૩ નાભિ રાજાનું ચરિત્ર

Submitted by swaminarayanworld on Fri, 19/02/2016 - 9:03pm

અધ્યાય - : - ૩

નાભિ રાજાનું ચરિત્ર

શુકદેવજી કહે છે - હે રાજન્‌ ! આગ્નીધ્રના પુત્ર નાભિને કોઇ સંતાન ન હતું, તેથી તેમણે પોતાની પત્ની સાથે પુત્રની ઇચ્છાથી એકાગ્ર ચિત્તથી યજ્ઞપુરુષ ભગવાનનું પૂજન કર્યું. ૧ જો કે ભગવાન, દ્રવ્ય, દેશ, કાળ, મંત્ર કે દક્ષિણાથી મળે તેવા નથી, છતાં પણ પોતાના ભક્ત ઉપરના વાત્સલ્યને લીધે પોતાના ભક્તોના મનોરથ પૂર્ણ કરવાની ઇચ્છાથી શ્રદ્ધા પૂર્વક યજન કરનાર નાભિરાજાને પોતાનાં મનોહર રમણીય સ્વરૂપનું દર્શન દીધું. ૨ એ પુરુષોત્તમનારાયણની અષ્ટભુજા હતી, સોના જેવી કાંતિ હતી, પીળા રેશમી વસ્ત્ર ધારણ કર્યાં હતાં, વક્ષઃસ્થલમાં શ્રીવત્સનું ચિહ્ન શોભતું હતું, શંખ, ચક્ર, ગદા, પદ્મને તેમજ કૌસ્તુભમણિને ધારણ કરી રહેલા હતા, મસ્તક ઉપર ચળકતા મણિઓવાળા મુગટને ધારણ કરી રહેલા, કુંડળ, કડાં, કટીમેખલા, હાર, બાજુબંધ આદિ આભૂષણોથી શોભતા એવા ભગવાનને જોઇને જેમ નિર્ધન પુરુષને ધન મળે તેમ અતિશે રાજી થયેલા યજમાન, ઋત્વિજ અને સભાસદો, આ બધા ઘણા માનથી પોતાના મસ્તક નમાવી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. ૩

