૧૪૯. શામબાઇ, જીવીબાઇ, ઉમૈયાબાઇ, પ્રેમબાઇ, લક્ષ્મીબાઇ, મથુરાબાઇ ઇત્યાદિ વડોદરાવાસીને શ્રીહરિએ પૂ

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:40pm

પૂર્વછાયો- વળી પરચા વડોદરે, જે પૂર્યા જગજીવન ।

અતિ અનુપમ વારતા, સાંભળજયો સહુ જન ।।૧।।

સતસંગીની જે શ્રીહરિ, આ સમે કરે છે સહાય ।

અતિ સામર્થી હરિ વાવરે, તે નાવે લખ્યામાંય ।।૨।।

પણ ગુણ ગાતાં ગોવિંદના, નથી આવતી મને આળસ ।

શ્રવણ દઇ સહુ સાંભળો, કહું હરિજનના જશ ।।૩।।

ભક્ત એક ભાવિક છે, ખરા તે ખતરી માંઈ ।

દુર્બળ દાસ દયાળનાં, નામ તેનું શામબાઇ ।।૪।।

ચોપાઇ- કહું તેહતણી હવે વાત, કરે ભજન બાઇ દિન રાત્ય ।

રહે ધારણામાં આઠું જામ, કરતાં થાય નહિ ઘરકામ ।।૫।।

જયારે આવે સમાધિથી બાર, કરે ભોજન પાન તે વાર ।

એહ દેહ રેવાનો ઉપાય, કરે ભોજન હરિ ઈચ્છાય ।।૬।।

પણ એમ થયું એક દન, કોણ આપશે વસ્ત્ર ને અન્ન ।

એવી ચિંતા કરી ચિત્તમાંઇ, બેઠી સમાધિમાં શામબાઇ ।।૭।।

કરી ધારણા જાગી છે જયારે, દિઠું સુંદર ભોજન ત્યારે ।

સારા મોટા રોટા રૂડી દાળ, મુખ આગે મેલી ગયા દ્યાળ ।।૮।।

એમ હમેશ હરિ એ રીત્યે, આપે ભોજન બાઇને નિત્યે ।

એક દિન મણ લોટ લઇ, શાક વૃંતાકનું ગયા દઇ ।।૯।।

વળી પૂજવા ચરણારવિંદ, આપી ગયા સ્વામી સહજાનંદ ।

વળી વસ્ત્ર દીઠાં ફાટાં અંગ, આપ્યાં નવીન સારાં સોરંગ ।।૧૦।।

સવેર્ આપ્યું એ સમાધિમાંઇ, લાવી પ્રકટ પ્રમાણ તે આંઇ ।

દીઠાં પગલાં ને પટ નવાં, જોઈ જન તે આશ્ચર્ય હવાં ।।૧૧।।

એમ હરિજનની ચિંતા જેહ, નિત્ય પ્રત્યે હરે હરિ તેહ ।

વળી જન એક જીવીબાઇ, કાજાુ ભક્ત છે કણબીમાંઇ ।।૧૨।।

તેનો પ્રેમ જોઇ ભગવાન, આપે અહોનિશ દર્શનદાન ।

કેદિ આપી જાય છે પ્રસાદી, પુષ્પ હાર શરકરા આદિ ।।૧૩।।

વળી એકદિ આવ્યા મહારાજ, કહે ભૂખ્યા છીએ અમે આજ ।

હોય તૈયાર તે આપ્ય અન્ન, નહિતો જાશું બીજાને ભવન ।।૧૪।।

પછી કાજાુ કરીતી કોદરી, જમ્યા ભૂધર તે ભાવ કરી ।

વળી બીજે દિ રોટલી ભાજી, કરી રાખીતી તૈયાર તાજી ।।૧૫।।

આવી જમ્યા તેહ અવિનાશ, પૂરી જનના મનની આશ ।

સહુ જાણે એમ સાક્ષાત, નથી સ્વપ્ન સમાધિની વાત ।।૧૬।।

જોઇ જન થયાં છે થકીત, કહે ધન્ય બાઈ તારી પ્રીત ।

વળી હરિજન કહું એક, નામ ઉમૈયાબાઈ વણિક ।।૧૭।।

તેના ઘરમાં કુસંગ ભારી, સતસંગમાં આવતાં વારી ।

હરિજનમાં જાવા ન આપે, જાય તો સહુ મળી સંતાપે ।।૧૮।।

