૧૫૭. દીનાનાથ ભટ્ટ, શોભારામ તથા સુંદરજી સુથારને થયેલ પરચા.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:50pm

પૂર્વછાયો – વળી કાનમદેશ આમોદમાં, દ્વિજ ભટ્ટ દીનાનાથ ।

સંશયવત સતસંગમાં, હતો અણસમજે અનાથ ।।૧।।

એવા સમામાં આવિયો, વિમુખ અતિ મતિમંદ ।

અભાગ્ય જોગે આવી મળ્યો, જે ર્નિિવકલ્પાનંદ ।।૨।।

તેણે ભટ્ટ ભરમાવિયો, આવિયો તેણે અભાવ ।

પૂરણ સંશય પાડિયો, તે વિમુખે ભજવ્યો ભાવ ।।૩।।

મેલ્યું શરણ મહારાજનું, ત્યારે ભૂતે વરત્યો લાગ ।

આવી લાગ્યાં અપત્યને, જયારે કર્યો સતસંગ ત્યાગ ।।૪।।

ચોપાઇ- સ્તોત્ર અષ્ટક વળી આરતી, તેણે કરીતી હરિની વિનતિ ।

માટે ભૂતનું તૂત ત્યાં નોય, વળગે હરિ વિમુખ જે હોય ।।૫।।

માટે એની સુતા જે વિમુખ, વળગ્યું ભૂત તેને દિયે દુઃખ ।

જાય ઘરમાંથી ચીજ ઉપાડી, નાખે પહેર્યાનાં લુગડાં ફાડી ।।૬।।

રાંધી રસોઇ કરે તૈયાર, આવી વિષ્ટા નાખે તે મોઝાર ।

ગોળ ઘૃત જળ દુધ દહિ, તેમાં નાખે નરક ભૂત લઇ ।।૭।।

એમ આપે દુઃખ ભૂત આવી, નાખી જમુનાને અકળાવી ।

તેને કાઢવાને બહુ કર્યું, તોય ભૂત કેણે ન નિસર્યું ।।૮।।

પછી ભટ્ટ ઘટે પામી ત્રાસ, આવ્યા સુતા તેડી પ્રભુ પાસ ।

શિશ નમાવી હરિચરણે, કહે નાથ આવિયો હું શરણે ।।૯।।

મારી સુતા આ જમુના જેહ, આજ થકી તમારી છે તેહ ।

એને ભવિષ્યે વળગ્યું ભૂત, તેનું તન મનમાં છે તૂત ।।૧૦।।

તેણે કરી બેહાલ બીચારી, માટે આવી એ શરણ તમારી ।

ધારી નિયમ કરશે ભજન, તે સામું તમે જોજયો જીવન ।।૧૧।।

ત્યારે શ્રીહરિ બોલિયા એમ, દેવ બ્રાહ્મણ ને ભૂત કેમ ।

તારે દ્વિજ કહે જોડી હાથ, દેવ બ્રાહ્મણ પણ અનાથ ।।૧૨।।

માટે આજથી નાથ તમારો, પ્રભુ ગુનો જોશો માં અમારો ।

એમ કહીને નામિયું શિશ, ત્યારે ભૂત ભાગ્યું નાખી ચીસ ।।૧૩।।

તેહ જણાણું સર્વે જનને, જોઇ આશ્ચર્ય માન્યું મનને ।

થયો પરચો પ્રકટ પ્રમાણ, ગયું ભૂત જે કરતું હેરાણ ।।૧૪।।

દેશ દંઢાવ્યે વિશનગર, દ્વિજ શોભારામ ત્યાં નાગર ।

તેણે રાખી રાક્ષસની રીત, કરે સતસંગનો દ્રોહ નિત ।।૧૫।।

કાવે સતસંગી જે નરનાર, તેને લઇ કર્યા નાત બાર ।

વળી સરકારમાં કરી ચાડી, સતસંગીને વિપત્ય પાડી ।।૧૬।।

હરે ફરે કરે કાંઇ કામ, નિંદે સતસંગીને આઠંુ જામ ।

