૨. ગ્રંથ નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે સ્વામીએ પગ્રટ સંતોને કરેલી સ્તુતિ

Submitted by Dharmesh Patel on Sat, 30/01/2010 - 10:55pm

પ્રકરણમ્ ।।।।

રાગ પૂર્વછાયો :

સર્વે સંત સુજાણને, હું પ્રથમ લાગી પાય ।।

આદરું આ ગ્રંથને, જેમાં વિઘન કોઇ ન થાય ।। ૧ ।।

સંત કૃપાએ સુખ ઉપજે, સંતકૃપાથી સરે કામ ।।

સંત કૃપાથી પામિએ, પૂરણ પુરુષોત્તમ ધામ ।। ૨ ।।

સંતકૃપાએ સદમતિ જાગે, સંતકૃપાથી સદ્ગુણ ।।

સંતકૃપા વિના સાધુતા, કહોને પામ્યા કુણ ।। ૩ ।।

સંત સેવ્યા તેણે સર્વ સેવ્યા, સેવ્યા શ્રીહરિ ભગવન ।।

ૠષિ મુનિ સેવ્યા દેવતા, જેણે સંત કર્યા રાજી મન ।। ૪ ।।

જપ તપ તીર્થ વ્રત વળી, તેણે કર્યા યોગ યગન ।।

સર્વે કારજ સારિયું, જેણે સંત કર્યા પ્રસન્ન ।। ૫ ।।

એવા સંત શિરોમણિ, ઘણિ ઘણિ શું કહું વાત ।।

તેવું નથી ત્રિલોકમાં, સંત સમ તુલ્ય સાક્ષાત ।। ૬ ।।

કામદુઘા કલ્પતરું, પારસ ચિંતામણિ ચાર ।।

સંત સમાન એ એકે નહિ, મેં મનમાં કર્યો વિચાર ।। ૭ ।।

અલ્પ સુખ એમાં રહ્યું, મળી ટળી જાય છે એહ ।।

સંત સેવ્યે સુખ ઉપજે, રહે અખંડ અટળ તેહ ।। ૮ ।।

ચોપાઈ :