ઋત્વિજો સ્તુતિ કરે છે - હે પૂજ્ય ! આપ પરિપૂર્ણ છો તોપણ અમો આપના ભક્તો છીએ અને આપ અમારા પૂજનીય છો. પરંતુ આપની પૂજા કરવામાં અમો કાંઇ પણ જાણતા નથી, માટે વારંવાર નમસ્કાર કરીએ છીએ. આપ પ્રકૃતિ પુરુષથી પર છો, તો પછી પ્રાકૃત ગુણોના  કાર્યભૂત આ સંસારમાં જેની બુદ્ધિ ફસાયેલી છે અને આપના ગુણગાન કરવામાં સર્વથા અસમર્થ એવો કયો મનુષ્ય છે કે આપના સ્વરૂપનું નિરૂપણ કરી શકે ? આપ તો સાક્ષાત્‌ પરમાત્મા છો. ૪ આપના પરમ મંગલમય ગુણો સમસ્ત પ્રજાનાં દુ:ખોને મટાડનાર, સુખરૂપ અને ઉત્તમ છે તે અનેક ગુણોમાંથી એકાદ ગુણનું વર્ણન કરી શકે પણ વધારે બની શકે નહિ. ૫ હે પરમેશ્વર ! આપ એવા દયાસાગર છો કે, આપને જો કે મનવાણી પહોંચી શકતા નથી તો પણ સહજમાં મળતાં જળ, પુષ્પ, તુલસીપત્ર, દૂર્વાંકુર આદિ સામગ્રી વડે ભક્તજન આપની પૂજા કરે અથવા ગદગદ મનવાણીથી આપની સ્તુતિ કરે તેટલા માત્રથી આપ પરિપૂર્ણ સંતુષ્ટ થઇ જાઓ છો. ૬ હે પરમાત્મા ! અમે જે યજ્ઞ કરી રહ્યા છીએ એથી આપનો કોઇ વિશેષ અર્થ સિદ્ધ થાય તેવું નથી તોપણ અમારા જેવા ભક્તો ઉપર આપની કરુણાને લીધે અમારો યજ્ઞ ફળીભૂત થાય એવું અમે માનીએ છીએ. ૭ હે મહાપુરુષ તમારા આપમેળે જ ક્ષણે ક્ષણે થતા પુરુષાર્થના ફળસ્વરૂપ જે પરમાનંદ સ્વભાવિકજ નિરંતર પાદુર્ભૂત થતો રહે છે, આપ સાક્ષાત્‌ તેનું જ સ્વરૂપ છો આ પ્રમાણે જોકે આપને આ યજ્ઞ વગેરેથી કોઇ પ્રયોજન નથી તો પણ કાંઇક કામનાને લીધે જ આ યજ્ઞવડે આપની આરાધના કરી રહ્યા છીએ. અને તે મનોરથની સિદ્ધિ પણ થવી જોઇએ. ૮ આપ બ્રહ્મા વગેરે દેવતાઓ કરતાં પણ પરમ શ્રેષ્ઠ છો, અમે તો એ પણ જાણતા નથી કે અમારું પરમ કલ્યાણ શામાં છે ? અને નથી તો અમારાથી આપની યથાયોગ્ય પૂજા પણ થઇ શકી; તો પણ જેમ તત્ત્વજ્ઞાની મનુષ્યો બોલાવ્યા વિના પણ માત્ર કરુણાવશ થઇને અજ્ઞાની મનુષ્યોની પાસે પહોંચી જાય છે, તેવી જ રીતે આપ પણ અમને મોક્ષ નામના પોતાના પરમપદનું અને અમારી અભીષ્ટ વસ્તુઓનું પ્રદાન કરવા માટે અન્ય સાધારણ યજ્ઞદર્શકોની જેમ અહીં પ્રગટ થયા છો. ૯ હે મહારાજ ! અમને સૌથી મોટું વરદાન તો આપે એજ આપી દીધું કે, નાભિરાજાની યજ્ઞશાળામાં અમોને દર્શન દીધું, હવે અમે બીજું શું વરદાન માગીએ ? ૧૦ હે પ્રભુ ! આપના ગુણોનું ગાન પરમ મંગલમય છે, વૈરાગ્યથી ગટેલા જ્ઞાનરૂપ અગ્નિથી જેઓના રાગ દ્વેષાદિ સઘળા મળ બળી ગયા છે, અને તેથી જ જેમનો સ્વભાવ આપના જેવો જ શાન્ત છે એવા આત્મારામ મુનિઓ પણ નિરંતર આપના ગુણોનું જ ગાન કરતા રહે છે. ૧૧ અમો દર્શનમાત્રથી કૃતાર્થ થયા છીએ છતાં પણ આપની પાસે એક વરદાન માગીએ છીએ કે જ્યારે અમો પડતાં, આખડતાં, છીકતાં કે બગાસુ ખાતાં તેમજ સંકટ સમયે તાવ તથા મરણની  દશામાં આપનું સ્મરણ નહિ થઇ શકવા છતાં પણ કોઇ પણ રીતે આપના સકળ કળીયુગના મળનો નાશ કરનારા ‘ભક્તવત્સલ’, દીનબંધુ’ વગેરે ગુણોને અનુરૂપ નામનું ઉચ્ચારણ અમારી વાણી દ્વારા થાય. ૧૨ હે પરમેશ્વર ! તમારી પાસે એક બીજું પણ વરદાન માગીએ છીએ, કે આપ સાક્ષાત્‌ પરમેશ્વર છો, સ્વર્ગ, અપવર્ગ વગેરેમાં એવી કોઇ વસ્તુ નથી કે જે આપ આપી શકો નહીં. તો પણ જેમ કોઇ કંગાળ મનુષ્ય ધનાઢ્ય અને દાનેશ્વરી પુરુષ પાસે જઇને ફોતરાંની માંગણી કરે, તેવી જ રીતે અમારા યજમાન આ નાભિરાજા સંતાનને જ પરમ પુરુષાર્થ માનીને આપના જેવો પુત્ર પ્રાપ્ત કરવા માટે આપની આરાધના કરી રહ્યા છે. ૧૩ આપની માયાને નથી કોઇ સમજી શકતું કે નથી કોઇ પાર પામી શકતું, જે લોકો મહાપુરુષનો સમાગમ કર્યો નથી કે તેમની પાસેથી જ્ઞાન મેળવ્યું નથી એવો કોણ મનુષ્ય હોય કે જેની બુદ્ધિ દૂષિત થઇ ન હોય ? અથવા તમારી માયાને વશ ન હોય ?. ૧૪ હે દેવાધિદેવ ! આપ ભક્તજનોના મોટાં મોટાં કાર્ય કરનારા છો, મંદ બુદ્ધિવાળા એવા જે અમો તે આ હલકાં કામ સારુ આપનું અહીં આવાહન કર્યું એ આપનો ખરેખર અનાદર જ કર્યો છે છતાં પણ આપ સર્વમાં સમાન દૃષ્ટિ રાખનારા છો, તેથી સ્વાર્થી અને અજ્ઞાની એવા જે અમો તે અમારા આ અપરાધને ક્ષમા કરો. ૧૫

શુકદેવજી કહે છે - હે રાજન્‌ આ પ્રમાણે નાભિરાજાએ પૂજેલા ઋત્વિજોએ ભગવાનના ચરણોમાં વંદના કરીને સ્તુતિ કરી ત્યારે ભક્તવત્સલ પરમાત્મા કરુણા વશ થઇ આ પ્રમાણે કહેલા લાગ્યા. ૧૬ હે ઋષિઓ ! સત્યવાણી બોલનારા તમોએ આ રાજાને મારા જેવો પુત્ર થાય એવું જે અપૂર્વ વરદાન માગ્યું તે સુલભ તો નથી જ કારણ કે અદ્વિતીય હોવાથી મારા જેવો તો હું એક જ છું, તેમ છતાં પણ બ્રાહ્મણોનું વચન મિથ્યા ન થવું જોઇએ એ હેતુથી અને મારાં જેવો બીજો કોઇ ન હોવાથી હું પોતે જ અંશ કળાથી નાભિરાજાને ઘેર અવતાર ધારણ કરીશ. ૧૭-૧૮ આ પ્રમાણે મહારાણી મેરુદેવીના સાંભળતાં તેના પતિ નાભિરાજાને કહીને ભગવાન અંતર્ધાન થઇ ગયા. ૧૯ હે પરીક્ષિત રાજા ! તે યજ્ઞમાં મહર્ષિઓએ પ્રસન્ન કરેલા ભગવાન શ્રીહરિ નાભિરાજાનું પ્રિય કરવાની ઇચ્છાથી મેરુદેવીને ત્યાં દિગંબર, સન્યાસીઓ અને નૈષ્ઠિક બ્રહ્મચારીઓના ધર્મનું સ્થાપન કરવા માટે શુદ્ધ સત્ત્વમય વિગ્રહથી પ્રગટ થયા. ૨૦

ઇતિ શ્રીમદ્  ભાગવતે મહાપુરાણે પંચમ સ્કંધે નાભિચરિત્ર ઋષભદેવ પ્રાગટ્ય વર્ણન નામનો ત્રીજો અધ્યાય સંપૂર્ણ. (૩)