તેને વીતિ ગયા ત્રણ દન, બાઇયે લીધું નહિ જળ અન્ન ।

પછી આવિયા દીનદયાળ, લાવ્યા ભોજનનો ભરી થાળ ।।૧૯।।

રૂડો રસ ને રોટલી તાજી, ભેળી રસમાં સાકર ઝાઝી ।

તેહ જમાડી ગયા જીવન, વળી દીધાં અલૌકિ દર્શન ।।૨૦।।

કરી અલૌકિક એહ કાજ, પછી ત્યાંથી પધાર્યા મહારાજ ।

વળી ક્ષત્રિકુળે એક બાઇ, નિત્ય બેસતી ધારણામાંઇ ।।૨૧।।

તેની સુતા પ્રેમબાઈ કહીએ, બેસે પાસે તે દેખાદેખીએ ।

તેનો ભાવ જોઇ ભગવાન, દીધાં પ્રકટ દર્શનદાન ।।૨૨।।

દેખી પાંચ વરસનું બાળ, અતિહેતે બોલાવે દયાળ ।

પછી કંઠેથી હાર ઉતારી, દીધો બાઇને દેવ મુરારી ।।૨૩।।

વળી ગજરા બાંધી બે હાથ, આપી પ્રસાદી પધાર્યા નાથ ।

તેહ હાર ને ગજરા જેહ, દીઠા પ્રકટ સહુ જને તેહ ।।૨૪।।

જોઇ આશ્ચર્ય પામિયાં જન, પછી પુછ્યું કહી ધન્યધન્ય ।

કહ્યું હાર ગજરા આ ક્યાંથી, કહે બાઇ લાવી ધ્યાનમાંથી ।।૨૫।।

દિધા હરિ કરી મને દયા, આપ્યા બ્રહ્મમોલે લાવી ઇયાં ।

ત્યારે સહુ કહે ધન્ય ધન્ય, પામી પર્ચા તું માનજયે મન ।।૨૬।।

એમ જનને જગજીવન, આપે મહાસુખ કરે મગન ।

વળી હરિજન કહું એક, નામ લક્ષ્મીબાઇ વણિક ।।૨૭।।

નકી સતસંગી નિરધાર, પ્રભુ પ્રકટમાં જેને પ્યાર ।

અતિહેત પ્રીત્ય હરિમાંઇ, પ્રભુ વિના ગમે નહિ કાંઇ ।।૨૮।।

તેનું હેત જોઇ હરિરાય, પળ એક અળગા ન થાય ।

જેજે કહે તેતે કરે નાથ, સદા પ્રેમે રહે પ્રેમીસાથ ।।૨૯।।

આપી જાય અલૌકિ પ્રસાદી, જેને ઇચ્છે ભવ બ્રહ્મા આદિ ।

આપે સુંદર જમેલ થાળ, આવી પ્રકટ પોત્યે દયાળ ।।૩૦।।

આપે સોપારી એલચી પાન, કાથો ચુનો લવિંગ નિદાન ।

એહ આદિ મુખવાસ જેહ, આપે નિત્ય પ્રત્યે હરિ તેહ ।।૩૧।।

વળી દીનબંધુ એક દિન, આપ્યાં વસ્ત્ર અનુપ નવીન ।

અન્ન વસ્ત્ર આદિ જોઇએ જેહ, આપે દયા કરી હરિ તેહ ।।૩૨।।

આપે સમાધિમાં અવિનાશ, જાગે ત્યાં રહે પોતાની પાસ ।

અલૌકિક જે વસ્તુ અનુપ, આવે આ લોકમાં તદરૂપ ।।૩૩।।

સહુ દેખીને કરે વિચાર, ધન્ય સ્વામી સમર્થ અપાર ।

આવી રીત્ય દીઠી નહિ ક્યાંઇ, જેવી રીત્ય છે સતસંગમાંઇ ।।૩૪।।

ધન્ય પ્રભુ ધન્ય અવતાર, પૂર્યા પરચાનો નહિ પાર ।

આજ જનનાં કરો છો કાજ, એવાં ન કર્યાં કેદિ મહારાજ ।।૩૫।।

એક વારતા સાંભળો વળી, સહુ થકિત થાશો સાંભળી ।

એક ભક્ત ઢુંઢુંબા દક્ષિણી, કરે ભક્તિ મહારાજની ઘણી ।।૩૬।।

તેની સુતા તે મથુરાંબાઇ, અતિ સુખી રહે સમાધિમાંઇ ।