એવા સંત સદા શુભમતિ, જકતદોષ નહિ જેમાં રતિ ।।

સૌને આપે હિત ઉપદેશ, એવા સંતને નામું હું શીષ ।। ૯ ।।

સદ્ગુણના સિંધુ ગંભીર, સ્થિરમતિ અતિશય ધીર ।।

માન અભિમાન નહિ લેશ, એવા સંતને નામું હું શીષ ।। ૧૦ ।।

અહંકાર નહિ અભેદ ચિત્ત, કામ ક્રોધ લોભ મોહ જિત ।।

ઇંદ્રિય જિતી ભજે જગદીશ, એવા સંતને નામું હું શીષ ।। ૧૧ ।।

નિર્ભય બ્રહ્મવિત પુનિત, ક્ષમાવાન ને સરળ ચિત્ત ।।

સમર્થ સત્યવાદી સરેશ, એવા સંતને નામું હું શીષ ।। ૧૨ ।।

તેજે તપે યશે સંત પુરા, જ્ઞાનવાન શુદ્ધ બોધે શૂરા ।।

શુભ શીલ સુખના દાનેશ, એવા સંતને નામું હું શીષ ।। ૧૩ ।।

કરે પવિત્ર અન્ન જોઇ આહાર, સારી ગિરા સમભાવ અપાર ।।

નહિ અનર્થ ઇર્ષ્યા કલેશ, એવા સંતને નામું હું શીષ ।। ૧૪ ।।

ભકિત વિનય દ્રઢ વિચાર, આપે બીજાને માન અપાર ।।

અતિપવિત્ર રહે અહોનિશ, એવા સંતને નામું હું શીષ ।। ૧૫ ।।

શમ દમાદિ સાધને સંપન, બોલે મળિને મન રંજન ।।

શ્રુતવાનમાં૧૦ સૌથી સરેશ, એવા સંતને નામું હું શીષ ।। ૧૬ ।।

આનંદિત આત્મા છે આપ, નિર્લેપ નિર્દોષ નિષ્પાપ ।।

અશઠ૧૧ અસંગી ક્ષમાધીશ, એવા સંતને નામું હું શીષ ।। ૧૭ ।।

સંશયહર્તા ને કલ્યાણકર્તા, વળી વેદ પુરાણના વેત્તા૧૨  ।।

કોમળ વાણી વાચાળ૧૩ ૮ વિશેષ, એવા સંતને નામું હું શીષ ।। ૧૮ ।।

સારી સુંદર કથા કહે છે, અલુબ્ધાદિ૧૪ આત્મા રહે છે ।।

વળી પરદુઃખ હરે હંમેશ, એવા સંતને નામું હું શીષ ।। ૧૯ ।।

કામ દ્રવ્ય ને માન છે જેહ, તેહ સારુ નથી ધાર્યો દેહ ।।

જ્ઞાન વૈરાગ્ય ઉરે અશેષ,૧૫ એવા સંતને નામું હું શીષ ।। ૨૦ ।।

સદા સ્મરણ ભજન કરે, વળી ધ્યાન મહારાજનું ધરે ।।

એવે ગુણે મોટા જે મુનીશ, એવા સંતને નામું હું શીષ ।। ૨૧ ।।

સાવધાન લજજાવાન ખરા, લોકઆચરણ ન જુવે જરા ।।

મોટી બુદ્ધિ શુદ્ધિ છે વિશેષ, એવા સંતને નામું હું શીષ ।। ૨૨ ।।

કરે કારજ કળિમળ૧૬ ધોય, લાભ અલાભે સ્થિરમતિ હોય ।।

ડાયા જાણે કાળ વળી દેશ, એવા સંતને નામું હું શીષ ।। ૨૩ ।।

સુણી પારકા દોષને દાટે, તે જીવના રૂડા થવા માટે ।।

ઉરે અધર્મને નહિ પ્રવેશ, એવા સંતને નામું હું શીષ ।। ૨૪ ।।

અચપળતા અચિરકાળી,૧૭ ધ્રાય૧૮ નૈ૧૯ ધ્યાને મૂરતિ ભાળી ।।

સદાગ્રહમાં રહે અહોનિશ, એવા સંતને નામું હું શીષ ।। ૨૫ ।।

કૃપાળુ ને પરઉપકારી, જ્ઞાનદાનથી ન જાય હારી ।।

કેની નિંદા દ્રોહ નહિ લેશ, એવા સંતને નામું હું શીષ ।। ૨૬ ।।

સગા સૌના શીતળતા અપાર, નિર્વિકારી ને લઘુઆહાર ।।

શરણાગતના દાતા હંમેશ, એવા સંતને નામું હું શીષ ।। ૨૭ ।।

દગો નહિ સંગ્રહ રહિતા, વિવેકી વિચાર ધર્મવંતા ।।

સદા પવિત્ર ને શુભવેષ, એવા સંતને નામું હું શીષ ।। ૨૮ ।।

રાખ્યું બ્રહ્મચર્ય અષ્ટઅંગ, અતિ તજયો ત્રિયાનો પ્રસંગ ।।

પંચ વિષયશું રાખ્યો છે દ્વેષ, એવા સંતને નામું હું શીષ ।। ૨૯ ।।

એવા સદ્ગુણના છે ભંડાર, સર્વે જનના સુખદાતાર ।।

અજ્ઞાનતમના૨૦ છે દિનેશ,૨૧ એવા સંતને નામું હું શીષ ।। ૩૦ ।।

એવા સદ્ગુણે સંપન્ન સંત, કરો કૃપા મું૨૨ પર અત્યંત ।।

ગાઉં મહારાજના ગુણ વળી, કરજયો સહાય તમે સહુ મળી ।। ૩૧ ।।

વળી વંદુ હરિજન સહુને, આપજયો એવી આશિષ મુને ।।

હેત વાધે હરિયશ કહેતાં, એવી સૌ રહેજયો આશિષ દેતાં ।। ૩૨ ।।

અલ્પ બુદ્ધિએ આદર્યો ગ્રંથ, નથી પૂરો કરવા સમર્થ ।।

માટે સ્તુતિ કરું છંુ તમારી, કરજયો સહુ મળી સહાય મારી ।। ૩૩ ।।

કરી વિનંતિ વારમવાર, હવે કરું કથાનો ઉચ્ચાર ।।

હરિ યશ કહેવા હરખ્યું છે હૈયું, કહ્યા વિના જાતું નથી રૈયું ।। ૩૪ ।।

ઈતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્ય નિષ્કુળાનંદમુનિવિરચિતે ભકતચિંતામણિ મધ્યે કવિએ સ્તુતિ કરી એ નામે બીજુપ્રકરણમ્ ।।।।

 

-------------------------------------------------------------------------

૧.કોણ. ૨.યજ્ઞ. ૩,૪.ઇચ્છા પુરી કરનાર દેવગાય-દેવવૃક્ષ. ૫.અવિનાશી. ૬.બ્રહ્મને જાણનાર. ૭.શ્રેષ્ઠ. ૮.બ્રહ્મચર્ય. ૯.શ્રેષ્ઠ વાણી ૧૦.શાસ્ત્રોના ભણેલામાં. ૧૧.કોઇને નહિ છેતરનારા. ૧૨.જાણકાર. ૧૩.કથા-વાર્તા કરનાર. ૧૪.અનાસકત. ૧૫.પૂર્ણ. ૧૬.દંભ-કપટ છોડી. ૧૭.તરત કરનારા. ૧૮.ધરાય, તૃપ્ત થાય. ૧૯.નહિ. ૨૦.અજ્ઞાનરૂપી અંધારાના. ૨૧.સૂર્ય. ૨૨.મુજ, મારા