એમ કરતાં વીત્યા કાંઇ દન, પછી બોલ્યો થઇને પ્રસન્ન ।।૧૭।।

બહુ દિવસથી દ્વેષ કરૂંછું, તોય સાજો સુખીયો ફરૂંછું ।

પછી સતસંગીને એમ કહ્યું, સ્વામી જાુઠા કાં ફુટ્યું છે હૈયું ।।૧૮।।

જો સ્વામીજી સાચા ભગવાન, તો હું માગુંછું એ વરદાન ।

આજ થકી આઠ દનમાંઇ, થાઉં આંધળો ન દેખું કાંઇ ।।૧૯।।

તો સાચા સ્વામી ને સતસંગ, જો થાઉં આઠ દનમાં અપંગ ।

ત્યારે સતસંગી કહે વિમુખ, શીદ મુખે માગી લેછે દુઃખ ।।૨૦।।

સ્વામી શીદ કરે કેને અંધ, એવું માગીયે ન મતિમંદ ।

ત્યારે શોભારામ બોલ્યો મુખે, મેં માગ્યું તે થાય મર સુખે ।।૨૧।।

ત્યારે શ્રીહરિ છે કલ્પવૃક્ષ, તિયાં ચિંતવ્યું થાવા અચક્ષ ।

પછી વાયદો વેગળો રહ્યો, દિન ચ્યારમાં આંધળો થયો ।।૨૨।।

એવી વિમુખ જીવની રીત, સમુ ચિંતવી ન શકે ચિત્ત ।

પછી તેને જોઇ બીજે જને, માન્યો પ્રકટ પરચો મને ।।૨૩।।

એમ પરચા અપરમપાર, આપે હરિ હજારે હજાર ।

તે કહેતાં લખતાં ન આવે અંત, સમજી લેજયો સદ્બુદ્ધિવંત ।।૨૪।।

વળી વાત કહું એક સારી, લેજયો હરિજન હૈયે ધારી ।

કચ્છ દેશમાં ભુજનગર, તિયાં સુતાર નામ સુંદર ।।૨૫।।

તે સત્સંગમાં શિરોમણી, પણ રાખતો પ્રવૃત્તિ ઘણી ।

મોટામોટા માણસનો મોબતી, શેઠ શાહુકારનો સોબતી ।।૨૬।।

તેતો સર્વે હરિથી વિમુખ, તેની રાખે નિત્ય પ્રત્યે રૂખ ।

એમ ગઇ આયુષ સઘળી, તોય ચેતી શક્યો નહિ વળી ।।૨૭।।

ત્યાંતો આવિયો દેહનો કાળ, થયું તન પરવશ તતકાળ ।

જાગ્રત અવસ્થામાં ન રહેવાય, સદ્ય સ્વપ્ન અવસ્થામાં જાય ।।૨૮।।

જયારે બોલે સ્વપ્નમાં રહી, કરી ઉપાધિ દેખાડે કહી ।

પછી આવે જાગ્રતમાં જયારે, થાય અતિશે ઓરતો ત્યારે ।।૨૯।।

પછી પસ્તાપ કરીને બોલે, કોઇ મૂરખ નહિ મુજતોલે ।

આવા સતસંગી ને શ્રીમહારાજ, તેને મૂકી મેં કર્યું અકાજ ।।૩૦।।

માટે શઠમાં હું શિરોમણિ, એમ કરે છે પસ્તાપ ઘણી ।

હવે પ્રભુ છે અધમઉદ્ધાર, એ પક્ષે કરે તો કરે વાર ।।૩૧।।

પણ મુજથી કાંઇ ન સર્યું, એમ કહીને સ્તવન કર્યું ।

ત્યારે હરિ છે દીનદયાળ, જાણી દીન આવ્યા તતકાળ ।।૩૨।।

દિધું દાસને દર્શનદાન, નિરખ્યા સુંદરે શ્રીભગવાન ।

નિર્ખિ હરખ પામિયો અતિ, પછી કરવા લાગ્યો વિનતિ ।।૩૩।।

જેવા દિઠા અંતસમે નાથ, તેવા કહેવા લાગ્યો જોડી હાથ ।

કહે નમો અનંત અપાર, જેની મૂર્તિ હજારે હજાર ।।૩૪।।

