૧૪૦. તિતારામ,કાનજી,જમનાબાઇ,ચાંગાનાં નથુભકતનાં સંબંધી સમાધિવાળાં બાળકો, વસનદાસ અને હેતબાઇને મળે

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:28pm

પૂર્વછાયો- સામર્થી શ્રીમહારાજની, વળી સાંભળજયો સહુ જન ।

સુંદર પરચા સાંભર્યા, જે પૂર્યા શ્રી ભગવન ।।૧।।

ડંઢાવ્ય દેશમાં ર્નાિદપુરે, દ્વિજ તિતારામ નામ ।

ભક્ત એક મહારાજનો, બીજાું વિમુખ સઘળું ગામ ।।૨।।

વિમુખ મુખથી એમ વદે, આ ભક્તિ બીજા ભેદની ।

આવશે વિમાન તેડવા, તમે માનજયો વાણી વેદની ।।૩।।

પરધન પરત્રિયા પરહરી, પરહરિયાં બીજાં નામ ।

સ્વામિનારાયણ નામને, સમરે છે આઠું જામ ।।૪।।

ચોપાઇ- બોલે ખળતાએ મુખ મીઠું, આવું ભજન તો ક્યાંઇ ન દીઠું ।

આતો ભક્ત છે મોટોજ બહુ, એની રાખજયો ખબર સહુ ।।૫।।

એને આવશે લેવા વિમાન, પધારશે પોતે ભગવાન ।

માટે સાવધાન સહુ રહેજયો, જેને મળે તે બીજાને કહેજયો ।।૬।।

રખે રહિ જાઇએ દર્શન વિના, રહેજયો સચેત રાત્ય ને દિના ।

એક કયે હું જાઇશ સાથ, ઝાલી વિમાન ડાંડિયો હાથ ।।૭।।

એમ બોલે ખળાઇમાં બહુ, બાળ જોબન ને વૃદ્ધ સહુ ।

એમ કહેતાં વીત્યા કાંઇ દન, તજયું કાળેકરી તિતે તન ।।૮।।

આવ્યાં તેડવા તેને વિમાન, ઘણા સંત ભેળા ભગવાન ।

કોટિકોટિ સૂર્યને સમાન, શોભે અલૌકિક તે વિમાન ।।૯।।

તેના તેજમાં ઢંકાણું ગામ, પામ્યા આશ્ચર્ય પુરુષ ને વામ ।

સહુ કહે મારા ઘર માથે, હાંક્યો રથ તે તિતાને નાથે ।।૧૦।।

ભાઇયો આપણે કરતાં ખળાઇ, આતો કુડું પડ્યું નહિ કાંઇ ।

ગયું વિમાન તિતાને ઘેર, તેડિ ચાલ્યા તેને રૂડિપેર ।।૧૧।।

જેમ શીખ માગી જાય ગામ, તેમ ચાલ્યો તિતો કરી કામ ।

જોઇ આશ્ચર્ય પામિયા જન, સહુલોક કહે ધન્યધન્ય ।।૧૨।।

આવું ન દીઠું ને ન સાંભળ્યું, પ્રકટ વિમાન તેડિને વળ્યું ।

સાચી ભક્તિ એ ભગતતણી, થયો પર્ચો કહિયે શું ઘણી ।।૧૩।।

વળી ડંઢાવ્ય દેશમાં ગામ, વસે ભક્ત ત્યાં પ્રાંતિજ નામ ।

થાય હરિવાત ત્યાં હમેશ, આપે સંત સાચો ઉપદેશ ।।૧૪।।

આવે સાંભળવા સહુ જન, સુણી વાત થાય પરસન ।

એક કંસારો નામ કાનજી, થયો સત્સંગી કુસંગ તજી ।।૧૫।।

તેતો હતો કબીરનો વળી, આવ્યા કબીરિયા ઘેર મળી ।

કહે ભાઇ કબીરમાં શી ખામી, કેમ સાચા જાણ્યા કહે સ્વામી ।।૧૬।।

