હૈડાનો હાર હરિ રે, મારે રંગભીનો, હૈડાનો હાર હરિ (૪)

Submitted by swaminarayanworld on Fri, 12/02/2016 - 11:31pm

રાગ - પરજ

પદ - ૧

હૈડાનો હાર હરિ રે, મારે રંગભીનો, હૈડાનો હાર હરિ. ટેક૦

મંદિરમાં પધરાવી મોહનને, ભેટું હું અંક ભરી રે.. મારે ૦ ૧

જગના જીવનને હું નહીં દેઉં જાવા, રાખીશ જતન કરીરે.. મારે ૦ ૨

રસિક નવલ વર રાજેશ્વરને, નીરખીને નયણાં ઠરીરે.. મારે ૦ ૩

બ્રહ્માનંદના નાથને સજની, મન કર્મ વચને વરીરે.. મારે ૦ ૪

 

પદ - ૨

વર નંદલાલ વરું રે, સખી અલબેલો, વર નંદલાલ વરું. ટેક૦

મૂરખ લોક દાઝી છોને મરતા, કોઈની શંકા ન ધરું રે. સખી૦ ૧

કાન કુંવર સંગે નેહ કરીને, જગથી  તે શીદ ડરું રે. સખી૦ ૨

પરણું  તો વર પુરુષોત્તમ પરણું, નહીં  તો કુંવારી મરું રે. સખી૦ ૩

બ્રહ્માનંદના નાથને માથે,  તન કુરબાન કરું રે. સખી૦ ૪

 

પદ - ૩

ધોળી હું ગિરધરીયા રે, માથે  તારે મોહન, ઘોળી હું ગિર. ટેક ૦

પ્રાણજીવન મારે, મહોલ પધારો, ભૂધર રંગ ભરીયા રે. માથે૦ ૧

પહેલી પ્રીત કરીને મારા, પ્રાણ  તમે હરીયા રે. માથે૦ ૨

મસ્તકને સાટે મેં તમને , વાલમજી વરીયા રે. માથે૦ ૩

બ્રહ્માનંદ કહે એક ઘડી દૂર, રહો માં ડોલરીયા રે. માથે૦ ૪

 

પદ - ૪

લાગેલ રંગઝડી રે, મારે રસિયાજી શું લાગેલ રંગઝડી. ટેક૦

મોહનલાલ રંગીલાની મૂરતિ, જીવડલામાં જડી રે. મારે૦ ૧

પ્રાણજીવન પાતળીયાની આગે, હાથ જોડીને ખડી રે. મારે૦ ૨

મીટ થકી ક્ષણ દૂર ન મેલું, પ્રેમને પાશ પડી રે. મારે૦ ૩

બ્રહ્માનંદના નાથને ભેટી, ધન્ય ધન્ય આજ ઘડી રે. મારે૦ ૪

Facebook Comments