વળી હજારે હજારે ચર્ણ, નેત્ર હજારે હજાર કર્ણ ।

શિર ઉરૂ હજારે હજાર, બહુ બાહુ ને નામ અપાર ।।૩૫।।

આદિ અંતે મધ્યે અવિનાશ, કોટિ કલ્પ ગિયે નહિ નાશ ।

એવું દીઠું સુંદરજીએ રૂપ, તેવું કહ્યું સ્વામીનું સ્વરૂપ ।।૩૬।।

વળી સતસંગી નરનાર, તે પણ દિઠા તેજના અંબાર ।

એવા દિઠા હરિ હરિજન, જોઇ કરે છે પસ્તાપ મન ।।૩૭।।

કહે હું ન સમજયો લગાર, આતો વાત અતોલ અપાર ।

ખોટ સંસારી સ્વારથમાંઇ, આવ્યો અંત કમાઇ કમાઇ ।।૩૮।।

તેતો ન આવ્યું આ સમે કામ, સુત વિત ભાઈ વળી ભામ ।

સર્વે વહાલાં તે થયાં છે વૈરી, એમ કરે શોચ ફેરીફેરી ।।૩૯।।

પછી કહી છે સહુને વાત, હવે તન થાશે મારૂં પાત ।

આવ્યા છે મને તેડવા નાથ, હું જાઉં છું મહારાજને સાથ ।।૪૦।।

કઇ વારના ઉભા છે આવી, મુજ કારણે વિમાન લાવી ।

એમ કહિને શિખજ માગી, પછી તરત દિધું તન ત્યાગી ।।૪૧।।

તજયું દેહ તેહ તતકાળ, તેડી ચાલ્યા છે પોતે દયાળ ।

જોઇ આશ્ચર્ય પામિયા જન, પછી કહેવા લાગ્યા ધન્યધન્ય ।।૪૨।।

થયો પરચો સહુએ પ્રમાણ્યું, એવું જોઇને આનંદ આણ્યું ।

એવા પરચા અપરમપાર, થાય આ સમે લાખો હજાર ।।૪૩।।

તેનો કહેતાં આવે કેમ અંત, થોડે ઘણું માનો બુદ્ધિવંત ।

દેશોદેશ વળી ગામોગામ, કરે દયાળુ દાસનાં કામ ।।૪૪।।

જન જન પ્રત્યે જાુજવા જેહ, થાય પરચા ન લખાય તેહ ।

સર્વે દાસને સુખ દિધું છે, એવું બિરૂદ પહેલાંથી લીધું છે ।।૪૫।।

સ્વામી રામાનંદજીની પાસે, માગી લીધું છે પોત્યે હુલાસે ।

કહે સતસંગી નામ કહેવાય, કોઇ રીત્યે એ દુઃખી ન થાય ।।૪૬।।

એનું આવે અમને એ દુઃખ, એહ ભોગવે સદાય સુખ ।

તે વચન વાલે સત્ય કિધું, સવેર્ સત્સંગીને સુખ દિધું ।।૪૭।।

એવો સત્સંગી કોઇ ન કાવે, જેને તેડવા નાથ ન આવે ।

જાણો અવશ્ય ટેક એ ખરી, છુટે તન આવે જયારે હરિ ।।૪૮।।

એનું આશ્ચર્ય ન માને કોય, પ્રભુ હોય તિયાં એમ હોય ।

સ્વયં પ્રભુ આજ સહજાનંદ, તેણે વરતે છે સહુને આનંદ ।।૪૯।।

કોઇ વાતની ન રહી ખામી, મળ્યા જેને સહજાનંદ સ્વામી ।

કૃપાનિધિ જે કરૂણાકંદ, મળ્યે મગન કહે નિષ્કુળાનંદ ।।૫૦।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજી મહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને સતાવનમું પ્રકરણમ્ ।।૧૫૭।।