૬૨ ઉષા સાથે રમણ કરવાથી અનિરુદ્ધને બાણાસુરે કેદ કર્યો.

Submitted by swaminarayanworld on Fri, 19/02/2016 - 7:10pm

અધ્યાય ૬૨

ઉષા સાથે રમણ કરવાથી અનિરુદ્ધને બાણાસુરે કેદ કર્યો.

પરીક્ષિત રાજા પૂછે છે હે મોટા યોગી ! બાણાસુરની દીકરી ઊષાને અનિરુદ્ધ પરણ્યા હતા, તે પ્રસંગમાં શ્રીકૃષ્ણ અને સદાશિવને મોટું અને ભયંકર યુદ્ધ થયું હતું. એ સર્વે વાત આપ કહેવાને યોગ્ય છો.૧

શુકદેવજી કહે છે હે રાજા ! બળિરાજાના સો પુત્રોમાં બાણાસુર મોટો પુત્ર હતો. કે જે બળિરાજાએ વામનરૂપ ધરી આવેલા વિષ્ણુને પૃથ્વીનું દાન દીધું હતું.૨ એ બળિરાજાનો ઔરસ પુત્ર બાણાસુર નિરંતર સદાશિવની ભક્તિમાં લાગેલો, માન દેવા યોગ્ય, ઉદાર, બુદ્ધિમાન, સાચી પ્રતિજ્ઞાવાળો અને દૃઢ નિયમવાળો હતો.૩ એ બાણાસુર પૂર્વે શોણિતપુરમાં રાજ્ય કરતો હતો. સદાશિવની કૃપાથી દેવતાઓ તેની પાસે કિંકર જેવા થઇ રહ્યા હતા. હજાર હાથવાળા એ બાણાસુરે તાંડવ કરીને મહાદેવને પ્રસન્ન કર્યા હતા.૪ સર્વપ્રાણીઓના સ્વામી, શરણે જવા યોગ્ય અને ભક્તવત્સલ શંકરે બાણાસુરને ઇચ્છિત વર માગવાનું કહેતાં “તમારે મારા પુરનું પાલન કરવામાં રહેવું’’ એવું માગ્યું હતું.૫ પરાક્રમથી છકેલા બાણાસુરે એક દિવસ પોતાની પાસે રહેલા શિવને પોતાના સૂર્ય સરખા તેજસ્વી મુકુટથી તેમના ચરણારવિંદનો સ્પર્શ કરીને કહ્યું કે હે મહાદેવ ! જે આપ લોકોના ગુરુ, ઇશ્વર અને જેની કામના પૂરી થઇ નથી એવા પુરુષોની કામનાને પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ સમાન છો, તે આપને હું પ્રણામ કરું છું.૬-૭ આપે મને હજાર હાથ આપેલા છે, પરંતુ તેઓ મને ભારરૂપ થઇ પડ્યા છે; કારણ કે ત્રિલોકીમાં એક તમારા વિના બીજો કોઇ મારી સમાન અને મારી સામે લડનાર મને મળતો નથી.૮ હે આદિપુરુષ ! હસ્તોમાં ખંજવાળ આવતાં હું યુદ્ધ કરવાની ઇચ્છાથી પર્વતોને ચૂર્ણ કરી નાખતા દિશાઓના હાથીઓની પાસે ગયો, ત્યારે તેઓ મારી બીકથી ભાગી ગયા.૯ આવાં વચન સાંભળી ક્રોધ પામેલા શિવે કહ્યું કે હે મૂઢ ! જ્યારે તારી ધ્વજા ભાંગશે ત્યારે તને તારો ગર્વ ઉતારી નાખે એવું યુદ્ધ મળશે.૧૦ હે રાજા ! આ પ્રમાણે શિવનું વચન સાંભળી રાજી થયેલો દુર્મતિ બાણાસુર પોતાને ઘેર ગયો, અને કુબુદ્ધિપણાથી પોતાના પરાક્રમનો નાશ કરનાર શિવજીનું વચન સફળ થવાની વાટ જોવા લાગ્યો.૧૧ એ બાણાસુરની ઊષા નામની કુંવારી દીકરી હતી, તેને રૂપાળા અનિરુદ્ધ કે જેને પૂર્વે દીઠા કે સાંભળ્યા પણ ન હતા, તેમની સાથે સ્વપ્નમાં સમાગમ થયો.૧૨ પછી સ્વપ્નમાંજ તેમને નહીં દેખતા તે ઉષા ‘‘હે પતિ ! ક્યાં છો’’ એમ બોલતી ઊઠી અને સખીઓના મધ્યમાં વિહ્વળ થઇને બહુ જ લજાઇ ગઇ.૧૩ કુભાંડ નામે બાણાસુરનો મંત્રી હતો તેમની દીકરી ચિત્રલેખા કે જે ઉષાની સખી થતી હતી, તેણે કૌતુકને લીધે પોતાની સખી ઉષાને પૂછ્યું કે હે સુંદરી ! હે રાજકુમારી ! તું કોને શોધે છે ? તારો કેવો મનોરથ છે ? હજી સુધી તારું પાણિગ્રહણ કરનાર કોઇ મારા જાણવામાં નથી.૧૪-૧૫

