કરિયાં, તે કહું કરી વિસ્તાર ।। ૩૩ ।।

અધર્મને ઉત્થાપવા, મહાબળવંત શ્રીહરિ ગણ્યા ।।

જે રીતે કળિમળ કાપ્યું, કહું જે રીતે દુષ્ટ હણ્યા ।। ૩૪ ।।

જેહિ પેર્યે નિજજનને, આપ્યાં આનંદ અતિ ઘણાં ।।

જિયાં જિયાં લીલા કરી, કહું તે સ્થળ સોયામણાં ।। ૩૫ ।।

જેહિ પેર્યે આપે રહ્યા, જેમ રાખ્યા સંતને વળી ।।

જેહિ પેર્યે હરિજન વરત્યા, નરનારી હરિને મળી ।। ૩૬ ।।

જેટલા જન ઉદ્ધારિયા, શ્રીહરિ ધરી નરદેહને ।।

જે જે સુખ આપ્યાં જનને, કહું અંતર ગત્યમાં એહને ।। ૩૭ ।।

જેવી રીતે પૂર્યા પરચા, ત્યાગી ગૃહી નિજજનને ।।

જેવી રીતે જન વચન માની, ભજયા શ્રી ભગવનને ।। ૩૮ ।।

જે જે સામર્થી વાવરી, વળી જે જે શક્કો બેસારિયો ।।

જેહ રીતે કળિયુગ કાઢી, અધર્મસર્ગ નિવારિયો ।। ૩૯ ।।

સર્વે ચરિત્ર શ્યામનાં, રસરૂપ અનુપમ છે અતિ ।।

સુભાગી જન સાંભળશે, જેની હશે અતિ શુભમતિ ।। ૪૦ ।।

જે જે નયણે નિરખિયું, વળી જેજે સુણિયું કાન ।।

તે તે ચરિત્ર હવે કહું, સહુ સુણો થઇ સાવધાન ।। ૪૧ ।।

અતિ મોટપ્ય મહારાજની, કહેતાં કોટિ વિચાર થાય છે ।।

સાંગોપાંગ સૂચવતાં, મન કહેવા કાયર થાય છે ।। ૪૨ ।।

આકાશના ઉડુગણ ગણવા, પામવો ઉત્તરનો પાર ।।

સરું લેવું શૂન્યનું, એ વાતનો થાય વિચાર ।। ૪૩ ।।

જેમ છે તેમ જશ હરિના, કહેવા સામર્થી મારી નથી ।।

જેમ ઉર મારે ઉપજશે, તેમ ચરિત્ર કહીશ કથી ।। ૪૪ ।।

અનુક્રમ આવે ન આવે, નથી તેનો નિરધાર ।।

એવી ખોટ્ય મા ખોળજયો, સૌ સાંભળજયો કરી પ્યાર ।। ૪૫ ।।

ઈતિ શ્રીમદેકાંતિક ધર્મપ્રવર્તક શ્રીસહજાનદં સ્વામી શિષ્ય નિષ્કુળાનદં મુનિ

વિરચિતે ભકતચિંતામણિ મધ્યે ગ્રંથમાહાત્મ્ય નામે ત્રીજું પ્રકરણમ્ ।।।।