૧૫૫. ધુવા ગામનાં લુકી ભકત, પ્રાણનાથ, કેસર તથા ગામના ભકતજનોને શ્રીહરિએ પુરેલા પરચા.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:48pm

પૂર્વછાયો- ધન્યધન્ય ધુવા ગામમાં, જયાં ભક્ત રહે ભાવિક ।

સહાય કરી જેની શ્યામળે, તેહ કહું હવે કાંઇક ।।૧।।

લુવાર ભક્ત લુકી નામે, આવ્યો તેહના દેહનો કાળ ।

અંતસમે અલબેલડો, આવ્યા તેડવા દયાળ ।।૨।।

સંત સહિત શ્યામળો, પધાર્યા પ્રકટ આપ ।

દર્શન દીધાં દાસને, સહુ નિરખી થયાં નિષ્પાપ ।।૩।।

સતસંગી કુસંગી સહુએ, દિઠા પ્રકટ પ્રમાણ ।

નહિ સ્વપ્ન સાક્ષાત જાણો, આવ્યા શ્યામ સુજાણ ।।૪।।

ચોપાઇ- લુકી લાગ્યો લળીલળી પાય, નિર્ખિ નાથ તૃપત ન થાય ।

કહે નાથ લુકી તારે કાજ, આવ્યા તેડવાને અમે આજ ।।૫।।

માટે તરત થાઓ તૈયાર, ચાલો વેળ ન કરો લગાર ।

ત્યારે લુકીએ તજીયા પ્રાણ, ચાલ્યો નાથને સાથે સુજાણ ।।૬।।

સહુ જોઇ રહ્યા બહુ જન, દેખી આશ્ચર્ય કહે ધન્યધન્ય ।

ઘણા મરે છે આ ગામમાંય, આવે જમ લેવા લઇ જાય ।।૭।।

પણ તેડવા આવે મહારાજ, એવું તો અમે દીઠું છે આજ ।

માટે આતો વારતા અલેખે, થયો પરચો સહુ જન દેખે ।।૮।।

વળી ભક્ત લુવાર તે કહીએ, પ્રાણનાથ નામે તેહ લહીએ ।

તેને પ્રભુમાંહિ પ્રીત ઘણી, કરે પૂજા નિત્ય પટતણી ।।૯।।

તેને ઘેર પધારી ગોવિંદ, પાડી આપ્યાં ચરણારવિંદ ।

વળી સહુને દિધાં દર્શન, નિર્ખિ નાથને થયાં મગન ।।૧૦।।

કહે ધન્યધન્ય મહારાજ, આતો પરચો પામ્યા અમે આજ ।

થયાં પ્રકટ પ્રમાણ દર્શન, પાડ્યાં પગલાં થઈ પ્રસન્ન ।।૧૧।।

આતો વાત અતિશય મોટી, હશે પાપી તે પરઠશે ખોટી ।

વળી પ્રાણનાથનો જે તાત, નામ કેશર કહું તેની વાત ।।૧૨।।

હતો કબીરના મતમાંહિ, નોતિ પ્રભુમાં પ્રતીત કાંઇ ।

તેના દેહનો આવિયો કાળ, આવ્યા તેડવા જમ તતકાળ ।।૧૩।।

તેહ હતો વિષય અભિલાષી, ગયો જમના હાથથી નાશી ।

તર્ત પામિયો ભૂતનો દેહ, પાછો જઇ રહ્યો નિજગેહ ।।૧૪।।

કરે હોહોકાર વાણી ઘણી, થઇ કબીરિયો બણીઠણી ।

એની સ્ત્રીના દેહમધ્યે આવી, કરી પ્રવેશ તેને બોલાવી ।।૧૫।।

કહે સ્વામિનારાયણ સત્ય, એહ વિના બીજા છે અસત્ય ।

સ્વામી પ્રકટ પ્રભુ પ્રમાણ, એહ વિના બીજે નથી કલ્યાણ ।।૧૬।।

કબીરિયા મોટામોટા મેત, માનો સહુ થયા ભૂત પ્રેત ।

કરતા ખંડન તીર્થ ને વ્રત, તેનું અઘ આવ્યું છે જો તર્ત ।।૧૭।।

કહેતા પ્રભુના અવતાર ખોટા, તેહ પાપે ભૂત થયા મોટા ।

માટે કબીરિયા કોઇ મ થાજયો, થઇ આસ્તિક હરિગુણ ગાજયો ।।૧૮।।

પ્રાણનાથની વાતો સાંભળજયો, જેમ કહે તેમ સહુ કરજયો ।

પુણ્ય પવિત્ર છે પ્રાણનાથ, તેણેકરી હું થયો સનાથ ।।૧૯।।

સુણી એના મુખનું ભજન, તર્ત છૂટ્યો હું ભૂતનું તન ।

હવે જાઉં છું હરિને ધામ, સુણી સ્વામિનારાયણ નામ ।।૨૦।।

એમ બોલ્યો એ બાઇમાં રઇ, સહુએ સાંભળિયું કાન દઇ ।

કહે ધન્યધન્ય આજ સ્વામી, બીજા મત તે લુણહરામી ।।૨૧।।

જાુવો કબીરિયો ભૂત થઇ, બોલ્યો પોતાની સ્ત્રીમાં રઇ ।

સાચા કહ્યા સહજાનંદ સ્વામી, બીજા કહ્યા તે કપટી કામી ।।૨૨।।

માટે એથી વાત મોટી કહી, થયો સાચો પરચો ફેર નહિ ।