ઊષાએ કહ્યું કે શ્યામ કમળ સરખાં નેત્રવાળો, પીળાં વસ્ત્રવાળો, મોટા હાથવાળો અને સ્ત્રીઓના મનને ગમે એવો કોઇ નર મારા સ્વપ્નમાં જોવામાં આવ્યો.૧૬ એ નર મને પ્રથમ પોતાનું અધરામૃત પાઇને પછી મને દુઃખના સમુદ્રમાં નાખી દઇને ક્યાંય જતો રહ્યો છે, તે પ્યારાને હું શોધું છું.૧૭

ચિત્રલેખાએ કહ્યું કે તારું દુઃખ હું મટાડી દઉં છું. જેણે તારા મનનું હરણ કર્યું છે તે જો ત્રિલોકીમાં હશે તો તેને હું લાવી આપીશ, માટે મને ઓળખાવ.૧૮

શુકદેવજી કહે છે આ પ્રમાણે બોલીને તે ચિત્રલેખાએ વસ્ત્રમાં દેવ, ગંધર્વ, સિદ્ધ, ચારણ, નાગ, દૈત્ય, વિદ્યાધર, યક્ષો અને મનુષ્યોને યથાર્થ રીતે આલેખ્યા.૧૯ મનુષ્યોમાં તેણે શૂર, વસુદેવ, બળદેવજી, શ્રીકૃષ્ણ અને પદ્યુમ્નને આલેખ્યા, પદ્યુમ્નને જોઇને તે ઉષા લજ્જાઇ ગઇ.૨૦ હે રાજા ! પછી અનિરુદ્ધને આલેખેલા જોઇ હસતી ઊષાએ લાજથી નીચું મુખ કરીને ‘તે આ, તે આ’’ એમ કહ્યું.૨૧ યોગવાળી ચિત્રલેખા તેમને શ્રીકૃષ્ણના પૌત્ર જાણીને આકાશ માર્ગથી શ્રીકૃષ્ણે પાળેલી દ્વારકામાં ગઇ.૨૨ ચિત્રલેખાએ દ્વારકામાં સારા પલંગપર સૂતેલા પોતાની સખીના પ્રિય અનિરુદ્ધને, યોગના પ્રભાવથી ઉપાડી, શોણિતપુરમાં જઇને પોતાની સખીને દેખાડ્યા.૨૩ તે સુંદર અનિરુદ્ધને જોઇ જેનું મુખ પ્રફુલ્લિત થયું છે. એવી એ ઊષા પુરુષોથી જોઇ શકાય નહીં એવા પોતાના ઘરમાં તેમની સાથે રમણ કરવા લાગી.૨૪ અમૂલ્ય વસ્ત્ર, માળા, સુગંધ, ધૂપ, દીપ, પાન, ભોજન, ભક્ષ્ય અને આસનાદિક આપીને સારા વચન પૂર્વક સેવાથી પૂજેલા, કન્યાના અંત:પુરમાં ગુપ્ત રહેલા અને જેને સ્નેહ વધ્યો છે, એવી ઊષાએ મોહ પમાડી દીધેલા અનિરુદ્ધને ઘણા દિવસો નીકળી ગયા તેની ખબર પડી નહીં.૨૫-૨૬ આ પ્રમાણે અનિરુદ્ધ દ્વારા ભોગવાતી અને રાજી થયેલી ઊષાને ચોકીવાળાઓ છાનાં રાખી શકાય નહીં, એવાં ચિહ્નોથી વ્રતભંગ થયેલી (અર્થાત ગર્ભ રહ્યો) જાણી લીધી.