તેનું પારખ્યું આપ અમને, સાચા સ્વામી હોય તો ખા સમને ।

એમ કહિ લાવ્યા ગોળો એક, કર્યો તપાવી રાતો વિશેક ।।૧૭।।

કહે ઉપાડી લે હવે આને, જયારે સ્વામીને સાચા તું માને ।

નહિ બળવા દિયે તે તમને, રહીશ સાજો તો મનાશે અમને ।।૧૮।।

ત્યારે કંસારે કરી વિનતી, કરજયો સાર શ્રીગોલોકપતિ ।

એમ કહિને ગોળો ઉપાડ્યો, લઇ હાથમાં સહુને દેખાડ્યો ।।૧૯।।

કહે પાપિયો પરચો આ જાુવો, થાઓ સત્સંગી જન્મ કાં ખુવો ।

આ જો દાઝ્યા નહિ હાથ રતી, સ્વામી સાચા છે માનો કુમતિ ।।૨૦।।

એમ કરે ભક્તની સહાય, સહજાનંદજી સંકટમાંય ।

એમ પર્ચો પૂર્યો ભગવાને, પણ હોય પાપી તે ન માને ।।૨૧।।

દેશ ચડોતરે વસો ગામ, દ્વિજભક્ત દાદોભાઈ નામ ।

તેની તનયા જમુનાં જેહ, અતિસુખી સમાધિએ તેહ ।।૨૨।।

એક દિવસ સમાધિમાંઈ, આવી મહારાજ પાસે એ બાઈ ।

કર્યાં મહાપ્રભુનાં દર્શન, નિર્ખિ નાથને થઇ મગન ।।૨૩।।

જેજે કરી શ્રીમહારાજે વાત, તેતે સુણી લીધી છે સાક્ષાત ।

અતિરાજી દિઠા જયારે નાથ, બોલી જમુનાં જોડી બે હાથ ।।૨૪।।

કરો પ્રસાદીની મને મહેર, આપો વસ્ત્ર લઇ જાઉં ઘેર ।

તેહ સમે નાતા હતા નાથ, નાઇ લુયું અંગ નિજહાથ ।।૨૫।।

લુયું શરીર જેહ રૂમાલે, દીધો જમુનાને તેહ વાલે ।

જમુનાં જા હવે તું તારે ઘેર, આંહિ આવ્યા થઇ ઘણી વેર ।।૨૬।।

પછી જમુનાં દેહમાં આવી, પ્રકટ એક રૂમાલ લાવી ।

અલૌકિક લૌકિકમાં નાવે, જે આવે તે અલૌકિક કાવે ।।૨૭।।

એમ અલૌકિક એક રૂમાલ, પામી જમુનાં થઇ નિહાલ ।

એવો પ્રતાપ મહારાજતણો, શું કહીએ મુખથી ઘણોઘણો ।।૨૮।।

વળી ચડોતરે ચાંગા ગામ, તિયાં ભક્ત ભાટ નથુ નામ ।

તેનાં સંબંધી તે સતસંગી, ભજે અર્ભકાં નાથ ઉમંગી ।।૨૯।।

સર્વે બાળકાં સમાધિવાન, કરે પ્રકટ પ્રભુજીનું ધ્યાન ।

જાય ધારણામાં પ્રભુ પાસે, કરે દર્શન અતિહુલાસે ।।૩૦।।

અતિહેતે બોલાવે દયાળ, જાઓ ઘેર હવે સહુ બાળ ।

એમ કહી આપી પરસાદી, પેંડા પતાસાં સાકર આદિ ।।૩૧।।

ફુલ હાર તોરા ને ગજરા, આપ્યા ગુચ્છ તે ગુલાબકેરા ।

આપી પ્રસાદી આવિયાં બાળ, આવી કરી દેહની સંભાળ ।।૩૨।।

જાગી જોયું બાળકે જે વારે, દીઠું પ્રકટ પ્રમાણ ત્યારે ।

પેંડા પતાસાં સાકર જેહ, વહેંચી આપી સરવેને તેહ ।।૩૩।।

તોરા ગજરા ફુલની સજગ, દેખી પ્રકટ પામ્યાં આશ્ચર્જ ।