વળી બીજી વાત છે અનુપ, સુણો સતસંગી સુખરૂપ ।।૨૩।।

વળી એ ગામના હરિજન, કરે પ્રકટ પ્રમાણ ભજન ।

ખરો વિશ્વાસ તે ઉર આણી, સ્વામી વિના વદે નહિ વાણી ।।૨૪।।

કરે સમૈયા સર્વે સંભાળી, અષ્ટમી એકાદશી દીવાળી ।

જેજે હરિના જન્મ દિવસ, કરે ઉત્સવ તેદિ અવશ્ય ।।૨૫।।

એમ કરતાં આવી છે હોળી, રમે નરનારી મળી ટોળી ।

નાખે ધુડ્ય ને ભાખે ગાળિયો, કરે હોહો ને પાડે તાળિયો ।।૨૬।।

એવી રીત્ય સતસંગી જોઇ, એહ પેરે રમે નહિ કોઇ ।

સહુ બેસે મંદિરમાં મળી, કરે વાત પ્રભુજીની વળી ।।૨૭।।

એમ કરતાં હુતાશની આવી, સવેર્ હરિજનને મન ભાવી ।

લાવ્યા ગુલાલ કઢાવ્યા રંગ, માંહોમાંહિ રમવા ઉમંગ ।।૨૮।।

પછી સજજ થયા સહુ જન, જાણી મોટો ઉત્સવનો દન ।

નાખે રંગ ઉડાડે ગુલાલ, તેણે સહુ થયા રંગલાલ ।।૨૯।।

મુખે બોલે નારાયણ નામ, પાડે તાળી જાણે સહુ ગામ ।

અતિપ્રેમમાં મગન સહુ, હૈયે હેત પ્રીત્ય વળી બહુ ।।૩૦।।

તેનું હેત જોઇ હરિરાય, આવ્યા અલબેલો તર્ત ત્યાંય ।

આવી ભળ્યા મંડળીમાં નાથ, રાચ્યા રમવા જનને સાથ ।।૩૧।।

તાળી ભેળી પાડે હાથે તાળી, ધુન્ય ભેળી કરે ધુન્ય વળી ।

રમે દાસ સાથે રંગભીનો, કરે ઉત્સવ હુતાસનીનો ।।૩૨।।

પ્રભુ પોત્યે પ્રકટ પ્રમાણ, રમે જનને સંગે સુજાણ ।

સહુ કરે દરશન દાસ, અતિ રૂપરાશિ અવિનાશ ।।૩૩।।

દિઠા સત્સંગી કુસંગી જને, જોઇ આશ્ચર્ય પામિયા મને ।

કહે મહારાજ છે પરદેશે, આંહિ આવ્યા છે અલૌકિક વેશે ।।૩૪।।

જેને નિરખવા હોય તે નિરખો, વળી પરખવા હોય તે પરખો ।

એમ કરતાં માંહોમાંહિ ઉચ્ચાર, પ્રભુ અદૃશ્ય થયા તે વાર ।।૩૫।।

પછી સર્વે રહ્યા છે વિમાશી, કહે ક્યાં ગયા અવિનાશી ।

એક કહે રમ્યા મુજસાથે, એક કહે લીધી તાળી હાથે ।।૩૬।।

એક કહે હતા મારે પાસ, મારે હતી મળવાની આશ ।

આતો આપણે ન જાણ્યું કાંઇ, ચડ્યા રમાવાના તાંનમાંઇ ।।૩૭।।

ત્યારે એક કહે સાંભળો જન, મોટાં ભાગ્ય થયાં દરશન ।

હવે ઓરતો મ કરો કાંઇ, રાખો મૂરતિ અંતરમાંઇ ।।૩૮।।

થયો પરચો જાણજયો જન, મોટાં ભાગ્ય માનો ધન્યધન્ય ।

એહ રીત્યે અપરમપાર, થાય પર્ચા હજારે હજાર ।।૩૯।।

કોઇકને ઘરે જમે આવી, કોઇકને આપે હાર લાવી ।

કોઇકને કરતાં ભજન, થાય પ્રકટ પ્રમાણ દર્શન ।।૪૦।।

નિત્ય ધુન્ય કરે આવી સાથે, પાડે પ્રકટ તાળી બે હાથે ।

એમ આપે પરચા અપાર, કહેતાં લખતાં ન આવે પાર ।।૪૧।।

અંતકાળે તો અવશ્ય આવે, એ બિરૂદ કેદિ ન બદલાવે ।

જે કોઇ સ્વામિનારાયણ કેય, તેના માથે નથી કેનો ભેય ।।૪૨।।

માટે રહો નિર્ભય નિઃશંક, મળ્યે મહારાજ ન રહેવું રંક ।

જેને પાસે હોય ચિંતામણિ, કેમ દુઃખી રહે તેહ ધણી ।।૪૩।।

તેમાં કંગાલ રહે નર કોય, એના ચિંતવ્યામાં ફેર હોય ।

તેમ પ્રકટ મળ્યે મહારાજ, સરે સવેર્ પેરે વળી કાજ ।।૪૪।।

તેમાં દુઃખી રહે જેહ જન, તેને તેવું જ છે ચિંતવન ।

હરિ કલ્પવૃક્ષસમ કાવે, નિશ્ચે નિષ્કુળાનંદ એમ ગાવે ।।૪૫।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળા નંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને પંચાવનમું પ્રકરણમ્ ।।૧૫૫।।