૨૭ પછી તે ચોકીદારો બાણાસુરની પાસે વાત કરી કે હે રાજા ! તમારી કુંવારી કન્યા કુળને કલંક લગાડે એવી અમારા જોવામાં આવી છે.૨૮ હે સ્વામી ! અમો સાવધાનપણાથી ઘરની ચોકી કરીએ છીએ અને પુરુષો તે કન્યાને જોઇ પણ શકે તેમ નથી; છતાં એ કન્યાને દૂષણ ક્યાંથી આવ્યું ? એ અમો જાણતા નથી.૨૯ પછી દીકરીના દૂષણની વાત સાંભળી બહુ જ વ્યથા પામેલો બાણાસુર તરત કન્યાના ઘરમાં ગયો, ત્યાં અનિરુદ્ધ તેના જોવામાં આવ્યા.૩૦ ત્રિલોકીમાં સર્વોત્તમ, રૂપાળા, શ્યામ, પીળાં વસ્ત્રોવાળા, કમળ સરખાં નેત્રવાળા, મોટી ભુજાવાળા, સર્વ મંગળરૂપ, પ્યારીની સાથે પાસાથી રમતા, પ્યારીના અંગસંગને લીધે જેમાં સ્તનનું કેસર લાગી ગયું હતું એવા અને વસંતઋતુ સંબંધી મલ્લિકાના પુષ્પોની માળાને વક્ષઃસ્થળમાં ધારણ કરનાર અને કુંડળ તથા કેશની કાંતિથી તથા હાસ્યપૂર્વક કટાક્ષથી જેમનું મુખ શોભી રહ્યું હતું, એવા પદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધને તે કન્યાની આગળ બેઠેલા જોઇને બાણાસુર વિસ્મય પામ્યો.૩૧-૩૨ શસ્ત્ર ધરનારા અનેક યોદ્ધાઓથી વીંટાએલા બાણાસુરને ઘરમાં આવેલો જોઇ અનિરુદ્ધ, તે બાણાસુરને મારી નાખવાની ઇચ્છાથી લોઢાની ભોગળ ઉપાડીને દંડ ધરનારા કાળની પેઠે ઊભા રહ્યા.૩૩ મોટો ભૂંડ જેમ કુતરાઓને મારે તેમ, પકડી લેવાની ઇચ્છાથી ચારેકોરથી આવતા એ યોદ્ધાઓને અનિરુદ્ધે મારવા માંડ્યા. માર ખાતા અને જેઓનાં માથાં, સાથળ તથા હાથ ભાંગી પડ્યા છે, એવા તે યોદ્ધાઓ ઘરમાંથી નીકળી ગયા.૩૪ પોતાના સૈન્યને મારતા એ અનિરુદ્ધને બળવાન બાણાસુરે કોપથી નાગપાશવડે બાંધી લીધા. અનિરુદ્ધને બંધાએલા જોઇ શોક તથા ખેદથી વિહ્વળ થયેલી અને આંસુ જેના નેત્રમાંથી પડતાં હતાં એવી ઊષા બહુજ રોવા લાગી.૩૫

ઇતિ શ્રીમદ્‌ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો બાસઠમો અધ્યાય સંપૂર્ણ.