હરિ પાસે હંમેશ તે જાય, નિત્ય દર્શન નાથનાં થાય ।।૩૭।।

જયારે આવે સમાધિથી બાર, કરે વારતા મોટી અપાર ।

તેતો સાંભળી સરવે જન, અતિ મનાણું આશ્ચર્ય મન ।।૩૮।।

પછી કહ્યું નરેશને જઇ, સુણી વાત જાતી નથી કઇ ।

એક પાંચ વરસની બાઇ, શી કહીએ એહની મોટાઇ ।।૩૯।।

મહા સામર્થીવાન સાક્ષાત, જઇ સાંભળોને એની વાત ।

ત્યારે રાજા કહે બુદ્ધિવાન, જઇ જોઇ આવો એનું જ્ઞાન ।।૪૦।।

આવ્યા ડાહ્યા શિયાણા ત્યાં મળી, બાઇ મુખની વાત સાંભળી ।

થયા થકિત ન શક્યા બોલી, હતું પૂછવું તે ગયા ભૂલી ।।૪૧।।

પછી કહી રાજાને એ વાત, એતો દેવ દિસે છે સાક્ષાત ।

એની સામર્થી સર્વે તે જોઇ, બોલ્યા સ્વામી બીજાું નહિ કોઇ ।।૪૨।।

અમે પૂરણ પરચો પામી, આવ્યાં આંહિ અમે શિશ નામી ।

એમ દેખાડ્યો ચમતકાર, વળી કહું થયું બીજી વાર ।।૪૩।।

એક વણિક બાઇ અબુજ, નહિ સંત અસંતની સુજ ।

મળ્યા ગુરૂ ગાફલ ગમાર, તેનો પડ્યો અંતરમાં ભાર ।।૪૪।।

તેને વહિ ગયાં વર્ષ વિશ, નાવ્યું અંતરમાં સુખ લેશ ।

પછી મથુરાંબાઇને મળી, કહી પોતાની વાત સઘળી ।।૪૫।।

વિશ વર્ષ વૈષ્ણવમાં રહી, કરી વાત ન કર્યાની કહી ।

કર્યું સર્વેમેં કલ્યાણ કાજ, શાંતિ ન મળી ન ટળી દાઝ ।।૪૬।।

હવે જેમ કહો તેમ કરૂં, જો હું સંસારસાગર તરૂં ।

ત્યારે બોલિયાં મથુરાંબાઇ, કાલ્ય વહેલી આવજયે તું આંઇ ।।૪૭।।

પછી આવી બાઇ બીજે દન, તેને બેસારી કરવા ભજન ।

થઇ ધારણા ને દીઠું ધામ, જેનું ગોલોક કહેવાય નામ ।।૪૮।।

દિઠાં ગોપ ગોપી ગાયો ઘણી, દિઠી શોભા વિરજા વનતણી ।

દિઠા કૃષ્ણ રાધા બહુરાણી, તેની સખિયો તે ન જાય ગણી ।।૪૯।।

એહ આદિ જોયું સર્વે ધામ, જોઇ પોતી છે હૈયાની હામ ।

પછી આવી કહી વાત એહ, સુણી સવેર્ જન મળી તેહ ।।૫૦।।

કહે થઇ કૃતારથ આજ, કરી મહેર મને શ્રીમહારાજ ।

હું તો પામી છું પરચો મોટો, સત્ય સ્વામી બીજો મત ખોટો ।।૫૧।।

એમ પૂરે પરચા હમેશ, લખી ન શકે ગુણ ગણેશ ।

કહી વાત વડોદરા તણી, નથી એટલી બીજી છે ઘણી ।।૫૨।।

નથી કીધો મેં બહુ વિસ્તાર, કહી લાખ ભાગની લગાર ।

આજ સાય કરે છે શ્રીહરિ, તેતો વાત જાતી નથી કરી ।।૫૩।।

જેજે સમરે છે સહજાનંદ, તેતો પામે છે અખંડ આનંદ ।

તેનો તોલ માપ નવ થાય, તે કેમ નિષ્કુળાનંદે લખાય ।।૫૪।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પુર્યા એ નામે એકસો ને ઓગણપચાશમું પ્રકરણમ્ ।।૧૪૯।।