લોકમાં અલૌકિક ચીજ જોઇ, કહે ધન્યધન્ય સહુ કોઇ ।।૩૪।।

વળી ત્યાંની કહું એક વાત, સારી સાંભળ્યા જેવી વિખ્યાત ।

એક કણબી વસનદાસ, તેને અતિ ખેતીનો અધ્યાસ ।।૩૫।।

કરે આઠ પોર એહ કામ, મુખે ન લિયે પ્રભુનું નામ ।

અતિક્રોધી ને રીસાળ બહુ, એથી ડરી ચાલે ગામ સહુ ।।૩૬।।

પછી કાળે કર્યું તન ત્યાગ, મુવા કેડ્યે થયો કાળો નાગ ।

રહ્યો વાડી પોતાનીમાં વ્યાળ, અતિ તિખો અગનિની ઝાળ ।।૩૭।।

ઢોર ચોર ઢુંકવા ન દિયે, પેસે પરાણે તેનો જીવ લિયે ।

એમ કરતાં આવ્યા મહારાજ, એહ વાડીયે નાવાને કાજ ।।૩૮।।

દિઠા દાતણ કરતા દયાળ, જોઇ વિસ્મય પામ્યો તે વ્યાળ ।

આતો પૂરણ બ્રહ્મ છે આપ, એને નિરખી હું થયો નિષ્પાપ ।।૩૯।।

હવે આજ થકી એમ ધારૂં, જીવું ત્યાં લગી જીવ ન મારૂં ।

રહું નિરવિષ થઇ નેક, છાંડી રીશ ક્રોધ વળી છેક ।।૪૦।।

આજથકી ધરૂં વ્રતમાન, રહેવું મારે અતિ નિરમાન ।

એવી સાધુતા ગ્રહિ છે સાપે, પછી જે મળે તે દુઃખ આપે ।।૪૧।।

એક દને સુતસુત મળી, માર્યો એહ વિયાળને વળી ।

ત્યારે ડશી વસ્યો તે દેહમાં, લાગ્યો બોલવા ભોયંગ તેમાં ।।૪૨।।

કહે વણ વાંકે કેમ મારે, શિયું થયું મુંથી દુઃખ તારે ।

મને મળ્યા જે દિના મહારાજ, તે દિનું મારૂં થયું છે કાજ ।।૪૩।।

હું તો ર્નિિવષ થઇ ફરૂં છું, સ્વામી સંતનાં દર્શન કરૂં છું ।

એમ કરી કરીશ તનત્યાગ, તો મારા જેવાં નહિ કેનાં ભાગ્ય ।।૪૪।।

તજીશ હું તન જેહ વારે, આવશે નાથ તેડવા ત્યારે ।

તેતો માનજયો સહુ તમે સત્ય, એમાં નથી લગાર અસત્ય ।।૪૫।।

એમ બોલિયો વ્યાળ વચન, સુણિ આશ્ચર્ય પામ્યાં સહુ જન ।

જોજયો સ્વામી શ્રીજીનો પ્રતાપ, જે થકી મુક્તિ પામિયો સાપ ।।૪૬।।

ભાઇયો આતો અલૌકિક વાત, થયો પરચો માનો સાક્ષાત ।

એક વળી પિપળાવ્ય ગામે, દ્વિજભક્ત હેતબાઇ નામે ।।૪૭।।

તેને થાય સમાધિ હમેશ, કરે પ્રભુ પાસે પરવેશ ।

પામે ધારણામાં જે પ્રસાદી, રહે પ્રકટ તે રાયજાદી ।।૪૮।।

સારી સાકર આપે સહુને, જોઇ અચંબો થાય બહુને ।

કહે આ રીત્ય નોય કોઇ કાળે, કરી આ સમે દીનદયાળે ।।૪૯।।

પળેપળે જે પરચા થાય, તેતો લખતાં કેમ લખાય ।

પ્રભુ હોય ત્યાં આશ્ચર્ય શાની, કહું સહુ જન લેજયો માની ।।૫૦।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને ચાલીશમું પ્રકરણમ્ ।।૧૪૦।।